પ્રેમ અને દાંપત્યમાં ઝઘડા થાય એ ફાયદકારક છે! : દૂરબીન

પ્રેમ અને દાંપત્યમાં ઝઘડા

થાય એ ફાયદકારક છે! 

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે

કોઇના કોઇ મુદ્દે માથાકૂટ, મતભેદ કે

ઝઘડા થવાના જ છે.

 સામાન્ય ઝઘડાઓ પ્રેમની તીવ્રતા વધારે છે.

અલબત્ત, આ વાત ત્યારે જ બને જ્યારે

બંનેને એકબીજા પ્રત્યે લાગણી હોય.

 

કોઇ એમ કહે કે અમારા વચ્ચે

ક્યારેય કોઇ બાબતે ઝઘડા થતા નથી તો

સમજવું કે એ સંબંધમાં કંઇક પ્રોબલેમ છે.

 

સાચો સંબંધ કાર્ડિયોગ્રામ જેવો હોય છે, એ તો ઉપર-નીચે થતો જ રહે. તમે પ્રેમ કરો છો, તમે સાથે જીવન વિતાવો છો તો ક્યારેક તો ઝઘડા થવાના જ છે. ઝઘડા થવા બહુ જ સ્વાભાવિક છે. ઝઘડા, તકરાર અને મતભેદ કેવી રીતે થાય છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે તમે એને કેવી રીતે પૂરા કરો છો. દુનિયામાં એકેય એવું કપલ નહીં હોય જેને ક્યારેય એકબીજા સાથે ઝઘડા થયા ન હોય. કોઇ એમ કહે કે અમારા વચ્ચે ક્યારેય ઝઘડા થતા જ નથી તો સમજવું કે એ એક નંબરના જુઠ્ઠા છે. ગમે એટલી મેચ્યોરિટી હોય તો પણ ક્યારેક તો બેમાંથી એકનું મગજ છટકે જ છે. દરેક પ્રેમી કે દંપતીને એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે કેવી વિચિત્ર વ્યક્તિ સાથે પનારો પડ્યો છે! મારા નસીબમાં આ જ લખ્યો હતો કે આ જ લખી હતી. આ જ દંપતીને ક્યારેક એવો વિચાર પણ આવ્યો જ હોય છે કે ગમે એવી છે પણ સારી છે અથવા તો ગમે એવો છે પણ સારો છે.

હમણાં એક કપલને મળવાનું થયું. બંનેના લગ્નજીવનને દસ વર્ષ થયાં છે. બંને બહુ પ્રેમથી રહે છે. વાતમાંથી એવી વાત નીકળી કે તમારા બંને વચ્ચે કેવાક ઝઘડા થાય છે? પત્નીએ કહ્યું, અરે વાત જવા દો, ધડાધડી બોલી જાય છે! સાચું કહું મેં તો એને કેટલીય વાર મનોમન છૂટાછેડા આપી દીધા છે. જોકે થોડીક વારમાં બધુ સરખું થઇ જાય એટલે પાછા મનોમન લગન કરી લઉં. સાલ્લું, એમ પણ થાય છે કે અમે શા માટે ઝઘડીએ છીએ? કેવાં વાહિયાત કારણોથી ઝઘડા થઇ જાય છે? હવે ક્યારેય ઝઘડવું નથી એવું પણ નક્કી કરીએ છીએ પણ થોડાક દિવસમાં પાછાં એકબીજા સામે બાંયો ચડાવી લઇએ છીએ! ચાલે, લાઇફ છે! જોકે અનેક અભ્યાસો દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ જ ખરી લાઇફ છે!

પ્રેમીઓ કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે બંને એકબીજા સાથે ઉગ્ર હોય છે. મનોમન આક્ષેપો થાય છે. એને કંઇ સમજવું જ નથી, પોતાનું ધાર્યું જ કરવું છે, દર વખતે મારે જ જતું કરવાનું? એને કંઇ ફેર જ પડતો નથી, ચૂલામાં જાય હવે એણે જેમ કરવું હોય એમ કરે, મારે હવે એને કોઇ વાતમાં કંઇ કહેવું જ નથી ને, આ અને આવા સંવાદો ચાલતા રહે છે. જોકે ધીમે ધીમે ઉગ્રતા ઘટે છે. એક જ ઘરમાં બે વ્યક્તિ એકબીજાથી લાંબો સમય નારાજ પણ રહી શકતાં નથી. મગજ ઠેકાણે આવે એ પછી નવો વિચાર શરૂ થાય છે કે હવે એને મનાવવો કે મનાવવી કઇ રીતે? આવા વખતે બીજો એ પણ વિચાર આવે છે કે શું કરું તો એને ગમે? બેમાંથી એક વાત ખતમ કરવાનો પ્રયાસ કરે છે. બીજી વ્યક્તિ પણ થોડીક લાડકી થઇ ધીમે ધીમે માની જાય છે. હવે આ પ્રોસેસ એકબીજા પ્રત્યે આત્મીયતા વધારે છે, કારણ કે એ સમયે બંને એકબીજા માટે વિચારતા તો હોય જ છે!

બીજો એક અભ્યાસ એવું કહે છે કે સાથે રહેતા હોય એટલે અમુક વાતો ન ગમે એવું થવાનું જ છે. ઝઘડો થાય ને ત્યારે માત્ર જે મુદ્દે ઝઘડો થયો હોય એવી જ વાતો કે રાડો નથી થતી, જૂની વાતો પણ બહાર આવે છે. તેં અગાઉ પણ આવું કર્યું છે? એમ કહીને જૂની વાતો ગણી ગણીને અને વીણી વીણીને કહી દેવામાં આવે છે. વાત ત્યાં સુધી પહોંચે કે, હા, હા, તું કહી દે બધું, કંઇ જ બાકી રાખતો નહીં કે રાખતી નહીં, ખબર નહીં કેટલું મનમાં ભંડારી રાખ્યું છે. બોલી દે બધું, મનેય ખબર પડે કે તું મારા માટે કેવું કેવું વિચારે છે. બંને તેં આમ કર્યું હતું અને તેં તેમ કર્યું હતું એવું લિસ્ટ સંભળાવી દે છે.

હવે આવા ઝઘડાઓનો પણ એક ફાયદો છે! બંનેના મનમાં જે કંઇ હોય એ એકસાથે ઠાલવી દે છે. મનમાં જે કંઇ હોય એ બોલી દે છે. આ રીતે જે ઊભરો આવ્યો હોય એ શમી જાય છે. ઝઘડાથી વ્યક્ત પણ થઇ જવાતું હોય છે. કહી દીધા પછી હાશ પણ થતી હોય છે. મારા મનમાં હતું એ કહી દીધું. ઊભરો ઠાલવી દીધા પછી હળવાશ તો લાગે જ છે પણ સાથોસાથ એક બીજી વાત પણ બનતી હોય છે. આવી બોલાચાલીથી હસબન્ડ-વાઇફ એકબીજાને સારી રીતે ઓળખી શકે છે.

એક હસબન્ડ-વાઇફની આ સાવ સાચી વાત છે. બંને વચ્ચે કોઇ મુદ્દે ઝઘડો થયો. વાઇફ અગાઉ ક્યારેય બોલી ન હોય એવું એક વાક્ય બોલી કે, મને તારી બીક લાગે છે. તું ગુસ્સે થઇશ એ મામલે હું ફફડું છું. પતિને પછી થયું કે, યાર ગમે તે હોય પણ તને મારી બીક ન લાગવી જોઇએ. એ પછી એનામાં સુધારો આવી ગયો. ગુસ્સામાં, ઝઘડતી વખતે કે તકરાર દરમિયાન આપણે આપણા દિલની અમુક એવી વાતો કરી દઇએ છીએ જે આપણે પ્રેમથી રહેતા હોઇએ ત્યારે કહી શકતાં નથી. ઘણા કિસ્સામાં પતિ કે પત્નીને એ વાતની ખબર જ નથી હોતી કે તે મારા વિશે આવું વિચારે છે. આવી અમુક છૂપી વાતો બહાર આવે ત્યારે સંબંધો વધુ સુદૃઢ થાય છે.

આ બધા વચ્ચે એક હકીકત પણ ધ્યાનમાં લેવા જેવી છે. ઝઘડા ભલે થાય પણ પતિ-પત્ની વચ્ચે પ્રેમ તો હોવો જ જોઇએ. જો એકબીજામાં નયા ભારનો પણ રસ ન રહે તો પછી કોઇ મતલબ હોતો નથી. ઝઘડા દરરોજ થતા હોય અને કોઇ એકબીજાને સમજવા જ તૈયાર ન હોય ત્યાં કોઇ ફેર પડતો નથી. આવા સંબંધો જિવાતા હોતા નથી પણ ઢસડાતા હોય છે. જ્યાં પ્રેમ છે અને ક્યારેક ઝઘડા થાય છે ત્યાં કોઇ પ્રોબ્લેમ નથી. પ્રેમ હોય અને ઝઘડો થાય ત્યારે પણ વહેલી તકે ઝઘડો પતે એવો પ્રયત્ન કરવો જોઇએ. છેલ્લે તો એવું જ થતું હોય છે કે યાર આ બધું આખરે કોના માટે કરીએ છીએ? એના માટે જ તો! કીપ લવિંગ…!

 

પેશ-એ-ખિદમત

વો નહીં હૈ ન સહી તર્ક-એ-તમન્ના ન કરો,

દિલ અકેલા હૈ ઇસે ઔર અકેલા ન કરો,

બંદ આંખો મેં હૈ નાદીદા જમાને પૈદા,

ખુલી આંખો હી સે હર ચીજ કો દેખા ન કરો.

-મહમુદ અયાઝ

 (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 17 ડિસેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *