‘મા’ની સામે દિવસે ને દિવસે પડકારો વધતા જાય છે! – દૂરબીન

‘મા’ની સામે દિવસે ને દિવસે

પડકારો વધતા જાય છે!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

સમયની સાથે ‘મા’નો રોલ

રોજે રોજ બદલાતો જાય છે.

ઓફિસમાં કામ કરતી માનો જીવ

ઘરમાં એકલાં પડી ગયેલાં દીકરા કે દીકરીમાં હોય છે.

સંતાન માટે કરિયરનો ભોગ આપનાર

માતાઓની સંખ્યા નાનીસૂની નથી.

 

ઢગલાબંધ જવાબદારીઓને કારણે

ઘણી બધી માતાઓ માતૃત્વ એન્જોય કરી શકતી નથી.

 

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક વિડિયો તમે જોયો જ હશે. બાળકની સંભાળ રાખનારી એક આયા ઘરમાં કોઇ નથી હોતું ત્યારે બાળકને બેફામ મારે છે. ધક્કા દઇને એને પછાડે છે. બાળકના રુદનમાંથી જાણે કોઇ પિશાચી આનંદ મળતો હોય એવા એના હાવભાવ છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. આ ક્લિપ જોઇને આપણા મોઢામાંથી શબ્દો સરી પડે કે, કેવી બદમાશ હશે એ બાઇ જે બાળક સાથે જલ્લાદની જેમ વર્તે છે! બે ઘડી વિચાર કરો કે, એ બાળકની માતાએ જ્યારે આ ક્લિપ જોઇ હશે ત્યારે એના પર શું વીતી હશે? આવું જુએ પછી કોઇપણ મા આયા તો શું, કોઇના ભરોસે પોતાના બાળકને ન રાખે! આ ક્લિપ જોઇને એક માતાએ નોકરી મૂકી દીધી હતી. મારા સંતાનથી વિશેષ મારા માટે કશું જ નથી, મારી કરિયર પણ નહીં. સંતાનો કોઇના ભરોસે છોડી મારે કોઇ સફળતા મેળવવી નથી.

 

આવા તો અનેક વિડિયો વાઇરલ થયા છે. આવી વાતો બહુ ફેલાઇ એટલે સીસીટીવીની એક કંપનીએ પોતાની એડ જુદી રીતે જ બનાવી છે, એ તમે જોઇ? એક માતા ઘરમાં લગાડેલા સીસીટીવી કેમેરાની મદદથી પોતાના મોબાઇલ પર ઘરમાં શું ચાલે છે એ જોતી હતી. તેણે જોયું કે, આયા તેના બાળકનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખતી હતી. સતત એક કલાક સુધી માએ બધું જોયું. આયા ઉપર તેને માન થઇ ગયું. તેણે ઘરે ફોન કર્યો. આયાને પૂછ્યું શું કરે છે? આયાએ કહ્યું, મેડમજી બસ ઘર મેં કામ કર રહી થી. માએ કહ્યું, તું જમી લે, ક્યારનું તેં કંઇ ખાધું જ નથી! મેસેજ એ હતો કે, બધી આયાઓ બદમાશ હોતી નથી અને બીજો મેસેજ એ પણ હતો કે અમારા સીસીટીવી કેમેરા તમને  શાંતિ પણ આપશે અને હાશ પણ કરાવશે!

સીસીટીવી કેમેરા તો અમુક લોકોના જ નસીબમાં હોય છે. માંડ માંડ ઘરનું પૂરું કરતા હોય એને આવી ‘લક્ઝરી’ પોસાતી નથી. પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય ત્યારે મહામહેનતે બે છેડા ભેગા થતા હોય છે. એક માના ઉદ્ ગાર આવા હતા કે, બાળકને કોઇના ભરોસે મૂકવાની વેદના આટલી બધી તીવ્ર અને પીડાદાયક હશે એની ખબર હોત તો હું બાળક જ ન કરત! બીજો હમણાં જ જોયેલો એક કિસ્સો છે. દીકરીની સંભાળ રાખવા માએ નોકરી છોડી દીધી. તેણે કહ્યું કે, થોડાક ઓછામાં ચલાવી લેશું પણ આને નજરથી દૂર થવા નથી દેવી. કોઇ વળી એવું કહે છે કે એકાદ વરસનું થઇ જશે ને પછી જોબ પાછી જોઇન કરી લઇશ. જોકે એ સમય પછી પાછો આવતો જ નથી.

માતૃત્વ એન્જોય કરવાનો સમય છે. ખરેખર કેટલી માતાઓ માતૃત્વ એન્જોય કરતી હોય છે? ઘણી માતાઓની માનસિક હાલત તો ખરાબ થઇ જાય છે. એક સાયકિયાટ્રિસ્ટ મિત્રએ કહેલી આ વાત છે. તેની એક પેશન્ટે સંતાન માટે જોબ છોડી દીધી. એ ક્યારેય આખો દિવસ ઘરમાં જ રહી નહોતી. ધીમે ધીમે તેને એવું થવા લાગ્યું કે શું હું આ બધું કરવા માટે જ આટલું ભણી-ગણી હતી? મારી કરિયરનું શું? મારાં સપનાઓ તો ધૂળધાણી થઇ ગયાં ને? તેના પતિ સાથે પણ ઝઘડા થવા લાગ્યા. તને તો કંઇ પડી જ નથી. મારે જ ભોગ આપવાનો? છોકરું મારી એકલીનું છે? પતિ સમજુ હતો, તે શાંતિથી તેને સમજાવતો કે મારે એકે તો કામ કરવું પડશે ને? ફિલ્મ ‘કી એન્ડ કા’માં ભલે રોલ ચેન્જ કરવાની વાતો થઇ હોય પણ પુરુષ ગમે એવો હોય તો પણ એ માનો રોલ નિભાવી જ ન શકે. એક કુર્દિશ કહેવત છે, પુરુષનું કામ સૂર્યોદયની સૂર્યાસ્ત સુધીનું છે, જ્યારે માતાનું કામ અનંત છે.

એક સમય હતો જ્યારે ફેમિલીઝ જોઇન્ટ હતાં. બાળક ક્યાં મોટું થઇ જતું એ ખબર પડતી ન હતી. હવે પતિ-પત્ની એકલાં છે. બંનેને પોતપોતાની સ્ટ્રગલ છે. બંનેને પોતપોતાનાં સપનાં છે. અગાઉના સમયમાં બાળક માટે પ્લાનિંગ્સ ન થતાં, હવે તો પોઇન્ટ ટુ પોઇન્ટ પ્લાનિંગ્સ કરવાં પડે છે. માત્ર બાળકને જન્મ આપવાનું પ્લાનિંગ જ નહીં, એની સ્કૂલથી માંડીને કોલેજ સુધીનું વ્યવસ્થિત આયોજન કરવું પડે છે. બાળકની પરવરીશ અને અભ્યાસ હવે પડકાર બની ગયા છે. એક સમયે નાનું કુટુંબ, સુખી કુટુંબ માટે અમે બે અને અમારાં બે એવું બોલાતું. હવે તો એકે હજારા જેવું થઇ ગયું છે.

મા ઓલવેઝ મહાન જ હોય છે. અગાઉ પણ મહાન હતી અને અત્યારે પણ ગ્રેટ છે. અલબત્ત, અત્યારની મા વધુ પડકારોનો સામનો કરી રહી છે. એ બાળક માટે બધું જ છોડી દે છે, જે છોડી નથી શકતી એ પણ ગમે એમ કરીને મેનેજ કરી લે છે. કુદરતે સ્ત્રીને જન્મથી જ ‘મલ્ટિ ટાસ્કિંગ’ બનાવી છે. તમે માર્ક કરજો કિચનમાં કે ઓફિસમાં એ એક સમયે અનેક કામ કરી શકશે. કદાચ એટલે જ આપણી દેવીઓને એક કરતાં વધુ હાથવાળી બતાવવામાં આવી છે. પુરુષની સરખામણીમાં સ્ત્રીમાં સમયે સમયે ચોક્કસ પ્રકારના હોર્મોનલ ચેન્જીસ આવે છે, એ બધાને અતિક્રમીને એ પોતાનો રોલ બખૂબી નિભાવતી જાય છે.

અગાઉના સમયમાં સ્ત્રી ઘરનો અને પુરુષ બહારનો મોરચો સંભાળતો હતો. હવે સ્ત્રી માત્ર ઘરનો જ નહીં, બહારનો મોરચો પણ સંભાળે છે, જ્યારે પુરુષના ભાગે તો હજુ મોટાભાગે માત્ર બહારનો મોરચો જ સંભાળવાનું કામ છે. નો ડાઉટ, થોડીક સ્થિતિ સુધરી છે, ઘણા જેન્ટ્સ ફાધરવૂડને સમજીને સાથ આપે છે, જોકે એ માના તોલે તો ન જ આવે!

અત્યારની મોડર્ન મા હસતાં મોઢે માતૃત્વ નિભાવી રહી છે એ કાબિલેદાદ છે. એકદમ હાયપર અને નાની વયે ગેઝેટ્સથી રમવા લાગતાં બાળકોને ઉછેરવા એ ખાવાના ખેલ નથી. સૂરજ ઊગે એ પહેલાં ઊઠીને બધું જ સંભાળી લેતી આજની મા ઓફિસના પ્રેઝન્ટેશન આપતી વખતે પણ એટલી જ સ્વસ્થ હોય છે. યાદ આવે એટલે મોબાઇલના વોલપેપર પર દીકરા કે દીકરીનો ચહેરો જોઇને થોડીક મલકી લે છે અને મનોમન બોલે છે કે હમણાં આવું છું હોં! મને ખબર છે તું મારી રાહ જુએ છે પણ તને ખબર નથી કે હું તારી પાસે આવવા કેટલી તડપું છું! ઓફિસેથી ઘરે પહોંચી પોતાના બાળકને ગળે વળગાડે ત્યારે જે દૃશ્ય ખડું થાય છે એ અલૌકિક હોય છે. કોઇપણ ઉપમા જેની પાસે ટૂંકી પડે એનું નામ મા! મધર્સ ડેના આજના અવસરે તમામ માતાઓને વંદન. છેલ્લે એક ચાઇનીઝ કહેવત… આ પૃથ્વી પર એક જ સુંદર બાળક છે અને દરેક મા પાસે એ હોય છે!

 

પેશ-એ-ખિદમત

ઇસ તરહ મેરે ગુનાહો કો ધો દેતી હૈ,

મા બહૂત ગુસ્સે મેં હોતી હૈ તો રો દેતી હૈ.

                         -મુનવ્વર રાણા

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 14 મે 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *