તમને ઓફિસે જઇને કામ
કરવું ગમે કે ઘરે રહીને?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
દરરોજ ઓફિસ જવાની ઝંઝટ આપણને
થકાવી દે છે, ટ્રાફિક અને ટ્રાવેલિંગ ટાઇમ
આપણી અડધી શક્તિ હણી લે છે.
ક્યારેક એવું થાય કે આના કરતાં ઘરે બેસીને
કામ કરવાનું હોય તો કેવું સારું?
આપણા દેશ સહિત દુનિયાના પંદર દેશોમાં
થયેલો એક અભ્યાસ એવું કહે છે કે
ઘરે રહીને કામ કરવામાં જોખમ છે.
ઘર અને ઓફિસ જુદાં રહે
એમાં જ માલ છે!
તમારે તો બહુ સારું યાર, ઓફિસે જવાનું જ નહીં, ઘરે બેસીને જ કામ કરવાનું! કેટલી બધી શાંતિ! આપણને ખબર પડે કે કોઇ ઘરે બેસીને કામ કરે છે તો મોટાભાગે આપણા મોઢામાંથી આવા જ શબ્દો નીકળે. દુનિયાના મોટાભાગના લોકોને ક્યારેક ને ક્યારેક ઓફિસે કે કામ પર જવાનો કંટાળો આવતો જ હોય છે. એવો વિચાર પણ આવે કે ઘરે બેસીને કામ કરવાનું હોય તો કેવું સારું! જોકે એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે ઘરે રહીને કામ કરવામાં મજા નથી, ઊલટું તેનાથી શારીરિક અને માનસિક મુશ્કેલીઓમાં વધારો થાય છે.
આપણને ઓફિસ જવાનો કંટાળો કેમ આવે છે? એવું જરાયે નથી કે કોઇને કામ નથી કરવું. કામ તો બધાને કરવું હોય છે. ઇન્કમની દરેકને જરૂર હોય છે. કામ કરવું પણ મોટાભાગના લોકોને ગમતું હોય છે. કામ આખરે તો માણસને ઓળખ આપતું હોય છે. સાત પેઢી ખાય તોયે ખૂટે નહીં એટલી સંપત્તિ હોય તો પણ કોઇ નવરું બેસતું નથી. દરેક માણસ માત્ર રૂપિયા કમાવવા માટે પણ કામ કરતો હોતો નથી. એને પોતાની યોગ્યતા સાબિત કરવી હોય છે. હું કામનો માણસ છું, કંઇ નક્કામો નથી. દરેકને આગળ પણ વધવું હોય છે. માણસનો સ્વભાવ એવો છે કે જે ગમતું હોય એ પણ જ્યારે રોજનું અને સતત થઇ જાય ત્યારે એનાથી કંટાળો આવવા લાગે.
આપણે ત્યાં વળી ઓફિસમાં કામ કરવા સિવાયના ઘણા બધા ઇસ્યુઝ હોય છે. સમયસર પહોંચીને પંચિંગ કરવાનું હોય છે, મોડા થઇએ તો પગાર કપાઇ જાય. મેગા સિટીમાં તો સૌથી મોટો માથાનો દુખાવો હોય તો એ છે ટ્રાફિકનો ત્રાસ. સૌથી વધુ પ્રેશર રોડ આપે છે. ઓફિસ દૂર હોય તો ત્યાં પહોંચતા જ માણસ થાકીને ટેં થઇ જાય છે. ઓફિસે પહોંચીને હાશ થાય. મોટા ભાગનો લોકો ઓફિસે પહોંચીને પહેલાં તો થોડીવાર શાંતિથી બેસે છે, કામ માટે મનને તૈયાર કરે છે અને પછી કામ કરવાનું શરૂ કરે છે. કામનું પ્રેશર પણ રહેવાનું તો ખરું જ. કામ પરથી માણસ સાંજે કે રાતે ઘરે પહોંચે ત્યારે તેની હાલત દયાજનક બની ગઇ હોય છે, ઘણાને તો વતાવવા જેવા હોતા નથી. કંઇ કહીએ કે તરત જ એની કમાન છટકે છે.
આવાં બધાં કારણોને લીધે ક્યારેક એવો વિચાર આવે કે ઘરે બેસીને કામ કરવાનું હોય તો કેવું સારું! જોકે એવું નથી, ઘરે રહીને કામ કરવામાં ઘણાં જોખમો છે. યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને યુરો ફંડ દ્વારા યુરોપિયન યુનિયનના દસ દેશ ઉપરાંત ભારત, બ્રાઝિલ, આર્જેન્ટિના, જાપાન અને અમેરિકામાં ઘરે બેસીને જે લોકો કામ કરે છે તેના ઉપર એક સંશોધન હાથ ધરાયું હતું. તેમાં એવું બહાર આવ્યું હતું કે ઘરે બેસીને કામ કરનારાઓને ઓફિસે જનારા લોકો કરતાં ઊંઘ ઓછી આવતી હતી. ખાસ કરીને જે લોકો ટેલિવર્કર્સ છે, તેની મશ્કેલીઓ વધારે હતી.
ઓફિસનું અને ઘરનું વાતાવરણ જુદું હોય છે. ઓફિસથી આપણે ઘરે જઇને રિલેક્સ ફીલ કરીએ છીએ. રજાના દિવસે હોલિડે મૂડમાં હોઇએ છીએ. જો ઘરે જ બેસીને કામ કરતા હોઇએ તો 24 કલાક કામ પર હોઇએ એવું જ લાગે છે. સતત કામના જ વિચાર આવે છે કે હજું આ કામ પૂરું કરવાનું છે. ઓફિસમાં કામ કરવાનો ફાયદો એ છે કે તમે ઓફિસથી નીકળ્યા પછી કામની કોઇ ચિંતા રહેતી નથી. એ વાત જુદી છે કે મોબાઇલ અને લેપટોપના આ જમાનામાં આપણે ક્યારેય કામથી મુક્ત રહી શકતા નથી, છતાં ઓફિસથી દૂર હોવાની શાંતિ તો મળે જ છે. ઘરે રહીને કામ કરનારાઓનો તો કોઇ ફિક્સ સમય જ હોતો નથી એટલે એ કામ કર્યે જ રાખે છે અને એનો જીવ કામમાં જ હોય છે. એક હકીકત એ છે કે ઘર પરિવાર સાથે જીવવાની જગ્યા છે, કામ કરવાની નહીં. ઘરમાં તમે તમને ગમતું હોય એવું કરો, ઓફિસનું કામ નહીં. ભલે ઓફિસ જવામાં થોડીક અગવડ પડે પણ કામ કરવાની સાચી મજા અને વર્ક માટે રાઇટ પ્લેસ તો ઓફિસ કે આપણું કામનું સ્થળ જ છે.
હવે ઘણી કંપનીઓ ઘરે બેસીને કામ કરવાની ઓફર આપે છે. સોશિયલ મીડિયા પર પણ એવું વાંચવા મળે છે કે ઘરે બેસીને કામ કરો અને રૂપિયા કમાવ. ઓફિસ મેઇન્ટેઇન કરવી દિવસે ને દિવસે અઘરી થતી જાય છે. કમ્યુનિકેશન ટેક્નોલોજીના કારણે જે કામ હોય તે ઇઝીલી આપી અને લઇ શકાય છે. વાત કરવી હોય તો વિડિયો કોન્ફરન્સ, સ્કાઇપ કે વિડિયો ફોનથી કરી લેવાય છે. આઉટ સોર્સિંગ એટલે તો ઇઝી બન્યું છે. ઓફિસ બોલાવે તો બેસવાની જગ્યા, બધી વ્યવસ્થાથી માંડી લાઇટ અને એસીનાં બિલ સુધીની ગણતરી કરવી પડે, એના કરતાં કર્મચારી ઘરે બેસીને કામ કરે તો વધુ ઇઝી રહે. ખાસ કરીને સ્કિલ ઓરિએન્ટેડ વર્ક ઘરે બેસીને કરી આપવાનું કહેવામાં આવે છે. તમતમારે ઘરેથી મોકલી આપજોને, ઓફિસે આવવાની કંઇ જરૂર નથી એવું કહેવામાં આવે છે, એમાં સાચો ફાયદો તો એમને જ હોય છે.
જે લોકોને ઘરે બેસીને કામ કરવું ફાવે છે, અથવા તો ઘરે રહેવું જેની મજબૂરી છે એના માટે ઘરે બેસીને કામ કરવાનો ઓપ્શન બેસ્ટ છે. અલબત, આમાં પણ છેલ્લે તો વ્યક્તિની મરજી જ મહત્ત્વની હોય છે. કહે છે ને, મરજી અપની અપની, ખયાલ અપના અપના. બાય ધ વે, તમને શું ગમે? ઓફિસે જવું કે ઘરે રહીને કામ કરવું?
પેશ-એ-ખિદમત
પાસ આતે હુએ લમ્હાત પિઘલ જાતે હૈ,
અબ તો હર ચીજ દબે પાંવ ગુજર જાતી હૈ,
દોસ્તો તુમ સે ગુજારિશ હૈ યહાં મત આઓ,
ઇસ બડે શહેર મેં તન્હાઇ ભી મર જાતી હૈ.
(લમ્હાત=ક્ષણો) -જાવેદ નાસિર
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 04 માર્ચ 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com