બંધ થાય છે એ બારી
‘નાની’ જ હોય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હાથ બંને આ ખાલી ખાલી છે,
ફક્ત મનની જાહોજલાલી છે,
કોઈ જીવન ભરી લે મસ્તીથી,
કોઈને કાયમ હમાલી છે.
-અશોક જાની, ‘આનંદ’
નિષ્ફળતા, હતાશા, દુ:ખ, પીડા, વેદના અને ઉદાસી જિંદગીનાં એવાં તત્ત્વો છે જે ક્યારેક તો આવી ચડવાનાં જ છે. સંપૂર્ણ સુખ શક્ય જ નથી. કોઈ દુ:ખ પણ હંમેશ માટે હોતું નથી. જે આવ્યું એ જવાનું છે, પછી એ સુખ હોય કે દુ:ખ, ઉત્સાહ હોય કે ઉદાસી, રાજીપો હોય કે નારાજગી, વેદના હોય કે સંવેદના! જિંદગીને સ્થિર રહેવું ફાવતું જ નથી. જિંદગીની અસ્થિરતા જ એ વાતની સાબિતી છે કે જિંદગી વહે છે, જિંદગી આગળ ધપે છે, જિંદગી ગતિમાં છે. જિંદગીને જીવવા માટે જિંદગીને સમજવી પડે છે.
અપડાઉનથી તો ઈશ્વરેય મુક્ત રહી શક્યો નથી. કોઈ પણ ભગવાનની જિંદગી જોઈ લ્યો, કેટલી બધી અઘરી હતી? ભગવાન જેટલાં દુ:ખ આપણને પડ્યાં હોય તો આપણે સહન કરી શકીએ? સફળતાનો કોઈ રસ્તો સીધો હોતો નથી. એ માર્ગ તો વાંકોચૂંકો જ હોવાનો. ક્યાંક સ્પીડ બ્રેકર હશે તો ક્યાંક ખાડા. એક ઇજનેર હતો. રસ્તો બનાવવાનાં કામ કરે. એની જિંદગીમાં અનેક ચેલેન્જીસ આવે. એ કોઈ પણ સ્થિતિમાં ડરી કે ડગી ન જાય. તેના મિત્રએ તેને એક વખત પૂછ્યું કે, તારામાં આટલી તાકાત ક્યાંથી આવે છે? તેણે કહ્યું કે, મારું કામ મને કોઈ પણ સંકટ સામે ટકવાની શક્તિ આપે છે. હું રોડનું કામ કરું છું. રોડ તૂટેને ત્યારે અમે ડાઇવર્ઝનનું બોર્ડ મારીને રિપેરિંગ કામ કરીએ છીએ. જિંદગીમાં કોઈ મુશ્કેલી આવે એટલે મને થાય છે કે આ ડાઇવર્ઝન છે. દરેક ડાઇવર્ઝન એ વાતની સાબિતી હોય છે કે કંઈક સારું થઈ રહ્યું છે. ડાઇવર્ઝનનું બોર્ડ હટશે અને નવો રસ્તો ખૂલી જશે!
કોઈ પણ મુશ્કેલી આવે, નિષ્ફળતા મળે કે કંઈ પણ અયોગ્ય થાય તેની અસર આપણા સંબંધ પર ન આવવી જોઈએ. માણસની જિંદગી બે ભાગમાં વહેંચાયેલી હોય છે. એક જિંદગી ઘરની ચાર દીવાલની વચ્ચે જીવાતી હોય છે અને બીજી જિંદગી ઘરની બહાર આખી દુનિયા સાથે જીવાતી હોય છે. ઘર તો દુનિયાનો સાવ નાનકડો હિસ્સો છે, પણ આ હિસ્સો જો મજબૂત અને સક્ષમ હશે તો ઘરની બહાર ગમે એવા પડકારો હશે એને પહોંચી વળાશે. ઘર એ દરેક વ્યક્તિ માટે શક્તિનો જબરજસ્ત સ્ત્રોત છે. આ સ્ત્રોત જો વહેતો અટકી જાય તો માણસ તૂટી જાય છે. ઘર એ એક ‘સેફ ઝોન’ છે. બહારના સંઘર્ષને ઘરમાં ઘૂસવા ન દો. જે માણસ ઘરમાં તૂટી જાય છે એ બહાર ટકી શકતો નથી. જે ઘરમાં સક્ષમ છે એ બહારના બધા સંઘર્ષને પહોંચી વળે છે.
એક પતિ-પત્નીની વાત છે. પતિનો નાનકડો બિઝનેસ હતો. સારી એવી ઇનકમ હતી. બંને સુખેથી જીવતાં હતાં. સમય બદલાયો. કાયદાઓ બદલાયા. ધંધો નબળો પડી ગયો. આવક ઘટી ગઈ. પતિ ડિસ્ટર્બ રહેવા લાગ્યો. પત્ની સમજુ હતી. એક દિવસ પતિએ કહ્યું કે, ધ્યાન નથી પડતું. સમજ નથી પડતી કે જિંદગી કઈ તરફ જાય છે? ક્યારેક ડર લાગે છે કે શું થશે? પત્નીએ કહ્યું, થઈ થઈને શું થશે? ચાલે છે ને એમ ચાલવા દે. બહુ વિચાર ન કર. જીવવા જેટલું તો આપણી પાસે છે જ ને? આપણને જે ખરાબ લાગતું હોય છે એ એટલું ખરાબ હોતું નથી. આપણે ખોટા વિચાર કરીને એને બિહામણું બનાવી દઈએ છીએ. આખો દિવસ ઉદાસ ન રહે. ઘરમાં આવ ત્યારે એકદમ હળવો થઈ જા. ઘરની બહાર નીકળ પછી જ ધંધાના વિચાર કર. ઘરમાં મજા કર. આપણે તો એકબીજાની એનર્જી છીએ. હું છું ને તારી સાથે, કંઈ ચિંતા ન કર.
આપણે એક વાત વારંવાર સાંભળતા રહીએ છીએ કે પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ અલગ અલગ છે. આપણે ખરેખર એને અલગ રાખી શકીએ છીએ? પ્રોફેશનલ લાઇફની અસર આપણી પર્સનલ લાઇફ ઉપર કેવી પડે છે? ઓફિસમાં બોસે ધમકાવ્યા હોય એટલે ત્યાંનું ફ્રસ્ટ્રેશન ઘરમાં નીકળે છે. ઘરનું ખરાબ વાતાવરણ ઓફિસના કામને બગાડી નાખે છે. બંને વચ્ચેનો ભેદ ન સમજાય તો સરવાળે બંને ડિસ્ટર્બ થાય છે. પ્રોફેશનલ લાઇફમાં કોઈ મુશ્કેલી હશે તો એ કદાચ સુધરી જશે, પણ પર્સનલ લાઇફ જો ડિસ્ટર્બ થશે તો જિંદગી ગોટે ચડી જશે. પ્રોફેશનલ લાઇફમાં એ લોકો વધુ સારી રીતે અને ઝડપથી સફળ થાય છે, જેની પર્સનલ લાઇફ સાઉન્ડ છે. ઘરનો બળ્યો ગામ બાળે એ કહેવત એમ ને એમ નહીં પડી હોય. થોડીક જુદી રીતે આ વાતને એવી રીતે પણ કહી શકાય કે ઘરનો ઠર્યો ગામ ઠારે.
દરેક સપનું પૂરું થાય એવું જરૂરી નથી. અમુક સપનાં અધૂરાં રહેવા માટે જ સર્જાયાં હોય છે. સપનું પૂરું કરવા માટે તમામ પ્રયાસો કરો. બધા જ પ્રયાસો કરી લીધા પછી પણ સપનું પૂરું ન થાય તો? તો બીજું સપનું જુઓ. એક વેપારીએ કરેલી આ સાવ સાચી વાત છે. તેનો બિઝનેસ ધમધોકાર ચાલે છે. તેણે કહ્યું કે, આ મારો પાંચમો ધંધો છે. અગાઉ ચાર ધંધા ફ્લોપ ગયા. એ બધામાં પણ ખૂબ મહેનત કરી હતી. ન ચાલ્યા. એક ન ચાલ્યો તો બીજો અને બીજો ન ચાલ્યો તો ત્રીજો ધંધો કર્યો. હું એક વસ્તુ જ વિચારતો કે કોઈ ધંધો એવો નથી જે એક ઝાટકે અને પહેલા જ પ્રયાસે સફળ થઈ જાય. મેં ઘણા બિઝનેસ હાઉસ અને મહાન માણસોની જિંદગી વિશે વાંચ્યું અને હું એટલું શીખ્યો કે આ બધા જ ઘણી પછડાટો ખાધા પછી સફળ થયા છે. એની સફળતાનું કારણ એક જ હતું કે એ કોઈ નિષ્ફળતાથી અટક્યા ન હતા. મને હંમેશાં એક વાત ફીલ થઈ છે કે જે બંધ થઈ જાય છેને એ નાની બારી જ હોય છે. મોટી બારી ખૂલવાની હોય છે. આપણે બંધ થયેલી બારી બાજુ જ જોઈને બેઠા રહીએ તો કંઈ જ ન કરી શકીએ. બીજી બારી શોધવાની હોય છે અને એ ખોલવાની હોય છે.
