ખોટી તો ખોટી, થોડીક સહાનુભૂતિ તો બતાવ! – ચિંતનની પળે

ખોટી તો ખોટી, થોડીક

સહાનુભૂતિ તો બતાવ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હાથને ચીરો તો ગંગા નીકળે, છેવટે એ વાત અફવા નીકળે,

સ્તબ્ધ આંખોમાં કરો ખુલ્લી તપાસ, ભોયરાંઓ એમાંથી ક્યાં ક્યાં નીકળે,

એ શું કબરસ્તાનનું કાવતરું છે, મુઠ્ઠીઓ ખોલો તો મડદાં નીકળે,

દાબડીમાં એક માણસ બંધ હોય, ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

-રમેશ પારેખ.

 

કંઈ ચિંતા ન કરતો, હું બેઠો છું. આ શબ્દોમાં જાદુઈ તાકાત છે. દરેક માણસની જિંદગીમાં ક્યારેક તો એવો તબક્કો આવતો જ હોય છે જ્યારે તેને સહાનુભૂતિ, હૂંફ કે સાંત્વનાની જરૂર પડે. માણસની હાજરી અને તેનું મૂલ્ય એવા સમયે જ પરખાતું હોય છે. હું બેઠો છું એ શબ્દો કોઈને ઊભા કરવા માટે પૂરતા છે. એ વાત તદ્દન સાચી છે કે કોઈ કોઈનું દુ:ખ લઈ શકતું નથી. જોકે, એ દુ:ખ હળવું જરૂર કરી શકે. કોઈને આપણે જરાકેય હળવાશ આપી શકીએ તો એ બહુ મોટી વાત છે.

 

મારે કોઈની જરૂર નથી. મને મારી તાકાતથી જીવતા આવડે છે, આવું ઘણા લોકો બોલતા હોય છે. એક ફિલ્મમાં એવો ડાયલોગ હતો કે હું એકલો જીવી શકું છું અને એકલો મરી પણ શકું છું. માણસ એકલો મરી શકે, પણ માણસ એકલો જીવી શકતો નથી. જીવવા માટે કોઈ જોઈતું હોય છે. તમે એક આખો દિવસ કોઈને મળ્યા વગર કે કોઈની સાથે વાત કર્યા વગર રહી શકો? એકાંત પણ અમુક સમયે જ ગમે છે. એકાંતનો મહિમા ખૂબ ગવાયો છે. માણસે પોતાની સાથે રહેવું જોઈએ. પોતાની સાથે સંવાદ કરવો જોઈએ. પોતાની જાતને ફીલ કરવી જોઈએ. બધી જ વાત સાચી, પણ એકાંતનો પણ અંત હોય છે. એકાંત લંબાઈ જાય તો એકલતા બની જાય છે. માણસ પોતાનાથી પણ થાકી જાય છે. એકાંત અમુક મિનિટ્સ કે અમુક કલાક સારું લાગે, આખું આયખું એકાંતમાં નીકળે નહીં.

 

મને મજા આવી એવું કહેવા માટે પણ આપણને કોઈ જોઈતું હોય છે. તમને ખબર છે, તમને ખૂબ જ મજા આવી હોય એ પછી તમે એ કહ્યા વગર રહી નથી શકતા. હા, બધાને આપણે નથી કહેતા, પણ અમુક લોકોને તો કહ્યા વગર નથી જ રહેવાતું કે યાર એટલી મજા આવી છે કે વાત જવા દે! આટલું કહ્યા પછી પણ આપણે એ કહેવું હોય છે કે આપણને શું મજા આવી. તમે આવી વાત કરતા હોવ અને સામેવાળો માણસ એવું કહી દે કે, રેવા દે, મારે તારી વાત નથી સાંભળવી. તને ગમે એવી મજા આવી હોય એમાં મારે શું? અલબત્ત, કોઈ આવું કહેતું નથી. માનો કે કોઈ મિત્ર આવું કહે તો પણ આપણે કહીએ છીએ કે ના તારે સાંભળવું જ પડશે. દુ:ખ, મુશ્કેલી, તકલીફ કે વ્યથાના સમયે આપણને આપણા લોકોની જરૂર પડતી હોય છે.

 

એક યુવાનની વાત છે. એ વિદેશ સ્ટડી માટે ગયો હતો. એક વખત એકલો બહાર જતો હતો અને સ્લિપ થઈ ગયો. થોડી વાર બહોશ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો. કોઈ ગંભીર ઇન્જરી ન હતી. આ વાત જ્યારે નીકળે ત્યારે એનાથી એક વાક્ય ઓલવેઝ બોલાઈ જાય, તને ખબર છે એ વખતે મારી સાથે કોઈ નહોતું. હું સાવ એકલો હતો. એ ઘટના કરતાં એકલા હોવાની વેદના તેના ચહેરા પર વધુ તરવરી જતી હતી. કંઈક ઘટના બને કે આપણા ફ્રેન્ડ્સ તરત જ પહોંચી જાય છે. આ કેવડી મોટી વાત છે એ તો જ્યારે કોઈ ન હોય ત્યારે આપણને સમજાતી હોય છે. જિંદગીની ઘણી ઘટનાઓ એવી હોય છે જ્યારે આપણે આપણી વ્યક્તિને કહીએ છીએ કે યાર, તું હાજર રહેજે હોં.

 

એક છોકરીનું ઓપરેશન હતું. ઓપરેશનથી એને ડર લાગતો હતો. ડૉક્ટરે એને પૂછ્યું કે શું કરું તો તને ડર ન લાગે? એણે કહ્યું, મારા આ પાંચ મિત્રોને બોલાવો. મને એનેસ્થેસિયા આપો ત્યારે એમને મારી સામે રહેવા દો. હું બેહોશીમાં સરતી હોઉં ત્યારે મારે એ બધાને ધીમે ધીમે ઓઝલ થતા જોવા છે. તમને એમ થશે કે એ ઓઝલ થઈ જશે, પણ હું એવું ફીલ કરીશ કે એ પાંચેયને મેં ધીમે ધીમે મારી અંદર ઉતારી લીધા. મારું ઓપરેશન થતું હશે ત્યારે એ પાંચેય મારી સાથે હશે. મને પછી ડર નહીં લાગે. હું ભાનમાં આવતી હોઉં ત્યારે પણ એ પાંચેય સામે હોવા જોઈએ. ઓપરેશન થઈ ગયું. એ ભાનમાં આવી ત્યારે તેના પાંચેય મિત્રો એનો હાથ પકડીને બેઠા હતા. એના ચહેરા પર હાસ્ય છલકાયું. તેણે કહ્યું, તમે ન હોતને તો પહેલાં મને ઓપરેશનની પીડા યાદ આવત, તમે છો એટલે મારા ચહેરા પર હાસ્ય આવી ગયું.

 

જિંદગીમાં અમુક ઘટનાઓ એવી બને છે જ્યારે આપણે અમુક લોકોને ઝંખતા હોઈએ છીએ. એ ઘટના સારી પણ હોઈ શકે અને નરસી પણ હોઈ શકે. આપણા ચહેરાના હાવભાવ સમજી જાય એવી આંખો માટે આપણે તરસતા હોઈએ છીએ. એ ન હોય ત્યારે તરસતી આંખો વરસતી થઈ જાય છે. બે મિત્રોની વાત છે. બંને સાથે જ હોય. એક સમય એવો આવ્યો જ્યારે બંને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો. મળવાનું ઓછું થઈ ગયું. વાત કરવાનું ઘટી ગયું. એક મિત્ર સાથે એક ખરાબ ઘટના બની. એનો મિત્ર એને યાદ આવતો હતો. મિત્રએ સંપર્ક ન કર્યો. આખરે એણે સામેથી ફોન કર્યો. બધી વાત કરીને કહ્યું કે યાર ખોટી તો ખોટી, થોડીક સહાનુભૂતિ તો બતાવ. તારી સાંત્વનાની આદત પડી ગઈ છે. ઘણા લોકો છે, પણ તું નથી તો જાણે કોઈ નથી. તારા શબ્દો મારા માટે મહત્ત્વના છે. ભલે ખોટું બોલ, પણ કંઈક તો બોલ. એટલું તો કહે કે હું તારી સાથે છું. મિત્રએ કહ્યું, હું પાંચ મિનિટમાં આવું છું. એ આવીને વળગી પડ્યો. ભીની આંખો ઘણી વખત આખી ડિક્શનરીના શબ્દો કરતાં વધુ બયાન કરતી હોય છે.

 

તમે કોઈના માટે આટલા મહત્ત્વના છો? હોવ તો એની સાથે રહેજો. આપણાથી કોઈને ફેર પડતો હોય તો એ બહુ મોટી વાત છે. કોઈ રાહ જોતું હોય એવું પણ દરેકના નસીબમાં નથી હોતું. જવાની મજા તો જ છે જો કોઈ રાહ જોતું હોય. કાર લઈને આપણે જતા હોઈએ અને જેની પાસે જતા હોઈએ એનો ફોન આવે કે ક્યાં પહોંચ્યા? હજુ કેટલી વાર લાગશે? આવું પૂછે ત્યારે આપણને અંદરથી એમ થતું હોય છે કે એને મારી રાહ છે. આપણને જલદી પહોંચવાનું મન થાય છે. આપણા જવાથી કોઈને ફેર પડતો ન હોય ત્યાં જવાની આપણને ઉતાવળ પણ હોતી નથી.

 

પોતાની વ્યક્તિ રૂઠે કે ગમતો હાથ છૂટે ત્યારે વેદના બેવડાતી હોય છે. સંબંધમાં કોઈ અંટસ પડે ત્યારે ગાંઠ થોડીક હળવી બાંધવી જોઈએ, જેથી જરૂર પડે ત્યારે આસાનીથી છૂટી શકે. દરેક સંબંધને એક તક તો મળવી જ જોઈએ. એક દીકરીની વાત છે. તેણે ઘરના લોકોની નારાજગી વહોરી લવમેરેજ કર્યા હતા. પિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. આજથી તારો ને મારો સંબંધ પૂરો. તારા માટે હું મરી ગયો. હવે મને કોઈ દિવસ મોઢું ન બતાવતી. હું મરી જાઉં તોય ન આવતી. તારી સાથે હવે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. સમય વીતતો ગયો. પિયરમાંથી કોઈ સંપર્ક થતો ન હતો.

 

એ દીકરી થોડા સમય પછી પ્રેગ્નન્ટ થઈ. એનાથી ન રહેવાયું. પિતાને એણે પત્ર લખ્યો. તમે મને કહેતા હતા કે તું મારું મુદ્દલ છે અને તારું સંતાન મારું વ્યાજ હશે. મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું હોય. મુદ્દલ માટે નહીં તો કંઈ નહીં, વ્યાજ માટે તો આવો! મારા માટે ન આવો પણ એના માટે તો આવો. એને તો વંચિત ન કરો. એનો તો કંઈ જ વાંક નથી. પપ્પા, તમને ખબર છે તમે ગુસ્સે થતાં પછી રાતે મને આઇસક્રીમ ખાવા લઈ જતા. સાચું કહું, તમે નારાજ થતાં એ પછી મનમાં એવું થતું કે આજે આઇસક્રીમ મળશે. તમારાથી દૂર થઈ એ દિવસથી દરરોજ એવું થાય છે કે પપ્પા નારાજ થયા છે, પણ એ આવશે અને મને આઇસક્રીમ ખાવા લઈ જશે. દરરોજ હું આઇસક્રીમની રાહ જોઉં છું. બહુ સમય થઈ ગયો પપ્પા, હવે આઇસક્રીમ ખાવા ક્યારે લઈ જશો?

 

તમે જેના માટે જરૂરી છો એની સાથે તમે છો? તમારી હાજરી એ કોઈના સુખનું કારણ હોઈ શકે છે. રાઇટ સમયે રાઇટ જગ્યાએ હોઈએ એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે. તમે તમારી વ્યક્તિથી નારાજ છો? હોવ તો પણ, નારાજગીને એટલી લાંબી ન ખેંચો કે કોઈ ઝૂરતું રહે. કોઈ તમારા અવાજની રાહ જોતું હોય તો એને સાદ દો. ઘણાં ફૂલો અમીછાંટણાને જ તરસતાં હોય છે, તમે થોડુંક વરસો તો એ પાછાં જીવતાં થઈ જાય!

 

છેલ્લો સીન :

પ્રેમ, લાગણી, સ્નેહ અને આત્મીયતા તો આપણી રાહ જ જોતાં હોય છે, મોટાભાગે તો આપણે જ મોડું કરતા હોઈએ છીએ.          –કેયુ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 01 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *