એક વાત કહો તો, તમને
નહાવું ગમે છે કે નહીં?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
તમારા માટે નહાવું એ ગમતી ઘટના છે
કે પછી રોજે રોજ પતાવવું પડે એવું એક કામ છે?
ગમે તે હોય પણ એક વાત તો પાક્કી છે કે
નાહવાથી રિલેક્સ ફીલ થાય છે.
નહાવા વિશે તમને કેટલી ખબર છે?
કેનેડાની યુટા યુનિવર્સિટીએ કરેલા
એક સંશોધન પછી એવું કહ્યું છે કે,
દરરોજ નહાવાથી ફાયદો નહીં
પણ નુકસાન થાય છે!
ચલો નાઇ નાઇ કરી લો, બાળક નાનું હોય ત્યારે તેને પટાવવા માટે મા આવું કહેતી હોય છે. અંગ્રેજીની અસરવાળી મધર કહેશે કે, લેટ્સ હેવ બાથી બાથી. ઘણાં બાળકોને નહાવું અને ડોલમાં છબછબિયાં કરવાં ગમે છે, તો ઘણાં બાળકોના કાને નાહવાનું નામ પડે એટલે ભેંકડો તાણે છે. કહેવાનો મતલબ એ છે કે આપણે નાના હોઇએ ત્યારથી આપણને નહાવાની એવી આદત પાડી દેવામાં આવે છે કે આપણાથી એકાદ દિવસ ન નહાવાયું હોય તો એમ થયા રાખે છે કે આજે હું નાહ્યો નથી! ઘણાને તો ગિલ્ટ ફીલ થાય છે. જોકે ઘણાય એવા હોય છે કે જે ન નાહ્યા હોય તો પણ એને કંઇ ફેર પડતો નથી. ઠીકાઠીકનું ડિઓડરન્ટ છાંટી લેવાનું! ઘણા લોકો મસ્તીમાં એને એવું કહે છે કે આપણે તો અમેરિકન બાથ લઇ લીધું! મતલબ કે, ડિઓ ઠપકારી દીધું!
નહાવા સાથે બે માન્યતા જબરદસ્ત રીતે જોડાયેલી છે. એક ચોખ્ખાઇ અને બીજી પવિત્રતા. નાહ્યા વગર પૂજા કે દર્શન ન થાય. ઘણા તો નાહ્યા વગર કિચનમાં પગ પણ મૂકતા નથી. તમને નહાવાથી શું ફેર પડે છે? તમને નહાવું ગમે છે કે નહીં? જે લોકોને નહાવું નથી ગમતું એના માટે અને જે દરરોજ નહાતા નથી એને મજા આવે એવા એક ન્યૂઝ છે. કેનેડાની યુટા યોર્ક યુનિવર્સિટીના જેનેટિક સાયન્સ સેન્ટરે એક સંશોધન બાદ એવું શોધી કાઢ્યુ઼ં છે કે, રોજ નહાવાથી આપણા શરીર માટે ઉપયોગી હ્યુમન માઇક્રોબાઇયોન, વાઇરસ અને અન્ય માઇક્રોબ્સ નાશ પામે છે. રોજ નહાવાથી સાજા અને તાજા રહેવાય છે, એવું મનાય છે પણ આ સંશોધન એવું કહે છે કે રોજ નહાવાથી બીમાર પડાય છે! એમાંય હવે તો સાબુ, બોડી જેલ, શાવર જેલ, શેમ્પુ અને જાતજાતના કેમિકલ્સવાળા પદાર્થોથી વધુ તકલીફો થાય છે. આ સંશોધન વિશે જાણી રોજ નહાવાવાળા નહાવાનું બંધ કરી દે એ વાતમાં માલ નથી. જોકે જે દરરોજ નહાતા નથી એને બહુ મોટું આશ્વાસન મળી ગયું છે કે, આપણે કંઇ ખોટું નથી કરતા! નહાવાના આળસુ માટે તો આ સંશોધન ‘ભાવતુ’તું અને વૈદ્યે કીધું’ જેવું છે!
વેલ, નહાવાની વાત નીકળી છે તો ચલો થોડીક વધુ વાતો પણ જાણીએ. સ્નાન તો આપણી સાથે જન્મથી માંડી મૃત્યુ સુધી જોડાયેલું છે. બાળક જન્મે કે તરત જ તેને સ્નાન કરાવાય છે. ચોખ્ખું કરવા માટે આવું કરાય છે એ તો સમજી શકાય એવી વાત છે પણ માણસ મૃત્યુ પામે એ પછી અંતિમ સંસ્કાર પહેલાં પણ તેને સ્નાન કરાવાય છે! જે દેહ અગ્નિને સોંપવાનો છે એને સ્નાન ન કરાવે તો શું ફેર પડે? જોકે એની સાથે અનેક ધાર્મિક બાબતો જોડાયેલી છે. આપણાં શાસ્ત્રોએ સ્નાનનો અનેરો મહિમા વર્ણવ્યો છે એટલું જ નહીં શાસ્ત્રોમાં તો સ્નાનના પ્રકારો પણ બતાવાયા છે.
આકાશમાં તારા દેખાતા હોય એ સમયે એટલે કે અજવાળું થાય એ પહેલાં કરાતા સ્નાનને ઋષિસ્નાન કહેવાય છે. સંતો આવું સ્નાન પસંદ કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4થી પાંચ વાગ્યા દરમિયાન થતાં સ્નાનને બ્રહ્મસ્નાન કહે છે. શ્લોક બોલતાં બોલતાં અથવા તો ભગવાનને યાદ કરતાં કરતાં કરાતા સ્નાનને દેવસ્નાન અથવા તો યૌગિક સ્નાન કહેવાય છે. આપણે ત્યાં તો નહાતી વખતે બોલાતો શ્લોક પણ બહુ જાણીતો છે. ગંગેચ, યમુને ચૈવ, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિન્ધુ કાવેરી, જલસ્મિન્સન્નિધિ કુરુ! મતલબ આ બધી નદીના પાણીને યાદ કરી તેમને આહ્્વાન અપાય છે કે તમે પધારો. ઋષિ-મુનિઓ સૂર્યોદય પહેલાં અથવા સૂર્યોદય વખતે જ સ્નાન કરે છે અને સૂર્યને જળ અર્પણ કરે છે. એમ તો દાનવ સ્નાન કે રાક્ષસ સ્નાન પણ છે. ખાઇ-પીને કરાતા સ્નાનને રાક્ષસી સ્નાન કહેવાય છે અને આવા સ્નાનને શુભ મનાતું નથી. આપણાં શાસ્ત્રોમાં સાંજ કે રાતના સ્નાનને યોગ્ય ગણવામાં આવતું નથી. માત્ર ગ્રહણ વખતે જ સાંજે કે રાતે સ્નાન કરવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે.
પેલી નંદી અને શિવની વાર્તા તો તમને ખબર જ હશે. કહેવાનું હતું એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું. બોલાઇ ગયું ઊંધું. ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું. સારું છેને ત્રણ વાર નહાવાનું નથી! નહીંતર શું થાત? પાણીની તંગીવાળા વિસ્તારોમાં તો નહાવું વધુ અઘરું બને છે. ઘણા એક ડોલમાં નાહી લે છે અને ઘણાને તો એક ડોલથી વધુ પાણી તો મોઢું ધોવામાં જોઇએ છે. ઠંડીમાં ઠંડા પાણીએ નહાવાથી બોડીનો ઇમ્યુન પાવર વધે છે. કડકડતી ઠંડીમાં માટલાના ઠંડા પાણીથી બાળકોને કરાવવામાં આવતા માઘસ્નાનના ફોટા જોઇને ઘણાને આખા શરીરમાં લખલખું પસાર થઇ જાય છે. ઠંડા પાણીથી નહાવું સારું કે ગીઝર કે હીટરના ગરમ પાણીથી? એના વિશે પાછી અલગ અલગ દલીલો છે. શાવરથી માંડીને જાકુઝી બાથ સુધીની ફેસેલિટી હવે અવેલેબલ છે. માલેતુજારો માટે બાથરૂમ કે સ્નાન એ લક્ઝરી છે. ઘણા તો બાથરૂમમાં કલાકો વિતાવે છે! બાથરૂમ પણ હવે ગ્લેમરસ બન્યા છે, જેવી જેની ત્રવેડ!
