હવે હું મન થાય એમ કરીશ, કોઈ રોકવાવાળું નથી! – ચિંતનની પળે

હવે હું મન થાય એમ કરીશ,

કોઈ રોકવાવાળું નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

વાત મારી માનશે એવુંય કંઈ નથી,

આમ પણ મારે હવે કે’વુંય કંઈ નથી,

આમ પોતાનો નથી ગણતા મને કદી,

આમ પાછું પારકા જેવુંય કંઈ નથી.

-મકરંદ મુસળે

સંયમ, સતર્કતા, સાવચેતી અને સાવધાની હંમેશાં બે રીતે આવે છે. એક તો આપણું ભલું ઇચ્છતી વ્યક્તિ આપણને ધ્યાન રાખવાનું કહે અને બે આપણે પોતે જ આપણી રીતે યોગ્ય નિર્ણયો કરીએ. બંધન સહેવાનું સહેલું છે, પણ આઝાદીને જીરવવી અઘરી છે. કોઈ કહેવાવાળું, રોકવાવાળું કે ટોકવાવાળું હોય ત્યારે આપણને એમ થાય છે કે આટલું બધું શું છે? અમે કંઈ હવે નાના નથી! અમારામાં પણ બુદ્ધિ છે. જોકે, કોઈ કંઈ જ કહેવાવાળું ન હોય ત્યારની સ્થિતિ સાવ જુદી હોય છે. આપણે જે કંઈ કરીએ એના માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. આઝાદી કે મુક્તિ આપણને સુધરવા કે બગડવાની એકસરખી તક પૂરી પાડે છે.

પંખીનું એક ટોળું હતું. ઘણાં બધાં પંખીઓ એકસાથે રહે. એકસાથે ઊડે. જે કંઈ કરે એ બધું સાથે મળીને કરે. એક દિવસ એક પંખીએ કહ્યું કે મારે તમારી સાથે નથી રહેવું. તમે બધાં કહો એમ જ મારે કરવાનું? હું તો મારા મનનો માલિક છું. મન થાય ત્યારે ઊડું અને મન થાય એમ કરું. હું એકલો રહીશ. મને આઝાદી આપો. પંખીના ટોળાનો જે વડો હતો તેણે કહ્યું કે, ભલે જેવી તારી મરજી. તું આઝાદ છે. હા, તને એટલું કહીશ કે હવે તું સાવધ રહેજે. અત્યાર સુધી શિકારીઓની જાળ જોવા માટે આપણાં બધાંની આંખો હતી. હવે તારે એકલાએ બચવાનું છે. આઝાદ હોઈએ ત્યારે આંખ વધુ ખુલ્લી રાખવી જોઈએ. તું સતર્ક રહીશ તો તારું મન થાય ત્યાં વિહરી શકીશ, પણ જો શિકારીના હાથમાં આવી ગયો તો પાંજરામાં ધકેલાઈ જઈશ. આઝાદીને તમે સમજી ન શકો તો ગુલામ બની જવાના ચાન્સીસ વધી જતા હોય છે.

સંયમ એટલે સ્વયં દ્વારા કેળવાયેલું શિસ્ત. જિંદગીને છૂટો દોર આપી શકાતો નથી. છૂટા ઘોડા મંજિલે પહોંચતા નથી. ક્યાંક જવું, ક્યાંક પહોંચવું અને ગમે ત્યાં ભાટકવું એમાં બહુ મોટો ફેર છે. જિંદગીને પણ લગામની જરૂર પડતી હોય છે. જિંદગીને પણ દિશા જોઈએ. ઘણી વખત આપણે આપણી વ્યક્તિની હાજરીથી મુક્તિ અનુભવતા હોઈએ છીએ. તું છેને, તો પછી શું ચિંતા છે. હૂંફ મુક્તિનો અહેસાસ આપે છે. કોઈ આપણી સાથે હોય ત્યારે આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે. માણસ એકલો વિચાર કરી શકે, પણ વિચાર શેર કરવા તો કોઈ જોઈએ જ. મને આવું લાગે છે. ઘણી વખત તો આપણને જ સવાલ થાય છે કે હું જે વિચારું છું એ સાચું છે કે નહીં? સારું છે કે નહીં? આપણા વિચાર પર વિચાર કરનારા લોકો કેટલા હોય છે? એ ન હોય ત્યારે આપણા વિચાર પર પણ આપણે જ વિચાર કરવો પડતો હોય છે.

પ્રેમ તો દૂરની વાત છે, માણસને તો ગુસ્સો કાઢવા માટે પણ કોઈ જોઈતું હોય છે. એક યુવાનની આ વાત છે. તેનો બોસ વિચિત્ર મગજનો હતો. દરેક વાતે ઇસ્યૂ ક્રિએટ કરે. બોસ સામે તો કંઈ બોલી શકાય નહીં. રાતે પોતાની રૂમે જઈ એ તેની ફ્રેન્ડને ફોન કરે. પોતાનો ગુસ્સો વ્યક્ત કરે. મન તો એવું થાય છે કે એને મોઢામોઢ કહીં દઉં કે તું બુદ્ધિનો બારદાન છે. તારી જાતને હોશિયાર સમજે છે, પણ તારામાં કોઈ દમ નથી. એ બધું બોલી લે પછી તેની ફ્રેન્ડ હળવેકથી કહે, બોલી લીધુંને, ગુસ્સો ઠાલવી લીધાને? તો હવે રિલેક્સ થઈ જા. નાઉં ચિયરઅપ! જસ્ટ ફર્ગેટ એવરીથિંગ! એને ખરેખર રાહત થતી. તમારી પાસે એવી કોઈ વ્યક્તિ હોય તો એ બહુ મોટી વાત છે. અંદરનો ઘુઘવાટ ઘણી વખત આપણને ખોખલો કરી દેતો હોય છે. ધ્યાન એટલું જ રાખવાનું કે આપણે આપણી વ્યક્તિને પંચિંગબેગ કે ડસ્ટબિન ન સમજી લઈએ. આપણી વ્યક્તિ આપણા માટે માત્ર ઊભરો ઠાલવવાનું, બળાપો કાઢવાનું કે ઉદાસી વ્યક્ત કરવાનું સાધન જ નથી, એ એવી જીવતી જાગતી વ્યક્તિ છે જેને પણ પોતાની સંવેદનાને પેમ્પર કરે એવું કોઈ જોઈતું હોય છે. આપણને સમર્પિત હોય એવી વ્યક્તિને આપણે ઘણી વખત ગંભીરતાથી લેતા હોતા નથી. આપણને કોઈ સતત પ્રેમ કરતું હોય, આપણું સતત ધ્યાન રાખતું હોય ત્યારે આપણી પણ થોડીક જવાબદારી બનતી હોય છે.

તમને કોણ પૂછવાવાળું છે? કોણ રોકવાવાળું છે? જોજે આમ ન કરતો અથવા તો આમ કરજે, પહોંચી જા એટલે ફોન કરી દેજે, વધુ સમય ન મળે તો માત્ર ‘રિચ્ડ’ એટલો મેસેજ તો કરી જ દેજે. આપણને ઘણી વખત આવું બધું ગમતું હોતું નથી. આપણને મુક્તિ જોઈતી હોય છે. એક છોકરાની આ વાત છે. એ મોટા શહેરમાં સ્ટડી કરવા માટે જવાનો હતો. રૂમ ભાડે લઈને પોતાની રીતે રહેવાનો હતો. એ ખુશ હતો કે હવે કોઈ મને કંઈ કહેવાવાળું નહીં હોય. તેના મિત્રો ઘરે આવ્યા હતા. વાતો કરતા હતા ત્યારે એ છોકરો બોલ્યો કે હવે હું મારું મન થાય એમ કરીશ. મને પૂછવા કે કહેવાવાળું કોઈ નહીં હોય! બરાબર એ જ સમયે એના ફાધર રૂમમાં આવ્યા. દીકરાના શબ્દો કાને પડ્યા. તેમણે દીકરાને કહ્યું, તારી વાત એકદમ સાચી છે. હવે તને કંઈ કહેવાવાળું કોઈ નહીં હોય. ન હું, ન તારી મમ્મી કે ન તો તારા આ કોઈ ફ્રેન્ડ્સ. હવે તારે બધું તારું મન કહે એમ જ કરવાનું છે. કોઈ કહેવાવાળું ન હોય ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. આપણે જ્યારે કોઈને જવાબ આપવાનો નથી હોતો ત્યારે આપણે આપણને જ જવાબ આપવો પડતો હોય છે કે હું કરું છું એ વાજબી છેને? પોતાનો સાચો જવાબ પોતાની પાસે મેળવવાનું કામ સહેલું હોતું નથી.

