તું કોઈનું સારું જોઈને કેમ રાજી થતો નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું કોઈનું સારું જોઈને

કેમ રાજી થતો નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બંધ દરવાજાની ભીતર કોણ છે,

હું જો બહાર છું તો અંદર કોણ છે?

લાવ, ચાખી જોઈએ ખારાશને,

તું નદી છે તો સમંદર કોણ છે?

-હનીફ સાહિલ.

‘મારા માટે ખુશીની વ્યાખ્યા એટલે તારું ખુશ હોવું. તું મજામાં હોય એટલે મારી આસપાસ પણ આનંદ આળોટતો હોય. તારા ચહેરા પરનું હાસ્ય મને થોડોક ખીલવી દે છે. તારો તરવરાટ મારામાં થોડોક થનગનાટ ઉમેરે છે. તું જ તો કારણ હોય છે મારી મસ્તીનું. તારાથી વધુ કશું છે જ નહીં. તું મારા બધા નિયમોનો અપવાદ છે. તારા કારણે જ તો મારું આયખું આબાદ છે. તારી સફળતા એ મારું સુખ છે. તારું સપનું, એ મારી મંજિલ છે અને તારી મંજિલ એ મારું સપનું છે.’ તમે કોના માટે આવું કહી શકો છો? કોના સુખથી તમને ફેર પડે છે? કોનું અસ્તિત્વ તમારા માટે આહ્ લાદક છે? કોની નજર તમારા માટે નશો છે? કોનું સાંનિધ્ય તમારા માટે સમયની સાર્થકતા છે? કોનાં ટેરવાંની ટોચનો સ્પર્શ તમારા રોમેરોમને મહેકાવી દે છે? એને સાચવી રાખજો. એ આપણી હયાતિના હિસ્સેદાર હોય છે. એની પાસે વ્યક્ત થવામાં કોઈ કમી ન રાખતા.

એક છોકરીને એની બહેનપણીએ પૂછ્યું. તું એનામાં એવું તે શું જોઈ ગઈ કે એના પ્રેમમાં પડી ગઈ? તને એની કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ? પ્રેમિકાએ કહ્યું, એ કોઈનું સારું જોઈને રાજી થાય છે. કોઈએ સારું કામ કર્યું હોય તો એ ખુલ્લા દિલે વખાણ કરે છે. જેનું દિલ સાફ હોય એ જ બીજાની તારીફ કરી શકે. એનામાં સ્વીકાર છે. એનામાં સહજતા છે. હું એને જોઈને વધુ સારી બનું છું. મને તેની સાથેની એક ઘટના યાદ આવે છે.

અમે કોલેજમાં હતા. કોલેજના એન્યુઅલ ફંક્શન વખતે મોનો એક્ટિંગ કમ્પિટિશન હતી. સ્પર્ધા જીતવા તેણે ખૂબ મહેનત કરી હતી. તેણે બેસ્ટ પર્ફોમ કર્યું. એના પછી બીજા પાર્ટિસિપેન્ટ્સે પર્ફોમ કર્યું. રિઝલ્ટ આવવાનું હતું ત્યારે મેં એને પૂછ્યું, શું લાગે છે? તેણે બહુ નિખાલસતાથી કહ્યું કે, હું બીજા નંબરે આવીશ! રિઝલ્ટ આવ્યું ત્યારે ખરેખર એવું થયું. એ બીજા નંબરે જ આવ્યો. મેં તેને પૂછ્યું કે તને કેમ ખબર પડી? ફર્સ્ટ આવેલા વિશે તેણે કહ્યું કે એનું પર્ફોમન્સ ધ બેસ્ટ હતું. એ જ ફર્સ્ટ પ્રાઇઝ ડિઝર્વ કરતો હતો. મેં પૂછ્યું, તને ઈર્ષા નથી થતી? તેણે કહ્યું, બિલકુલ નહીં. ઈર્ષા કરવાનો કોઈ મતલબ જ નથી. જે બેસ્ટ હોય એને જ મળવું જોઈએ. મારે ફર્સ્ટ આવવું હતું. મને એ સમજાયું કે હવે મારે ફર્સ્ટ આવવું હશે તો મારે વધુ મહેનત કરવી પડશે. એટલું જ નહીં, જે ફર્સ્ટ આવ્યો એને હગ કરીને તેણે અભિનંદન આપ્યાં. તેનાં વખાણ કર્યાં. તેને શુભકામના પાઠવી. એનું આવું વર્તન જ મને ટચ કરી જાય છે.

