ગોડ કોમ્પ્લેક્સ અને સૌથી ખરાબ બીમારી :
અંધાપાની આરપાર
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
એક સર્વેમાં બહાર આવ્યું છે કે સૌથી ખરાબ બીમારી અંધાપો છે.
બીજો એક અભ્યાસ એવો છે કે,
ગોડ કોમ્પ્લેક્સ એટલે કે પોતાને સર્વ શક્તિમાન માનવવાળાની સંખ્યા વધતી જાય છે.
વાત કરીએ, છતી આંખે આંધળાઓની અને આંખ વગરના અંધાપાની..
દુનિયામાં સૌથી ખરાબ બીમારી કઇ? એવો સવાલ કોઇને પૂછીએ તો કદાચ એવું જ કહે કે, શું ગાંડા જેવી વાત કરો છો, બીમારી તો બીમારી જ હોય છે, એમાં વળી સારી અને ખરાબ શું? નાનકડી ફોડકી થઇ હોય તો પણ માણસની હાલત ખરાબ થઇ જાય છે. દાંત કવે ત્યારે આખું અસ્તિત્વ હલી જતું હોય છે. હરસ અને ભગંદર તો વળી એવી બીમારી છે કે કોઇને કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય. નખ જરાકેય વધારે કપાઇ ગયો હોય તો કમકમાં આવી જાય છે. વાત સાચી છે, કોઇ બીમારી સારી હોતી નથી. આમ છતાં એ બીમારી દૂર થઇ જાય ત્યારે આપણી ગાડી ફરીથી પાટે ચડી જાય છે.
મતલબ કે ક્યોરેબલ ડિસીઝથી આપણને કામચલાઉ દર્દ થાય છે પણ જિંદગી બગડતી કે અટકતી નથી. સૌથી ખરાબ બીમારી વિશે અમેરિકામાં હમણાં એક સર્વે કરવામાં આવ્યો. લોકોને પૂછવામાં આવ્યું કે સૌથી ખરાબ બીમારી કઇ? સામાન્ય સંજોગોમાં આપણને જીવલેણ બીમારી જેવી કે કેન્સર, હાર્ટએટેક, એઇડ્ઝ, કિડની કે લીવરની બીમારી યાદ આવે અને આપણે તેનું નામ આપીએ. જે જવાબો મળ્યા એ જુદા હતા. લોકોએ કહ્યું કે નો ડાઉટ, જીવલેણ બીમારી ખતરનાક હોય છે પણ તેનો અંત હોય છે. માણસને એ મોત તરફ ધકેલે છે. એક સમય આવે છે અને માણસની જિંદગી પૂરી થઇ જાય છે. મોતને કોઇ કારણ જોઇતું હોય છે એમ માનીને લોકો મન મનાવી લે છે, એની પાસે બીજો કોઇ રસ્તો પણ હોતો નથી. વધુ અઘરી બીમારી એ છે જેની સાથે તમારે જીવવું પડે છે.
ગેગરીન થયું અને પગ કાપવો પડે, માણસ બચી જાય પણ પછી તેણે આખી જિંદગી ઘોડી અને વ્હીલ ચેરના સહારે જીવવી પડે છે. આપણે પણ કહીએ છીએ કે, પગ ભલે કાપવો પડ્યો, જીવ તો બચી ગયો. વાત પણ સાવ સાચી છે. જે વ્યક્તિનો પગ કાપવો પડ્યો છે તે પણ ધીમે ધીમે ટેવાઇ જાય છે. મજબૂત મનોબળવાળા લોકો જિંદગીનો જંગ હસતાં હસતાં ખેલી લે છે. સલામ કરવાનું મન થાય એવી રીતે ઘણા લોકો પોતાની શારીરિક ખામીઓને અતિક્રમીને જિંદગીને ભરપૂર માણે છે, જિંદગીને એવી રીતે જીવે છે કે સાજો નરવો માણસ પણ દંગ રહી જાય. ડાયાબિટીસ પણ એવી જ બીમારી છે કે એક વખત થઇ પછી છેક સુધી સાથે જ રહે છે. સર્વેમાં બહાર આવ્યું કે બધું સાચું પણ સૌથી ખરાબ બીમારી જો કોઇ હોય તો એ છે, અંધાપો. જે વ્યક્તિને જન્મથી જ દૃષ્ટિ હોતી નથી એની આ વાત નથી. એ કમનસીબ લોકોને તો એ જ ખબર નથી હોતી કે દુનિયા કેવી છે અને રંગ એટલે શું? સ્પર્શ કરીને એમણે બધું અનુભવવું પડે છે. એના કરતાં પણ ખરાબ હાલત એ લોકોની થાય છે જેણે બધું જોયું છે ને અચાનક કોઇ બીમારીના કારણે અંધાપો આવી જાય છે. કંઇ જ દેખાતું નથી, ચાલવા માટે પણ કોઇનો સહારો લેવો પડે છે. આંખો સિવાય બાકીનું આખું શરીર સ્વસ્થ હોય છતાં માણસ લાચાર થઇ જાય છે. તમારો અભિપ્રાય કદાચ જુદો હોઇ શકે પણ સર્વેમાં જે બહાર આવ્યું એ તો એવું જ છે કે, અંધાપો સૌથી અઘરો છે.
