લાઇફ એ નથી કે જે
બને એ બનવા દેવું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધે ચર્ચાય આ સંબંધ તો?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં, તૂટશે પે…લો ઋણાનુબંધ તો?
કંઠથી છટક્યો ટહુકો મોરનો, ડાળ પરથી જો મળે અકબંધ તો?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને કોક દરવાજો કરી દે બંધ તો?
-ચિનુ મોદી, ‘ઇર્શાદ’
જિંદગી ઘટનાઓની હારમાળા છે. રોજ કંઈ ને કંઈ બનતું રહે છે. થોડુંક સારું અને થોડુંક નરસું. થોડુંક ધારેલું અને થોડુંક અણધાર્યું. થોડુંક રોકિંગ અને થોડુંક શોકિંગ. સરપ્રાઇઝ આપતા રહેવું એ જિંદગીની ફિતરત છે. જિંદગીને દર વખતે એકસરખી નજરથી ન જોવાય. ક્યારેક એને સાવ નજીકથી જોવી પડે અને ક્યારેક બહુ દૂરથી એના પર નજર નાખવી પડે. જિંદગી એ એવો પાઠ નથી કે એક ઘામાં આવડી જાય. આ તો એવું લેસન છે જેને રોજેરોજ શીખવું પડે છે અને રોજેરોજ તેના દાખલાઓ સોલ્વ કરવા પડે છે.
જિંદગી વિશે હંમેશાં એવું કહેવાતું આવ્યું છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. સાચી વાત છે, પણ એનો મતલબ જરાયે એવો નથી કે જે થાય એ થવા દેવું. જિંદગીની દરેક ઘટનાને આપણે મૂક પ્રેક્ષક બનીને જોતા ન રહી શકીએ. જિંદગીના અમુક બનાવો એવા હોય છે જેની અસરો આખી જિંદગી લંબાતી હોય છે. સ્મરણો ભુલાતાં નથી. વેદનાઓ વિસરાતી નથી. પરિણામો ભોગવવાં પડતાં હોય છે. ભૂલોને સહન કરવી પડતી હોય છે. એટલા માટે જ દરેક ઘટનાઓ પર વિચાર કરવો પડતો હોય છે. ભૂતકાળના બનાવો ભવિષ્ય પર પ્રકાશ ફેલાવી શકે અને અંધકાર પણ લાવી શકે.
જિંદગીમાં જે કંઈ બને છે એ બધું આપણા હાથમાં નથી હોતું. આમ છતાં કંઈક ન ધારેલું બની જાય પછી તો આપણે એને આપણી ઇચ્છા, મરજી અને આવડત મુજબ વાળવું પડતું હોય છે. જિંદગીમાં ભૂલો પણ થવાની. ભૂલનું એવું છેને કે એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય. અમુક ભૂલો થતા થઈ જતી હોય છે. અમુકમાં તો આપણને ખબર પણ હોય છે કે આપણે જે કરીએ છીએ એ સાચું નથી. આપણે ક્યાંક જતા હોઈએ અને ખબર પડે કે આપણે ભૂલથી ખોટા રસ્તે આવી ગયા છીએ ત્યારે આપણે યુ-ટર્ન લઈને પાછા ફરતા હોઈએ છીએ. જિંદગીમાં પણ ક્યારેક યુ-ટર્ન લેવો પડતો હોય છે.
જિંદગી આપણને ઇશારા આપતી જ હોય છે. આપણને કહેતી પણ હોય છે કે રોકાઈ જા, પાછો વળી જા. એ વખતે આપણે જિંદગીને ‘જોયું જશે’ એવી રીતે ન લઈ શકીએ. સમયસર બાજી સંભાળી લેવી પડતી હોય છે. એક રાજા હતો. તેણે પડોશી રાજા પર આક્રમણ કરવાની યોજના બનાવી. લશ્કરને તૈયાર કર્યું. સારો દિવસ જોઈ રાજા પોતાના લશ્કરને લઈ ચડાઈ કરવા નીકળ્યા. આગળ વધતા હતા ત્યાં માર્ગમાં એક સાધુની ઝૂંપડી આવી. ઝૂંપડીના ઓટલે બેઠેલા સાધુએ જોયું કે રાજા પોતાની સાથે સેના લઈને આવે છે. સાધુએ રાજાને રોક્યા. સાધુએ નમ્રતાપૂર્વક પ્રશ્ન કર્યો, ક્યાં ચાલ્યા રાજન? પહેલા તો રાજાને થયું કે આ બાવો વળી કોણ કે એ મને સવાલ કરે છે! છતાં એને થયું કે સાધુના મોઢે ક્યાં ખોટું બોલવું. રાજાએ કહ્યું કે, પડોશના રાજા પર આક્રમણ કરવા જઈએ છીએ. સાધુએ કહ્યું કે રાજન, પણ આ રસ્તો તો આગળથી બંધ છે. આ રસ્તો તો ક્યાંય જતો નથી! રાજાએ સાધુની વાત ગંભીરતાથી ન લીધી. લશ્કરને આગળ વધાર્યું. સાધુએ સાદ પાડીને કહ્યું કે, રાજન! એક વાત યાદ રાખજો, ખોટા રસ્તે જેટલા આગળ જશો એટલી જ પાછા ફરવામાં વાર લાગશે. બનવાજોગ છે કે ત્યાં સુધીમાં એ રાજા સાચા રસ્તે આવી તમારા રજવાડા પર કબજો જમાવી લે. અત્યારે તો તમારું લશ્કર તમારી સાથે છે. રજવાડું રેઢું છે. જ્યારે આપણું બધું જ રેઢું પડ્યું હોય ત્યારે સતકર્તાની વધુ આવશ્યકતા હોય છે.
રાજાએ વાત માની. લશ્કર પાછું વાળ્યું. પાછા વળ્યા પછી ખબર પડી કે ખબરીએ દગો કરીને ખોટો રસ્તો બતાવ્યો હતો. ખબરી પડોશી રાજા સાથે મળી ગયો હતો. જોકે, એ રાજા પહોંચે એ પહેલાં જ આ રાજાએ પોતાના રજવાડામાં જઈ બાજી સંભાળી લીધી અને હુમલો કરવા આવેલા રાજાને ખદેડી દીધો. રાજાને વિચાર આવ્યો કે પેલા સાધુએ સાવચેત ન કર્યા હોત તો? આભાર માનવા માટે રાજા સાધુ પાસે ગયા. સાધુને કહ્યું કે તમે ન હોત તો કોણ જાણે શું થાત? સાધુએ કહ્યું, રાજન! હું તો સાધુ છું. મારું તો કામ જ લોકોને સાચો માર્ગ બતાવવાનું છે. તમને ખબર છે રાજન, આપણી જિંદગીમાં પણ ઘણા એવા મિત્રો અને શુભેચ્છકો હોય છે જે સમય આવ્યે આપણને સતર્ક કરતા હોય છે. કોઈ ભૂલ કરતા હોઈએ ત્યારે કહે છે કે તું ખોટા રસ્તે છે. પાછો વળી જા. ઘણી વખત આપણે નથી માનતા અને પછી ભોગવવું પડતું હોય છે. મારે તો એટલું જ કહેવું છે કે, બધું આપણા હાથમાં નથી, પણ જે હાથમાં છે એ છટકી કે સરકી ન જાય એનું તો આપણે ધ્યાન રાખી જ શકીએ.
જિંદગીની એક મજા એ પણ છે કે એ તમને સુધરવાની અને સારા થવાની પૂરતી તકો આપતી રહે છે. જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી કશું જ અંતિમ હોતું નથી. આપણો એક પ્રોબ્લેમ એ પણ છે કે આપણે ભૂલોને સતત વાગોળતા રહીએ છીએ. એનાથી મુક્તિ મેળવી લેતા નથી. જિંદગીમાં અમુક સમય એવો આવે છે જ્યારે આપણે ઘણું બધું છોડીને આગળ વધી જવું જોઈએ. એક યુવતીની આ વાત છે. કોલેજમાં તેની સાથે ભણતા એક યુવાન સાથે તેને પ્રેમ થયો. પરિવારની નારાજગી હતી છતાં એણે એ યુવાન સાથે લગ્ન કર્યાં. થોડા જ સમયમાં તેને સમજાઈ ગયું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. એક સમયે તેને થયું કે હવે આની સાથે રહેવાય એમ નથી.
પતિને છોડીને એ પિયર આવી ગઈ. ઘરના લોકોની નારાજગી છતાં મેરેજ કર્યા હતા એનું ગિલ્ટ પણ સાથે હતું. જોકે, માતા-પિતા સહિત પરિવારના સભ્યો સમજુ હતાં. તેમણે કહ્યું કે, હશે, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું તારી આવતી કાલનું વિચાર. એ યુવતી પતિની બેવફાઈની પીડામાંથી બહાર જ આવતી ન હતી. કંઈ પણ વાત થાય તો એક જ વાત કહે કે એણે મારી જિંદગી બરબાદ કરી નાખી. આવી વાતો સાંભળીને એક વખત તેની માતાએ કહ્યું, તું ક્યાં સુધી એકની એક વાત ગાતી રહેવાની છે? એક વાત યાદ રાખ, તેણે તારી જિંદગી બરબાદ કરી નથી. અમુક સમય ચોક્કસ બરબાદ થયો હશે. હવે જે થાય છે એને તો તું બરબાદ કરે છે. તારે બરબાદ થવું કે નહીં એ હવે તારે નક્કી કરવાનું છે. જે થઈ ગયું એ તો ગયું, હવે તારે નવેસરથી તારી જિંદગીને ઘાટ આપવાનો છે. એ તો તારા હાથમાં છેને? તું ભલે અત્યારે એને દોષ દેતી હોય, પણ એક વાત યાદ રાખજે, હવે પછી જે કંઈ તારી લાઇફમાં બનશે એના માટે તો માત્ર ને માત્ર તું જ જવાબદાર હોઈશ. સારું થશે તો પણ અને ખરાબ થશે તો પણ! તને ખબર છે, જો કંઈ સારું ન થયું તો એના માટે દોષી તું જ હોઈશ!
આપણી લાઇફમાં જે કંઈ બને છે એને કઈ તરફ વાળવું એ આપણા હાથની વાત છે. ક્યારેક બેવફાઈ પણ થઈ શકે છે, દગો પણ થાય, ભરોસો પણ તૂટે, જેના પર જિંદગીનો દાવ ખેલ્યો હોય એ પાણીમાં પણ બેસી જાય, તો શું? અમુક ઘટનાઓ તો વહેલી પરખાઈ જાય એમાં જ સારું હોય છે. આપણે નક્કી કરવાનું હોય છે કે હવે મારે શું કરવું છે? મૂર્ખ બનવાની પણ એક હદ હોય છે. એ હદ આવી જાય પછી સમજી લેવાની જરૂર હોય છે કે હવે બસ, હવે મારે મારો રસ્તો કરવો છે.
અમુક સમયે કોઈ નિર્ણય ન કરવો એ સૌથી મોટી ભૂલ હોય છે. ચાલે એમ ચાલવા દેવું અને સહન કર્યે જવું એ ઘણી વખત આપણને જ નબળા પાડતું હોય છે. કોઈ નિર્ણયનું શું પરિણામ આવશે એનો વિચાર કરવો જોઈએ, પણ પરિણામ ખરાબ આવશે તો શું થશે એનો ભય રાખી કોઈ નિર્ણય ન કરવો એ પણ વાજબી હોતું નથી. જિંદગી નિર્ણયો કરવાની અને ખોટા નિર્ણયો લીધા હોય તો સુધારવાની ક્યાં ના પાડે છે? ક્યારેક કોઈ વાતે આપણને આપણાં સ્વજનો જ એવું પૂછતાં હોય છે કે તારે કરવું છે શું એ તો કહે? ક્યાં સુધી આમ ને આમ રહેવું છે? દરેક વખતે ચાલતું હોય એમ ચાલવા ન દો, ક્યારેક તમારે ચલાવવું હોય એમ ચલાવો. જિંદગી સામે પણ શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ નહીં. જિંદગીને પણ પડકાર ફેંકવો જોઈએ. એ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે નક્કી કરો કે મારે જેમ ચાલે છે એમ ચાલવા દેવું નથી! મારે મારા નિર્ણયો કરવા છે. હવે નિર્ણય કરવાનો સમય આવી ગયો છે એવું આપણી જાત આપણને કહેતી હોય ત્યારે વાજબી નિર્ણય લેવા તરફ આગળ વધવું એ જ ડહાપણ અને સમજદારી છે.
છેલ્લો સીન:
હું ધીમે ચાલું છું, પણ કદી પાછળ ચાલતો નથી. -અબ્રાહમ લિંકન.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 ઓગસ્ટ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com