દોસ્તી એટલે સંબંધોના સૂકા ઝાડનું લીલું પાંદડું
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
—————————————–
દોસ્તી ઇશ્ર્વરના આશીર્વાદ છે.
સારા મિત્રો હોવા એ સારા નસીબની નિશાની છે.
કોઇ જ ન હોય ત્યારે જે પાસે હોય છે એ મિત્ર છે.
જેની સાથે માત્ર હસી નહીં પણ જેની સામે રડી શકાય એ ખરો મિત્ર હોય છે.
————————————–
કુદરતને જ્યારે લોહીના સંબંધો બનાવ્યા પછી સંતોષ નહીં થયો હોય એટલે તેણે દોસ્તીનું સર્જન કર્યું. દોસ્તી એ માત્ર સંબંધ નથી, દોસ્તી એ સારા નસીબની જીવતી જાગતી નિશાની છે, દોસ્તી એ જીવવાનું કારણ છે, દોસ્તી એ દિલથી જિવાતી સંવેદના છે. મેરેજ વિષે એવું કહેવાય છે કે મેરેજિસ આર મેઇડ ઇન હેવન, જો આવું હોતું હશે તો કદાચ દોસ્તી તો સ્વર્ગ કરતાં પણ કોઇ સુંદર સ્થળે સર્જાતી હશે!
દોસ્તીમાં દોસ્તી સિવાય કશું જ હોતું નથી. દોસ્તીનાં કોઇ કારણ હોતાં નથી, દોસ્તીમાં કોઇ સ્વાર્થ હોતો નથી, કોઇ બંધન હોતું નથી, દોસ્તીમાં બસ એક એવો મજબૂત દોર હોય છે જે બંનેને જોડી રાખે છે. આ જોડ માણસને તૂટવા દેતો નથી, માણસને ખૂટવા દેતો નથી અને માણસને ઝૂકવા દેતો નથી. દોસ્ત સાથે કંઇ જ ધ્યાન રાખવું પડતું નથી. તેની સાથે કોઇ સંકોચ વગર ગાળો બોલી શકાય છે, થ્રી એક્સ જોક્સ ફોરવર્ડ કરી શકાય છે, કોઇને પૂછી ન શકાય એવા સવાલો પૂછી શકાય છે અને ગાંડા જેવા જવાબો મેળવી શકાય છે. વ્યસનો મિત્રોથી શરૂ થાય છે. પહેલી સિગારેટ ગલીના નાકે દોસ્ત સાથે જ પીધી હોય છે. એક વાર ટેસ્ટ તો કર એમ કહીને બીયર કે લીકરનો સ્વાદ એણે જ લગાડ્યો હોય છે. વ્યસનના બહાને પણ દોસ્ત યાદ રહે છે કે આ આદત ઘૂસી ગઇ છે ને એ તારા પાપે જ છે! દરેક દોસ્ત થોડા કમીના હોતા હી હૈ, પણ આ કમીનાઓ જો ન હોત તો જિંદગીમાં બહુ મોટી કમી હોત!
દોસ્તને બધી ખબર હોય છે કે આ બાપુ અત્યારે કેવા સંજોગોમાંથી પસાર થઇ રહ્યો છે. ઘરવાળીના ત્રાસના બખાળા દોસ્ત સિવાય કોઇ પાસે કાઢી શકાતા નથી. એ પાછો બેલેન્સ પણ જબરજસ્ત રાખી શકતો હોય છે. કુદરતે પણ મિત્રને બહુ માવજતથી ઘડ્યા હોય છે!
એવું નહીં સમજતા કે છોકરાઓની દોસ્તી જ બેસ્ટ હોય છે. છોકરીઓની દોસ્તી પણ ચાર ચાસણી ચડે એવી હોય છે. બહેનપણી બધાં જ સિક્રેટ જાણતી હોય છે. કયો છોકરો દાણા નાખે છે તેનાથી માંડીને છોકરાનાં જે નામો પાડે છે તે મગજમાં આંટી ચડાવી દે તેવાં હોય છે. એક છોકરીએ બિન્ધાસ્ત પેલી જાહેરાતની ટેગલાઇન ફટકારીને કહ્યું હતું કે, વ્હાય બોય્ઝ હેવ ઓલ ધ ફન? અમારું પણ ઘણું ખાનગી ખાનગી હોય છે. દોસ્તીમાં જાતિભેદ, લિંગભેદ કે બીજો કોઇ ભેદ હોતો નથી અને જે અંદરોઅંદરના ભેદ હોય છે એ ભેદ ક્યારેય ખૂલતા નથી.
દરેક દોસ્તી લાઇફ ટાઇમની હોય એવું જરૂરી નથી. દોસ્તી કડાકા સાથે તૂટે છે, ઘણી વખત દૂર જવાના કારણે દોસ્તી છૂટે છે, ક્યારેક રસ્તાઓ અલગ અલગ થાય ત્યારે દોસ્તી પણ ફંટાઇ જાય છે. કટાયેલી દોસ્તી જિંદગીભર ખૂંચતી રહે છે. એક અજાણી વેદના દિલને ડંસતી રહે છે. ઇન્ટરનેટ ટેક્નોલોજીના કારણે હવે દોસ્ત દૂર હોય તો પણ દોસ્તી ઓનસ્ક્રીન જામતી રહે છે. જો કે દોસ્તી તૂટે પછી આ ટેક્નોલોજી વેદના પણ આપતી રહે છે. તમે દૂર રહેવા ઇચ્છતા હોવ તો પણ એ ચહેરો કોઇ ને કોઇ માધ્યમથી સામે આવતો રહે છે. ક્યારેક ખાનગીમાં દોસ્તની વોલ ઉપર જઇને જોઇ લેવાય છે કે એની દીવાલ ઉપર મારી ગેરહાજરીમાં કેટલા રંગો પુરાયા છે અને કેટલા ભૂંસાયા છે.
દોસ્તી તૂટે એ પછી પણ દોસ્તીની ગરિમા અકબંધ રહેતી હોય છે. દિલ કોણે તોડ્યું અને રસ્તો કોણે બદલ્યો એની બહુ ચર્ચા ન હોય, એ રહસ્ય તો દિલના કોઇ એક ખૂણે દફન કરીને એને યાદોનાં ફૂલ ચડાવતા રહેવાનાં હોય છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની દોસ્તીમાં પણ કંઇક એવું જ થયું હતું. જો કે રાજીવ જીવ્યા ત્યાં સુધી અને અમિતાભે આજની તારીખ સુધી એક-બીજા વિષે ક્યારેય ઘસાતો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. અમિતાભ અને રાજીવને આમ તો દોસ્તી વારસામાં મળી હતી પણ એ બંને જવાહરલાલ નહેરુ અને હરિવંશરાય બચ્ચનની માફક આખી જિંદગી દોસ્તી નિભાવી ન શક્યા.
રાજીવ ગાંધીના કહેવાથી અમિતાભ રાજકારણમાં આવ્યા હતા. જો કે રાજકારણ અમિતાભને માફક ન આવ્યું અને એ સમયસર રાજકારણમાંથી સરકી ગયા. એમ તો અમિતાભ મારફતે રાજીવને પણ બોલિવૂડમાં લઇ આવવા આગ્રહ થયો હતો. અમિતાભ શૂટિંગ કરતા હોય ત્યારે ઓચિંતા જ રાજીવ તેમને મળવા પહોંચી જતા હતા. અલબત્ત, કોઇને ખબર ન હતી કે અમિતાભને મળવા આવે છે એ એનો દોસ્ત છે કોણ! ‘બોમ્બે ટુ ગોવા’ રિલીઝ થઇ એ પછી અમિતાભ મુંબઇમાં હતા. મહેમૂદ અને બીજા લોકો પણ હાજર હતા. એવામાં જ રાજીવ અમિતાભને મળવા પહોંચી ગયા હતા. બંને મિત્રો ખૂબ જ સરસ રીતે મળ્યા. રાજીવ ગયા પછી મહેમૂદે અમિતાભને પૂછ્યું કે આ યંગ એન્ડ હેન્ડસમ બોય કોણ છે? અમિતાભે ક્હ્યું, મારો દોસ્ત છે. મહેમૂદે ક્હ્યું કે એને પૂછી જો ફિલ્મમાં હીરો તરીકે કામ કરવું છે? હું પાંચ હજાર રૂપિયા આપીશ. અમિતાભે જ્યારે રાજીવની સાચી ઓળખાણ આપી ત્યારે મહેમૂદના મોઢેથી પણ શબ્દો સરી ગયા હતા કે એમ, ઇંદિરાજીનો સન છે! સોનિયા માટેભારતમાં સૌથી પહેલા મિત્ર પણ અમિતાભ જ હતા. 13મી જાન્યુઆરી 1968નો એ દિવસ હતો. રાજીવ સાથે મેરેજ કરવા સોનિયા દિલ્હી આવતાં હતાં. કડકડતી ઠંડીમાં વહેલી સવારે સોનિયાને રિસીવ કરવા માટે અમિતાભ પાલમ એરપોર્ટ ગયા હતા. ઇંદિરાજી ઇચ્છતાં હતાં કે જ્યાં સુધી મેરેજ ન થાય ત્યાં સુધી સોનિયા ગૃહપ્રવેશ ન કરે. એટલે અમિતાભ સોનિયાને રિસીવ કરીને પોતાના ઘરે લઇ ગયા હતા. સોનિયા 43 દિવસ અમિતાભના ઘરે રોકાયાં હતાં. 25મી ફેબ્રુઆરી 1968ના રોજ રાજીવ-સોનિયાનાં મેરેજ થયાં. એ પછી પણ બંનેની ગાઢ દોસ્તી બરકરાર રહી.
જો કે રાજકારણના કારણે બંને વચ્ચે ડિસ્ટન્સ આવી ગયું હતું. બોફોર્સ કેસમાં નામ ચગ્યું પછી અમિતાભે રાજકારણને અલવિદા કહી દીધું. ત્યાર પછી પણ સંબંધો તો હતા જ. રાજીવની હત્યા થઇ ત્યારે અમિતાભ લંડનમાં હતા. રાહુલ એ વખતે બોસ્ટનમાં હતા. અમિતાભ રાહુલને પોતાની સાથે લઇને જ દિલ્હી આવ્યા હતા. રાજીવની વિદાય પછી ગાંધી અને બચ્ચન પરિવાર વચ્ચે ડિસ્ટન્સ વધી ગયું. ગમે તે હોય, પણ રાજીવ અને અમિતાભની દોસ્તીમાં એક ગજબનું તત્ત્વ હતું જે બંનેને જોડી રાખતું હતું. અમિતાભ આ વિષે બોલવાનું ટાળે છે પણ એના દિલમાં ક્યાંક આ સંબંધ હજુ ધબકી રહ્યો હશે.
દોસ્ત કરતાં દોસ્તીનું મૃત્યુ વધુ દુ:ખદાયક હોય છે. એટલે જ એવું પણ કહેવાય છે કે બીજા સંબંધોમાં ભલે ઓટ આવે પણ અમારી દોસ્તીને કોઇની નજર ન લાગે! બીજા સંબંધોમાં અંટસ પડે તો દોસ્ત સમક્ષ હૈયું હળવું કરી શકાય પણ દોસ્તી તૂટે ત્યારે એ વેદના તો પોતે જ ભોગવવી પડે છે. આજે દોસ્તી દિવસ છે, આ દિવસ દોસ્તીના સેલિબ્રેશન માટે તો છે જ પણ સાથોસાથ નારાજ થયેલા કોઇ દોસ્તને ફરીથી નજીક લાવવાનો અવસર પણ છે. હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 07 ઓગસ્ટ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
Sundaywithpruthvi.wordpress.com
🙂