પ્યાર કા નશા : પ્રેમમાં ખરેખર
નશા જેવું કંઇ હોય છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
પ્રેમ એક અલૌકિક અનુભૂતિ છે. પ્રેમમાં હોય
ત્યારે માણસને બધું જ સારું લાગે છે.
આવું કેમ થાય છે? પ્રેમને સમજવા માટે
સતત સંશોધનો થતાં રહે છે. એક સંશોધન
એવું કહે છે કે પ્રેમમાં શરાબ જેવો જ નશો હોય છે!
બે દિવસ પછી વેલેન્ટાઇન ડે છે, ત્યારે
ચાલો થોડીક વાત પ્રેમ, પ્રેમના નશા અને
પ્રેમની વાસ્તવિકતા વિશે કરીએ…
પ્રેમ સૌથી વધુ ગવાયેલો, વગોવાયેલો, ચર્ચાયેલો અને વાગોળેલાયો શબ્દ છે. પ્રેમની જાતજાતની વ્યાખ્યાઓ થઇ છે, જુદી જુદી રીતે પ્રેમને સમજાવાયો છે, કવિઓએ પ્રેમને ખૂબ ગાયો છે, ચિત્રકારોએ પ્રેમને દિલથી દોર્યો છે, શિલ્પકારોએ પ્રેમને ટાંકણાથી આકાર આપ્યો છે, આસ્તિકોએ પ્રેમને પરમ તત્ત્વ સાથે સરખાવ્યો છે. આમ છતાં સવાલ થાય કે સાચો પ્રેમ કયો છે? સાચો પ્રેમ એ જ કે જે અનુભવાયો છે. દરેકની પ્રેમની અનુભૂતિ અલગ અલગ હોય છે, ઇન્ટેનસિટી ડિફરન્ટ હોય છે. ગમે તે હોય, પ્રેમમાં કંઇક જાદુ તો છે જ. એવો જાદુ જે આપણને જ ગુમ કરી દે છે. ખોવાયેલા રહીએ છીએ આપણે. ક્યારેક ક્યાંય નથી ગમતું અને ક્યારેક બધું જ ગમતીલું લાગે છે. ક્યારેક ઉત્સાહ આસમાને હોય છે તો ક્યારેક ઉદાસી સાતમા પાતાળે લઇ જાય છે.
પ્રેમ વિશે તો એવું પણ કહેવાયું છે કે, આખિર યે માજરા ક્યા હૈ? અને આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ? પ્રેમના દર્દની દવા ન હોય, પ્રેમનો ઇલાજ ન હોય, જે હોય એ માત્ર ને માત્ર પ્રેમી હોય છે. એ હોય એટલે માણસને એવું લાગે કે જાણે બધું જ મળી ગયું. હવે કંઇ ન મળે તો કોઇ પરવા નથી. એક તબક્કે તો માણસ એવું પણ વિચારી લે છે કે હવે જે થવું હોય એ ભલે થાય, મોત આવી જાય તો પણ કંઇ ફિકર નથી. સાયન્સ અને સંશોધકો માટે સૌથી મોટો સવાલ એ જ છે કે આવું બધું થાય છે કેમ? મન, મગજ અને શરીરમાં એવાં કયાં પરિવર્તનો આવે છે કે પ્રેમમાં હોય ત્યારે માણસને બીજું કંઇ સૂઝતું જ નથી? પ્રેમ વિશે જાતજાતનાં સંશોધનો થતાં રહે છે. પ્રેમમાં હોય ત્યારે માણસ જે મસ્તીમાં હોય એને જોઇને કે અનુભવીને એમ થાય કે પ્રેમમાં નશા જેવું કંઇ હોતું હશે ખરું? આનો ચોખ્ખો અને ચટ જવાબ છે, હા! પ્રેમમાં નશો હોય છે! શરાબ પીધા પછી માણસને જેવું થાય છે એવું જ પ્રેમમાં હોય ત્યારે થાય છે!
જર્નલ ઓફ ન્યુરો સાયન્સ એન્ડ બિહેવ્યરલ રિવ્યૂમાં પ્રસિદ્ધ થયેલ એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે દારૂ પીધા પછી મગજમાં જે રીતના ફેરફાર થાય છે એ જ રીતના ફેરફાર માણસ પ્રેમમાં પડે ત્યારે થાય છે. પ્રેમમાં પડે ત્યારે માણસના શરીરમાં ઓક્સિટોસીન નામનું કેમિકલ પેદા થાય છે. ઓક્સિટોસીનને લવ હોર્મોન કે હગ હોર્મોન પણ કહે છે. ઓક્સિટોસીન અને આલ્કોહોલની અસર એકસરખી થાય છે. નશામાં હોય એ માણસ ઝૂમે છે, ઉદાર થઇ જાય છે, ઘણી વખત એ શું કરે છે એનું જ એને ભાન નથી હોતું, ક્યારેક ગાંડા પણ કાઢે છે. પ્રેમમાં હોય ત્યારે પણ આવું બધું જ નથી થતું? પ્રેમમાં માણસ એમ જ તો કંઇ પાગલ નહીં થતો હોયને!
હવે થોડીક જુદી વાત. નશા વિશે આપણને બધાને ખબર હોય છે કે, કોઇપણ નશો હોય એ વહેલો કે મોડો ઊતરી જાય છે. પ્રેમનું પણ એવું જ છે. પ્રેમનો આ અભ્યાસ એવું પણ કહે છે કે, પ્રેમીનું મિલન થાય એ પછી ધીમે ધીમે ઓક્સિટોસીનનું સર્જન ઓછું થાય છે અને માણસ પાછો હતો એવો ને એવો થઇ જાય છે. અલબત, આપણા પ્રેમની તીવ્રતા કેટલી છે તેના ઉપર એ વાતનો આધાર રહે છે કે બે વ્યક્તિ ક્યાં સુધી પ્રેમમાં રહે છે. પ્રેમમાં પડ્યા પછી અને એક-બીજાનાં થઇ ગયાં પછી પ્રેમની સમજ જ બંનેને એક-બીજામાં ઓતપ્રોત રાખે છે.
પ્રેમીપંખીડાઓને ઘણા વડીલો એમ કહેતા હોય છે કે આ તો એક ઊભરો છે, થોડોક સમય રહેશે, શાંત પડી જશે પછી વાસ્તવિકતાનું ભાન થશે. આ વાત સાવ ખોટી તો નથી જ, ઊભરો શમી તો જતો જ હોય છે, છતાં ઘણા પ્રેમીઓ એવા છે જે કાયમ પ્રેમ કરતા રહે છે. બે દિવસ પછી વેલેન્ટાઇન ડે છે. પ્રેમી હૈયાઓ અત્યારથી ઊછળતાં હશે, પ્રેમનો રોમાંચ સ્વાભાવિક છે પણ સાથોસાથ પ્રેમની સમજ હોવી પણ જરૂરી છે. અમુક કપલ છૂટાં પડે ત્યારે એવું સાંભળવા મળે છે કે એ બંનેએ તો લવમેરેજ કર્યાં હતાં તો પણ આવું થયું બોલો! લવમેરેજ દાંપત્યજીવન સફળ જ રહેશે તેની કોઇ ગેરંટી આપતા નથી, સુખી લગ્નજીવનની ચાવી તો સમજણ જ છે.
પ્રેમમાં બ્રેકઅપ થાય કે મેરેજ પછી ડિવોર્સ થાય, એમાંથી બહાર આવતાં વાર લાગતી હોય છે. આપણી અંદરથી કંઇક તૂટે છે. છોકરો હોય કે છોકરી, એમાંથી કોઇ બાકાત રહી શકતું નથી. છોકરીને વધુ દુ:ખ થાય છે કે છોકરાને? એ સવાલ પણ વાજબી નથી, કારણ કે એ વ્યક્તિગત સંવેદનશીલતા પર આધાર રાખે છે. બંનેને પેઇન તો થાય જ છે. એટલે જ કહે છે કે પ્રેમમાં કોઇ પ્રકારની ઉતાવળ ન કરો, એક-બીજાને ઓળખવામાં પૂરતો સમય લો, માત્ર પ્રેમી તરીકે જ નહીં, લાઇફ પાર્ટનર તરીકે એ વ્યક્તિ કેવી છે એ વિશે પણ વિચારો. માત્ર આકર્ષણથી દોરવાઇ જતા લોકો આખરે પસ્તાતા હોય છે. પ્રેમનો નશો ઊતરે પછી અને વાસ્તવિકતા સામે હોય ત્યારે સાથ અકબંધ રહે એ જ સરવાળે સાચો પ્રેમ હોય છે.
પેશ-એ-ખિદમત
તેરા વજૂદ ગવાહી હૈ મેરે હોને કી,
મૈં અપની જાત સે ઇન્કાર કિસ તરહ કરતા,
મુઝે ખબરથી તુજે દુખ મિલેંગે બદલે મેં,
કુબૂલ ફિર મૈં તેરા પ્યાર કિસ તરહ કરતા.
-ફરહત શહજાદ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com