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ હોય છે. આપણામાં બસ ટકી રહેવાની આવડત હોવી જોઈએ. એક વખત ક્લાસમાં ટીચરે બાળકોને ઝાડની આત્મકથા લખવાનું કહ્યું. એક બાળકે લખ્યું કે, હું એક ઝાડ છું. દરેક સંજોગોમાં હું ટકી રહું છું. વાવાઝોડાંઓ સામે લડું છું. વરસાદમાં ભીંજાઉં છું. શિયાળામાં થોડુંક સંકોચાઉં છું. ઉનાળામાં હું તપું છું, પણ બીજાને છાંયો આપું છું. મારામાં ઘણાં પક્ષીઓ માળો બાંધીને રહે છે. હું મારામાં ફળ ઉગાડું છું. આ ફળ પાકે પછી ખરી પડે છે. ફળ ખરે એટલે હું રડતું નથી. મને મારી શક્તિની ખબર છે કે હું બીજું ફળ ઉગાડી લઈશ. ઝાડ પાસેથી માણસે એ જ શીખવાનું છે કે ક્યારેક કોઈ ફળ ખરી પડે તો મૂંઝાવું નહીં, નવું ફળ સર્જવાની તૈયારી રાખવી.
ઘણા લોકો નિષ્ફળતા સહન કરી શકતા નથી. જે વ્યક્તિ નિષ્ફળતાને ન સમજી શકે એ સફળતા સુધી ન પહોંચે. સફળતાની સીડીનાં પગથિયાં એકસરખાં હોતાં નથી. કોઈ પગથિયું નાનું હોય છે, કોઈ પગથિયું મોટું હોય છે. એ સીડીને સાવચેતીથી ચડવી પડે. ક્યારેક પગ આડો પડે તો ક્યારેક પગ લપસી પણ જાય. આપણું ધ્યેય ઊંચે પહોંચવાનું હોવું જોઈએ. જિંદગીમાં કંઈ જ એક ધડાકે મળતું નથી. આપણે નાના હતા અને એકડો ઘૂંટતા શીખતા હતા ત્યારે પણ ક્યાં એક વખતમાં આવડી ગયું હતું? સાઇકલ શીખતી વખતે આપણે કેટલી વખત પડ્યા હોઈએ છીએ?
નાનીઅમથી નિષ્ફળતાથી ઘણા લોકો એટલા બધા હતાશ થઈ જાય છે કે એને બધું જ વ્યર્થ લાગવા માંડે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતે એવું વિચારવા માંડે કે હું કંઈ કામનો નથી કે હું કંઈ કરી શકતો નથી. પોતાના વજૂદ સામે ક્યારેય શંકા ન કરો. મારી શું હેસિયત છે? મને કોઈનું પીઠબળ નથી એવું ઘણા લોકો વિચારતા હોય છે. આપણને પહેલાં તો આપણું પોતાનું ગૌરવ હોવું જોઈએ. પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. સફળ થવા માટે સૌથી પહેલી શરત એ હોય છે કે પોતાના પર અતૂટ વિશ્વાસ રાખવો. મારે આ કરવું છે અને હું ગમે તે ભોગે એ પૂરું કરીશ. ભલે ગમે એટલી વખત નિષ્ફળ જાઉં, હું હાર માનીશ નહીં. જીત પહેલાં મનથી નક્કી થવી જોઈએ, જે મનથી હારી જાય છે એ ક્યારેય જીતી શકતો નથી.
સફળતા હોય કે નિષ્ફળતા, ચડાવ હોય કે ઉતાર, ઉત્સાહ હોય કે ઉદાસી, તમારા અપ-ડાઉન્સની અસર તમારા સંબંધો પર ન આવવા દો. સંબંધો તમને તમામ સંકટ સામે મજબૂત રાખશે. સફળતા અને નિષ્ફળતા તો આવતી અને જતી રહેશે, સંબંધો એક વાર તૂટ્યા પછી સંધાતા નથી, માનો કે સંધાઈ જાય તો પણ એની મીઠાશમાં કમી આવી જાય છે. નિષ્ફળતાનું આયુષ્ય ટૂંકું રહેવા દેવું કે લાંબું, એ આપણા હાથની વાત હોય છે. નિષ્ફળતાને જેટલી વહેલી ખંખેરશો એટલી જ સફળતા નજીક રહેશે. નાની બારી બંધ થાય તો મોટી બારી તરફ નજર કરી એને ખોલવાના પ્રયત્નો આદરી દો, સફળતા મળશે જ!
છેલ્લો સીન :
આખું જીવન એક રમત છે. એને આનંદથી રમો અથવા દુ:ખી થઈ એનો દંડ ભરતા રહો. –અજ્ઞાત.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 નવેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com