આપણે વખાણ કરતા હોઈએ છીએ, પણ જ્યાં આપણે પોતે સ્પર્ધામાં ન હોઈએ ત્યાં! આપણે તો નાની-નાની વાતમાં પણ ઈર્ષા કરતા હોઈએ છીએ. આપણે બધી જ જગ્યાએ છવાઈ જવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આમ જુઓ તો એમાં કંઈ ખોટું પણ નથી. ખોટું એ છે જ્યારે કોઈ છવાઈ જાય ત્યારે આપણાથી સહન ન થાય. આપણી માનસિકતા કે આપણી ફિલોસોફી કોઈના આધારિત ન હોવી જોઈએ, એ આપણા આધારિત જ હોવી જોઈએ. બે મિત્રોની વાત છે. બંને સરસ મજાના ફ્લેટમાં રહેતા હતા. થોડાંક વર્ષો પછી એક મિત્રે બંગલો બનાવ્યો અને ત્યાં રહેવા ગયો. બીજા મિત્રે ફ્લેટમાં રહેતાં મિત્રને કહ્યું, હવે તું પણ મસ્ત મજાનો બંગલો બનાવી લે. આ વાત સાંભળીને પેલા મિત્રે કહ્યું, ના મને એવી કોઈ જરૂર લાગતી નથી. મારો ફ્લેટ પૂરતો છે. મને આટલી જગ્યા ગમે છે. બીજી વાત એ કે મારી કંઈ એની સાથે હરીફાઈ નથી. એ એની પસંદ છે અને આ મારી ચોઇસ છે.

આપણી પાસે આપણાં પૂરતું હોય તો પણ આપણાથી વધુ કોઈનું જોઈને આપણે કેમ રાજી થતાં નથી? પોતાની જરૂરિયાતો માણસે પોતે નક્કી કરવાની હોય છે. આપણાં દુ:ખનું એક અને સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે આપણાં સુખની સરખામણી પણ કોઈના સુખ સાથે કરતા રહીએ છીએ. કોઈ પાસે વધુ હોય અથવા તો કોઈ આપણાથી આગળ હોય એટલે આપણે માની લઈએ છીએ કે એ આપણાથી વધુ સુખી છે. આપણે જ્યાં સુધી આપણને સુખી ન માની શકીએ ત્યાં સુધી આપણને કોઈ સુખી ન કરી શકે. સુખી તો માણસે પોતે જ થવું પડે. સુખી થવા માટે સંપત્તિની જરૂર નથી, પણ સમજની જરૂર છે.

સુખ આલિશાન હોતું નથી. સુખ તો સૂક્ષ્મ હોય છે. સુખને અઢળક સાથે કંઈ લાગતું વળગતું નથી. સુખ તો અલ્પ છે. એક રૂમ રસોડાના ઘરમાં પણ સુખ ધબકતું હોય છે અને આલિશાન મકાનમાં પણ ઉદાસી અંજાયેલી હોય છે. સુખને આપણે બહુ મર્યાદિત બનાવી દીધું છે, એટલે જ દુ:ખ વિકરાળ લાગે છે.

કોઈ સારા અને સહજ માણસને જોઈને આપણે એવું કહીએ છીએ કે, એ બહુ ડાઉન ટુ અર્થ છે. ડાઉન ટુ અર્થ એટલે શું? એટલે કદાચ એવું કે, એ જેવો હોવો જોઈએ એવો જ માણસ છે! માણસ જેવા માણસ હોવું એ પણ આજે એક સિદ્ધિ ગણાવા લાગી છે, તેનું કારણ એ છે કે બધા માણસ બની શકતા નથી. બધા ડાઉન ટુ અર્થ રહી શકતા નથી. જે ડાઉન ટુ અર્થ નથી એના માટે આપણે ક્યારેય એવું નથી કહેતા કે, ‘અપ ટુ અર્થ’ છે. અપ ટુ અર્થ કોઈ હોતું નથી, એ વાત જુદી છે કે ઘણા લોકો ‘હવા’માં હોય છે. હવામાં રહેનારા લોકો એ ભૂલી જતાં હોય છે કે હવા બદલાતી હોય છે. હવાનું રૂખ પલટાતું રહે છે. તમે ડાઉન ટુ અર્થ હશો તો જ જમીન સાથે જોડાયેલા રહેશો. હવામાં રહેનારા ઘણા ઊડી જતા હોય છે.

ખેલદિલી માત્ર રમતના મેદાનમાં જ બતાવવાની નથી હોતી, ખેલદિલી તો રોજેરોજ જીવવાની હોય છે. મિત્રોનું એક ગ્રૂપ હતું. એક મિત્રને સારી જોબ મળી. બીજા એક મિત્રે ખાનગીમાં કહ્યું કે, એ સાલ્લો આગળ નીકળી ગયો. હવે ભારમાં ફરશે. પોતાની જાતને કંઈક સમજશે. આ વાત સાંભળીને તેના મિત્રે કહ્યું કે, યાર તું કોઈનું સારું જોઈને ખુશ કેમ નથી થતો? એ શું કરશે એની ચિંતા તું શા માટે કરે છે? તારે શું કરવું જોઈએ એનો વિચાર કરને! ક્યાં સુધી તું બીજાની ટીકા અને ઈર્ષા કરતો રહીશ? તું સફળ થવાના પ્રયાસ કર, પણ બીજાની સફળતાને તારા સુખ કે દુ:ખનો આધાર ન બનાવ!

હમણાંની જ એક વાત છે. એક છોકરીને એક્ઝામમાં બેસ્ટ માર્ક્સ આવ્યા. સેન્ટરમાં એનો નંબર હતો. રિઝલ્ટ આવ્યું એટલે એની મમ્મીએ કહ્યું કે, હવે આખા ફેમિલીવાળા બળી જશે. હવે બધાને ખબર પડશે કે તું કેટલી આગળ છે! આપણાં કરતાં વધુ સુખી છે એનાં છોકરાંવ ડોબાં છે. આપણી પાસે ઓછું છે, પણ બધાને બતાડી દીધું. આ વાત સાંભળીને દીકરીએ બહુ સલુકાઈથી કહ્યું કે, મમ્મી, મેં આ કંઈ કોઈને બતાડી દેવા માટે નથી કર્યું! મારે કોઈને બાળવા નથી. તું પણ એવું ન વિચાર. આપણી પાસે ઓછું છે તો શું થયું? એને અને મારી પરીક્ષાના રિઝલ્ટને શા માટે જોડે છે? તારે ખુશ થવું હોય તો મારા રિઝલ્ટથી ખુશ થા, પણ કોઈ બળશે એ વિચારીને ખુશ ન થા. એ વાજબી નથી.

સુખને ક્યારેય સ્પર્ધામાં ન ઉતારો, એવું કરશો તો દુ:ખી થશો. રાજી રહેવાવાળા જ રાજી કરી શકતા હોય છે. પોતાને સુખી સમજતાં હોય એ જ બીજાને સુખી કરશે. સરખામણી કરતા રહેશો તો કંઈ સરખું નહીં લાગે. નક્કી કરજો કે તમારે સુખી દેખાવવું છે કે સુખી થવું છે? સુખી થવું હોય તો તમારા પાસે સુખનાં પૂરતાં કારણો છે જ. સુખનાં કારણો પકડી રાખજો નહીંતર દુ:ખનાં કારણો તમને વળગેલાં જ રહેશે!

છેલ્લો સીન:

તમારી વાણીને મૌન કરતાં સારી બનાવો અથવા ચૂપ રહો.    –ડાયોનિસિયસ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 મે 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું કોઈનું સારું જોઈને કેમ રાજી થતો નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. excellent and touchy..
    every article of yours is a gem,
    it touches in many ways to my life & looks like every article is written on me or for me.
    salute to your thinking & writting
    regards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *