તારું ખરાબ લગાડવાનું
મેં બંધ કરી દીધું છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મૈં ઇંતજાર મેં હૂં તૂ કોઈ સવાલ તો કર,
યકીન રખ મૈં તુજે લા-જવાબ કર દૂંગા,
મુજે યકીન કી મહફિલ કી રૌશની હૂં મૈં,
ઉસે યે ખૌફ કી મહફિલ ખરાબ કર દૂંગા.
-રાહત ઇન્દોરી
‘હું આવું કરીશ તો એને કેવું લાગશે?’ આપણે કંઈપણ કરીએ ત્યારે એક સવાલ થઈ જતો હોય છે કે કોને કેવું લાગશે? ‘સારું લાગવું’ અને ‘ખરાબ લાગવું’ એના વિશે વિચારીને આપણે ઘણું કરતા હોઈએ છીએ અને ઘણું બધું માંડી પણ વાળતા હોઈએ છીએ. રેવા દેને ક્યાંક વળી એને ખરાબ લાગી જશે. મારે કોઈ જમેલામાં નથી પડવું. કોઈને ખરાબ ન લાગે એ માટે ઘણી વખત આપણે આપણને સારું લાગતું હોય એવું પણ નથી કરતા! ઘણા લોકો એવા પણ હોય છે જે એવું વિચારે છે કે જેને જેવું લાગવું હોય એવું લાગે, મારે શું બધાનો વિચાર કરીને જ જીવવાનું છે? અંગ્રેજીમાં એક કહેવત છે, અ મેન કેન નોટ પ્લીઝ ઓલ. માણસ દરેકને ખુશ રાખી ન શકે. આપણને પણ આ વાતની ખબર છે. આમ છતાં આપણો પ્રયાસ એવો જ હોય છે કે બને એટલા વધુ લોકોને ખુશ રાખીએ. આખી દુનિયાને નહીં તો પણ એટલિસ્ટ આપણા લોકોને ખુશ રાખવાનો કે નારાજ નહીં કરવાનો ઇરાદો તો આપણો હોય જ છે.
બાય ધ વે, તમને કોનું ખોટું લાગે છે? કોની પાસેથી તમને એવી અપેક્ષા છે કે એ તમને ક્યારેય નારાજ ન કરે? તમને લાડકા રાખે? તમારી બધી વાત માને! તમે મેસેજ કરો તો તરત જ જવાબ આપે! તમે સાદ પાડો અને તરત જ હોંકારો દે. દરેકની જિંદગીમાં એવા થોડાક લોકો હોય જ છે જેની પાસેથી એવી અપેક્ષા હોય છે. એ અપેક્ષા પૂરી ન થાય ત્યારે ખરાબ લાગવાની શરૂઆત થાય છે. હવે એને મારા માટે સમય નથી. એ એની દુનિયામાં મસ્ત થઈ ગયો છે કે મસ્ત થઈ ગઈ છે. હવે તેને નવા ફ્રેન્ડ્સ મળી ગયા છે. તેને મારી કંઈ પડી નથી. મારી જરૂર જ નથી હવે એને. આવું દરેકને કોઈના માટે ક્યારેક તો થતું જ હોય છે. ઘણા મિત્રો તો આપણું એટલે ધ્યાન રાખતા હોય છે કે ક્યાંક એને ખોટું લાગી ન જાય!
