તું કંઈ પણ માની લે એમાં મારો શું વાંક? : ચિંતનની પળે

તું કંઈ પણ માની લે
એમાં મારો શું વાંક?

44

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ન ખુશી અચ્છી હૈ એ દિલ, ન મલાલ અચ્છા હૈ,
યાર જિસ હાલ મેં રખ્ખે, વહી હાલ અચ્છા હૈ,
બાત ઉલ્ટી વો સમઝતે હૈ જો કુછ કહતા હૂં,
અબ કે પૂછા તો યે કહ દૂંગા કી હાલ અચ્છા હૈ.
– જલીલ માનિકપૂરી

આપણે જેવું વિચારતા હોઈએ એવું જ આપણા લોકો વિચારતા હોય એવું જરૂરી નથી. આપણને ગમતું હોય એવું બધાને ગમતું હોતું નથી. આપણી માન્યતાઓ, ધારણાઓ, ખયાલો, અપેક્ષાઓ અને સપનાંઓ આપણાં હોય છે. સંબંધોમાં ખટાશ અને ખટરાગ આવવાનું એક કારણ એ પણ હોય છે કે આપણે ઘણું બધું માની લેતાં હોઈએ છીએ. આપણે આપણી માન્યતાને સાચી અને શ્રેષ્ઠ માનતા હોઈએ છીએ. આપણે જાણે-અજાણે એવું પણ ઇચ્છતા હોઈએ છીએ કે આપણી વ્યક્તિ પણ એવું જ માને અને એવું જ ધારે.

એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને પડોશી હતાં. બંનેના પરિવાર વચ્ચે પણ ઉમદા સંબંધો હતા. સાથે મોટા થયાં, ભણ્યાં. બંને સાથે જ હોય. કોલેજમાં ટીમ બનાવવાની વાત હોય ત્યારે બંને એક જ હોય એવી રીતે પાર્ટિસિપેટ કરે. કોલેજ પૂરી થવાની હતી. એક દિવસ સરસ મોકો જોઈને છોકરાએ પ્રપોઝ કરી દીધું કે, હું તને પ્રેમ કરું છું. તારી સાથે મેરેજ કરવા છે. આ સાંભળી છોકરી તેની સામું જ જોઈ રહી. છોકરીએ કહ્યું કે, સોરી પણ મેં તને ક્યારેય પ્રેમી કે ભાવિ પતિની નજરે જોયો જ નથી! મેં તો તને એક ફ્રેન્ડ તરીકે જ જોયો છે. છોકરાએ કહ્યું, હું તો એવું માનતો હતો કે તું મને પ્રેમ કરે છે. છોકરીએ કહ્યું, તું કંઈ પણ માની લે એમાં મારો શું વાંક? તેં મને ક્યારેય પૂછ્યું છે ખરું? તું અને હું બચપણથી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાનું ધ્યાન રાખીએ છીએ એ બધું સાચું, પણ તારા અને મારા વિચારો જુદા છે. આપણે સાથે રહી શકીએ એવી શક્યતા જ નથી.

છોકરીની વાત સાંભળી એ ડિસ્ટર્બ થઈ ગયો. બોલવાનું બંધ કરી દીધું. એક દિવસ છોકરીએ તેને રોકીને કહ્યું કે, બસ આ જ તો ફરક છે. તું કદાચ હજુ મને સમજી શકતો નથી. પ્રેમ તો દૂરની વાત છે, મને તો એવું લાગે છે કે તું સાચો દોસ્ત પણ નથી. દોસ્ત હોત તો મને સમજી શક્યો હોત કે મારી પણ પોતાની માન્યતાઓ હોઈ શકે. હા, તારી પાસે તારાં સપનાં છે, પણ મારાં સપનાં એનાથી જુદાં છે. જિંદગીને તું જે રીતે સમજે છે એના કરતાં હું જુદું માનું છું. અરે! મેરેજની પણ તારી વ્યાખ્યા અલગ છે અને હું જુદી ધારણાઓ બાંધું છું. તારે ન બોલવું હોય કે સંબંધ ન રાખવો હોય તો તારી મરજી, પણ એક વાત સમજજે કે તું એક ભ્રમમાં જીવતો હતો. હું પણ કદાચ દોસ્તીના ભ્રમમાં જીવતી હતી. આપણા ભ્રમ પણ ભિન્ન હતા! હવે આપણાં બંનેના ભ્રમ ભાંગ્યા છે. વાંક તારો કે મારો નથી, વાંક આપણે જે માની લીધું હતું એનો છે. હવે આપણે જેવા છીએ એવા સામ-સામા છીએ. તને તારા વિચારો મુબારક અને મને મારા. દોસ્તી રહી હોત તો મને ગમત, પણ એમાંયે બંનેની સરખી ઇચ્છા હોવી જોઈએ. મારે તને સોરી કહેવું છે, કારણ કે સારી દોસ્ત હોવા છતાં હું તારા ભ્રમને સમજી ન શકી. મને જરા પણ અંદાજ આવ્યો હોત તો હું તને કહી દેત કે હું તને પ્રેમ નથી કરતી, માત્ર દોસ્ત સમજુ છું. આપણામાં સ્પષ્ટતાનો અભાવ હતો, હવે સ્પષ્ટતા થઈ ગઈ છે. ચોખવટ પછી ઘણા ભાવ અભાવમાં પણ પલટાઈ જતાં હોય છે!

