હું કંઇ પાગલ નથી, મારે મનોચિકિત્સકની જરુર નથી – દૂરબીન

હું કંઇ પાગલ નથી, મારે મનોચિકિત્સકની જરુર નથી

25-9-16_rasrang_DOORBEEN_CINEGO.indd
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણા દેશમાં મનોરોગીની સંખ્યા સતત વધતી જાય છે.

લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી કે

તેના મૂડમાં જે સ્વિંગ આવે છે તેનું કારણ મનોરોગ છે

દેશના બે ટકા લોકો સ્કીઝોફેનિયા અને બાયપોલર ડિસઓર્ડર તથા
પાંચ ટકા લોકો ડિપ્રેશનનો ભોગ બનેલા છે

 

એક કપલની આ વાત છે. મેરેજને પાંચ વર્ષ થયાં હતાં. બધું સમુંસૂતરું ચાલતું હતું. અચાનક પત્નીનું વર્તન બદલાવા લાગ્યું. તે વાતવાતમાં ચિડાવા લાગી. કોઇ સાવ સામાન્ય વાત કરે તો પણ તેને લાગી આવે. કોઇને મારી પડી નથી, મને જિંદગી જેવું કંઇ લાગતું જ નથી, ક્યારેક તો મને મરી જવાનું મન થાય છે. પતિ સમજુ હતો. તેણે એક દિવસ પત્નીને પ્રેમથી કહ્યું કે, તું આજકાલ જેવું વર્તન કરે છે એવી તું છે નહીં. તારામાં આ ચેન્જનું કોઇ કારણ હોવું જોઇએ. ચાલ આપણે કોઇ સાઇક્યાટ્રિસ્ટની મદદ લઇએ. આ વાત સાંભળીને પત્ની વધુ ભડકી. હું કંઇ ગાંડી થોડી છું. તમારા બધાનું ચાલે તો તમે મને પાગલ જ ઘોષિત કરી દો. પતિએ પત્નીનાં મા-બાપને સમજાવીને પત્નીને સારવાર માટે તૈયાર કરી. થોડા સમયમાં જ બધું સરખું થઇ ગયું.

આ કેસમાં તો પતિ સમજુ હતો બાકી મોટા ભાગે તો કોઇનું વર્તન બદલાય એની કોઇ નોંધ જ લેતું હોતું નથી. હમણાં એનું ઠેકાણે રહેતું નથી એવું કહીને જેમ ચાલતું હોય એમ ચાલવા દે છે. ઘરના જેન્ટ્સનું વર્તન બદલાય ત્યારે તો તેને કોઇ કંઇ કહી પણ શકતું નથી. આજે દરેક એજના લોકો સામે જાતજાતના પડકારો છે. બાળકથી માંડીને બુઢ્ઢા લોકોમાં ડિપ્રેશન અને એંગ્ઝાઇટી વધી રહ્યા છે. કમનસીબી એ છે કે આપણે આ વાતને ગંભીરતાથી લેતા જ નથી.
હેલ્થ પ્રત્યે લોકોની અવેરનેસ વધી છે. લોકો હવે રેગ્યુલરલી બોડી ચેક-અપ કરાવે છે. આ વાત સારી છે પણ એક વાત યાદ રાખવા જેવી છે કે હેલ્થ ચેક-અપ માત્ર શારીરિક તકલીફો જ પકડી શકે છે, માનસિક નહીં. તમને મજા ન આવતી હોય, મૂંઝારો થતો હોય, કોઇ અજાણ્યો ભય લાગી રહ્યો હોય કે કોઇ ફોબિયા હોય તો એની જાણ બોડી ચેક-અપથી થતી નથી.

આપણા લોકો કારણ કરતાં મારણને શોધવાનો પ્રયાસ કરતા રહે છે. ઊંઘ નથી આવતી તો ઘેનની ગોળી ખાઇ લેશે પણ ઊંઘ કેમ નથી આવતી તેની ચિંતા કરશે નહીં. તાવ આવે તો શરીર ગરમ થઇ જાય છે, કમળો થાય તો આંખો પીળી દેખાય છે પણ મનોરોગ આસાનીથી વર્તાતા નથી. આપણે આપણા વિચારો ઉપર ક્યારેય વિચાર કરતા નથી. મને નબળા વિચારો કેમ આવવા લાગ્યા? હું કેમ ડરવા લાગ્યો? તેનું કારણ શોધતા નથી. મક્કમ મનોબળવાળો માણસ પણ અચાનક સાવ નમાલો દેખાવા માંડે છે. બોલકો માણસ એકાએક સાવ મૂંગો થઇ જાય છે. મૂંગો માણસ ઓચિંતો જ બકબક કરવા માંડે છે. કોઇ વળી રાતે અચાનક ઝબકીને બેઠા થઇ જાય છે. ક્યારેક કોઇ કંઇ કારણ વગર રડવા લાગે છે. મનોરોગની નિશાનીઓ ઘડીકમાં સમજાતી નથી અને સમજાય તો કોઇ સ્વીકારવા તૈયાર હોતું નથી.

એક તરફ દેશમાં મનોરોગીઓની સંખ્યા સતત વધતી રહે છે અને બીજી તરફ મનોરોગની સારવાર માટે આપણી પાસે જરૂરી તબીબો અને સુવિધા પણ નથી. દેશમાં મનોરોગીઓની સંખ્યા અને તેની સારવાર માટેની સ્થિતિ ઉપર નજર નાખીએ તો મગજ ભમી જાય. થોડા સમય અગાઉ જ આપણા વેલ્ફેર મિનિસ્ટર જે.પી.નડ્ડાએ લોકસભામાં મનોરોગ વિશેના આંકડાઓ રજૂ કર્યા હતા. આપણા દેશમાં છ કરોડથી વધુ લોકો મનોરોગનો ભોગ બનેલા છે. જરાક જુદી રીતે કહીએ તો આપણા દેશમાં મનોરોગીઓની સંખ્યા સાઉથ આફ્રિકાની વસતિ કરતાં પણ વધુ છે. દેશની કુલ વસતિના બે ટકાથી વધુ લોકો સ્કીઝોફેનિયા અને બાયપોલર ડિસઓર્ડરથી પીડાય છે અને વસતિના પાંચ ટકા લોકો ડિપ્રેશન અને એંગ્ઝાઇટીનો ભોગ બનેલા છે. તેની સામે મનોચિકિત્સક કેટલા છે? દેશમાં માત્ર 3800 જેટલા સાઇક્યાટ્રિસ્ટ છે. એ ઉપરાંત 898 ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, 850 સાઇક્યાટ્રિક સોશિયલ વર્કર અને 1500 સાઇક્યાટ્રિક નર્સિસ છે. એ હિસાબે કહી શકાય કે આપણા દેશમાં દસ લાખ લોકો દીઠ ગણીને માત્ર ત્રણ મનોચિકિત્સક છે. કોમનવેલ્થનાં ધોરણો મુજબ દેશમાં એક લાખ લોકોએ ઓછામાં ઓછા 5.6 મનોચિકિત્સક હોવા જોઇએ.

આપણા દેશના હેલ્થ બજેટના માત્ર 0.06 ટકા રકમ મેન્ટલ હેલ્થ પાછળ વપરાય છે. જોકે હમણાં એટલે કે 8મી ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભાએ સર્વાનુમતે ધ મેન્ટલ હેલ્થ કેર બિલ પસાર કર્યું. આ બિલમાં મનોરોગ સામે લડવા ઘણી જોગવાઇઓ કરવામાં આવી છે. માત્ર સુવિધા હોય એ જ પૂરતું નથી. લોકોમાં મેન્ટલ હેલ્થ પ્રત્યે અવેરનેસ પણ હોવી જોઇએ અને મનોરોગને સહજ રીતે લઇ સારવાર કરાવવાની તૈયારી પણ હોવી જોઇએ.

અમદાવાદના સાઇક્યાટ્રિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે મનોરોગ અંગે આપણે ત્યાં જાતજાતના ભ્રમ રહેલા છે. લોકો ભૂતપ્રેત કે વળગાડ માનીને દોરાધાગા કરાવે છે. માત્ર બીમારી અંગે જ નહીં, સારવાર અંગે પણ ઘણી ગેરસમજ છે. શોક ટ્રીટમેન્ટ તો બહુ દૂરની વાત છે, ઘણા કિસ્સાઓમાં તો દવા ખાવાની પણ જરૂર પડતી નથી. હિપ્નોથેરેપી, સાઇકોથેરેપી કે લાઇફ સ્ટાઇલમાં પરિવર્તનથી પણ ઘણા માનસિક રોગો મટે છે. કાઉન્સેલિંગ પણ લાઇફ પ્રત્યેનો એપ્રોચ બદલે છે અને માણસ જિંદગીને પ્રેમ કરતો થાય છે. માનસિક બીમારીનાં કારણો અનેક છે. સ્ટ્રેસ, ઘરના ઝઘડા, આર્થિક પ્રોબ્લેમ, કુટુંબને સમય ન આપી શકવો, સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થવું, દેખાદેખી, પ્લાસ્ટિક મનીના આડેધડ ઉપયોગ પછી ઊભી થતી સંકડામણ, પતિ-પત્ની વચ્ચેની ગેરસમજો, પ્રેમમાં નિષ્ફળતા ઉપરાંત એવાં અનેક કારણો છે જેનાથી માણસ ક્યારે મનોરોગના ભરડામાં આવી ગયો તેની તેને ખબર જ રહેતી નથી.

મોટાં શહેરોમાં તો હજુ જરૂર જણાય ત્યારે મનોચિકિત્સકો મળી રહે છે પણ નાનાં સેન્ટર્સ અને ખાસ કરીને ગામડાંઓમાં તો મનોરોગીઓની હાલત દયાજનક બની જાય છે. એ લોકો તો એવી બીમારીને ભૂત-પ્રેત કે વળગાડમાં જ ખપાવી દે છે. ભૂવા-ભારાડીઓનો ભોગ બનનાર લોકોની સંખ્યા આપણે ત્યાં નાની સૂની નથી. મેન્ટલ હેલ્થના કિસ્સામાં સરકાર તો જે કરવું હશે એ કરશે પણ દેશના લોકો પણ પોતાનો એપ્રોચ બદલે એ જરૂરી છે. આપણે બધાએ એ વાત યાદ રાખવાની જરૂર છે કે માનસિક સ્વસ્થતા શારીરિક સ્વસ્થતા કરતાં વધુ મહત્ત્વની છે કારણ કે જો મન નબળું પડ્યું તો એ સશક્ત તનને પણ ઓગાળી નાખશે.

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 25 સપ્ટેમ્બર 2016, રવિવાર, દૂરબીન કોલમ)

25-9-16_rasrang_DOORBEEN_CINEGO.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *