તારે તેં લીધેલા નિર્ણયનો
અફસોસ ન કરવો જોઈએ
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
જે મળ્યું, સત્કારવાની આદત પડી,
એટલે ના હાંફવાની આદત પડી,
દાઝવાની શક્યતા છે સંબંધમાં,
હું કરું શું, તાપવાની આદત પડી.
-શૈલેન રાવલ.
આપણે લીધેલા નિર્ણયો ઘણી વખત આપણને જ સવાલ કરતા હોય છે. મેં જે કર્યું એ બરાબર કર્યું હતુંને? મેં આવું ન કર્યું હોત તો સારું હતું? મારે આવો નિર્ણય લેવો જોઈતો હતો કે નહીં? જોકે, આવા સવાલોનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે જે નિર્ણય લેવાનો હતો એ તો લઈ જ લીધો હોય છે. લીધેલા નિર્ણયનું એનાલિસિસ થાય એ સ્વાભાવિક છે. નિર્ણયોના ફાયદા કે ગેરફાયદા તપાસીએ એમાં પણ કંઈ ખોટું નથી. હા, લીધેલા નિર્ણયનો કોઈ અફસોસ કરવો ન જોઈએ.
આપણે જ્યારે કોઈ નિર્ણય લઈએ છીએ ત્યારે એ સાચો જ હોય છે. ઘણું બધું વિચારીને, પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિશે અભ્યાસ કરીને અને આપણી જિંદગી પર તેનાથી થનારી અસરો વિશે વિચારીને આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. દરેક નિર્ણય સાચા જ પડે એવું જરૂરી નથી. નિર્ણય ક્યારેક સાચો પડે અને ક્યારેક ખોટો પણ પડે. નિર્ણયનું પરિણામ તાત્કાલિક મળતું નથી. સમય નક્કી કરે છે કે આપણો નિર્ણય સાચો હતો કે ખોટો? સંજોગો પણ નિર્ણયને સાચો કે ખોટો પાડવા માટે કારણભૂત બને છે. સમય અને સંજોગો આપણા હાથમાં હોતા નથી. આપણા હાથમાં માત્ર આપણા પ્રયાસો અને આપણી નિષ્ઠા જ હોય છે. પ્રયાસો અને નિષ્ઠા ઘણી વખત સમય અને સંજોગો સામે હારી પણ જાય. એનો અર્થ જરાયે એવો હોતો નથી કે આપણે ખોટો નિર્ણય લીધો હતો.
દરેક નિર્ણય દિમાગથી લેવાતા નથી. ઘણા નિર્ણયો દિલથી લેવાતા હોય છે. આપણી ગણતરી કરતાં આપણી લાગણી, આપણી આત્મીયતા અને આપણી સંવેદના ઘણી વખત ચડી જતી હોય છે. આવા સમયે આપણે આપણો ફાયદો નથી જોતા, આપણો પ્રેમ જોઈએ છીએ. ગેરફાયદા અને નુકસાન પણ વહોરી લઈએ છીએ. સમય આપણા હાથમાં ત્રાજવું પકડાવી દે છે. આપણને પડકાર ફેંકે છે કે હવે તારે જે નિર્ણય કરવો હોય એ કર. દરેક વખતે આપણે નમેલા ત્રાજવાને જ પસંદ કરીએ એવું જરૂરી નથી. ક્યારેક ઉપર ઊઠેલા ત્રાજવાને પણ ગળે વળગાડી લઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે ના, મારે ફાયદો નથી જોવો. મારા માટે મારી વ્યક્તિ મહત્ત્વની છે, મારો પ્રેમ અગત્યનો છે અને મારા સંબંધો જ મહત્ત્વના છે. જે થશે એ જોયું જશે, પણ એના ભોગે કંઈ નહીં. દિલથી લીધેલા નિર્ણયો પણ ઘણી વખત તમને વિચારતા, સવાલ કરતા તથા જવાબ માગતા કરી દે છે.
હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક માણસે વીસ વર્ષ અમેરિકા રહીને ઇન્ડિયા પાછા આવવાનો નિર્ણય લીધો. અમેરિકા ગમતું હતું, ત્યાં બધું સેટ હતું, ઇન્ડિયા આવવાનો ક્યારેય વિચાર નહોતો કર્યો, પણ એક સંજોગે તેણે ઇન્ડિયા પાછા આવી જવાનો નિર્ણય લેવડાવ્યો. એ માણસ તેનાં માતા-પિતાનો એકનો એક દીકરો હતો. મા-બાપે તેને પેટે પાટા બાંધી મોટો કર્યો, ભણાવ્યો. જોબ માટે અમેરિકા જઈ શકે એટલો યોગ્ય બનાવ્યો. અમેરિકા ગયા પછી તેણે મા-બાપને પણ પોતાની પાસે બોલાવી લીધાં. લગ્ન કર્યાં. બે બાળકો થયાં. બધું સરસ રીતે ચાલતું હતું. જોકે, કાયમ માટે બધું એકસરખું ચાલતું નથી.
અમેરિકામાં વીસ વર્ષ થઈ ગયાં. મા-બાપ વૃદ્ધ થયાં. બંનેની તબિયત નરમ-ગરમ રહેતી હતી. ઠંડીના કારણે યુએસ હવે અઘરું લાગતું હતું. ઇન્ડિયા બંનેને ખેંચતું હતું. જિંદગીના છેલ્લા દિવસો વતનમાં કાઢવા છે એવો વિચાર બંનેને આવતો હતો. મા-બાપે એક દિવસ દીકરાને ઇન્ડિયા જવાની વાત કરી. સવાલ એ આવ્યો કે મા-બાપનું ઇન્ડિયામાં ધ્યાન કોણ રાખે? મા-બાપને એકલા મોકલતાં તેનો જીવ ચાલતો ન હતો. પત્ની સાથે બેસી, ખૂબ વિચારો કરી આખરે તેણે નિર્ણય કર્યો કે આપણે બધાં જ અમેરિકા છોડી ઇન્ડિયા પરત જઈએ છીએ. અમેરિકામાં રહેવાના ઘણા ફાયદા હતા. જોકે, તેણે એ ફાયદા કરતાં મા-બાપની ઇચ્છાને વધુ મહત્ત્વ આપ્યું. વન ફાઇન ડે, એ માણસ મા-બાપ, પત્ની અને બંને બાળકો સાથે અમેરિકા છોડીને ઇન્ડિયા આવી ગયો.
બે દાયકા અમેરિકા રહ્યા પછી ઇન્ડિયન કલ્ચરમાં સેટ થતાં તેને બહુ તકલીફ પડી રહી હતી. એ બધાની સામે તો એ ટકી ગયો. જોકે, તેનાં જ બે બાળકોએ તેને કરેલા સવાલોએ તેને હચમચાવી મૂક્યો. બાળકો યુવાન થતાં હતાં. એ બંને અમેરિકામાં જ જન્મ્યાં હતાં. અમેરિકન કલ્ચરમાં ઊછર્યાં હતાં. દીકરાએ એક વખતે એવું કહી દીધું કે તમે તમને ગમે એવો નિર્ણય લઈ લીધો. અમારો વિચાર જ ન કર્યો. અમને અહીં નથી ગમતું. તમારાં મા-બાપ માટે તમે આપણા ચાર લોકોની જિંદગી દાવ પર લગાડી દીધી. તમારો નિર્ણય તમને ભલે વાજબી લાગતો હોય, પણ અમને ગેરવાજબી જ નહીં, અન્યાયી લાગે છે! આ વાતથી એ માણસ એટલો બધો ડિસ્ટર્બ થયો કે તેણે સાયકોલોજિસ્ટની મદદ લેવી પડી. દવા કરાવવી પડી.
એક દિવસ તેણે પત્નીને પૂછ્યું કે મારો નિર્ણય ખોટો હતો? પત્નીએ કહ્યું કે, તું તેં લીધેલા નિર્ણયનો અફસોસ ન કર. તને જે સાચું અને સારું લાગ્યું એ તેં કર્યું. તું તારી જગ્યાએ સાચો હતો. હવે તું તને જ ખોટો પાડવાનો પ્રયાસ ન કર. આવું કરીશ તો તું તારામાં જ ગૂંચવાઈ જઈશ. આપણને જે નિર્ણય સાચો લાગે તે આપણા જ લોકોને ખોટો લાગે એવું બની શકે છે. તું તારા સાચા નિર્ણયને વળગી રહે. તારી સામે જે વિકલ્પો હતા તેમાંથી તેં તને જે યોગ્ય લાગે એ વિકલ્પ પસંદ કર્યો. તારી જગ્યાએ હું હોત તો મેં આવો નિર્ણય લીધો હોત કે કેમ એ મને ખબર નથી, પણ હું તારા નિર્ણયનું સન્માન કરું છું. હું તારી સાથે છું. તારી સામે એક તરફ મા-બાપ હતાં અને બીજી તરફ બંને સંતાનો હતાં. તારા દિલે કહ્યું એ તેં કર્યું. તમે દરેક સમયે દરેકને રાજી ન રાખી શકો, એકને ન્યાય કરવામાં ઘણી વખત બીજાને થોડો અન્યાય કરવો પણ પડતો હોય છે. સંતાનોને તારો નિર્ણય ખોટો લાગે તો લાગે. એ તારી જગ્યાએ નથી. એ એની જગ્યાએ જ રહીને વિચારવાના છે. તમે બધું વિચારીને નિર્ણય લો એ પછી કોણ શું વિચારશે એની પણ ચિંતા ન કરવી જોઈએ. એવું જ વિચાર કે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું, તારા નિર્ણયનો અફસોસ કરવાનું છોડી દે, લેવું હોય તો તારા નિર્ણય માટે ગૌરવ લે.
હવે એક બીજી સાચી ઘટના. એક મિત્ર સાથે જ બનેલી આ વાત છે. મિત્રની દીકરીએ એને કહ્યું કે તમે અમને ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા એ ખોટું કર્યું. અમારું અંગ્રેજી પાવરફુલ ન થયું. આ વાત સાંભળીને પિતાએ કહ્યું કે, એ સમયે જે યોગ્ય લાગે એ મેં કર્યું હતું. મારો સંઘર્ષનો સમય હતો. હું તમને પૂરતો સમય આપી શકું એમ ન હતો. તારી મમ્મી ગુજરાતી મીડિયમમાં ભણી હતી. અમે બંનેએ વિચાર કર્યો કે, જો તને ગુજરાતી મીડિયમમાં બેસાડીએ તો તારી મમ્મી તને ભણાવી શકે. બીજું, માતૃભાષામાં જ વિચારો આવે છે, સંવેદનાઓ ખીલે છે એવું અમે બંને માનતાં હતાં એટલે તને ગુજરાતી મીડિયમમાં બેસાડી. બનવાજોગ છે કે તને અમારો નિર્ણય ખોટો લાગે, પણ એ સમયે તો અમે તારા માટે સારું વિચારીને જ એ નિર્ણય કર્યો હતો.
જેના માટે ઘણું બધું વિચારીને કોઈ નિર્ણય કર્યો હોય એ જ વ્યક્તિ જ્યારે આપણા નિર્ણયો સામે સવાલ કે શંકા કરે ત્યારે આકરું લાગતું હોય છે. આમ છતાં એનાથી દુ:ખી થવું ન જોઈએ, કારણ કે આપણે આપણને જે તે સમયે યોગ્ય લાગે એ નિર્ણય લેતા હોઈએ છીએ. આપણા સારા અને સાચા નિર્ણયો માટે બહુ ઓછા લોકો એવું કહે છે કે તમે અમારા માટે જે નિર્ણય કર્યો હતો સારો અને સાચો હતો. નિર્ણય યોગ્ય ન લાગે તો તરત જ સવાલ કરશે. ગમે તે હોય, માણસે પોતે પોતાના નિર્ણયનો અફસોસ ન કરવો જોઈએ. એ સાચો પડે કે ખોટો, વાજબી ઠરે કે ગેરવાજબી, યોગ્ય લાગે કે અયોગ્ય, એ તમારો નિર્ણય હતો. નિર્ણય લીધો ત્યારે એ સાચો લાગતો હતો અને એટલે જ એ નિર્ણય લીધો હતો. તમારા નિર્ણયનું ગૌરવ અનુભવો, કારણ કે એ તમારો હતો, પરિણામ સાચું કે ખોટું, સારું કે ખરાબ હોઈ શકે, નિર્ણય નહીં!
છેલ્લો સીન:
માણસની ઓળખ તેના નિર્ણયોથી બને છે. નિર્ણયો કરો, તેને દૃઢતાથી વળગી રહો અને નિર્ણયોને સાર્થક કરો. જે નિર્ણય લેતા ડરે છે એ કંઈ કરી શકતો નથી. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 જાન્યુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)