પ્રેમ, દોસ્તી, સંબંધ, લાગણી અને કામના મામલામાં આપણે ઘણું બધું આપણી રીતે જ ધારી કે માની લેતા હોઈએ છીએ. વાત ઉઘાડી પડે ત્યારે આપણે એવું કહીએ છીએ કે હું તો આવું સમજતો હતો, મને તો એવું લાગ્યું હતું કે, તમે આવું ઇચ્છતા હતા, આવા બધા એસ્ક્યુસીસ એવું જ છતું કરતાં હોય છે કે આપણે વાતને બરાબર સમજવામાં થાપ ખાધી હતી. ઓફિસના કામમાં પણ ઘણી વખત એવું જ થતું હોય છે. કહ્યું હોય કંઈક અને આપણે સમજીએ કંઈક, સરવાળે કંઈક ન થવાનું થઈ જાય અને ન કરવાનું આપણે કરી નાખીએ.

જ્યારે વાત બીજાની હોય ત્યારે આપણે આપણી રીતે કંઈ માની લેવું ન જોઈએ, પણ એની રીત અને એના વિચારોને સમજવા જોઈએ. ઘણા લોકો વાત પૂરેપૂરી સમજતાં નથી, પૂરી સમજાઈ ન હોય તો પૂછતાં પણ નથી. પૂછીએ તો કેવું લાગે? મારી છાપ તો એવી જ પડેને કે મને કંઈ ખબર પડતી નથી. જોકે, સમજ્યા વગર ગમે તે કરી નાખીએ એના પછી જે છાપ પડે છે એ વધુ ગંભીર હોય છે.

એક ઓફિસની વાત છે. એક બોસ તેની ટીમના સભ્યને એક કામ સમજાવતાં હતા. વાત પૂરી થઈ પછી કર્મચારીએ કહ્યું કે, સોરી સર, મને આ મુદ્દે થોડીક વધુ સ્પષ્ટતા કરોને. તમારે શું જોઈએ છે? બોસે કહ્યું, તને એક વખતમાં કંઈ સમજ નથી પડતી? કર્મચારીએ કહ્યું, સોરી સર, ખબર તો પડે જ છે, મને જસ્ટ કન્ફર્મ કરવું છે કે હું જે સમજ્યો છું એ બરાબર છેને? તમે મને જે કરવા કહો છો એ જ હું સમજ્યો છું ને. મેં મારી રીતે તો કંઈ માની કે ધારી લીધું નથીને. તમે કહો તો, હું જે સમજ્યો છું એ તમને કહું, જેથી તમને ખ્યાલ આવે કે તમે જે કહેવા માગતા હતા એ જ હું સમજ્યો છું.

સંવાદમાં પણ સમજણ હોવી જોઈએ. કોઈ જુદો મતલબ કાઢી લે તો દરેક વખતે વાંક સામેની વ્યક્તિનો જ હોય એવું જરૂરી નથી. આપણો પણ વાંક હોઈ શકે કે આપણે તેને વાત બરાબર સમજાવી ન શક્યા. દરેક વ્યક્તિને આપણા જેટલી સમજુ સમજી લેવી એ પણ સમજણનો અભાવ જ બતાવે છે. આપણે કહીએ છીએ કે, એટલી ખબર ન પડે? આ તો કોમન સેન્સની વાત છે. વાત કોમન સેન્સની હોય કે ઇન્ટલેક્ચ્યુઅલ હોય, સામેની વ્યક્તિને એ વાત બરાબર સમજાવવાની જવાબદારી આપણી હોય છે. બોસ, સિનિયર, વડીલ કે લીડર ઘણી વખત એવું માની લેતાં હોય છે કે હું સમજુ છું એવું જ એ પણ સમજે છે. એવું હોતું નથી. સામેની વ્યક્તિ અણસમજુ છે એવું માની લેવાની જરૂર નથી, પણ તમારે તમારી વાત એને સમજાય એ રીતે તો કરવી જરૂરી છે જ.

આપણે ઘણી વખત આપણાથી સમજુ અને ડાહ્યા લોકોને કોઈ વાત કરતાં હોઈએ ત્યારે એની કક્ષા નક્કી કરી લેતા હોઈએ છીએ કે એને આટલી તો ખબર હોય જ ને! હા, એ સમજુ હોઈ શકે, જ્ઞાની પણ હોઈ શકે, પણ એ તમે જે કહેવા ઇચ્છતા હોય એવું જ સમજે એ જરૂરી નથી. આપણને એટલે જ ઘણા લોકો એમ કહેતા હોય છે કે, તો પછી ચોખવટ કરવી જોઈએને! ફોડ પાડીને વાત કરને, કંઈક સમજાય એ રીતે કહે, એવું કોઈ કહે ત્યારે સમજવું કે આપણે તેને ગળે ઘૂંટડો ઉતરાવી શક્યા નથી!

કંઈ ધારી ન લો. કંઈ માની ન લો. તમે કંઈ ધારો કે માનો તો પણ એ વાતની ચોખવટ કરી લો કે તમે જે ધારો કે માનો છો એ બરાબર છેને? સામેની વ્યક્તિ પણ એવું જ માને અને ધારે છેને? મોટા ભાગના સંબંધો અણબનાવ કરતાં વધુ ગેરસમજના કારણે બગડે અથવા તો તૂટે છે. સંબંધોમાં જેટલી સ્પષ્ટતા હશે એટલી જ સરળતા રહેશે!

છેલ્લો સીન:
ઇશારાની ભાષા આવડી જાય, જો એકબીજાનું મૌન આપણે સમજવા લાગીએ. – કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.03 ઓગસ્ટ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

03 AUGUST 2016 44

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “તું કંઈ પણ માની લે એમાં મારો શું વાંક? : ચિંતનની પળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *