પહેલી નજરે થાય છે એ
પ્રેમ નહીં, આકર્ષણ હોય છે?
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
પ્રેમ એ આદમ અને ઇવના સમયથી રહસ્યમય વિષય રહ્યો છે.
પ્રેમ પહેલી નજરે થાય છે?
અરે યાર, પ્રેમ ગમે તે નજરે થાય પ્રેમ એ પ્રેમ હોય છે!
—————
પ્રેમ વિશેના દરેક સવાલના જવાબ નથી હોતા
અને હોય છે એ માણસે માણસે જુદા હોય છે.
—————–
પ્રેમ એક એવી અનુભૂતિ છે જેનું સંપૂર્ણ વર્ણન કોઇ કરી શકતું નથી. આમ તો પ્રેમ એ વર્ણવવાનો, વાતો કરવાનો કે ચર્ચા કરવાનો વિષય જ નથી, એ માત્ર અનુભવવાનો વિષય છે. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમનો અહેસાસ અલગ અલગ હોય છે. પ્રેમના પ્રશ્નોના કોઇ જવાબ નથી હોતા અને જે હોય છે એ બહુ અંગત હોય છે. આપણે દુનિયાભરની લવ સ્ટોરીઝ વાંચીએ અને જોઇએ છીએ, આમ છતાં કોઇ પણ પ્રેમી કોઇની જેમ પ્રેમ ન કરી શકે. માણસ માત્ર પોતાની અને પોતાની રીતે જ પ્રેમ કરી શકે. કોઇનો પ્રેમ મૌન હોય છે તો કોઇનો બોલકો, કોઇનો કાચો હોય છે તો કોઇનો પાકો, કોઇનો રંગીન હોય છે તો કોઇનો સંગીન. ક્યારેક પ્રેમ હાસ્યમાં દેખાય છે તો ક્યારેક આંસુમાં ચમકે છે. મોઢું બંધ હોય પણ આંખ બોલતી હોય છે, શરીર સ્થિર હોય પણ સંવેદનાઓ ડોલતી હોય છે.
પ્રેમમાં માણસ પાગલ થઇ જતો હોય છે કે ડાહ્યો? પ્રેમ માણસને આસ્તિક બનાવે છે. પ્રેમમાં હોય ત્યારે માણસને બધું જ ગમવા લાગે છે. જિંદગીનો કંઇક અર્થ લાગે છે. જીવવાનું કોઇ કારણ હોય છે. એક એવી તડપ ઊઠતી રહે છે જે તરસને વધુ તીવ્ર બનાવી દે છે. આંખોમાં ઉજાગરા અંજાય જાય છે અને આ ઉજાગરા પણ મીઠા લાગવા માંડે છે. કોઇ સતત યાદ આવતું રહે છે. દરેક ક્ષણ ધીમે ધીમે ખૂલતી અને ખીલતી હોય છે. આવું કેમ થાય છે? કેમ કોઇ અચાનક જ સર્વસ્વ બની જાય છે? બસ આ એક મળી જાય તો કંઇ નથી જોઇતું એવું ફિલ થાય છે. એનો જ સંતાપ હોય છે અને એનો જ સંતોષ હોય છે. આખી દુનિયા સામે લડી લેવાની ખુમારી આવી જાય છે. આવું થવાનાં કોઇ કારણો હોતાં નથી કારણ કે પ્રેમ કોઇ કારણ જોઇને થતો નથી. તું મને ગમે છે કારણ કે બસ ગમે છે.
આ દુનિયામાં સૌથી સુંદર, સૌથી શ્રેષ્ઠ, સૌથી વધુ લાયક અને સૌથી વધુ ગમતી વ્યક્તિ કોણ હોય છે? એ વ્યક્તિ જેને તમે પ્રેમ કરતા હોવ. દરેક યુવાન માટે એની પ્રેમિકા સૌંદર્યસામ્રાજ્ઞી છે અને દરેક પ્રેમિકા માટે એનો પ્રેમી શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે. પ્રેમ એવી વસ્તુ છે જેમાં દરેક માઇનસ પોઇન્ટ્સની અવગણના થઇ જાય છે. ગમે એવો છે પણ મારો છે, ગમે એવી છે પણ મારી છે, મને ગમે છે ને, એ જ મારા માટે પૂરતું છે. પ્રેમ માટે રૂપાળું કે ધનવાન હોવું જરૂરી નથી. પ્રેમ માટે માત્ર પ્રેમ હોવો જ જરૂરી છે.
તમે ક્યારેય કોઇને પ્રેમ કર્યો છે? તમે કોઇની અત્યંત તીવ્રતાપૂર્વક રાહ જોઇ છે? તમારી જિંદગીમાં એવી વ્યક્તિ છે જેના વિચારે ચડી ગયા પછી ખોવાઇ જવાય છે અને એ યાદ આવે ત્યારે રોવાઇ જવાય છે? પ્રેમમાં હોય એ માણસ તરત જ વર્તાઇ જાય છે, ઘડીકમાં પકડાઇ જાય છે, કારણ કે પ્રેમ છૂપો રહેતો નથી. ચહેરો ચાડી ખાય જાય છે. જોકે પ્રેમ કરનારને પણ એ જ પકડી શકે જેણે કોઇની સાથે પ્રેમ કર્યો હોય!
માણસને પ્રેમ કેવી રીતે થાય છે? લવ એટ ફર્સ્ટ સાઇટ એટલે કે પહેલી નજરે જ પ્રેમ થઇ જતો હોય છે? કે પછી પ્રેમ હોતે હોતે હોતા હૈ? પ્રેમી જોડાને પૂછજો કે તમને પ્રેમ કેવી રીતે થયો? તરત જ એ કહેશે કે અમે પહેલી વખત અહીં મળેલા, આવું થયું હતું. જોકે દરેક કિસ્સામાં આવું હોતું નથી. ઘણા પ્રેમ તો ઝઘડાથી શરૂ થયા હોય છે. એક સાવ સાચો કિસ્સો યાદ આવે છે. એક કોલેજની છોકરી મોપેડ ઉપર બહાર નીકળતી હતી. એ જ સમયે બાઇક પર કોલેજમાં આવતો છોકરો ધડામ દઇને અથડાયો. બંને પડ્યાં. એકબીજા સામે રાડો નાખી. બંનેને છૂટાં પાડવાં પડ્યાં. બીજા દિવસે છોકરો પેલી છોકરી પાસે ગયો. તેણે કહ્યું કે, સોરી, ભૂલ મારી હતી. હું ફુલ સ્પીડમાં હતો. તું ગુસ્સે થઇ તો મેં પણ રાડો પાડી. મારે આવું કરવું જોઇતું ન હતું. છોકરીએ કહ્યું, ઇટ્સ ઓકે. ત્રીજા દિવસે કેન્ટીનમાં મળી ગયાં. ધીમે ધીમે દોસ્તી થઇ અને પછી પ્રેમ. હવે આમાં ક્યાં લવ એટ ફર્સ્ટ સાઇટ આવ્યું?
વેલ, અમેરિકામાં હમણાં લવ રિલેટેડ બે સર્વે બહાર આવ્યા. બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે. લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું હોય છે? 72 ટકા અમેરિકન યુવકોએ હા પાડી કે પહેલી નજરે જ પ્રેમ થઇ જતો હોય છે. 61 ટકા યુવતીઓએ પણ કહ્યું કે હા, પ્રેમ પહેલી નજરે જ થઇ જાય છે. હવે બીજા સર્વેની વાત. અમેરિકાની કોલેજમાં જ થયેલા આ સર્વેનું તારણ એવું હતું કે, પ્રેમ પહેલી નજરે થતો નથી. પહેલી નજરે જે થાય છે એ આકર્ષણ હોય છે. કોઇ ગમી જાય પછી તેની સાથે મુલાકાત થાય પછી સાચો પ્રેમ ચોથી નજરે થાય છે. પહેલી ત્રણ મુલાકાતમાં આકર્ષણ વધે અને વિચારો તથા વાતો મળતી આવે તો ચોથી નજરે પ્રેમ થાય છે. એવું પણ થઇ શકે કે પહેલી નજરે કોઇ ગમી જાય. બીજી મુલાકાતમાં વાતો થાય. ત્રીજી મુલાકાતમાં એવું પણ થાય કે આની સાથે ફાવે તેવું નથી. આકર્ષણ વધવાને બદલે ઘટે અને પ્રેમ ઉપર પૂર્ણવિરામ મુકાઇ જાય!
અલબત્ત, પ્રેમના મામલામાં આ બધી વાતો સાચી જ નીવડે એવું પણ હોતું નથી. ઘણી વખત તો માણસ સતત મળતા હોય પછી ખબર પડે કે આપણી વચ્ચે જે છે એ પ્રેમ છે. ઘણા બચપણના મિત્રો હોય છે. સાથે મોટા થયા હોય છે. બહુ મોડેથી એ સમજાય કે આ વ્યક્તિ મને ગમે છે. બીજી એક સાચી ઘટનાની આ વાત છે.
એક છોકરો અને છોકરો સાથે કામ કરતાં હતાં. છોકરી લગ્ન માટે છોકરા જોતી હતી અને છોકરો પણ બીજી છોકરીઓને જોવા જતો હોય. આ બંને દરરોજ કેન્ટીનમાં સાથે જમતાં. છોકરી છોકરો જોવા જતી ત્યારે શું વાત થતી એ વિશે માંડીને વાત કરતી. છોકરો પણ છોકરીને જોવા ગયો હોય ત્યારની વાત કરતો. બંને એકબીજાને કહેતા કે અનુકૂળ નથી આવતું. એક વખત વાતો વાતોમાં વાત ત્યાં સુધી પહોંચી કે આપણે જ એકબીજા સાથે મેરેજ કરીએ તો? બંનેએ લગ્ન કર્યાં. છોકરાએ એ પછી કહ્યું કે, તું કોઇ છોકરો જોવા જતી હતી ત્યારે મને થતું કે આને ન ગમે તો સારું. મને એટલા માટે આવું થતું હતું કારણ કે તું મને ગમતી હતી!
ઘણી વખત એવું થતું હોય છે કે છોકરો અને છોકરી વચ્ચે પ્રેમ હોય છે પણ એને ખબર હોતી નથી કે આપણી વચ્ચે જે છે એ પ્રેમ છે. માનો કે ખબર હોય તો પૂછવાની કે કહેવાની હિંમત હોતી નથી. પ્રેમ ગમે એટલામી નજરે થાય કે ગમે ત્યારે થાય પ્રેમ એ પ્રેમ હોય છે. પ્રેમ ક્યારેય ક્યાં કોઇ ચોકઠામાં બંધાયો છે તે નજરની ગણતરીઓમાં બંધાય? પ્રેમ બસ થઇ જતાં હોય છે. દરેક પ્રેમકહાની અનોખી અને અલૌકિક હોય છે, એ બધામાં કોઇ મૂળ અને જબરજસ્ત તત્ત્વ હોય તો એ પ્રેમ છે. ભલેને ગમે એટલા સર્વે થાય પ્રેમનાં સાચાં કારણો ક્યારેય બહાર આવવાનાં નથી. પ્રેમનાં કારણોમાં બહુ પડવા જેવંુ પણ હોતું નથી. મહત્ત્વની વાત એ નથી કે પ્રેમ કેવી રીતે થાય છે, અગત્યની વાત એ છે કે પ્રેમ કેવી રીતે જિવાય છે! સરવાળે તો પ્રેમને જીવી જાણે એ જ ખરા પ્રેમીઓ હોય છે.
પેશ-એ-ખિદમત:
જબ ભી દિલ ખોલ કે રોએ હોંગે,
લોગ આરામ સે સોયે હોંગે,
રાત ભર હઁસતે હુએ તારો ને,
ઉનકે આરિજ ભી ભિગોયે હોંગે.
– અહમદ ફરાઝ.
(આરિજ-ગાલ)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 13 નવેમ્બર 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
EXCELLENT
Thank you