નહાવા વિશે બીજું પણ કેટલું બધું છે નહીં? કોઇ ચૂનો ચોપડી ગયું હોય તો કહેવાય છે કે એ તો બધાને નવડાવી ગયો! સંબંધ તૂટે ત્યારે એવું બોલતા આપણે અચકાતા નથી કે મેં તો એના નામનું નાહી નાખ્યું છે! એની સાથે હવે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી. કોઇના અવસાનના સમાચાર મળે તો આપણે એને યાદ કરી સ્નાન કરીએ છીએ. નાહી લ્યો અને નાહી નાખો એનો અર્થ પણ કેટલો બદલી જાય છે? તમને ખબર છે, આપણી દરેક વિધિ સાથે સ્નાન જોડાયેલું છે. સરાવવાની વિધિ દરમિયાન તો એકથી વધુ વખત નાહવાનું હોય છે.
નહાવાની પણ દરેકની પોતાની આગવી સ્ટાઇલ હોય છે. કોઇ મોઢું પહેલા ધુએ છે તો કોઇ છેલ્લે! શરીર ઉપર ડબલા ઢોળી દીધા હોય તો કહેવાય છે કે, ખંખોળિયું ખાઇ લીધું. ઉતાવળમાં હોય ત્યારે આપણે આવું કરતાં જ હોઇએ છીએ ને! માથું ધોઇએ ત્યારે કહેવાય છે કે માથાબોળ નાહી લીધું. નદીમાં નહાતી વખતે પાણીમાં ઓમ્ લખી તરત જ ત્યાં ડૂબકી મારવાથી સારું થાય છે એવું પણ મનાય છે. નદી, દરિયા અને સ્વિમિંગ પૂલના સ્નાનની મજા અલગ અલગ છે. અમુક લોકોની આદત વિચિત્ર હોય છે. એ લોકો સવારે નહાતા નથી, માત્ર રાતના જ નાહી લે છે. રાતે નહાવાથી ઊંઘ સારી આવે છે એવું પણ ઘણા માને છે. આખો દિવસ કામ કરીને પરસેવે રેબઝેબ થયા પછી રાતે નહાવાની મજા છે. રિલેક્સ થઇ જવાય છે. ઘણાને તો સવારે અને રાતે એમ બંને સમય નહાવા જોઇએ છે.
વેલ, તમે નહાવા વિશે શું માનો છો? જે માનતા હોય એ અને જ્યારે નાહતા હોય ત્યારે નાહજો પણ એક વાત યાદ રાખજો, નાહવાને એન્જોય કરજો. નાહવાને કામ ન સમજતાં. બાકી ગમે એ હોય, એટલિસ્ટ આ સમયે તો તમે તમારી સાથે હોવ જ છો! જો તમે આટલો સમય પણ પોતાની સાથે રહી શકો તો ઘણું છે! સાચી વાત છે કે નહીં?
પેશ-એ-ખિદમત
બહુત ઉદાસ થા ઉસ દિન મગર હુઆ ક્યા થા,
હર ઇક બાત ભલી થી તો ફિર બુરા ક્યા થા,
હર ઇક લફ્ઝ પે લાજિમ નહીં કિ ગૌર કરું,
જરા સી બાત થી વૈસે ભી સોચના ક્યા થા.
(લફ્ઝ-શબ્દ. લાજિમ-જરૂરી) -જાવેદ નાસિર.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 01 ઓકટોબર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com