પ્રેમ ખાતર આખરે માણસ
‘કંઇપણ’ કેમ કરે છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
પ્રેમમાં માણસ પાગલ થઇ જતો હોય છે
એવું કહેવાય છે. પ્રેમમાં ઘણા લોકો ન કરવાનું
પણ કરી બેસે છે, આ પણ એક પ્રકારની
માનસિક બીમારી જ છે!
પ્રેમ એ કોઇ બાજી નથી
કે જેમાં ગમે એમ કરીને જીતવું પડે!
પ્રેમને તો પ્રેમથી જ જીતી શકાય!
તારા માટે તો હું કંઇપણ કરી શકું. મારો જીવ પણ આપી શકું છું અને જો કોઇ આડે આવે તો જીવ લઇ પણ શકું છું. તારાથી વધારે આ દુનિયામાં કંઇ છે નહીં અને કંઇ હશે પણ નહીં. તું જ મારી જિંદગી છે. છોકરો હોય કે છોકરી, પ્રેમમાં હોય ત્યારે એને પોતાની પ્રિય વ્યક્તિ સિવાય એને કંઇ જ દેખાતું નથી. બધું જ ધ્યાન માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ઉપર કેન્દ્રિત હોય છે. જિંદગીનો મુખ્ય ધ્યેય એક જ બની જાય છે કે બસ એ મને મળી જાય! પ્રેમી વગર જિંદગીનો કોઇ મતલબ લાગતો નથી.
પ્રેમી કે પ્રેમિકાને ખુશ કરવા માણસ કંઇ કરે એ સમજી શકાય એવી વાત છે. દરેક પ્રેમીઓએ નાનું-મોટું કંઇક કર્યું જ હોય છે. દરેકને પોતાની લવસ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પ્રેમકહાની રસપ્રદ હોય પણ છે. જોકે લવ સ્ટોરીમાં જ્યારે ટ્વિસ્ટ આવે ત્યારે પ્રેમીઓ ‘કંઇપણ’ કરતા હોય છે! હમણાં જ મુંબઇના બિરજુ સલ્લા નામના યુવાને પ્રેમ ખાતર મુંબઇથી દિલ્હી જતી ફ્લાઇટ હાઇજેક થવાની છે એવું કહી જબરદસ્ત ડ્રામા કર્યો. બિરજુની પ્રેમિકા એરવેઝ કંપનીમાં જોબ કરે છે. આ ભાઇના વિચાર તો જુઓ, એને હતું કે હું આવું ગતકડું કરીશ તો એરવેઝ બંધ થઇ જશે. પ્રેમિકાનું કામ છૂટી જશે અને મારું કામ થઇ જશે! ખરેખર મૂરખ કહેવાય કે નહીં? જોકે પ્રેમમાં માણસ આવી અને આનાથી પણ વધુ ખતરનાક મૂર્ખામીઓ કરતો હોય છે! ક્યારેક આપણને એવો વિચાર પણ આવે છે કે આખરે માણસ આવું શા માટે કરતો હશે? શું એ જરાયે લાંબો વિચાર નહીં કરતો હોય કે આનું પરિણામ શું આવશે? વિચાર તો કરતો હોય છે પણ છેલ્લે એવો વિચાર કરે છે કે જે પરિણામ આવવું હોય એ આવે! જે થવું હોય એ થાય, મારે મારો પ્રેમ સાબિત કરવો છે!
માણસને પ્રેમમાં હતાશા કે નિષ્ફળતા મળે ત્યારે એ કોઇપણ હદે જઇ શકે છે. સમજુ માણસ હોય તો એ જે પરિસ્થિતિ હોય તેને કાં તો સંભાળી લે છે અથવા તો સ્વીકારી લે છે. બધા એવા હોતા નથી. અમુક તો જીવ ઉપર ઊતરી આવે છે અને મરવા કે મારવા તૈયાર થઇ જાય છે. નેપાલ રોયલ ફેમિલીના પ્રિન્સ દીપેન્દ્રનો કિસ્સો યાદ છે? દીપેન્દ્રને જે છોકરી સાથે પ્રેમ હતો તેની સાથે લગ્ન કરવાની પરિવારજનોએ ના પાડી હતી. એક દિવસ ગુસ્સામાં દીપેન્દ્રએ મશીનગનથી પિતા કિંગ બિરેન્દ્ર, માતા ઐશ્વર્યા સહિત રાજવી પરિવારના સાત સભ્યો મળી કુલ નવને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પછી પોતે આપઘાત કરી લીધો હતો. આવા તો અનેક કિસ્સાઓ આપણી સામે આવતા જ રહે છે કે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કે બીજો કોઇ ગંભીર ગુનો કર્યો.
ઘણા પ્રેમીઓ એવા પણ હોય છે જે પોતાની તરફ પ્રેમિકાનું ધ્યાન ખેંચાવવા અથવા તો પોતે કેટલો પ્રેમ કરે છે એ આખી દુનિયાને બતાવવા માટે પણ જાતજાતનાં ગતકડાં કરે છે. પ્રેમીઓની આવી વિચિત્ર માનસિકતા વિશે જાણીતા સાઇકોથેરાપિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, આવા લોકો સાઇકોપેથ હોય છે. આ એક પ્રકારનો બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર છે. આવા લોકો એટેન્શન સિકર્સ હોય છે. કોઇપણ રીતે પોતાના તરફ ધ્યાન આકર્ષિત થાય એવા એના પ્રયાસો હોય છે. આપણને એવું લાગે કે એ ગાઢ પ્રેમમાં છે, હકીકતે એની લાગણીનું તંત્ર વિકૃત હોય છે.
એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેને ગામડાંની એક છોકરી સાથે પ્રેમ થયો. છોકરીને પ્રપોઝ કર્યું તો છોકરીએ એવું કહ્યું કે તારામાં એવું તે શું છે કે હું તારી સાથે લગ્ન કરું? આ યુવાને શું કર્યું ખબર છે? એ ટ્રેનમાં બેસે. ગામડાંમાં પેલી છોકરીનું ઘર આવે એટલે ટ્રેનની સાંકળ ખેંચી એના ઘરની સામે જ ટ્રેન ઊભી રાખે! પાછો દંડ પણ ભરી દે. આવું ઘણીવાર કર્યું. છોકરાનાં મા-બાપને આ વાતની ખબર પડી એટલે તેમણે દીકરાની માનસિક સારવાર કરાવી હતી.
પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માણસ કંઇપણ કરી શકે છે. ઘણા યંગસ્ટર્સ પોતાના પ્રેમીના નામનું ટેટૂ કરાવે છે. હવે આમ જુઓ તો ટેટૂથી પેઇન તો થાય જ છે, છતાં પ્રેમીઓ પરવા નથી કરતા. આ પણ પ્રેમ વ્યક્ત કરવાનું ‘સોફ્ટ વર્ઝન’ જ છે. એ થોડુંક તીવ્ર થાય ત્યારે ઘણા પ્રેમીઓ બ્લેડથી લોહી કાઢી પ્રેમીનું નામ કોતરે છે. પ્રેમિકા ન મળે તો આપઘાતની ધમકી આપે છે. પોતાનો પ્રેમ ન મળે તો એનામાં બદલાની ભાવના આવે છે અને તે હિંસક કૃત્ય પણ કરી બેસે છે.
દુનિયામાં ઘણા લોકો પ્રેમ કરે છે. બધાના પ્રેમ કંઇ સફળ નથી થતા. આપણે જેને પ્રેમ કરતા હોઇએ એ ન મળે એની વેદના અસહ્ય હોય છે. આમ છતાં સમજુ લોકો સહન કરી લે છે, મન મનાવી લે છે, એકબીજાનું ભલું ઇચ્છે છે અને પોત-પોતાના રસ્તે ચાલ્યા જાય છે. એ ગાંડા નથી કાઢતા. ઘર કે ગામ માથે નથી લેતા. તમે પ્રેમ કરો છો? તો દિલ ફાડીને પ્રેમ કરો પણ એવું ગાંડપણ ન કરો કે તમારો પ્રેમ તમારા માટે કે બીજા કોઇ માટે મુસીબત બને. બે ઘડી વિચાર કરો, પ્લેન હાઇજેકનો ડ્રામા કર્યો એ બિરજુનું હવે શું થશે? જેલમાં રહેવું પડશે! એના કરતાં પણ વધુ, પેલી છોકરીની હાલત કેવી થઇ હશે? કોઇ કારણ વગર એની સ્થિતિ દયાજનક બની ગઇ! માની લઇએ કે એ સ્ટ્રોંગ હશે પણ આવા કિસ્સામાં જો નબળા મનની છોકરી હોય તો એ પણ ડિપ્રેશનમાં સરી જાય અથવા તો કંઇક ન કરવાનું કરી બેસે!
વેલ, પ્રેમમાં મેચ્યોરિટીની જરૂર હોય છે. પ્રેમમાં ડેપ્થ હોય તો જ પ્રેમ લાંબો ટકે. ઊભરા શમી જતા હોય છે, સ્નેહ માટે સમજદારી પણ હોવી જોઇએ. જોઇ લેવાની કે બતાવી દેવાની ભાવના એ પ્રેમ નથી. પ્રેમથી એક-બીજા સમજુ, સારા અને સંવેદનશીલ બનવા જોઇએ. બ્રેક-અપ થતાં હોય છે એની પાછળ એકબીજાને ન સમજવાનાં કારણો જ જવાબદાર હોય છે. તમારે તમારી વ્યક્તિને ગુમાવવાની ન હોય તો કોઇ ગતકડાં ન કરો, જસ્ટ પ્રેમ કરો! માનસિક બીમારોના કારણે પ્રેમ કંઇ ઓછો બદનામ થયો નથી!
પેશ-એ-ખિદમત
મોહબ્બત મેં કોઇ સદમા ઉઠાના ચાહિયે થા,
ભુલાયા થા જિસે વો યાદ આના ચાહિયે થા,
કોઇ તો બાત કરના ચાહિયે થી ખુદ સે આખિર,
કહીં તો મુઝ કો ભી યે દિલ લગાના ચાહિયે થા.
-બુશરા ઇજાજ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 05 નવેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com
Yes sir..you are absolutely right
Thank you. Shubhkamnao.