અપેક્ષાનું એવું છેને કે એ ક્યારેય સોએ સો ટકા પૂરી થતી નથી. ક્યારેક અધૂરી રહે છે, તો ક્યારેક બમણી થઈ જાય છે. એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને પાકા દોસ્ત. છોકરી કોઈપણ વાત કરે તો છોકરો એની ઇચ્છા પૂરી કરવા માટે બધું જ કરે. એક વખતે અડધી રાતે છોકરીને કંઈક ખાવાનું મન થયું. છોકરાને મજાક મજાકમાં કહ્યું કે, આવું મન થાય છે. છોકરાએ કહ્યું, ઊભી રહે, હું લઈને આવું છું. છોકરો રાતે પહોંચી ગયો. છોકરીએ બહુ સહજતાથી કહ્યું કે તને એક વાત કહું? મારી દરેક ઇચ્છા પૂરી કરી દેવાનું રહેવા દે, અત્યારે તો બધું સારું લાગે છે, પણ જ્યારે તું અપેક્ષા પૂરી નહીં કરે ત્યારે બહુ અઘરું લાગશે! છોકરાએ કહ્યું, મને ખબર છે. એ પણ ખબર છે કે દરેક વખતે હું ઇચ્છા પૂરી કરી નહીં શકું. જોકે, મને એમ થાય છે કે, જ્યાં સુધી કરી શકું ત્યાં સુધી તો કરું! લવ પછી મેરેજ કરનાર સાથે મોટાભાગના કિસ્સામાં આવું થતું હોય છે. પડ્યો બોલ ઝિલાતો હોય એની જ પાસે જ્યારે પડ્યો બોલ સંભળાય પણ નહીં ત્યારે આઘાત લાગતો હોય છે! સમય, સંજોગ, સ્થિતિ અને હાલત બદલે ત્યારે પણ આપણે આપણી અપેક્ષાઓ સાથે બાંધછોડ કરી શકતા નથી.
કોઈનું ખરાબ ન લગાડવું એવું જે માને છે એ સુખથી નજીક હોય છે અથવા દુ:ખથી થોડોક દૂર હોય છે. આપણે ભલે કોઈનું ખરાબ ન લગાડીએ, પણ અંદરખાને એવી ઇચ્છા તો હોય જ છે કે એ આપણને સારું લગાડે. બે મિત્રની વાત છે. બંને વચ્ચે રેગ્યુલર મળવાનું થતું. મળી ન શકે તો ફોન પર તો વાત થઈ જ જાય. સમય બદલાયો. એક મિત્ર તેના કામમાં બિઝી થઈ ગયો. મળવાનું અને વાત કરવાનું ઓછું થઈ ગયું. લાંબા સમય પછી બિઝી મિત્રએ ફોન કર્યો. સામે છેડેથી તેના દોસ્તનો રિસ્પોન્સ સરસ હતો. બંનેએ મજાથી વાત કરી. ફોન મૂકતા પહેલાં બિઝી મિત્રએ કહ્યું કે, મને એમ હતું કે તને ખરાબ લાગ્યું હશે. આ સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, સાચું કહું, તારું ખરાબ લગાડવાનું મેં બંધ કરી દીધું છે. હા, પણ એક વાત યાદ રાખજે તારું સારું લાગવાનું હજુ ચાલુ જ છે. એ હું બંધ કરવાનો નથી. તમે કોનું ખરાબ લગાડવાનું બંધ કરી દીધું છે? ખરાબ લગાડવાનું બંધ કરી દીધા પછી પણ એવું તો થાય જ છે કે એના તરફથી રિલેશન કે દોસ્તી ચાલુ રહે! જેની સાથે દિલ મળેલાં હોય એની સાથેનું ઘણું બધું આસાનીથી છૂટતું હોતું નથી!
જેને દરેક વાતમાં અથવા તો નાની-નાની વાતમાં ખરાબ કે ખોટું લાગી જતું હોય છે એના સંબંધો લાંબા ટકતા નથી, ટકે તો પણ એ ખોડંગાતા હોય છે. જે સંબંધમાં ધ્યાન રાખવું પડે એ સંબંધ ધીમે ધીમે ભારે ને ભારે બનતા જાય છે. એક સમય એવો આવે છે કે માણસ એ ભારથી કંટાળી જાય છે અને બધો જ ભાર હટાવી દે છે. એ સાથે સંબંધ ઉપર પૂર્ણવિરામ મુકાઈ જાય છે. એનું બહુ ધ્યાન રાખવું પડે છે, દર વખતે એનો વિચાર કરીને જ નિર્ણય લેવાનો? એમાં પણ જો એ આપણો કંઈ વિચાર કરે નહીં ત્યારે આપણને એમ થાય છે કે એને કંઈ પડી નથી તો મારે શું છે? સંબંધ દરેકને રાખવો હોય છે, પણ જ્યારે સામા પક્ષેથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એ ન મળે ત્યારે સમજુ માણસ પોતે જ દૂર થઈ જાય છે અને પછીના સંબંધો એક ચોક્કસ અંતર સાથે જીવાતા હોય છે. સંબંધો ત્યાં સુધી જ જીવાતા હોય છે જ્યાં સુધી એ જીરવાતા હોય છે.
સંબંધ એવી ચીજ છે કે એમાં આવતું ડિસ્ટન્સ તરત જ વર્તાઈ જાય છે. વેવલેન્થ મળેલી હોય ત્યારે એ મહેસૂસ થતી હોય છે, વેવલેન્થ જરાકેય ડાયવર્ટ થાય કે તરત જ અણસાર આવી જાય છે કે હવે સંબંધોનાં સિગ્નલ્સ અવરોધાવા લાગ્યાં છે. સંબંધ બંધાય ત્યારે ઘણી વખત ખબર નથી પડતી કે આપણે કેવી રીતે નજીક આવી ગયા, પણ જ્યારે દૂર થવાનું શરૂ થાય ત્યારે અણસાર આવી જાય છે. ભેગા થવાનું કોઈ કારણ નથી હોતું, પણ જુદા પડવાનાં રિઝન્સ તો ચોક્કસ હોય જ છે. વધુ પડતું સાંનિધ્ય પણ ક્યારેક અકળાવનારું બને છે, વધુ પડતી લાગણી પણ અપેક્ષાને અનેકગણી કરી દે છે. આપણે એવું ઇચ્છવા લાગીએ છીએ કે એણે આટલું તો કરવું જ જોઈએ! એ કંઈ જ ન કરે એવું થોડું ચાલે!
બે બહેનપણીઓની આ વાત છે. એક બહેનપણીનો બોયફ્રેન્ડ હતો. બોયફ્રેન્ડ માટે એ કંઈ પણ કરતી ત્યારે એવું કહેતી કે, આમ કરીશ તો એને સારું લાગશે! બહેનપણીની રિલેશનશિપથી તેની ફ્રેન્ડ ખુશ હતી કે એની લાઇફમાં કોઈ છે. એક વખત બોયફ્રેન્ડ માટે કંઈક કરવાની વાત હતી. ફ્રેન્ડ એવું બોલી કે, જો હું એના માટે આમ નહીં કરુંને તો એને ખરાબ લાગશે! આ સાંભળીને એણે એની ફ્રેન્ડને કહ્યું, અત્યાર સુધી તું એવું કહેતી હતી કે, આવું કરીશ તો એને સારું લાગશે, પણ હવે એવું કહેવા લાગી છે કે જો આવું નહીં કરું તો એને ખરાબ લાગશે. આ બંનેમાં બહુ ફેર છે. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આપણે આપણી વ્યક્તિ માટે જે કરીએ છીએ એ એને સારું લાગે એ માટે કરીએ છીએ કે એને ખરાબ ન લાગે એટલા માટે કરીએ છીએ?
સંબંધ, દોસ્તી, પ્રેમ, રિલેશન બહુ નાજુક ચીજ છે. એ ડગલે ને પગલે મપાતી રહે છે. એની ફિતરત જ અવળચંડી છે. સંબંધ ઘડીકમાં સમજાતા નથી. સંબંધને સમજવા માટે એક વાત સમજવી જરૂરી છે કે ગમે એટલો ગાઢ સંબંધ હોય એમાં અપડાઉન્સ આવવાના જ છે. સંબંધ એના પરથી જ ટકતા હોય છે કે એમાં સત્વ કેટલું છે. ગમે એવા ચડાવ-ઉતારમાં પણ લાગણીમાં વધ-ઘટ ન થાય તો જ સંબંધ લાંબો ટકે છે. આધિપત્ય અને અતિરેક સંબંધને અંત તરફ જ લઈ જાય છે. હળવાશ અને સહજતા જ સંબંધને સજીવન રાખે છે.
છેલ્લો સીન:
ક્યારેય સારું લાગે એવું કરતા ન હોય એ ખરાબ લગાડે ત્યારે ક્યારેક આશ્ચર્ય અને ક્યારેક સવાલો થતા હોય છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 એપ્રિલ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
superb…
Thank you.