પોતાના લોકો સાવચેતીના બોર્ડ જેવા હોય છે. આગળ ખતરો છે, સાવધાન! પિતાએ કહ્યું, અત્યાર સુધી અમે રસ્તો બતાવવાળા હતા. હવે નહીં હોઇએ. તને ખબર છે, હાઇવે પર જતા હોઈએ ત્યારે કિલોમીટર બતાવતા માઇલસ્ટોન અને પાટિયાં આવતાં હોય છે. સ્વજનો આ પાટિયા જેવા હોય છે. હવે આવાં પાટિયાં નહીં હોય. રોડ પર જતા હોઈએ અને કોઈ જ બોર્ડ ન આવે ત્યારે ઘણી વખત આપણને સાચા રસ્તાની ખબર પડતી નથી. મંજિલ કેટલી દૂર છે, સ્પીડ વધારવાની જરૂર છે કે ઘટાડવાની એની પણ સમજ પડતી નથી. જ્યારે કોઈ બોર્ડ ન હોય ત્યારે આપણે તકેદારી રાખી આપણી રીતે જ જવું પડે છે અને ચેક કરતા રહેવું પડે છે કે ક્યાંક હું ખોટા રસ્તે તો નથીને! તારે બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે કોઈ ખોટા રસ્તે ન ચડી જવાય.

હું અગાઉ તને ક્યાંય મોકલતોને ત્યારે તને કહેતો હતો કે, જો એ સ્થળ ન મળેને તો કોઈને પૂછી લેજે. આવું પૂછતી વખતે પણ એનું ધ્યાન તો રાખવું જ પડતું હોય છે કે એવા માણસને પૂછીએ, જે સાચો રસ્તો બતાવે, કોઈ ઊંધા માર્ગે ન ચડાવી દે. જિંદગીમાં માર્ગદર્શકની જરૂર પડતી હોય છે. આમ તો એવું કહેવાય છે કે તું જ તારો માર્ગદર્શન બન, તું જ તારો સાચો પથદર્શક છે, પણ ક્યારેક આપણને આપણા જ માર્ગ પર શંકા જતી હોય છે કે હું બરાબર જાઉં છું ને? કોઈ જવાબ આપવાવાળું હોય તો ફેર પડે છે.

નિરંકુશ આઝાદી મોટાભાગે ખોટા રસ્તે ચડાવી દેતી હોય છે. દરેકનો પોતાના ઉપર એટલો કાબૂ નથી હોતો કે પોતાની જાતને જાળવે. લપસણા રસ્તા આકર્ષક દેખાતા હોય છે. મંજિલે લઈ જનારા રસ્તા ભલે ખરબચડા દેખાતા હોય, પણ એ ખોટા હોતા નથી. સારું શું એ ઘણી વખત આપણને ખબર હોય છે, પણ સાચું હોય એ સહેલું હોતું નથી.

આપણે ભાગ્યે જ આપણી વ્યક્તિને પૂછીએ છીએ કે તું મને કહેને, મારે શું ધ્યાન રાખવાની જરૂર છે? ક્યારેક તો આપણને કોઈ સામે ચાલીને એવું કહે કે તારે આ ધ્યાન રાખવાની જરૂર છે તો આપણને ગમતું નથી. આપણને એવું લાગે છે કે એ પોતાની જાતને કોણ જાણે શું સમજે છે. બધી એને જ ખબર પડે છે. મને તો જાણે કંઈ સમજ જ નથી. તમારી વ્યક્તિ તમને કંઈ કહેતી બંધ થઈ જાય તો માનવું કે એણે તમારા તરફથી ધ્યાન હટાવવાનું શરૂ કરી દીધું છે. કોઈ આપણા પરથી નજર હટાવે પછી આપણે આપણા તરફ નજર માંડવી પડતી હોય છે. રોજ સાથે હોય એવો હાથ જ્યારે છૂટી જાય છે પછી કોઈ એવું કહેતું નથી કે, સંભાળજે, પગથિયું નાનું-મોટું છે. એ હોય ત્યારે કદાચ એવું લાગે કે ટોક ટોક કરે છે, પણ એ ન હોય ત્યારે એ પગથિયું જ એની યાદ અપાવતું રહે છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેને એકબીજા સાથે બહુ જામતું ન હતું. ધરાર સાથે રહેતાં હોય એવું લાગતું હતું. બંનેને થયું કે આવી રીતે સાથે રહેવાની કોઈ મજા નથી. બંનેએ ડિવોર્સ લેવાનું નક્કી કર્યું. જુદા પડવાનો સમય હતો. બંને છેલ્લી વખત સાથે ડિનર માટે ગયાં. જમીને છૂટા પડતી વખતે પત્નીએ એક પત્ર આપ્યો. બાય કહીને બંને પોતપોતાના રસ્તે ચાલી નીકળ્યાં.

યુવાને ઘરે આવીને એ પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું. આ મારો છેલ્લો પત્ર છે. હવે પત્ર તો શું કદાચ ક્યારેય કોઈ મેસેજ પણ નહીં કરું. તારી સાથે થોડાંક વર્ષો રહી છું. તને પૂરો નહીં તો પણ થોડોક તો ઓળખી શકી છું. થોડીક વાત લખું છું. તને યોગ્ય લાગે તો માનજે. હવે તને કોઈ રોકવાવાળું નહીં હોય. તારું ધ્યાન રાખજે. બહુ સિગારેટ ન પીતો. ડ્રિંક્સ લેવામાં પણ ધ્યાન રાખજે. ક્યાંક બહાર જાય તો પૂરી તૈયારી સાથે જજે. તને આટલું ભૂલી જવાની આદત છે. એ ભૂલતો નહીં. તારો ગુસ્સો ખરાબ છે. હવે ગુસ્સો કાઢવા માટે હું નહીં હોઉં એટલે તારા ગુસ્સા પર કાબૂ રાખજે. બીજું પણ ઘણું લખ્યું હતું. છેલ્લે લખ્યું કે, આમ તો હવે મારે આ ચિંતા ન કરવી જોઈએ કે તારે શું કરવું જોઈએ. તારું મન થાય એમ કરજે, પણ ખ્યાલ એટલો રાખજે કે દરેક વાતને ટક-ટક ન સમજતો, ટક-ટક અને કેર વચ્ચેનો ભેદ સમજજે. ખુશ રહેજે. ખુશ રહેતા શીખજે, કારણ કે તારે તો ખુશી માટે પણ કોઈ જોઈતું જ હોય છે, એ મળી પણ જશે, પણ એનું જતન કરજે.

આપણી કોઈ કેર કરતું હોય ત્યારે આપણે એને કેવી રીતે જોતા હોઈએ છીએ. કોઈ એમ પૂછે કે જમી લીધું ત્યારે આપણને એવું લાગે કે ન જમી લીધું હોય તો જમી લઈશ. ભૂખ થોડી કોઈની કાકી થતી હોય છે. આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે હા મેં જમી લીધું એમ કહીએ ત્યારે કોઈકને પણ હાશનો ઓડકાર આવતો હોય છે. દરેક પૂછવાવાળું, કહેવાવાળું, રોકવાવાળું કે ટોકવાવાળું આપણી આઝાદી છીનવતું હોતું નથી એ આપણને ખુશ જોવા ઇચ્છતું હોય છે. આપણે એને કેવી રીતે જોતા હોઈએ છીએ? અમુક બંધનો આપણા માટે મુક્તિ જેવાં હોય છે એટલે જ તો આપણને અમુક વ્યક્તિઓ પાસે હાશ થતી હોય છે.

છેલ્લો સીન :

સંજોગો માણસને ઘડતા નથી, એ તો તેનું પારખું કરે છે. માણસ પોતાની જાતને જાતે જ ઘડે છે.    -જેમ્સ એલન

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 ઓગસ્ટ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *