આત્મા અમર હશે, પણ
એ હોંકારો ક્યાં દે છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કેટલો આ દૂર તારો વાસ છે,
પણ વિચારોમાં તું મારી પાસ છે.
એમ કંઈ તારા વિના મહેફિલ સજે?
આ હૃદયમાં એક તું બસ ખાસ છે.
-સ્મિતા પારેખ
દુનિયામાં એક વ્યક્તિ એવી હોય છે જે આપણી સૌથી વધુ નજીક હોય છે. સંબંધમાં આમ તો નંબર અપાતા હોતા નથી. કોઈ ક્યારેક પૂછે કે તમને સૌથી વધુ કોણ વહાલું છે ત્યારે જવાબ આપવો અઘરો પડતો હોય છે. વહાલા એક કરતાં વધારે હોઈ શકે છે, પણ દિલની અત્યંત નજીક હોય એ વ્યક્તિ આપણા માટે યુનિક અને સ્પેશિયલ હોય છે. ઉપરના સવાલને જ જરાક જુદી રીતે વિચારીએ. તમને કોઈ એમ પૂછે કે કઈ વ્યક્તિ કાયમ માટે ચાલી જાય તો તમારા માટે જીવવું અસહ્ય બની જાય? આવું વિચારવું આપણને ગમતું હોતું નથી, પણ ક્યારેક આવું વિચારવું પણ જોઈએ. આપણી નજીક હોય ત્યારે આપણે ક્યારેય વિચારતા નથી કે આ ન હોય તો શું થાય? હવે બીજી વાત, તમારી જિંદગીમાં આવી જે વ્યક્તિ હોય એની તમે કેટલી કેર કરો છો?
સૌથી વધુ પ્રેમ કરતા હોઈએ એને જ ઘણી વખત આપણે સહુથી વધુ લાઇટલી લેતા હોઈએ છીએ. એ તો છે જ ને! સાથે જ છે, સામે જ છે, હું બોલાવીશ એટલે જવાબ આપશે. જરાકેય એવો વિચાર આવે છે કે કોઈ દિવસ એ જવાબ નહીં આપે તો? એ સામે નહીં હોય તો? ખાલીપો બોલવામાં સહેલો હોય છે, પણ સહન કરવામાં બહુ અઘરો હોય છે. કોઈ વ્યક્તિના જવાથી સર્જાતો શૂન્યવકાશ આપણને સૂકવી નાખતો હોય છે. આખું અસ્તિત્વ તરડાઈ જતું હોય છે.
હમણાંની જ એક સાવ સાચી વાત છે. મોટી ઉંમરની એક વ્યક્તિને હાર્ટ પ્રોબ્લેમ થયો. ડૉક્ટરે નિદાન કર્યું વહેલી કે મોડી બાયપાસ સર્જરી કરાવવી પડશે. તાત્કાલિક નહીં કરાવો તો ચાલશે, પણ લાંબું જીવવું હશે તો કરાવવી તો પડશે જ. આ ભાઈને થયું કે થોડા દિવસોમાં કરાવી લઈશ. પત્ની સાથે એમને ખૂબ જ પ્રેમ. ચાર દાયકાનો સાથ હતો. બાયપાસ સર્જરીની તારીખ નક્કી થાય એ પહેલાં એક ઘટના ઘટી. એમનાં વાઇફ એક કામ માટે બહાર ગયાં હતાં ત્યારે કારે એમને ટક્કર મારી. હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું અવસાન થયું. પતિ માટે આ આઘાત જીરવવો અઘરો હતો. પત્ની પાછળની બધી વિધિ પતાવી. થોડાક ફ્રી થયા પછી એક દિવસ દીકરા અને વહુએ બહુ જતનપૂર્વક પૂછ્યું, પપ્પા, હવે બાયપાસ સર્જરી ક્યારે કરાવવી છે? એ ભાઈએ થોડા જ શબ્દોમાં એટલું જ કહ્યું કે, હવે નથી કરાવવી! ભીની આંખો છોકરાંવ ન જોઈ જાય એ માટે એ નીચું જોઈ ગયા. કેટલાંક ડૂસકાં સૂકાં હોય છે, એ સંભળાતાં નથી. આપણી અંદર જ ઊઠે છે અને અંદર જ સમાઈ જાય છે. અંદરનાં ડૂસકાં વધુ અઘરાં હોય છે. એ અંદરથી આપણને થોડું થોડું તોડતાં હોય છે. અમુક વેદના એવી હોય છે જ્યારે તમે રડતા નથી, પણ તમારી જાત સાથે જ લડતા હોવ છો. એ લડતમાં પાછી હાર નક્કી જ હોય છે. એકેય શસ્ત્ર કામ નથી આવતું. બધાં જ હથિયાર હેઠાં મુકાઈ ગયાં હોય છે. આપણે શરણે થઈ ગયા હોઈએ છીએ. આવા સમયે જ માણસ એવું બોલતો હોય છે કે, કુદરતને ગમ્યું એ ખરું. કુદરત પાસે આપણું ક્યાં ચાલતું હોય છે? હા, કુદરત પાસે નથી ચાલતું, પણ સહન કેવી રીતે કરવું?
અમુક વખતે બધાં જ આશ્વાસનો પોલાં, બોદાં અને ખોખલાં લાગતાં હોય છે. કોઈ મરહમ કામ નથી લાગતો. કોઈ ઉપાય કારગત નથી નીવડતો. ભલે એવું કહેવાતું હોય કે દુ:ખનું ઓસડ દા’ડા, પણ ઘણી વેદનાઓ દિવસો જાય એમ વધુ ગાઢ, ઉગ્ર અને તીવ્ર થતી જતી હોય છે. આપણી અંદર દરરોજ કંઈક થોડું થોડું વેતરાતું હોય છે અને એની જે કરચો હોય છેને એ આંખોમાં આંસુ બનીને ઊપસી આવતી હોય છે. આંખોની ફરતે રચાયેલાં કાળાં કૂંડાળાં એ વાતની ચાડી ફૂંકતાં હોય છે કે આ આંખો ખૂબ વરસી છે અને ખૂબ તરસી છે. બધી તરસ છિપાતી નથી, કેટલીક તરસ ગળામાં ડૂમો બનીને શ્વાસ રૂંધતી હોય છે, આપણા અસ્તિત્વને થોડું થોડું નિચોવતી હોય છે. એની યાદમાં ગળેથી કંઈ નીચે ઊતરતું નથી, એ વ્યક્તિ ગળામાં છવાઈ ગઈ હોય છે. જેને શ્વાસ જેવી સમજી હોય એ વ્યક્તિ ન હોય ત્યારે શ્વાસ તો ચાલતા હોય છે, પણ એ સૂકા શ્વાસથી માત્ર શરીર ચાલતું હોય છે, જિંદગી ધબકતી હોતી નથી!
આપણી વ્યક્તિ ન રહે તો? એ વિચાર જ અસહ્ય છે. એ કલ્પનાનો વિષય જ નથી. કલ્પના કરીએ તો થથરી જવાય. કલ્પના ગમે તેવી હોય તો પણ એ કલ્પના છે, હકીકત વધુ ગંભીર હોય છે. કોઈક અણગમતો વિચાર આવે ત્યારે આપણાથી એવું બોલાઈ જાય છે કે, ઈશ્વર કરે કોઈ સાથે એવું ન થાય, પણ ન થાય એની કોઈ ગેરંટી છે? કંઈ પણ થઈ શકે છે, એવું પણ થઈ શકે છે જેની કલ્પના પણ ન હોય. સપનામાં પણ જે વિચાર ન આવ્યો હોય એવી હકીકત જિંદગી ઘણી વખત સામે ઊભી કરી દેતી હોય છે. આપણે દિગ્મૂઢ બની જઈએ છીએ. મગજ કામ કરતું બંધ થઈ જાય છે કે આ શું ચાલી રહ્યું છે. આપણે કહેતા હોઈએ છીએ કે બધું ધીમે ધીમે થાળે પડતું હોય છે. બધી જગ્યાઓ પુરાઈ જતી હોય છે. પુરાતી હશે, પણ ખાલી પડી ગઈ એનું શું? વ્યક્તિ એ કોઈ એવું ચોરસ નથી કે એની જગ્યાએ બીજું ચોરસ ફિટ કરી દઈશું. જે ખાલીપો સર્જાતો હોય છે એ પુરાતો નથી, એ તો ખાલીખમ જ રહે છે.
એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને બહુ જ પ્રેમથી રહે. થોડાં વર્ષો થયાં. પતિ ઓફિસથી આવતો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો. મોત થયું. પત્ની માટે આ ઘટના સહન થાય એવી ન હતી. અંતિમ વિધિ પતી પછી ઘરે શાંતિપાઠ રાખ્યા હતા. એક ગુરુજી આવ્યા હતા. ગીતાના શ્ર્લોકને ટાંકીને કહ્યું કે, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કાળની ગતિને કોઈ ટાળી શકતું નથી. જે નાશ પામે છે એ તો શરીર હોય છે. આત્મા અમર છે. આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, હવા સૂકવી શકતી નથી. આત્મા તો અમર જ હોય છે. આ વાત સાંભળીને પત્નીથી ન રહેવાયું. પતિના અવસાન બાદ પહેલી વખત એનાથી બોલી જવાયું કે હા મહારાજ, આત્મા અમર હોતો હશે પણ એથી શું? આત્મા મને જવાબ નથી આપતો. હું એનું નામ બોલાવું છું ત્યારે આત્મા હોંકારો નથી આપતો. હું રોડ ક્રોસ કરું છું ત્યારે આત્મા મારો હાથ નથી ઝાલતો. આત્મા મને હસાવતો નથી. હું રડતી હોઉં ત્યારે આત્મા મને છાની રાખતો નથી. આત્મા તો મને ક્યારેક છેતરપિંડી લાગે છે. મન મનાવવાનો નક્કામો પ્રયાસ છે. એના કરતાં એમ કહોને કે, તારી વ્યક્તિ ચાલી ગઈ છે. તારે એકલાએ હવે જીવવાનું છે. એની ગેરહાજરી સહન કરવાની છે. એની યાદમાં તડપવાનું છે. આત્મા તો ખોટું આશ્વાસન છે. જે ગયું છે એ ગયું જ છે. એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પોતાનાથી જે બોલાઈ ગયું એની માફી પણ માગી. જોકે, છેલ્લે એવો સવાલ પણ કર્યો કે હું શું કરું? સહન તો થવું જોઈએને!
આપણને બધાને ખબર છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી, છતાં પણ આપણે જિંદગીને કેટલી લાઇટલી લેતા હોઈએ છીએ? આપણે એવું જ માની લેતા હોઈએ છીએ કે જે છે એ બધું એમ ને એમ જ રહેવાનું છે. હકીકત એ છે કે એ એમ ને એમ રહેવાનું નથી. સમય ક્યારેય પણ પલટી મારી શકે છે. અમુક વખતે તો એવું થાય છે કે આપણને સમજ જ ન પડે કે આ શું થઈ ગયું? એક અંગત સ્વજન સાથે બનેલી આ સાવ સાચી ઘટના છે. રાતે બંને એક જ બેડ ઉપર આરામથી સૂતાં હતાં. સૂતા પહેલાં બંનેએ હસીને વાતો પણ કરી હતી. એકબીજાને હગ કરીને બંને સૂઈ ગયાં. સવારે પત્નીની આંખ ઊઘડી અને બાજુમાં સૂતેલા પતિને જોયા. રોજની જેમ એને હલાવીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો. કોઈ જ રિસ્પોન્સ નહીં! આંખો પહોળી થઈ ગઈ. એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ પહોંચાડ્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું, આઈ એમ સોરી, હી ઇઝ નો મોર. રાતે ઊંઘમાં જ તેમને સિવિયર હાર્ટએટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. એમના શબ્દો હજુયે યાદ આવે છે કે, રાતે મારી બાજુમાં સૂતેલો જીવતો જાગતો અને હસતો બોલતો માણસ સવારે લાશ થઈ ગયો હતો! જે પથારીમાં એકસાથે વર્ષોની રાતો વિતાવી હતી એ પથારી કાળમુખી લાગે છે. રોજ સવાર એક ધ્રાસ્કા સાથે પડે છે અને રોજ રાત ઓશીકું ભીનું કરતી રહે છે!
જિંદગી જીવી લો. પોતાની વ્યક્તિને પ્રેમ કરી લો. કંઈ જ પેન્ડિંગ ન રાખો. કોઈ યાદી ન બનાવો. ફીલ કરો, દરેક પળ, દરેક શ્વાસને માણો. સુગંધી લાગતા શ્વાસને એન્જોય કરો. કોણ જાણે ક્યારે સુગંધ જતી રહે! અફસોસ ન કરવો હોય તો કોઈ ક્ષણ જતી ન કરો! જે દિલમાં છે એ કહી દો, હસી લો, ભરપૂર જીવી લો. જિંદગી હાથતાળી આપે એ પહેલાં એને થપ્પો આપી દો. તમારી વ્યક્તિને કહી દો કે તું મારી જિંદગી છે. તું મારી જિંદગીનું સૌથી મોટું કારણ છે. હું તને બહુ પ્રેમ કરું છું! રાહ ન જુઓ કે જિંદગી તમને ગળે વળગાડે, એ પહેલાં તમે જ જિંદગીને ગળે વળગાડી દો.
છેલ્લો સીન:
તમે જો નક્કી કરો તો, તમે અત્યારે જેવી જિંદગી જીવો છો તેનાથી થોડી વધુ સારી જિંદગી ચોક્કસપણે જીવી શકો. –કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 સપ્ટેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com