ફેઇલ્યોર મ્યુઝિયમ : નિષ્ફળતા
વગરની કોઇ સફળતા હોતી નથી!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
ગમે તે સફળ માણસને પૂછી જોજો,
એણે ક્યારેક તો નાની કે મોટી
નિષ્ફળતાનો સામનો કર્યો જ હશે.
નિષ્ફળતાના કારણે જે અટકી નથી જતાં એ
વહેલા કે મોડા મંજિલે પહોંચતાં જ હોય છે.
સ્વિડનમાં હમણાં શરૂ થયેલું અનોખું
‘ફેઇલ્યોર મ્યુઝિયમ’ એવો જ મેસેજ આપે છે કે
ડરો કે ડગો નહીં, આગળ વધો.
જિંદગીમાં બે વસ્તુ બહુ જ અઘરી હોય છે. એક, સફળતાને પચાવવી અને બે, નિષ્ફળતાને સમજવી. નિષ્ફળતા એ સફળતાના માર્ગે આવતી અત્યંત સહજ સ્થિતિ છે. કોઇપણ સફળ માણસને પૂછી જોજો, એની પાસે એની નિષ્ફળતાની કહાનીઓ હશે. ઇન્દિરા હોય કે અમિતાભ, સચિન હોય કે સાનિયા, દીપિકા હોય કે એન્જેલીના જોલી કોઇપણનું નામ લો, એની જિંદગીમાં નાના-મોટા અપ-ડાઉન આવ્યા જ છે. આપણે મોટાભાગે સફળતાઓની જ ગાથા ગાઇએ છીએ, નિષ્ફળતા વિશે બહુ ઓછી વાતો થાય છે. એડમંડ હિલેરીએ એવરેસ્ટ સર કર્યું એ પહેલાં ઘણી વખત પોતના પ્રયાસોને પડતા મૂકવા પડ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે જેના ઉપર સફળતાનું ઝનૂન સવાર છે એ નિષ્ફળતાઓથી ડરતા નથી, ફેઇલ્યોરને ઓવરકમ કરી પોતાનાં સપનાઓને પૂરાં કરે છે.
એક વસ્તુ યાદ રાખવા જેવી એ છે કે નિષ્ફળતા તો ક્યારેક ને ક્યારેક આવવાની જ છે. આજે નિષ્ફળતાની વાત માંડવાનું એક કારણ આ મહિનાની શરૂઆતમાં એટલે કે તારીખ 7મી જૂન, 2017ના રોજ સ્વિડનમાં શરૂ થયેલું તદ્દન અનોખું ફેઇલ્યોર મ્યુઝિયમ છે. નિષ્ફળતાઓનું સંગ્રહાલય. 43 વર્ષના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ સેમ્યુઅલ વેસ્ટે આ મ્યુઝિયમ તૈયાર કર્યું છે. સેમ્યુઅલ કહે છે કે, મારો ઇરાદો એક જ વાત લોકો સુધી પહોંચાડવાનો છે કે દરેક મહાન કંપનીઓએ ભૂલો કરી છે. કોઇએ અમુક વસ્તુઓ એનો સમય બરાબર પાકે એ પહેલાં બનાવી લીધી હતી અને કોઇએ તો તદ્દન વાહિયાત પ્રોડક્ટનું જ ઉત્પાદન કર્યું હતું. બહુ મહેનત અને રિસર્ચ પછી બજારમાં મૂકેલી વસ્તુ ધબાય નમ: થઇ જાય ત્યારે કામચલાઉ સેટબેક આવે એ સ્વાભાવિક છે પણ પડી ગયા પછી ઊભા થઇ ધૂળ ખંખેરી પાછા ચાલવા માંડીએ, એવી જ રીતે આ કંપનીઓએ પોતાના ગ્રાફને ઊંચો લઇ જવાનું ચાલુ રાખ્યું હતું.
આજે બેસ્ટ કંપનીઝમાં જેની ગણના થાય છે એ એપલ અને ગૂગલે પણ ભૂલો કરી છે. એપલ ન્યૂટન નામની એની પ્રોડક્ટ તદ્દન ફ્લોપ સાબિત થઇ હતી. આ ફેઇલ્યોર મ્યુઝિયમમાં અલગ અલગ કંપનીની આવી 70થી વધુ પ્રોડક્ટ્સ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે, જે બજારમાં આવતા વેંત જ ગુમ થઇ ગઇ હતી. ગૂગલે ભારે ધૂમધડાકા સાથે ‘ગૂગલ ગ્લાસ’ માર્કેટમાં મૂક્યા હતા, જે ચાલ્યા નહીં. કંપનીને હતું કે તેની આ પ્રોડક્ટ ક્રાંતિકારી સાબિત થશે, જોકે એ ચશ્માં કોઇને ફાવ્યા જ નહીં. આવા તો બીજાં ઘણાં ઉદાહરણો છે. દાખલા તરીકે, કોકોકોલાની બ્લેક કોફી, પેપ્સીની ક્રિસ્ટલ ક્લીયર સોડા, નોકિયાનો એન-ગેજ, હાર્લી ડેવિડસન પર્ફ્યૂમ, કોડાક ડિજિટલ કેમેરા, સોનીનું બેટામેક્સ, કોલગેટ ફ્રોઝન લસુન્ગા, ફેટ ફ્રી પ્રિન્ગલ્સ (વેફર). આ લિસ્ટ ઘણું લાબું છે. વાત એટલી જ કે મહાન કંપનીઓએ પણ મહાન લોચા માર્યા છે! મજાની વાત એ પણ છે કે, આ ફેઇલ્યોર મ્યુઝિયમ બનાવનાર સેમ્યુઅલ વેસ્ટે મ્યુઝિયમની વેબસાઇટ માટે ડોમેન ખરીદતી વખતે મ્યુઝિયમનો સ્પેલિંગ જ ખોટો લખી માર્યો હતો!
નિષ્ફળતા તો આવે અને જાય, આપણે અટકવાનું નહીં! લાઇટના બ્લબ, ફોનોગ્રાફ, કાર્બન ટ્રાન્સમીટર જેવી વસ્તુઓના શોધક અને જેના નામે 1093 પેટન્ટ બોલે છે એ ધ ગ્રેટ સાયન્ટિસ્ટ થોમસ આલ્વા એડિસનની વાત તમને ખબર છે કે નહીં? તારીખ 9મી ડિસેમ્બર, 1914નો એ દિવસ હતો. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલ એડિસનની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ આગ લાગી. એનું વર્ષોનું સંશોધન એની નજર સામે ભડભડ સળગી રહ્યું હતું. એડિસન જરાયે અપસેટ કે ઘાંઘા થયા નહીં. ઊલટું એણે શું કર્યું?
એડિસને એના 24 વર્ષના દીકરા ચાર્લ્સને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે તારી મા ક્યાં છે? એ જ્યાં હોય ત્યાંથી એને શોધી લાવ. આગનું આવું દૃશ્ય એણે ક્યારેય જોયું નહીં હોય, કદાચ હવે પછી ક્યારેય જોવા ન પણ મળે!
થોમસ આલ્વા એડિસનની એ સમયે ઉંમર કેવડી હતી? 67 વર્ષ! આગથી બધું ભસ્મીભૂત થઇ ગયું પછી એડિસને પોતાના મિત્ર હેનરી ફોર્ડ પાસેથી મોટી રકમની લોન લઇ કામ શરૂ કરી દીધું અને એ પછી એમણે ઘણી મહત્ત્વની શોધો કરી! એડિસને આગની ઘટના બાદ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ને આપેલ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, આગની હોનારતમાં મારી બધી ભૂલો, ખામીઓ અને નિષ્ફળતાઓ બળીને રાખ થઇ ગઇ, ભગવાનનો આભાર કે હવે હું નવી ભૂલો કરી શકીશ.
નિષ્ફળતા પછી માથે હાથ દઇને બેઠા રહેવાનો કોઇ અર્થ હોતો નથી. નિષ્ફળતા એટલે બધું ખતમ થઇ ગયું એવું ક્યારેય હોતું નથી. હા, નિષ્ફળતા થોડીક ડિસ્ટર્બ તો કરે, દુ:ખ અને અફસોસ પણ થાય, જોકે જેટલી બને એટલી ઝડપથી તેનાથી મુક્ત થઇ જવું જોઇએ. ‘ફેઇલ્યોર મ્યુઝિયમ’ની એક ટેગલાઇન પણ યાદ રાખવા જેવી છે. લર્નિંગ ઇઝ ધ ઓન્લી વે ટુ ટર્ન ફેઇલ્યોર ઇનટુ સક્સેસ. સતત શીખતા રહો, સફળતા તો મળવાની જ છે!
પેશ-એ-ખિદમત
વો હમેં રાહ મેં મિલ જાએ જરૂરી તો નહીં,
ખુદ-બ-ખુદ ફાસલે મિટ જાએ જરૂરી તો નહીં,
જિંદગી તૂ ને તો સચ હૈ કિ વફા હમ સે ન કી,
હમ મગર ખુદ તુજે ઠુકરાએ જરૂરી તો નહીં.
– જાહિદા જૈદી.
30થી વધુ પુસ્તકો લખનાર અલીગઢના જાહિદા જૈદીએ 11મી જાન્યુઆરી, 2011ના રોજ 81 વર્ષની વયે વિદાય લીધી. તેમણે નાટકો પણ લખ્યાં છે અને નાટકોમાં અભિનય પણ કર્યો હતો. બહુમુખી પ્રતિભા ધરાવનાર જાહિદા જૈદીની ગણના દેશના અગ્રણી ઉર્દૂ શાયરોમાં થાય છે.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 25 જુન 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com