હવે એક બીજી વાત. એ છે ગોડ કોમ્પલેક્સની. આ ગ્રંથિ સાથે જીવતા લોકોને આપણે છતી આંખોએ આંધળા કહી શકીએ અથવા તો એમ પણ કહી શકીએ કે એને પોતાના સિવાય કંઇ દેખાતું જ નથી. જી કોમ્પલેક્સથી પીડાતા લોકો પોતાને ભગવાન એટલે કે સર્વ શક્તિમાન અથવા તો સર્વસ્વ માને છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ એવા લોકોને લાગુ પડે છે જે એવું સમજે છે કે મને જ બધી ખબર પડે છે. હું જ સાચો છું. સાથોસાથ એવું પણ માનવા લાગે છે કે બીજા કોઇને કંઇ ખબર પડતી નથી. આવા લોકોની સાથે કામ કરવું કે તેની સાથે રહેવું બહુ આકરું થઇ પડે છે, એ લોકો એવું જ ઇચ્છે છે કે બધા એને માન આપે, એની વાત સાચી સમજે અને એનું કહ્યું જ કરે. એનો પડ્યો બોલ ઝિલાવવો જોઇએ.
આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેને જોઇને અને જેની વાતો સાંભળીને આપણને એમ થાય કે આ મહાશય કે મેડમ એની જાતને સમજે છે શું? માત્ર સમજુ લોકો જ સમજી શકે છે કે આ બિચારો કે આ બિચારી મનોરોગી છે. આવી વ્યક્તિ જો સત્તાસ્થાને હોય તો એ અનેક લોકોની વાટ લગાડી દેતી હોય છે. જો કે આવી વ્યક્તિનો અંત સારો હોતો નથી. એ છેલ્લે એકલા પડી જતા હોય છે. સત્તા ન રહે ત્યારે ઘાંઘા થઇ જાય છે અને બધાને કોસતા રહે છે કે બધા અક્કલ વગરના છે. મનોચિકિત્સકોના મત મુજબ જે લોકો બધાને સમજુ સમજે છે એ જ ખરેખર સાચો સમજુ હોય છે. હા, મત કે મંતવ્ય તમારાથી જુદું હોઈ શકે પણ એનો મતલબ એ પણ નથી કે તેઓ ખોટા છે. ઘણા કલાકારો પણ એવું જ સમજે છે કે આઇ એમ ધ બેસ્ટ. તેની પાસે બીજા કોઇનાં વખાણ કરો તો પણ એ સહન કરી શકતા નથી.
અંધાપાની બીમારી તો કુદરતી હોય છે અને તેના માટે આપણે મેડિકલ સાયન્સ ઉપર જ આધાર રાખવો પડે છે. હા, આ ગોડ કોમ્પલેક્સથી બચી શકાય છે કારણ કે એ તો આપણે જ સર્જી હોય છે. પ્રોબ્લેમ એ પણ હોય છે કે આપણે એ સ્વીકારવા જ તૈયાર નથી હોતા કે આપણામાં કંઇક લોચો છે. બધા લોકોનો સ્વીકાર અને બધાના વિચારનું સન્માન એ સુખી થવાનો એક સરળ અને સહજ રસ્તો હોય છે, એટલું સમજાઇ જાય તો ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 14 ઓગસ્ટ 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)