તમે ફોન પર વાતની શરુઆત ‘હેલો’થી કરો છો? : દૂરબીન

તમે ફોન પર વાતની

શરુઆત ‘હેલો’થી કરો છો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

 

હવે સ્ક્રીન પર કોલ કરનારનું નામ ઝળકે છે એ

ટલે ‘હેલો’ની ફોર્માલિટીઝ બાજુએ મૂકીને વાત શરૂ થઇ જાય છે.

ટેક્નોલોજીએ ઘણી સ્ટાઇલ બદલી નાખી છે.

 

હેલો શબ્દ વિશે એમ પણ મનાય છે કે

આ શબ્દ અત્યંત કોમળ છે. તે બે વ્યક્તિને જોડે છે.

તેનાથી આત્મીયતા વધે છે. બે વ્યક્તિ મળે અને

હાથ મિલાવે ત્યારે પણ હેલો બોલે છે.

 

 તમે ફોન પર વાત શરૂ કરતી વખતે સૌથી પહેલા શું બોલો છો? આમ તો આપણને તરત જ ‘હેલો’ શબ્દ યાદ આવે. એક સમય હતો જ્યારે ફોન પર વાતની શરૂઆત જ ‘હેલો’ શબ્દથી થતી. હજુ પણ હેલો શબ્દનો મોટા પાયે ઉપયોગ થાય છે, જોકે મોબાઇલ ટેક્નોલોજીના કારણે હવે લોકો હેલો બોલવાને બદલે કાં તો લાડકા નામે બોલવા લાગ્યા છે અથવા તો સીધા જ વાત પર આવી જાય છે. તમે માર્ક કરજો, તમે હેલો બોલો છો કે પછી બીજો કોઇ શબ્દ?

 

હવેનો જમાનો મોબાઇલ ફોનનો છે. લેન્ડ લાઇન ફોન ગાયબ થતા જાય છે. ફોનની રિંગ વાગે એ સાથે જ ફોન કરનારનું નામ સ્ક્રીન પર ઝળકે છે. નામ વાંચીને આપણે હેલો કરવાને બદલે સીધું જ એવું કહેવા લાગ્યા છીએ કે, હા બોલ, શું હતું? વડીલનો ફોન હોય તો નમસ્કાર અંકલ કહીને વાત શરૂ કરીએ છીએ. બોસનો ફોન હોય તો યસ સર કહીને વાત ચાલુ થાય છે. પત્ની કે પ્રેમિકા હોય તો હં જાનુ, યસ ડાર્લિંગ, સ્વીટ હાર્ટ કે પછી લાડકું નામ હોય તેનાથી વાત શરૂ થાય છે.

 

એક સમય હતો જ્યારે સામે છેડે કોણ છે એની ખબર ન પડતી. ફોન કરનારને એ ખબર ન હોય કે કોણ ફોન ઉપાડશે અને ફોન ઉપાડનારને એનો અંદાજ ન આવતો કે ફોન કરનાર કોણ છે? હવે તો માત્ર નામ અને નંબર જ નહીં, ફોન કરનારનો ફોટો પણ આવી જાય છે. આપણે ફોન નંબર સેવ ન કર્યો હોય તો પણ ટ્રુકોલર કે તેના જેવી બીજી એપ કહી દે છે કે જે નંબરથી ફોન આવ્યો છે એ ફોન કોનો છે. હા, હજુ અજાણી વ્યક્તિને અથવા તો પહેલી વખત વાત કરતા હોઇએ ત્યારે હેલોનો ઉપયોગ થાય છે, ઓળખાણ આપીને અને સામેની વ્યક્તિનો પરિચય મેળવીને વાત આગળ વધારાય છે. ઘણા તો પહેલી વખત ફોન કરતા પહેલાં મેસેજ કરે છે કે મારું નામ આ છે અને આ સંદર્ભે મારે તમારી સાથે વાત કરવી છે, તો હું તમને ક્યારે ફોન કરી શકું? એ વાત જુદી છે કે હજુ આપણા દેશમાં લોકોએ ફોન મેનર્સ અને કોલ કર્ટસી મામલે ઘણું શીખવાનું બાકી છે.

 

પાંચ દિવસ પછી તારીખ 10મી માર્ચ આવે છે. આજથી 141 વર્ષ પહેલાં ઇ.સ. 1976ની 10મી માર્ચે જ ફોનની શોધના પેટન્ટ મેળવાયા હતા. હવે એ વાત તો જગજાહેર છે કે ફોનની શોધ ગ્રેહામ બેલે કરી હતી. ફોનની શોધ થઇ એ પછી હેલો શબ્દ સૌથી વધુ બોલાતા શબ્દોમાં સ્થાન પામ્યો છે. વેલ, આ હેલો શબ્દ આવ્યો ક્યાંથી? એના વિશે બે-ત્રણ વાતો કરવામાં આવે છે. હેલો શબ્દને પ્રચલિત કરવામાં વૈજ્ઞાનિક થોમસ એડિસનનો પણ આડકતરો ફાળો છે.

 

એક વાત એવી છે કે ફોનના શોધક ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ માર્ગરેટ હેલો હતું. ગ્રેહામ તેને પ્રેમથી હેલો જ કહેતા. વર્ષોની મહેનત પછી ગ્રેહામ બેલે બે ફોન બનાવ્યા હતા. આ બેમાંથી એક ફોન તેણે પોતાની પાસે રાખ્યો અને બીજો ફોન પોતાની પ્રેમિકા હેલોને આપ્યો. ફોન બરાબર કામ તો કરે છે ને? અવાજ રિસીવ થાય છે ને? એ ચેક કરવા માટે ગ્રેહામ બેલે પ્રેમિકા પર પસંદગી ઢોળી હતી. ગ્રેહામ બેલ વાત શરૂ કરે એ પહેલાં ‘હેલો’ બોલીને પ્રેમિકાને સંબોધન કરતા. એ ગ્રેહામ બેલની પ્રેમિકા હેલોનું નામ આજે પણ આપણે બધા બોલીએ છીએ. અલબત, આ વાત સાચી હોવાના મામલે મતમતાંતર છે.

 

ફોનની શોધ પછી ધીમે ધીમે તેની સંખ્યા વધતી ગઇ. એ સમયે એવું પણ બોલાતું હતું કે આર યુ ધેર? તમે લાઇન પર છો? જોકે આ વાક્ય બધાને લાંબું લાગતું અને તેમાં કોઇ ઉષ્મા પણ વર્તાતી ન હતી. 1877માં વૈજ્ઞાનિક થોમસ એડિસને પીટસબર્ગની સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપનીના અધ્યક્ષ ટીબીએ સ્મિથને એક પત્ર લખ્યો અને વિનંતી કરી કે ફોન કરતી વખતે સ્વાગત શબ્દ તરીકે હેલોનો ઉપયોગ કરવો જોઇએ. એ પછી હેલો શબ્દનો ઉપયોગ શરૂ થયો. ટેલિફોન એક્સચેન્જમાંથી ફોન જોડી આપવાનું કામ છોકરીઓ કરતી. એ છોકરીઓ પણ ‘હેલો ગર્લ્સ’ તરીકે ઓળખવામાં આવતી હતી.

 

હેલો વિશે હવે એક બીજી વાત. ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી મુજબ હેલો શબ્દનું મૂળ જર્મનીનું છે. જર્મનમાં એક શબ્દ છે હાલા. ઘણા લોકો તેને હોલા પણ કહે છે. હોલાનો મતલબ થાય છે, કેમ છો? આમ હેલો શબ્દ તેના પરથી પણ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. એમ તો એવું પણ કહેવાય છે કે પ્રાચીન સમયમાં દરિયામાં જતા લોકો સમુદ્ર યાત્રા વખતે હેલો શબ્દનો ઉપયોગ કરતા હતા.

 

હેલો શબ્દ વિશે એમ પણ મનાય છે કે આ શબ્દ અત્યંત કોમળ છે. તે બે વ્યક્તિને જોડે છે. તેનાથી આત્મીયતા વધે છે. બે વ્યક્તિ મળે અને હાથ મિલાવે ત્યારે પણ હેલો બોલે છે. આપણે પણ વાતચીતમાં એવું બોલીએ છીએ કે હાય-હેલો કરતાં જઇએ. ટેક્નોલોજીમાં પરિવર્તન ગમે એટલું આવે તો પણ ‘હેલો’ શબ્દનું મહાત્મય ઘટવાનું નથી, હા લોકો કદાચ ફોન પર વાત કરવામાં તેનો ઉપયોગ થોડોક ઓછો કરે પણ સાવ તો બંધ થાય એવું કોઇ માનતું નથી.

અગાઉના સમયમાં તો કોઇ ફોન કરે અને હેલો બોલે તો તેજતર્રાર લોકો હેલોનો ટોન સાંભળીને સામે છેડેથી કહેતા કે, હં બોલ રાજેશ! ફોન કરનાર ઇમ્પ્રેસ થઇ જતો કે આને તો ફોન પર જ વોઇસ ટોનથી ખબર પડી જાય છે કે કોણ બોલે છે. જોકે હવે તો આવી રીતે સીન-સપાટા પણ બંધ થઇ ગયા છે.

 

ફોનના નંબર મોઢે હોવાને પણ એક આવડત ગણાતી. ઘણા લોકો એવા હતા જેને અસંખ્ય નંબર મોઢે હોય. પુશબટનવાળા ફોન આવ્યા પછી ઘણા લોકો ડાયલ પર હાથ રાખી મ્યુઝિક વગાડતા હોય એ સ્ટાઇલથી ફોન લગાડી દેતા. હવે આ બધું આઉટ ઓફ ડેટ થઇ ગયું છે. હવે તો પતિને પત્નીના નંબર પણ યાદ નથી હોતા! કોઇ નંબર પૂછે તો ફોન બુક ચેક કરીને કહેવું પડે છે. કોઇના ફોન નંબર તો દૂરની વાત છે, ઘણાને તો ખુદના ફોન નંબર પણ યાદ નથી હોતા. કોઇ પૂછે તો કહે હું ‘શેર’ કરી દઇશ!

 

સમય અને ટેક્નોલોજી સાથે બધું જ બદલાય છે. મોબાઇલે તો માણસની લાઇફ સ્ટાઇલથી માંડી માનસિકતા સુધીનું ઘણં બધું બદલી નાખ્યું છે. આ બધામાં હેલો શબ્દ પણ થોડો ઘણો ઓછો વપરાય એ સ્વાભાવિક છે, જોકે આ શબ્દ બોલોતો તો રહેવાનો જ છે અને આપણે હાય-હેલો કરતા રહેવાના છીએ.

 

પેશ-એ-ખિદમત

દિલ આબાદ કહાઁ રહ પાયે ઉસ કી યાદ ભુલા દેને સે,

કમરા વીરાઁ હો જાતા હૈ ઇક તસ્વીર હટા દેને સે,

આલી શેર હો યા અફસાના યા ચાહત કા તાના બાના,

લુત્ફ અધૂરા રહ જાતા હૈ પૂરી બાત બતા દેને સે.

 (વીરાઁ-વેરાન, લુત્ફ-મજા)    -જલીલ ‘આલી’

 

ઉર્દૂ શાયર જલીલ આલીનો જન્મ 12મી મે, 1945ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. ભાગલા વખતે તેનો પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો. તેઓ હાલમાં રાવલપિંડીમાં રહે છે. તેમને અનેક એવોર્ડ્ઝથી નવાજવામાં આવ્યા છે.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 03 માર્ચ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

 

 

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *