છોકરા-છોકરીઓ હવે જુદી
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
હવે એવી એપ્લિકેશન્સ આવી ગઇ છે
જે તમારા પ્રેમી, તમારા પતિ કે તમારી પત્નીની
તમામ હરકતો છતી કરી દે!
ટેક્નોલોજીના કારણે લોકો
નજીક આવવાને બદલે દૂર થઇ રહ્યા છે!
કેવું છે? પ્રેમ, વફાદારી, ઇમાનદારી,
પ્રામાણિકતા જેવું કંઇ સાબિત થતું નથી
અને બેવફાઇ ફટ દઇને પકડાઇ જાય છે!
તમારી પાસે મોબાઇલ છે? હશે જ! આજે કયો એવો માણસ છે જેની પાસે મોબાઇલ ન હોય! મોબાઇલ હોય તો તમે એક વાત યાદ રાખજો. તમારી તમામે તમામ હરકત ઉપર ગમે તે વ્યક્તિ નજર રાખી શકે છે. તમે કોની સાથે વાત કરો છો, તમે શું વાત કરો છો, કોની સાથે કેટલી વાત કરી, કોને મેસેજ કર્યો, કોની સાથે ચેટ કરી, કોના ફોન અને મેસેજ આવ્યા, કેટલા ફોટા પાડ્યા, કેટલા વિડિયો લીધા, કોને મોકલ્યા, કોના તરફથી આવ્યા, તમે ક્યારે ક્યાં ગયા, ક્યાં સુધી રોકાયા, કઇ વેબસાઇટ કે એપ સર્ફ કરી, કઇ કરતાં કંઇ જ ખાનગી, છૂપું, અંગત કે સિક્રેટ નથી. તમારી પોલ ગમે ત્યારે ખૂલી શકે છે. આ બધું જાણવું એટલું બધું આસાન છે કે આપણને માન્યામાં ન આવે!
જ્યારથી આ મોબાઇલ આવ્યો છે ત્યારથી માણસ વધુ જૂઠાડો, વહેમી, શંકાશીલ, અવિશ્વાસુ અને ભેદી બની ગયો છે. મોબાઇલ નામનું ડિવાઇસ આમ તો એકબીજાને નજીક રાખવા માટે છે પણ હવે હાલત એ થઇ રહી છે કે મોબાઇલના કારણે લોકો નજીક આવવાને બદલે દૂર થઇ રહ્યા છે. તમારો પ્રેમી, તમારી પ્રેમિકા, તમારો પતિ, તમારી પત્ની, તમારાં સંતાનો કે પછી તમે જેને ઓળખો છો એ વ્યક્તિ શું કરે છે એ જાણવા માટે હવે જાસૂસ કે ડિટેક્ટિવ રોકવાની જરાયે જરૂર નથી. ફોન હેક કરીને રેકોર્ડ મેળવવાની પણ કોઇ આવશ્યકતા નથી. હવે એવી એપ્લિકેશન આવી ગઇ છે કે એ તમારા માટે જાસૂસ કે ડિટેક્ટિવનું કામ કરી આપે છે. આવી એપ્સ પાછી એક-બે નથી, ઢગલાબંધ છે!
લેખ આગળ વધારતા પહેલા એક વાત કરવાનું પણ મન થઇ આવે છે. તમે કોઇને પ્રેમ કરતા હોય, તમને કોઇ વહાલું હોય તો પ્લીઝ તમે આવી કોઇ એપ ડાઉનલોડ ન કરતા. તમે વહેમી કે શંકાશીલ નહીં હોવ તો પણ થઇ જશો. તમારી વ્યક્તિ ઉપર તમને કારણ વગરનો અભાવ આવી જશે. આવી એપ ડાઉનલોડ કર્યા પછી ઘણા બ્રેકઅપ્સથી માંડી ડિવોર્સ થયા છે. પ્રેમ અને દાંપત્યજીવનમાં વિશ્વાસ જ સૌથી મોટી વાત છે. વિશ્વાસને તૂટવા ન દો નહીં તો ઘણુંબધું રફેદફે થઇ જશે.
હવે આ બધી જાસૂસી એપ્સની વાત. પ્લે સ્ટોરમાં ‘કપલ ટ્રેકર’ નામની એક એપ્લિકેશન છે. એ ડાઉનલોડ કરો એટલે તમે જેના વિશે જાણવા માગો છો એની રજેરજની માહિતી મળી જાય. પહેલા તો આખેઆખો પર્સનલ પ્રોફાઇલ મળી જાય. એ સાથે જ કોલ્સ ડિટેઇલ્સ, મેસેજ ડિટેઇલ્સ, ઓડિયો-વિડિયોની વિગત બધું જ મળી જાય. માત્ર એટલું જ નહીં, ફેસબુક પર એણે કોનું સ્ટેટસ લાઇક કર્યું, કોને કમેન્ટ કરી, શું અપલોડ કર્યું તેની તમામે તમામ વિગત આ એપ્લિકેશન આપી દે છે! એ વ્યક્તિ અત્યારે ક્યાં છે તે પણ ટ્રેસ કરી આપે છે. તમારા ફોનમાં જીપીએસ અને ડેટા ઓન રાખો એટલે આ એપ્લિકેશન જાસૂસનું કામ કરવા લાગે છે. આ કંઇ એક જ એપ્લિકેશન નથી! ફાઇન્ડ માય પાર્ટનર, ટ્રેક યોર કપલ, કપલ કિપર, કપલ મોનિટર ડિવાઇસ ટ્રેકર ઉપરાંત બીજી અસંખ્ય એપ્લિકેશન હાથવગી છે!
આ બધું અત્યંત જોખમી અને સંવેદનશીલ છે. બીજી રીતે જોઇએ તો કોઇની પ્રાઇવસીમાં એન્ક્રોચમેન્ટ છે. આવું કરવું કોઇ હિસાબે વાજબી નથી. આમ છતાં જે છે એ છે. વેબ, નેટ, મોબાઇલ ટેક્નોલોજી ખતરનાક રીતે આગળ વધી રહી છે. હવે કોઇ એક માત્ર નંબર ઉપરથી નામ શોધી નથી આપતી પણ તેની આખેઆખી કરમકુંડળી કાઢી આપે છે. તમે મોબાઇલમાં કંઇ ન કરો છતાં જો તમારી પાસે મોબાઇલ હોય તો તમે ઇઝીલી ટ્રેસબલ છે. તમે ક્યાં છો એની વિગત આસાનીથી મળી શકે છે.
મોબાઇલ આવ્યા પછી ઘણી જોક્સ અને મજાક થઇ રહી છે. એક જોક તો એટલો બધો ચવાઇ ગયો છે કે કોઇએ ન સાંભળ્યો હોય તો જ નવાઇ! પતિ મિત્રો સાથે મજા કરતો હતો. પત્નીનો ફોન આવ્યો. ક્યાં છો? પતિએ જવાબમાં કહ્યું, ડાર્લિંગ કારમાં જ છું, ઘરે જ આવું છું. પત્નીએ કહ્યું, એમ, તો જરાક હોર્ન વગાડોને! આ જોકનાં ઘણાં અપડેટેડ વર્ઝન પણ બજારમાં ફરતાં થયાં છે. જોકે હવે પત્ની કે પતિ, કંઇપણ કહ્યા વગર કે કોઇને ખબર ન પડે એ રીતે નજર રાખી શકે છે.
આજે પણ ઘણા લોકો ઘરે જાય એ પહેલાં અમુક કોલ ડિટેઇલ્સ કે ચેટ ડિલીટ કરી નાખે છે. પતિ કે પત્ની ફોન ચેક કરે તો? જોકે હવે તો ફોન પણ પાસવર્ડ કે ફિંગર આઇડેન્ટિફિકેશન વગર ખૂલતા નથી. તમે ધારો એ ફોલ્ડર હાઇડ કરી શકો છો અથવા તો પાસવર્ડથી લોક કરી શકો છો. તમને એમ થાય કે, કોને ખબર પડવાની છે? મારા ફોન તો ખૂલવાનો જ નથી. આજના હાઇટેક સમયમાં કોઇ જો આવું માનતું હોય તો એ બહુ મોટા ભ્રમમાં છે. તમારા ફોનને અડ્યા વગર તમારી પળે પળની માહિતી મેળવવી બહુ જ આસાન છે. માત્ર વિગતો જ નહીં, તમારા ફોનની બેટરી કેટલા પર્સન્ટ બાકી છે એ પણ આવી એપ્સથી બીજાને ખબર પડી જાય છે.
આજના સમયમાં ‘પ્રાઇવસી’એ મોટી મિથ છે. એક ભ્રમ છે. બધાને એવું લાગે છે કે મારું બધું ખાનગી છે. કોઇને કંઇ ખબર નથી. આવા વહેમમાં રહેવાની કોઇ જરૂર નથી. તમને એમ લાગતું હોય કે, હું તો બધું ડિલીટ કરી નાખું છું, પછી કોને ખબર પડવાની? આવા ભ્રમમાં પણ જરાયે ના રહેતા, કારણ કે આવી એપ્સ તમે શું ડિલીટ કર્યું એની પણ માહિતી આપી દે છે. આમ તો આવી એપ્સ એવી ડાહી ડાહી વાતો કરે છે કે અમે તો સાવચેતી, સાધવાની અને સલામતીનું કામ કરીએ છીએ. તમારી વ્યક્તિ ક્યાં છે એની તમને ખબર રહે! જોકે આવી એપ્સનો ઉપયોગ મોટાભાગે જાસૂસી માટે જ થાય છે. મા-બાપ પોતાનાં સંતાનો ઉપર પણ આવી એપ્સ દ્વારા ‘વોચ’ રાખે છે. બીજો એક ખતરો એ પણ છે કે દુશ્મનો પણ તમારી વિગતો આસાનીથી મેળવી શકે છે. આમ તો સામા પક્ષે તમારી પ્રાઇવસી સિક્યોર રહે એવી પણ સુવિધા છે, જોકે એ કેટલી અસરકારક છે એ સવાલ છે!
તમે લખી રાખજો, આવનારા સમયમાં જેને પોતાની પ્રાઇવસીની ખરેખર દરકાર હશે એ માણસ મોબાઇલ વાપરવાનું બંધ કરી દેશે. મોબાઇલે માણસના ઇમોશન્સથી માંડી લાઇફ સ્ટાઇલ સુધ્ધાં બદલી નાખી છે. હવે લાગણી, પ્રેમ, દાંપત્ય અને બીજું ઘણું પણ દાવ પર લાગી ગયું છે. સમય બદલાય છે. બધું બદલાવવાનું છે. કેવું છે નહીં? પ્રેમ, વફાદારી, ઇમાનદારી અને પ્રામાણિકતા જેવું કંઇ સાબિત નથી થતું અને બેવફાઇ ફટ દઇને પકડાઇ જાય છે!
પેશ-એ-ખિદમત
અબ તો ખુશી કા ગમ હૈ ન ગમ કી ખુશી મુઝે,
બે-હિસ બના ચૂકી હૈ બહુત જિંદગી મુઝે,
વો વક્ત ભી ખુદા ન દિખાયે કભી મુઝે,
ઉન કી નદામતો પે હો શર્મિંદગી મુઝે.
– શકીલ બદાયુની.
(બે-હિસ: સંવેદના વગરનો/નદામતો-અફસોસ/શર્મિંદગી-શરમ)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 29 જાન્યુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com