આ દિવાળીએ જિંદગીની થોડીક નજીક જઇએ
ક્યૂં ડરે, જિંદગી મે ક્યા હોગા,
કુછ ના હોગા તો તજુર્બા હોગા
જિંદગીને ગંભીરતાથી લેવી જોઇએ
એ વાત ખરી પણ આપણે જિંદગીને જરૂરિયાત કરતાં
વધુ ગંભીરતાથી લઇ લઇએ છીએ
અને ભારેખમ જ રહીએ છીએ.
નવા વર્ષમાં કરવા જેવું કોઇ
સૌથી મહત્ત્વનું કામ હોય તો એ છે કે
હસવાનું થોડું વધારી દો!
તમારી જિંદગીમાં આવતીકાલે એક વધુ દિવાળી ઉમેરાઇ જશે. કોઇ નાનાને સલાહ આપતી વખતે આપણે એવું બોલતા હોઇએ છીએ કે તારા કરતાં મેં વધારે દિવાળી જોઇ છે. દિવાળી જોવી એક વાત છે અને દિવાળી સાથે ગ્રો થવું એ સાવ જુદી વાત છે. દરેક ક્ષણે આપણી જિંદગીમાં સમય ઉમેરાતો જાય છે. દરેક પળે આપણામાં થોડુંક પરિવર્તન આવે છે. સમયની સાથે આપણે કેટલા ખીલીએ છીએ? ઘણી વખત તો આપણે એટલા માટે ખીલી નથી શકતા કારણ કે આપણને મૂરઝાવાનો સતત ભય લાગે છે. નિષ્ફળતાનો ડર લાગે છે. કારણ વગરના આપણે ફફડતા રહીએ છીએ. આપણી આસપાસ આપણે આભાસી હોરર દૃશ્યો ખડાં કરી દઇએ છીએ અને કાંપતા રહીએ છીએ. આ દિવાળીએ ચાલો નિર્ણય કરીએ કે કશાથી ડરીશું નહીં.
ડરને ટક્કર આપીને તમારે ડર સિવાય કશું જ ગુમાવવાનું નથી. આજના સમયમાં જો કંઇ અસહજ હોય તો એ હળવાશ છે. ચહેરાઓ ઉપર ઉદાસી, ટેન્શન અને સ્ટ્રેસના થર ને થર બાઝી ગયા છે. હસતાં ચહેરા હવે દુર્લભ થઇ ગયા છે. બાળકોને બાદ કરતાં તમે કોને હસતા જુઓ છો? આપણે તો બાળકોને પણ ખડખડાટ હસવા દેતા નથી. આ શું વેવલાવેડા કરે છે? તારે ગંભીર થવાનું છે? સંતાનોને આપણે સિરિયસ થવાની જ સલાહો આપીએ છીએ. તારે કંઇક બનવું હશે તો મહેનત કરવી પડશે, બધું ભૂલીને બસ મંડી પડવાનું રહેશે, દુનિયા કમ્પિટિશનની છે. જરાકેય ડગ્યો તો બધા તારાથી આગળ નીકળી જશે અને તું ક્યાંયનો નહીં રહે! આપણે ક્યારેય એવું કહીએ છીએ કે એકદમ હળવાશ રાખજે, રિલેક્સ હોઇશ એટલું સારી રીતે વિચારી શકીશ, તારા હાસ્યને મૂરઝાવા નહીં દેતો. ના, આપણે તેને સિરિયસ જ બનાવી દઇએ છીએ. સિરિયસ હોય એ જ સિન્સિયર હોય એવી ખોટી અને છેતરામણી છાપ આપણે ઊભી કરી દીધી છે.
તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા હતા? મોબાઇલ ઉપર જોક વાંચીને કે કોઇ ક્લિપ જોઇને આપણે એકલા એકલા મરકતા થઇ ગયા છીએ. હસવાનો ધ્વનિ હવે સંભળાતો નથી. ઘરમાં હવે ખામોશી છવાયેલી રહે છે. આ ખામોશી ધીરે ધીરે સન્નાટો બની જાય છે. જિંદગી ભારે છે જ નહીં, આપણે તેને ભારેખમ બનાવી દઇએ છીએ અને પછી એની નીચે જ દબાતા જઇએ છીએ. માણસે હળવા થવાની આદત કેળવવી પડે એવો સમય આવતો જાય છે.
સારું છે કે તહેવારો છે. તહેવારો ન હોત તો આપણે કદાચ આજે છીએ એના કરતાં વધુ ‘એકલા’હોત. તહેવાર આપણને એકબીજાની નજીક લાવે છે, પોતાનાની નજીક લાવે છે. વર્ચ્યુલ વર્લ્ડમાં આપણી સામે તસવીરો રહે છે પણ ચહેરાઓ તો દૂરના દૂર જ હોય છે. ટેકનોલોજી સારી છે, શરત એટલી કે જો તેનો વાજબી અને વ્યવહારુ ઉપયોગ કરવામાં આવે. આપણે એટલું યાદ રાખવાની જરૂર છે કે આપણે મશીન નથી, આપણે માણસ છીએ, આપણી પાસે વેદના છે, સંવેદના છે, સંબંધો છે અને સ્નેહ છે. આપણું વર્તન ‘ઇમોજી’ નથી.
આપણે હવેના સમયમાં ફટ દઇને સ્માઇલી, સેડ, કિસ કે હગનું ઇમોજી મેસેજની સાથે ચીપકાવી દઇએ છીએ. સ્માઇલીનું ઇમોજ મૂકતી વખતે તમારા હોઠ જરાયે મલકે છે? સેડનો સિમ્બોલ મૂકતી વખતે તમારી આંખોનો ખૂણા સહેજ પણ ભીના થાય છે? હાથ જોડેલું ચિત્ર મૂકતી વખતે તમને જરાયે આદર હોય છે? વર્ચ્યુલ હગમાં નયા ભારની ઉષ્મા પણ વર્તાય છે? ના. આપણાથી મોટા આપણા માથે હાથ મૂકે ત્યારે આપણું આખું વ્યક્તિત્વ મહેકતું હોય એવું ફિલ થાય છે. આભાસી દુનિયાનો અતિરેક આપણને લોકોની તો શું, ધીમે ધીમે આપણાથી પણ દૂર કરી રહ્યો છે. આપણી પાસે હવે બીજા માટે તો શું આપણા પોતાના માટે પણ ટાઇમ ક્યાં છે? જે થોડો ઘણો સમય હોય છે એ મોબાઇલ ખાઇ જાય છે.
આપણે એવું માનતા રહીએ છીએ કે મોબાઇલથી આપણે બધાના સંપર્કમાં રહીએ છીએ પણ આપણે ખબર ન પડે એ રીતે આપણે આપણી સાથે રહેતા, જીવતા કે કામ કરતા લોકોથી દૂર થતા જઇએ છીએ. પતિ-પત્ની એક સોફા પર સાથે બેઠાં હોય છે પણ બંને પોતપોતાના મોબાઇલમાં મસ્ત હોય છે. હોટલમાં ફ્રેન્ડ્સ સામસામે હોય પણ એકબીજાની સામે પણ જોતા હોતા નથી. સેલ્ફી કે ફોટો પાડતી વખતે જ હસે છે. તમે માત્ર એટલું કરો તો ઘણું છે કે તમારી સૌથી અંગત વ્યક્તિ, તમારી પત્ની, તમારો પતિ, મિત્ર, પ્રેમી કે પ્રેમિકા સાથે હોય ત્યારે એટલા સમય પૂરતો મોબાઇલને દૂર રાખજો. એટલું વિચારજો કે મોબાઇલ કરતાં આ વ્યક્તિ મારા માટે વધુ મહત્ત્વની છે. વોટ્સએપ કે ફેસબુક ઉપર આવેલ મેસેજનો જવાબ પછી આપી શકાશે પણ આ વ્યક્તિ સાથે જે સમય છે એ કદાચ પાછો ન પણ આવે! દૂર હોય એને એટલું ઇમ્પોર્ટન્સ ન આપો કે નજીક હોય એ ભુલાઇ જાય!
એક મિત્રની આ વાત છે. તેના ઘરમાં શૂ રેક છે. તેની સાથે જ એક મોબાઇલ રેક બનાવી છે. ઘરમાં આવતી વખતે બૂટ કાઢીને એ પહેલું કામ મોબાઇલને સ્ટેન્ડમાં રાખી દે છે. ફોનની રિંગ સિવાય બધા જ ટોન સાઇલન્ટ હોય છે. તેમના બિઝનસમાં પણ કહી દીધું છે કે ઇમર્જન્સી હોય તો જ મને ઓફિસના સમય સિવાય ફોન કરજો. કંઇ અટકી પડતું નથી. ફોન ન હતા ત્યારે પણ દુનિયા ચાલતી હતી. તે કહે છે, એવું જરાયે નથી કે હું સોશિયલ મીડિયા નથી યુઝ કરતો, પણ આખા દિવસમાં નિયત સમયે જ હું ઓનલાઇન થાઉં છું. બધાને જવાબ આપું છું. કોઇને ઇગ્નોર નથી કરતો, પણ મારા સમયે અને મારી અનુકૂળતાએ. મારા માટે બધા જ મહત્ત્વના છે પણ સૌથી પહેલા મારું ફેમિલી અને મારા નજીકના લોકો છે. મોબાઇલને સતત હાથમાં જ રાખવાની વૃત્તિ મને સમજાતી નથી. હું કોઇની સાથે વાત કરતો હોઉં ત્યારે મોબાઇલ મારા હાથમાં નથી રાખતો. હવે કેવું થાય છે, માણસ વાત કરતો હોય ત્યારે પણ તેનું ધ્યાન તો મોબાઇલમાં હોય છે.
‘ક્વોલિટી ટાઇમ’ની વ્યાખ્યા હવે નવેસરથી કરવી પડે તેમ છે. તમારા લોકોને ક્વોલિટી ટાઇમ આપો એટલે કે મોબાઇલ કે લેપટોપ વગરનો ટાઇમ અને હા, તમારો થોડોક ટાઇમ તમારા માટે પણ બચાવીને રાખજો. થોડુંક કંઇ ગમે એવું કરજો. થોડાક પોતાની નજીક જજો, થોડાક પોતાને ઓખળવાનો પ્રયાસ કરજો. જિંદગીની જરાક નજીક જઇને જુઓ, જીવવા જેવું ઘણું છે, આપણે એ ભૂલી ગયા છીએ, રસ્તો ચૂકી ગયા છીએ. આ દિવાળી આપણને સહુને થોડાક આપણી નજીક લાવે તેવી શુભકામના… (શીર્ષક પંક્તિ : જાવેદ અખ્તર)
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 29 ઓકટોબર 2016, શનિવાર. ‘દૂરબીન’ કોલમ)