મોતના સમાચારમાં લોકોને
પહેલેથી રસ પડતો આવ્યો છે!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
હમણાં ફિલ્મ અભિનેત્રી ફરીદા જલાલના
મૃત્યુની અફવા ઊડી હતી.
લતા મંગેશકરથી માંડી અભિતાભ બચ્ચન સુધીની
સેલિબ્રિટીઝ સાથે આવું થઇ ચૂક્યું છે.
લોકો આંખો મીંચીને ધડાધડ અફવાઓ ફોરવર્ડ કરી દે છે!
એક સમય એવો આવશે જ્યારે
સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ એ ‘સંસ્કાર’ ગણાશે!
મૃત્યુ એ દરેક જિંદગીની એક નિશ્ચિત ઘટના છે. જે જન્મે છે એ મરે છે. મોત ડરામણી ચીજ છે. પોતાના મોતની કલ્પના આવે ત્યારે ભલભલો માણસ ધ્રૂજી જાય છે. મોતનો ડર એ અત્યંત સ્વાભાવિક ઘટના છે. જિંદગી ગમે એવી હોય તો પણ આપણને ગમતી હોય છે. ગમવી જ જોઇએ. જિંદગી છે જ જીવવા માટે. મોતનો વિચાર નથી કરતો એ માણસ સુખી હોય છે. કોઇ મરવાની વાત કરે તો પણ આપણે કહીએ છીકે કે, યાર એવું નહીં બોલને! સિત્તેર-એંસી વર્ષના ઘરના વડીલો પણ જ્યારે કહે કે હવે જવાનો સમય થઇ ગયો છે તો પણ આપણે કહીશું કે, એવી વાત ન કરો. તમે તો સો વર્ષના થવાના છો. આપણે આશીર્વાદ પણ શતમ્ જીવ શરદ: એટલે કે સો વર્ષ જીવવાના આપીએ છીએ. માણસને જીવવાથી સંતોષ થતો હશે? ઘણું જીવી લીધું, હવે ભગવાન બોલાવી લે તો વાંધો નહીં એવું ઘણા વડીલો બોલતા હોય છે. આવા શબ્દો નીકળે ત્યારે સંતોષ જવાબદારી નિભાવી લીધાનો હોય છે કે પછી જિંદગી જીવી લીધાનો? મોતની પણ દરેકની અંગત માન્યતાઓ હોય છે અને પોતીકો ભય હોય છે.
મોત કોઇને ગમતું નથી. ન જ ગમવું જોઇએ. એ તે કંઇ ગમાડવાની ચીજ છે? ગમાડવાની ચીજ તો જિંદગી છે. આવવાનું હશે ત્યારે આવશે ત્યાં સુધી શું એનાથી ડરવાનું? એક જ વાર આવવાનું છે ને? અને એ પણ છેલ્લી વાર જ હશે. મરદ અને ઝિંદાદિલ માણસ એક જ વાર મરે છે, ડરપોક માણસ રોજે રોજ મરે છે. મોતને કોઇ રોકી શક્યું છે? નથી રોકી શક્યું? તો પછી એનાથી ડરાવનું શું? મજા કરો ને! સમજાય નહીં એવી એક વાત એ હોય છે કે મોતથી ડરતો માણસ જિંદગીને કેમ એન્જોય કરતો નથી? ભરપૂર જીવી લેવાનો નિર્ણય કેમ કરતો નથી? હકીકતે તો માણસને મોતનો વિચાર આવે ત્યારે તેણે વિચાર ડાયવર્ટ કરી જિંદગીનો વિચાર કરવો જોઇએ કે, હું મોજથી જીવી લઇશ!
હવે બીજી વાત, પોતાના મોતથી ડરતો માણસ બીજાના મોત વિશે કાન સરવા કરીને સાંભળતો હોય છે અને આંખ પહોળી કરીને વાંચતો હોય છે. મોત ચોંકાવનારી ઘટના છે. મોત કુતૂહલનો વિષય છે. આજકાલથી નહીં, પહેલેથી મોત એ રસનો વિષય રહ્યો છે. તમારે માર્ક કરવું હોય તો કરજો. તમે કોઇને એવું કહેજો કે, હું આવતો હતો ને ત્યારે રોડ ઉપર એક માણસ મરી ગયો. એ તરત જ પૂછશે, શું થયું હતું? આપણે કે એને, બેમાંથી કોઇને મરી ગયો હોય એ માણસ સાથે કંઇ લાગતું વળગતું ન હોય તો પણ આપણે વાત કરીશું અને સાંભળશું. છેલ્લે પાછા એવા ઉદ્્ગાર પણ કાઢશું કે કેવું થતું હોય છે નંઇ? મોતનું કંઇ નક્કી થોડું હોય છે! અમુક નજરે જોયેલા મોતનાં દૃશ્યો માણસને લાંબો સમય સુધી સતાવતાં રહે છે. લાખ પ્રયાસ છતાં એ નજર સામેથી ખસતાં નથી.
વ્હોટ્સએપથી મોકલાયેલી કે સોશિયલ મીડિયા પર અપલોડ થયેલી અમુક મોતની ક્લિપ આપણે ડરતાં ડરતાં જોઇએ છીએ અને ફોરવર્ડ પણ કરીએ છીએ! શરૂઆતમાં લખ્યું હોય કે કાચા-પોચા હૃદયના માણસોએ આ વિડિયો ન જોવો, તો તો આપણે ખાસ જોઇએ છીએ! આપણને એ વિડિયો ન ગમ્યો હોય, ઘૃણાજનક લાગ્યો હોય અને ડિસ્ટર્બ કરી ગયો હોય તો પણ આપણે ગ્રૂપમાં મૂકી દેશું! આવું આપણે શા માટે કરતાં હોઇએ છીએ? કોઇને દુ:ખી કરવા? હું ડિસ્ટર્બ થયો તો તમેય થાવ! કંઇપણ ફોરવર્ડ કરતાં પહેલાં કે ગ્રૂપમાં મૂકતા પહેલાં તમે બે સેકન્ડ માટે પણ એવું વિચારો છો કે આ મૂકવા કે મોકલવા જેવું છે કે નહીં? આવ્યું એટલે ફટકારી દેવાનું એ જ ઘણાની પોલિસી થઇ ગઇ હોય છે.
સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના આ હાઇટેક યુગમાં સત્ય કરતાં અસત્ય અને હકીકત કરતાં અફવા વધુ ઝડપથી ફેલાય છે. હમણાં ફિલ્મી અભિનેત્રી ફરીદા જલાલના મૃત્યુની અફવા ફેલાઇ. એમણે ખુલાસો કરવો પડ્યો કે હું સાજી-નરવી છું. ફરીદા જલાલ કંઇ આવી અફવાનો ભોગ બન્યાં હોય એવાં પહેલા વ્યક્તિ નથી. લતા મંગેશકરથી માંડીને અમિતાભ બચ્ચન સુધીની સેલિબ્રિટીઝ આવી અફવાઓનો ભોગ બની છે. કોની કોની સાથે આવું થયંુ છે એ નોંધવા બેસીએ તો લાંબું લિસ્ટ બનાવવું પડે એમ છે. એવું પણ નથી કે આવું માત્ર આપણા દેશમાં જ થાય છે. કાગડા બધે જ એક સરખા કાળા છે. બ્રિટનની ક્વીન એલિઝાબેથ હવે આપણી વચ્ચે રહ્યાં નથી એવી અફવાઓ અનેક વખત ઊઠી છે.
ઘણા લોકો એવા હોય છે જે માત્ર ને માત્ર ‘ફન’ ખાતર આવી ખોટી અફવા શરૂ કરે છે. જોઇએ તો ખરા શું થાય છે? અથવા તો મજા આવશે એવું વિચારીને આવું કામ શરૂ કરે છે. સોશિયલ મીડિયા એવી ચીજ છે કે એક વખત કંઇ હાથમાંથી સરક્યું પછી એને ફેલાતા જરાયે વાર નથી લાગતી. અમુક ‘ડાહ્યા’ લોકો વળી એમાં ઉમેરો કરીને આગળ વધારે છે. અમિતાભના કિસ્સામાં એવું જ થયું હતું. વર્ષો અગાઉ અમિતાભને હોસ્પિટલ લઇ જવાયા હતા એ સમયનો ફોટો એટેચ કરીને તેમના મૃત્યુની અફવા ફેલાવાઇ હતી.
આપણે ત્યાં લોકો એવું બોલીને મન મનાવી લે છે કે મોતની વાત ઊડે તો આવરદા વધે. દિલ કો બહલાને કે લિયે ગાલિબ, યે ખયાલ અચ્છા હૈ! એ તો સારું છે કે જેના વિશે આવી અફવા ઊડે છે એ તરત જ ખુલાસા કરી દે કે ભાઇ મને કંઇ નથી થયું! શાંતિથી જીવવા દો ને! મોત કોઇનું પણ હોય એના વિશે જાણ્યા વગર ફોરવર્ડ કરવું એ કોઇ રીતે વાજબી નથી. કન્ફર્મ કરવાની કોઇ દરકાર કરતું નથી. માનો કે કોઇ ખરેખર અવસાન પામ્યું હશે તો વહેલી કે મોડી ખબર પડવાની જ છે. આટલી બધી ઉતાવળ શા માટે હોય છે? આશ્ચર્યની વાત તો એ હોય છે કે આ વાત અફવા છે એવી વાત આખા ગામને ખબર પડી ગઇ હોય અને જેને ખબર ન હોય એને મેસેજ મળે તો એ ફટ દઇને ફોરવર્ડ કરી દે છે, સામેથી એવો જવાબ આવે કે ભાઇ આ વાત ખોટી છે. અલબત્ત, કોઇ એમ નથી લખતું કે કહેતું કે ભાઇ જરાક તપાસ કરીને તો ફોરવર્ડ કરો, આમ ઠોકંઠોક શું કરો છો?
આપણે ત્યાં વોટ્સએપ, બીજા મેસેન્જર્સ અને સોશિયલ મીડિયાનો આડેધડ ઉપયોગ થાય છે. બધા વાતો કરે છે કે ટાઇમ બગડે છે, સવારે ઊઠીને ત્યાં ગુડ મોર્નિંગના મેસેજીસ આવી જ ગયા હોય, જે ડે ઉજવાતા નહોતા એની શુભકામનાઓ પણ ફરવા લાગે છે, જોકે કોઇ બંધ નથી થતું ઊલટું ધીમે ધીમે વધતું જ જાય છે. જો આવું જ ચાલ્યું ને તો એક સમયે સોશિયલ મીડિયાના સાચા અને સારા ઉપયોગને ‘સંસ્કાર’ ગણવામાં આવશે. બીજાને ભલે જે કરવું હોય એ કરે, આપણે એક તો એવું નક્કી કરીએ કે, એટલિસ્ટ હું તો આવું નહીં કરું! સ્વચ્છતા ફક્ત કચરાની જ નથી હોતી, બીજી ઘણી સ્વચ્છતા પણ કેળવવી પડે એમ છે!
પેશ-એ-ખિદમત
દિલ પાગલ હૈ રોજ નઇ નાદાની કરતા હૈ,
આગ મેં આગ મિલાતા હૈ ફિર પાની કરતા હૈ,
યાદોં સે ઔર ખ્વાબોં સે ઔર ઉમ્મીદોં સે રબ્ત,
હો જાયે તો જીને મેં આસાની કરતા હૈ.
(રબ્ત: આત્મીયતા) – ઇફ્તિખાર આરિફ
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 26 ફેબ્રુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)