દિવસનો આધાર રાતે કેવી
ઊંઘ આવી તેના પર છે!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
તમારો દિવસ સારો નથી જતો?
તો તમે તમારી રાત કેવી હતી
તેના ઉપર નજર કરો.
લોકોની ઊંઘ ધીમે ધીમે હરામ થતી જાય છે.
શારીરિક અને માનસિક અસ્વસ્થતાનું
સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ છે.
રાતે ઉચાટમાં કે ગુસ્સામાં સૂવું
એ તબિયત માટે ઘાતક બને છે.
પથારીમાં પડો ત્યારે તમે રિલેક્સ હોવ છો?
‘જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહ કા આલમ ક્યા હોગા?’ ફિલ્મ ‘મુગલે આઝમ’નું આ ગીત યાદ છે? ઊંઘનું સદંતર આવું જ છે. રાત ઉચાટમાં ગઇ હશે તો દિવસ ઉદાસીમાં જ જવાનો છે. તમારો દિવસ સારો જતો ન હોય તો તમારી રાત પર નજર કરો. સારા કે ખરાબ દિવસનું પગેરું રાતમાં જ નીકળતું હોય છે. ઉજાગરા એક વસ્તુ છે અને ઊંઘ ન આવવી એ બીજી વાત છે. લોકો પાસે સૂવાનો સમય હોય છે પણ ઊંઘ ક્યાંથી લાવવી? રજામાં શું કરવાના છો એવું કોઇને પૂછીએ ત્યારે ઘણીવાર એવો જવાબ મળે છે કે, પેટ ભરીને ઊંઘ કરવી છે. કેવું છે નહીં, ઊંઘ આપણે કરવાની હોય છે પણ આ ઊંઘ જ આપણા હાથની વાત નથી! આખી રાત પડખાં ઘસતાં રહીએ છીએ! જેને સારી ઊંઘ આવે છે એ નસીબદાર લોકો છે.
પથારીમાં પડતા વેંત ઊંઘ આવી જાય તો ફિર ક્યા બાત હૈ! જો કે એવું થતું નથી. આખો દિવસ રાત પર ભારી પડી જાય છે અને પછી એ રાત બીજા દિવસને બગાડી નાખે છે. ઉચાટ, ઉપાધિ, ચિંતા, ગુસ્સો, નારાજગી, ભય, શંકા અને બીજું કેટલું બધું આપણને આખી રાત કનડતું રહે છે. સૂવું હોય છે પણ કોઇ કરતબ કામ નથી લાગતો! ગાલિબનો પેલો શેર છે ને… કોઇ ઉમ્મીદ બર નહીં આતી, કોઇ સૂરત નજર નહીં આતી, મૌત કા ઇક દિન મુઅય્યન હૈ, નીંદ ક્યૂં રાતભર નહીં આતી? ઊંઘ ન આવવી એ સાર્વત્રિક સમસ્યા બનતી જાય છે. સવારે મોઢું ચાડી ખાઇ જાય છે કે રાત અચ્છી નહીં ગુજરી! સૂવા અને જાગવા માટે ઓન-ઓફ સ્વિચ નથી હોતી! રાતે ઊંઘ આવતી નથી અને સવારે ઊંઘ ઊડતી નથી! સવારે મોબાઇલના એલાર્મ વગર સમયસર જેની ઊંઘ ઊડી જાય છે એવા લોકો દિવસે ને દિવસે ઘટતા જાય છે. આપણે આપણી જીદ અને મહાત્વાકાંક્ષાનો સોદો રાત સાથે કરી લીધો છે. કુમાર વિશ્વાસે પણ સરસ લખ્યું છે, કુછ છોટે સપનો કે બદલે, બડી નીંદ કા સૌદા કરકે, નિકલ પડે હૈ પાંવ અભાગે, જાને કૌન ડગર ઠહરેંગે!
ઊંઘ ઉપર લખવાનું મન હમણાં થયેલો એક સર્વે વાંચીને થયું. અમેરિકાની અયોવા સ્ટેટ યુનિવર્સિટીએ 436 લોકો પર ઊંઘ અંગે એક સંશોધન કરીને એવું કહ્યું છે કે, જે લોકો રાતે ગુસ્સામાં ઊંઘ કરવા જાય છે તેની તબિયત પર મોટું જોખમ ઊભું થાય છે. માણસ ઝઘડે કે કોઇ કારણોસર ગુસ્સામાં હોય ત્યારે જો સૂવા ચાલ્યા જાય તો તેને ઘડીકમાં ઊંઘ નથી આવતી. વિચારો આવ્યા રાખે છે. પડ્યા પડ્યા ગુસ્સો કરતા રહે છે. ગુસ્સામાં હૃદયના ધબકારા તેજ થઇ જાય છે. ઊંઘ આવવામાં વાર લાગે છે. ઊંઘ આવી જાય તો પણ ડીપ સ્લીપ આવતી નથી. ઘણા લોકો ઊંઘમાં દાંત કચકચાવે છે. દિવસ દરમિયાન થયેલું અને મનમાં દબાયેલું ઘણુંબધું રાતના ઊંઘમાં પણ જુદી જુદી રીતે પ્રગટ થાય છે.
કેટલાં પતિ-પત્નીઓ રાતના ઊંઘના સમયે ઝઘડે છે? બેડરૂમમાં આવો ત્યારે એકદમ હળવા હોવા જોઇએ. બધા વાદ-વિવાદ, ઇગો, અહમ્, નારાજગી, ગુસ્સો અને બીજું એવું બધું બેડરૂમની બહાર રહેવું જોઇએ. જોકે એવું થતું નથી. બેડરૂમમાં આવ્યા પછી જ બધી બબાલ શરૂ થાય છે. દંપતીઓ પ્રેમ કરવા માટે ઓછા અને ઝઘડવા માટે વધુ એકલા પડવાની રાહ જોતાં હોય છે. દાંપત્યજીવનની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ બેડરૂમમાં છવાયેલી અશાંતિ હોય છે. પથારી ઊકળતી હોય તો ઊંઘ ક્યાંથી આવે?
રાતના ઝઘડતાં દરેક દંપતીએ કરવા જેવું એક કામ ફિલ્મ અદાકાર શશી કપૂરના જીવનમાંથી ગ્રહણ કરવા જેવું છે. શશી કપૂરે જેનીફર સાથે લવમેરેજ કર્યાં હતાં. એ બંનેએ નક્કી કર્યું હતું કે, ગમે તે થાય આપણે બંને ક્યારેય એકબીજાથી મોઢું ફેરવીને નહીં સૂઇએ! શશી કપૂરે કહ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડા તો થવાના જ છે. નારાજગી કે ગેરસમજ બહુ સ્વાભાવિક છે. તેને પથારીમાં ન લઇ જાવ. બેડરૂમની અંદર ન ઘૂસવા દો. બેડરૂમ એ ઝઘડવાનું નહીં પણ ઝઘડો ભૂલી જવાનું સ્થળ છે.
જિંદગીમાં એવા બનાવ તો બનતા જ રહેવાના છે જે આપણને ક્યારેક થોડા તો ક્યારેક વધુ ડિસ્ટર્બ કરે. અત્યારનો સમય હરીફાઇનો છે. યંગસ્ટર્સ કરિયર અને સફળતા માટે ઝઝૂમી રહ્યો છે. જોબ કરે છે એને પરફોર્મન્સ એંગ્ઝાઇટી સતાવતી રહે છે. હવે તો બાળકો પણ સ્ટ્રેસનો ભોગ બનવા લાગ્યાં છે. સૂવા માટે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે અને એની સાઇડ ઇફેક્ટ વળી અનિદ્રા કરતાં પણ વધુ ખતરનાક છે. સવાલ આખરે ત્યાં જઇને જ ઊભો રહી જાય છે કે, તમે તમારી લાઇફમાં કેટલા હળવા રહી શકો છો?
કેટલું ઊંઘવું અને ક્યારે ઊંઘવું એ વિશે પાછા ઢગલાબંધ મતમતાંતર છે. દરેકની બોડી ક્લોક અલગ અલગ હોય છે. કોઇને ચાર-પાંચ કલાકની ઊંઘ પૂરતી થઇ જાય છે તો કોઇને પૂરી આઠ કલાક જોઇએ છે. આઠ કલાકથી વધુ ઊંઘને પાછી જોખમી ગણવામાં આવે છે. ‘સ્લીપ ફેયરિંગ’ નામના પુસ્તકના લેખક જિમ હોર્ન લખે છે કે 80 ટકા લોકો છથી નવ કલાક સૂવે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર કલાક માંડ સૂવે છે. સ્વ. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી વિશે પણ એવું જ કહેવાતું. બ્રિટનના ભૂતપૂર્વ પ્રાઇમ મિનિસ્ટર સ્વ. માર્ગારેટ થેચર ચાર જ કલાક સૂતાં હતાં. જોકે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિન્સ્ટન ચર્ચિલને ઊંઘવું બહુ જ ગમતું. એ તો સવારે મોડે સુધી પથારીમાં પડ્યા રહેતા. એટલું જ નહીં, કેટલાક મુલાકાતીઓને તો એ સીધા બેડરૂમમાં જ મળવા બોલાવતા. ઊંઘની બાબતમાં કોઇ એકનો નિયમ બીજાને ન લાગુ પડે.
રાતે ઊંઘ આવી જાય એ માટે પણ વળી લોકો જાત જાતના નુસખાઓ શોધતા રહે છે અને અપનાવતા રહે છે. આપણાં શાસ્ત્રોમાં તો વળી ઊંઘ ન આવતી હોય તો તેનો મંત્ર પણ છે! આ મંત્ર બોલતા રહો તો ઊંઘ આવી જાય એવો દાવો પણ કરાય છે! આ મંત્ર શું છે? નિદ્રાં ભગવતી વિષ્ણૌ, અતુલ તેજસ: પ્રભો નનામિ. સ્વસ્થ જીવન માટે પાંચ જે સારી આદતો ગણાવાય છે એમાં સૌથી મોખરે પૂરતી અને સારી ઊંઘ છે. એ સિવાય ચારમાં સારું ભોજન, વ્યાયામ, વ્યસનથી મુક્તિ અને સજીવન સંબંધોને ગણવામાં આવે છે.
આપણને ઊંઘ ન આવતી હોય તો એનું કારણ આપણને ખબર જ હોય છે. ખબર ન હોય તો કારણ શોધો અને તેનું મારણ પણ શોધો. સૌથી ઇઝી રસ્તો એ જ છે કે, હળવા રહો, બહુ ચિંતા ન કરો. બધું આપણું ધાર્યું થાય એવું ન ઇચ્છો. જિંદગીને વહેવા દો. સારા વિચાર કરો. જિંદગી તમારી છે. તમે એને ધારો એમ લઇ જઇ શકો છો. એક વાત યાદ રાખો, રાત સુંદર હશે તો જ તમારો દિવસ ઉમદા રહેશે!
પેશ-એ-ખિદમત
અબ તો ઘબરા કે યે કહેતે હૈ કિ મર જાયેંગે,
મર કે ભી ચૈન ન પાયા તો કિધર જાયેંગે,
હમ નહીં વો જો કરે ખૂન કા દાવા તુઝ પર,
બલ્કિ પૂછેગા ખુદા ભી તો મુકર જાયેંગે.
-શેખ ઇબ્રાહીમ જૌક.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 08 ઓકટોબર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com