જરા ચેક કરો, તમે તમારી જાત
સાથે ‘કઠોર’ તો નથી ને?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
દરેક માણસના પોતાના નિયમો હોય છે.
પોતાની ડિસિપ્લિન હોય છે.
સવારથી રાત સુધીની દિનચર્યા નક્કી થતી રહે છે.
ઘણી વખત આપણે જડકાઇ જઇએ એટલું
આપણું શિડ્યુલ ટાઇટ કરી દેતા હોઇએ છીએ!
આપણે એ પણ વિચારવું જોઇએ કે
આપણે આપણી જાત સાથે વધુ પડતા
‘કઠોર’ તો થઇ જતા નથી ને?
તમે તમારી સાથે કેવા છો?
જિંદગીમાં ડિસિપ્લિન જરૂરી છે. શિસ્ત વગર સફળતા મળતી નથી. કંઇક પામવા માટે કંઇક ગુમાવવું પડતું હોય છે. દરેક માણસ પાસે ચોવીસ કલાક જ હોય છે. આખા દિવસ દરમિયાન આપણે કેટલા ‘પ્રોડક્ટિવ’ અને કેટલા ‘પોઝિટિવ’ રહીએ છીએ તેના પરથી સફતળા નક્કી થતી હોય છે. મોટિવેશન, પ્રેરણા, ધગશ, ઝનૂન અને સફળ થવા માટેની ઉત્કંઠા વિશે અઢળક વાતો કહેવાતી અને સંભળાતી રહે છે. ઘણી બધી વાતો સાચી પણ હોય છે. એ વાત તદ્દન સાચી છે કે ડિસિપ્લિન જરૂરી છે. જોકે સવાલ એ પણ છે કે કેટલી ડિસિપ્લિન? શિસ્તની કોઇ મર્યાદા હોય ખરી કે નહીં? સફળતા માટે આખો દિવસ પાગલની જેમ કામ જ કરવું જરૂરી છે? સફળતા અને કામ માટે આપણામાં કોઇ પૂર્વગ્રહો તો ઘર કરી ગયા નથી ને?
સફળતા, ધ્યેય, ગોલ, ટાર્ગેટ, મિશન અને મંજિલ માટે ક્યારેક આપણે એટલા બધા અવેર થઇ જતા હોય છીએ કે આપણને બીજું કંઇ દેખાતું જ નથી. કામ કરવું એક વાત છે અને કામ જ કરવું અથવા તો કામ સિવાય બીજું કંઇ જ ન કરવું એ બીજી વાત છે. આપણે આપણું શિડ્યુલ એટલું બધું ટાઇટ કરી દઇએ છીએ કે એમાં જરા પણ હળવાશનો અવકાશ બચતો નથી. એ શિડ્યુલમાં જરાકેય ઊંચું-નીચું થાય તો આપણાથી સહન થતું નથી. માણસ ધીમે ધીમે પોતાની જાત સાથે વધુ ને વધુ ‘કઠોર’ થઇ રહ્યો છે. તમે તમારી જાત સાથે કેવા છો એનો ક્યારેય વિચાર કર્યો છે? ચાલો, જરાક ચેક કરી લઇએ.
ઘણા લોકો એવા હોય છે કે જે બીમાર હોય તો પણ રજા નથી લેતા. એ લોકો એવું માને છે કે હું રજા નહીં લઉં તો મારું કામ પ્રત્યેનું કમિટમેન્ટ સ્ટ્રોંગ છે એવી છાપ ઊભી થશે. બીજી રીતે જોઇએ તો એ એવું માને છે કે ગમે એવી હાલત હોય તો પણ હું કામ પર આવું છું. બીમારી વખતે શરીરને આરામની જરૂર હોય છે. જો તમે તમારી હેલ્થ પ્રત્યે બેદરકાર હોય તો સમજજો કે તમે તમારી જાત સાથે કઠોર છો. આવું ન કરો. બીમારીને નજરઅંદાજ કરશો તો વધુ બીમાર પડશો.
પોતાની સાથે કઠોર હોય એવી વ્યક્તિ વધુ પડતું વિચારતી રહે છે. કોઇ સામાન્ય ભૂલ થઇ હોય તો પણ એના મન અને મગજમાંથી એ વાત નીકળતી નથી. કોઇપણ કામ ઉપર સતત વિચારો કરવા વાજબી નથી. વિચાર પણ જેટલા કરવા જોઇએ એટલા જ કરવા જોઇએ. ઓવરથિંકિંગ આપણને સતત ટેન્શનમાં રાખે છે. તમે આખો દિવસ પોતાને થાકેલા મહેસૂસ કરો છો? તો પણ તમે કઠોર છો. આવા વ્યક્તિ પોતાના એચિવમેન્ટનાં વખાણ પણ નથી કરતા. તમે કંઇ મેળવ્યું હોય તો એની તારીફ કરો. તમે તમારું પણ થોડું ગૌરવ લો.
તમે તમારી સરખામણી બીજા સાથે કરતા રહો છો? તો તમે કઠોર છો. ખાસ તો તમારાથી જે વધુ કાબેલ હોય અને તમારાથી સારું કામ કરતા હોય તેની સાથે સરખામણી કરતા રહો છો. તમે એનાથી વધુ શ્રેષ્ઠ સાબિત થવાના પ્રયાસ કરો છો અને તેના કારણે સતત શ્રમ કરી પોતાની જાત સાથે જ અન્યાય કરો છો. તમે બીજા જેવા ન થઇ શકો. તમારે આગળ વધવું હોય તો તમારી રીતે જ વધો. આ ઉપરાંત તમને તમારી સફળતાથી સંતોષ જ નથી થતો? તમે કોઇ કામ કોઇના ઉપર છોડી જ નથી શકતા? બધો ભાર તમારા માથે જ લઇને ફરો છો? દરેક વસ્તુની ચિંતા કરો છો? આવું કરતા હોવ તો તમે ખુદ પર જુલમ કરો છો.
આ સમય ચાલ્યો ગયો તો પાછો નહીં આવે. જે કરવાનું છે તે આ ઘડીએ જ કરવાનું છે. જો હું નહીં કરું તો હું પાછળ રહી જઇશ. આગળ વધવા માટે મારે સતત કામ કરવું જ પડશે. આવા વિચાર પણ વાજબી નથી. હા, એ વાત ખોટી નથી કે માણસે મહેનત કરવી જોઇએ અને સમયનો બગાડ ન કરવો જોઇએ પણ એ વાત સતત તમારા પર હાવી ન રહેવી જોઇએ. પેલી ઉક્તિ સાંભળી છે ને? વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇલ યુ પ્લે. કામ કરતી વખતે કામ કરો અને મજા કરતી વખતે મજા. જોકે અમુક લોકોને મજા માટે કે રિલેક્સ થવા માટે ફુરસદ જ નથી હોતી! માણસે માત્ર કામ માટે જ સમય કાઢવાનો નથી, પોતાના માટે પણ સમય કાઢવો જોઇએ. જાતને પેમ્પર કરવાની મજા પણ માણવી જોઇએ. તમે તમારું ગમતું કંઇ જ ન કરતા હોવ તો માનજો કે તમે તમારી જાત સાથે વધુ પડતા કઠોર છો.
કઠોર લોકોથી ઘણું બધું સહન પણ થતું નથી. ખાસ કરીને કોઇ મિટિંગ્સ, કોઇ કામ, કોઇ એપોઇન્ટમેન્ટ કેન્સલ થાય તો એને એવું લાગે છે જાણે કંઇક લૂંટાઇ ગયું. ભલા માણસ, બધું આપણા હાથમાં નથી હોતું, દરેક વખતે આપણે ધાર્યું હોય એમ ન પણ થાય. દરેક કામ એવા નથી હોતા કે જે પોસ્ટપોન થાય તો દુનિયા લૂંટાઇ જાય! બધું ચાલતું જ રહેવાનું છે. બહુ ટેન્શન ન લો. અમુક વાત સમય પર પણ છોડી દેતા શીખો.
આપણે નાના હોઇએ ત્યારથી એક વાત મગજમાં ઠસાવવામાં આવે છે કે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ… કાલનું કામ આજે પતાવો પછી કાલે પરમ દિવસનું કામ પતાવજો! આવું તો ચાલતું જ રહેવાનું છે. કાલનું કામ ધરાર આજે કરવાનો કોઇ અર્થ હોતો નથી. રોજનું કામ રોજ થાય તો પણ પૂરતું છે.
માણસ સતત સ્ટ્રેસમાં રહે છે. હાઇપરટેન્શન એ વર્તમાન સમયનો સૌથી મોટી શત્રુ છે. પ્રેશર સતત વધતું જાય છે. આવું થવાનું એક કારણ માણસ પોતે પણ હોય છે. સફળતા જરૂરી છે પણ જિંદગી કરતાં વધુ નહીં. એટલા બધા બીઝી ન થઇ જાવ કે તમારી પાસે તમારા માટે અને તમારા લોકો માટે સમય જ ન રહે. એટલું વિચારો કે, તમે તમારી જાતને તો અન્યાય નથી કરતા ને? તમે તમારી જાત સાથે જ કઠોર નથી ને? જો એવું લાગે તો તમારી વર્કિંગ સ્ટાઇલ અને વર્ક થિંકિંગ વિશે એલર્ટ જઇ જાવ. ભાગદોડ અને અતિ વ્યસ્તતા તમને થકાવી દેશે અને તમે તમારી સાથે જ હારી જશો. યાદ રાખો, કામ તમારા માટે છે, તમે માત્ર ને માત્ર કામ માટે નહીં. થોડીક મજા કરતાં, થોડુંક ગમતું કરવા અને રિલેક્સ રહેતા પણ આજના માણસ શીખવું પડે એવો સમય આવી ગયો છે.
પેશ-એ-ખિદમત
તુમ મુજે ભી કાંચ કી પોશાક પહેનાને લગે,
મૈં જિસે દેખું વહી પત્થર નજર આને લગે,
દશ્ત મેં પહુંચે તો તન્હાઇ મુકમ્મલ હો ગઇ,
બઢ ગઇ દહશત તો ફિર ખુદ સે ટકરાને લગે.
– ઇકબાલ સાજિદ
(દશ્ત-જંગલ. મુકમ્મલ-સંપૂર્ણ. દહશત-ભય)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 12 નવેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com