તમે ભીખ આપો છો? આપ્યા
પછી તમે શું ફીલ કરો છો?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
કોઇપણ માણસ કારણ વગર કંઇ જ કરતો
નથી. આપણે ભીખ શા માટે આપીએ છીએ?
કોઇનું ભલું કરવા પાછળ કઇ માનસિકતા
કામ કરતી હોય છે?
સરકારી આંકડા મુજબ આપણા દેશમાં 4,13,760
ભિખારીઓ છે. ગુજરાતમાં 13,445 લોકો
ભીખ માંગીને પેટીયું રળે છે!
દરેક માણસે ક્યારેક તો ભીખ આપી જ હોય છે. અમુક લોકો તો નિયમિત રીતે ભીખ આપે છે. એક મોટો વર્ગ એવો પણ છે જે એવું માને છે કે ભીખ આપવી ન જોઇએ. ભીખ આપીને આપણે કોઇને પરાધીન, આળસુ અને કામચોર બનાવીએ છીએ. બેઠાં બેઠાં રૂપિયા મળતા હોય તો પછી કામ શા માટે કરવું જોઇએ? કામ કરી શકે એવા માણસને ભીખ માંગતો જોઇને ઘણા લોકો તેને ખખડાવે પણ છે, હટ્ટોકટ્ટો થઇને ભીખ માંગતા શરમ નથી આવતી? અરે ભાઇ, શરમ આવતી હોત તો એ ભીખ જ શા માટે માંગત? જેને ખરેખર સ્વમાન જેવું કંઇ હોય છે એ કાળીમજૂરી કરીને પણ પેટ ભરશે. માંગવા કરતાં મરવું ભલું એવું માનવાવાળાની કોઇ કમી નથી. ગરીબ તો ઘણા હોય છે પણ બધા કંઇ હાથમાં વાટકો લઇને નીકળી નથી પડતા.
ઘણા તો વળી એવી દલીલ પણ કરતાં હોય છે કે ભીખ માંગવી એ કંઇ ખાવાના ખેલ નથી, બધો જ ઇગો અને બધું જ સ્વાભિમાન તળિયે મૂકવું પડે છે. ભીખ માંગવા અને આપવા વિશે દરેકનો પોતાનો એક અભિપ્રાય હોય છે. દરેકની પોતાની માન્યતા હોય છે. ભગવાને આટલું બધું દીધું છે તો થોડુંક આપવાથી શું ખૂટી પડવાનું છે? એક વાત સમજવા જેવી છે, કોઇ સારા કામ માટે દાન આપવું અને રોડ પર બેઠેલા ભિખારીને ભીખ આપવી એમાં હાથી-ઘોડાનો ફેર છે. ભીખ આપવા પાછળ આપણે દયા, કરુણા, સંવેદના, અનુકંપા અને સ્વભાવને આગળ ધરીએ છીએ. એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે ભીખ આપીએ એમાં ભીખ લેનારનું તો ભલું થતું હશે તો થશે પણ આપનારને ચોક્કસપણે સારું લાગતું હોય છે. આપણે લોકો આવાં કામો કરીને આપણી જાતને જ કંઇક સારું કર્યું હોવાનું આશ્વાસન આપતા હોઇએ છીએ.
ભીખ ઉપર લખવાનું મન થયું એની પાછળ એક કારણ છે. હમણાં આપણી સરકારે દેશમાં ભિખારીઓની સંખ્યાના સત્તાવાર આંકડા સંસદમાં જાહેર કર્યા. આપણા દેશમાં કુલ 4,13,760 ભિખારીઓ છે. તેમાં 2,21,673 પુરુષો અને 1,91,997 મહિલાઓ છે. બાળકોની સંખ્યા અલગથી આપવામાં આવી નથી. આ આંકડા કેટલા સાચા અને કેટલા ખોટા એ સવાલ અને એનો જવાબ એની જગ્યાએ છે. આમેય સરકારી આંકડામાં બહુ પડવા જેવું હોતું નથી. પશ્ચિમ બંગાળ ભિખારીઓની સંખ્યાઓમાં નંબર વન છે. બીજા નંબરે યુપી અને બિહાર છે. સૌથી ઓછા એટલે કે માત્ર બે ભિખારી લક્ષદ્વીપમાં છે. આપણા ગુજરાત રાજ્યમાં 4,896 મહિલા અને 8,549 પુરુષો મળી કુલ 13,445 ભિખારીઓ છે. રાજધાની દિલ્હીમાં 2,187 ભિખારીઓ છે. આમાંથી ઘણા તો ભણેલા પણ છે. 2015માં અપાયેલા આંકડામાં એવું જણાવાયું હતું કે, કુલ ભિખારીઓમાં 21 ટકા ધોરણ બાર પાસ હતા. ભિખારીઓ છે અને રહેવાના પણ છે કારણ કે આપણે ત્યાં ભીખ આપનારાઓની કમી નથી.
ભીખ આપવાને આપણે પુણ્ય સાથે જોડી દીધું છે. ગરીબોનું ભલું કરવું એ ધર્મ છે એવું ઘણા લોકો માને છે. અમુક લોકો વળી પોતાનું ગિલ્ટ ઓછું કરવા માટે પણ ભીખ આપતા હોય છે. ગેંગસ્ટર ખુલ્લા હાથે ભીખ આપતા હોય એવા ઘણા કિસ્સા છે. પુણ્ય કરવાથી પાપ ઘોવાતાં નથી. એકને બચાવી અને બીજાને મારીને હિસાબ સરભર થતો નથી. એ વાત જુદી છે કે પાપ-પુણ્યના પણ દરેકના પોતાના હિસાબ-કિતાબ અને ગણિત હોય છે.
ભીખ આપવા પાછળ કેવી માનસિકતા કામ કરે છે? સાયકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, ‘અરેરાટી અને અસલામતી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ભિખારીને જોઇને બે ઘડી માણસને એવું થઇ આવે છે કે હું એની જગ્યાએ હોવ તો? મને ભગવાને સારા નસીબ આપ્યાં છે એવું વિચારીને માણસ ભીખ આપે છે. એક એવી મેન્ટાલિટી પણ કામ કરે છે કે સારું કરીશ તો સારું થશે. ભીખ આપવાની વૃત્તિ આપણને વારસામાં પણ મળી હોય છે. મા-બાપને ભીખ આપતાં જોયાં હોય એટલે સંતાનો પણ મોટા થઇને આવું કરવા પ્રેરાય છે. દર્શન કરવા જઇએ ત્યારે આપણે થોડાક જુદા હોઇએ છીએ, એવા સમયે મનની સ્થિતિ જ એવી હોય છે કે આપણે ભીખ આપીએ. ધાર્મિક સ્થળે એટલે જ ભિખારીઓ વધુ હોય છે, ત્યાં આસાનીથી ભીખ મળે છે. ભીખ આપતી વખતે એક જુદા જ પ્રકારનું તાદાત્મીયકરણ સધાતું હોય છે.’
કોઇ માણસને બાળકો બહુ વહાલાં હોય ત્યારે કોઇ બાળકને જોઇને એને દયા આવી જાય છે અને એ બે-પાંચ રૂપિયા આપી દે છે. બુઢ્ઢા અને અપંગને કરગરતા જોઇને માણસને એમ થાય છે કે આપણે બીજું કંઇ તો કરી શકતા નથી, જે થાય એ તો કરીએ. કોઇ માણસ એમ કહે કે મેં સવારથી કંઇ ખાધું નથી ત્યારે માણસને સવાલ થાય છે કે આણે ખરેખર કંઇ ખાધું નહીં હોય કે પછી ભીખ મેળવવા એ ખોટું બોલતો હશે? માણસ પછી એવું વિચારીને ભીખ આપી દેતો હોય છે કે ખોટું બોલતો હોય કે સાચું, આપણે આપી દેવાનું. ઘણાને એવો પણ સવાલ થાય છે કે કદાચ બિચારો સાચું બોલતો હશે તો?
માણસ બેઝિકલી તો દયાળુ હોય જ છે. દરેકના મનમાં એમ તો હોય જ છે કે ભિખારીઓ સાચા નથી હોતા, ભીખ ન માંગવી જોઇએ. ભીખ મંગાવવાવાળા બાળકોના અપહરણ કરીને આવાં કામો કરાવે છે. ભિખારીઓ તો ભીખ મંગાવવા માટે જ બાળકો પેદા કરે છે. ભિખારી સાથે છોકરાંવને જોઇને બધા મનમાં એવું બોલતા જ હોય છે કે શું વિચારીને આ લોકો છોકરા પેદા કરતા હશે? વિદેશથી આવતા લોકો ભિખારીઓને જોઇને આપણા દેશ વિશે શું વિચારતા હશે? અમેરિકા કે બીજા દેશોમાં આપણે ભિખારીને જોઇને એવો સંતોષ પણ મેળવતા હોઇએ છીએ કે ભિખારીઓ તો અહીં પણ છે જ! ભિખારીઓ ન હોય, દરેકને પોતાના જોગું કામ મળે અને દરેક વ્યક્તિ કામ કરે એ આદર્શ સ્થિતિ છે, કમનસીબી એ હોય છે કે જે આદર્શ હોય છે એ વાસ્તવિક હોતું નથી.
પેશ-એ-ખિદમત
યાદોં સે ઔર ખ્વાબો સે ઔર ઉમ્મીદોં સે રબ્ત,
હો જોએ તો જીને મેં આસાની કરતા હૈ,
દિલ પાગલ હૈ રોજ નઇ નાદાની કરતા હૈ,
આગ મેં આગ મિલાતા હૈ ફિર પાની કરતા હૈ.
(રબ્ત = સંબંધ, પરિચય) -ઇફ્તિખાર આરીફ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 01 એપ્રિલ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
Sir, I want to meet you. Sir I am your biggest fan. Sir please give me rupply on my email I’d. Devda2017@gmail.com