વેટથી માંડીને ફેટ..
તુલસી ઇસ સંસારમે ભાત ભાત કે ટેક્સ
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
કેરળની રાજ્ય સરકારે 14.5 ટકાનો અધધધ ફેટ ટેક્સ લાગું કરવાની જાહેરાત કરી.
હવે જંકફૂડ ખાનારાઓનું શરીર ભલે ભારે થાય પણ ખીસું હળવું થશે. દુનિયામાં એવા જાતજાતના ટેક્સ છે
જેના વિષે સાંભળીને આપણી આંખો પહોળી થઇ જાય!
-0-0-0-0-0-0-0-0-0-0-0
કનુએ મનુને પૂછ્યું, વ્હોટ ઇઝ ફાઇન? (દંડ એટલે શું?)
મનુએ જવાબ આપ્યો, ફાઇન ઇઝ એ ટેક્સ ફોર ડુઇંગ રોંગ. (દંડ એ ખોટું કરવા બદલ ભરવો પડતો વેરો છે.)
કનુએ વળતો સવાલ કર્યો, એન્ડ વ્હોટ ઇઝ ટેક્સ? (તો પછી ટેક્સ એટલે શું?)
મનુએ જવાબ આપ્યો, ટેક્સ ઇઝ અ ફાઇન ફોર ડુઇંગ રાઇટ! (ટેક્સ એ સાચું કરવાનો દંડ છે!)
ટેક્સ વિશે જાતજાતના જોક્સ ચાલતા રહે છે. સામાન્ય લોકોમાં ટેક્સ વિશે ઝાઝી સમજ હોતી નથી, એ લોકો માટે ટેક્સ એટલે સરકાર દ્વારા કોઇ ને કોઇ રીતે ખીસાં ખંખેરવાની કળા. સમજુ લોકો કહે છે કે ભાઇ આવડો મોટો દેશ ચલાવવામાં ખર્ચ તો થાયને! સરકાર રોડ, ગટર, પાણી, સિક્યોરિટી અને બીજી ઘણી બધી સગવડ આપે છે તો તેના માટે કંઇક તો આપવું પડે ને! આટલી બધી યોજનાઓ કેવી રીતે ચાલે છે? આપણા રૂપિયે જ તો સરકારની બધી ધમાધમ ચાલતી રહે છે. તમે તમારી સોસાયટીમાં મેઇન્ટેનન્સ નથી આપતા? તો પછી સરકારને પણ ખર્ચાપાણી આપવા પડે ને! સામા પક્ષે એવી પણ દલીલ થાય છે કે બધી વાત સાચી પણ ટેક્સની કંઇક લિમિટ તો હોવી જોઇએ ને! ગમે ત્યાંથી ખીસાં કાતરવાની વાત થોડી ચાલે!
અત્યારે માત્ર આવક ઉપર જ ટેક્સ નથી, તમે જે કંઇ ખરીદો કે જે કંઇ મોજમજા કરો તેમાં તમારે ટેક્સ આપવો પડે છે. તમને ખબર પણ ન પડે એ રીતે સરકાર તમારા ખીસામાંથી થોડીક નોટો સરકાવી લે છે. વેરા સીધા હોય કે આડકતરા હોય, અંતે તો બધો ભાર કન્યાની કેડ ઉપર જ એટલે કે લોકો ઉપર જ હોવાનો. સરકાર મોટો ટેક્સ સીધો ઊઘરાવે તો હોબાળો થઇ જાય એટલે એ નવા નવા નુસખા શોધે છે. દેશ અને દુનિયામાં એવા ચિત્ર-વિચિત્ર ટેક્સ લગાવવામાં આવ્યા છે કે આપણે નક્કી ન કરી શકીએ કે આના ઉપર હસવું કે રડવું!
કેરળની સરકારે હમણાં ફેટ ટેક્સ લાગુ કરવાની વાત કરી. એ પણ નાનોસૂનો ટેક્સ નહીં, પૂરા સાડા ચૌદ ટકા. તમે જંકફૂડ ખાવા જશો તો હવે વધુ મોંઘું પડશે. આવો ટેક્સ દુનિયામાં ક્યાંય છે? હા છે. સૌથી પહેલા ડેનમાર્કે ઓક્ટોબર 2011માં ફેટ ટેક્સ લાગુ કરી બટર, ચીઝ, પિઝા, માંસ, પ્રોસેસ્ડ ફૂડ ઉપરાંત 2.3 ટકાથી વધુ ફેટ હોય તેવા ખાદ્યપદાર્થો ઉપર ટેક્સ લાગુ કર્યો હતો. જાપાને 2008માં ‘મેટાબો’ નામે આવો ટેક્સ લાગુ કર્યો હતો. આ ટેક્સ કમરની સાઇઝના આધારે આપવાનો હતો. પેટ મોટું એટલો ટેક્સ વધુ. જાપાનની ગણતરી હતી કે આ પગલાં પછી 2015 સુધીમાં 25 ટકા મેદસ્વીપણું ઓછું થશે. આવું થયું ખરું? જવાબ છે, ના. ટેક્સ લગાવવાથી કોઇ નોંધપાત્ર ફેર પડ્યો નહીં. ફેટ ટેક્સનો પહેલો વિચાર 1942માં અમેરિકાના શરીર વિજ્ઞાની એ.જે. કારિસને આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ઓવરવેઇટ હોય તેની પાસેથી કિલો મુજબ ટેક્સ લેવાનો. 1980માં જંકફૂડ પર ટેક્સ લગાવીને હેલ્ધી ફૂડમાં સબસિડી આપવાની પણ એક વાત થઇ હતી. જોકે એ કંઇ અમલમાં મુકાયું ન હતું. થોડા સમય અગાઉ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરોને પણ ફેટ ટેક્સ લાગુ કરવાની વાત કરી હતી. જોકે હવે તો બ્રેક્ઝિટના કારણે એમણે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.
દેશ અને દુનિયામાં કેવા કેવા ટેક્સ લગાવાયા હતા કે લગાવાયા છે, એ જાણવાની ખરેખર મજા આવે એવું છે. તમને ખબર છે, જ્યાં ફેટ ટેક્સ લગાવવાની વાત થઇ છે એ જ કેરળના એક રજવાડામાં તો દલિત સ્ત્રીઓના સ્તનની સાઇઝ પર ટેક્સ લેવામાં આવતો હતો! મતલબ કે મોટાં સ્તન હોય તેણે વધુ ટેક્સ આપવાનો! આ માટે રીતસર સ્તનનું માપ લેવામાં આવતું હતું! એમ તો દુનિયામાં સેક્સ ટેક્સથી માંડીને ડેથ ટેક્સ પણ ઉઘરાવાયા છે. 1971ની આ વાત છે. અમેરિકાના રોડ આઇલેન્ડમાં આર્થિક તંગીના કારણે રેડ લાઇટ એરિયામાં જનાર વ્યક્તિ પાસેથી ટેક્સ લેવાનું નક્કી કરાયું હતું. અમેરિકાના સિએટલમાં કોઇ માણસ મરી જાય તે પછી તે મરી ગયો છે એ જાહેર કરવા અને અંતિમવિધિની મંજૂરી આપવા માટે 50 ડૉલર ટેક્સ લેવામાં આવતો હતો. આ વેરો ડેથ ટેક્સના નામે બહુ બદનામ થયો હતો. અરકન્સોમાં ટેટૂ ચિતરાવવા પર 6 ટકાનો ટેક્સ રાખવામાં આવ્યો હતો. કેન્સાસમાં હોટ એર બલૂનમાં બેસવા ઉપર પણ ટેક્સ હતો. એક સમયે અમેરિકાના ન્યૂયૉર્કમાં કોર્ટમાં કેસ લડવા માટે પણ ટેક્સ ચૂકવવો પડતો હતો.
જાપાનમાં વ્હિસ્કી ટેકસ હતો. વ્હિસ્કીમાં જેટલા ટકા આલ્કોહોલ હોય એ ઉપર ટેકસ લાગતો. દારૂ બનાવવાવાળા ટેક્સથી બચવા માટે પાણીનું પ્રમાણ વધુ અને આલ્કોહોલ ઓછું રાખતા. યુરોપિયન કંપનીઓને વ્હિસ્કી ડાયલ્યુટ કરવાની છૂટ ન હતી એટલે એ વ્હિસ્કી મોંઘી હતી. સસ્તી હોવાના કારણે જાપાનમાં પોતાના દેશની જ વ્હિસ્કી વધુ વેચાતી હતી. 16મી સદીમાં ઇંગ્લેન્ડમાં પત્તા રમવા પર પણ ટેક્સ લાગતો હતો. 1969માં તો બ્રિટને એક વિચિત્ર ટેક્સ લાગુ કર્યો હતો. એ ટેક્સનું નામ હતું, વિન્ડો ટેક્સ. ઘરમાં જેટલી બારી હોય એ મુજબ ટેક્સ આપવાનો થતો હતો. ટેક્સથી બચવા માટે લોકો ઘરમાં ઓછી બારી કરાવવા લાગ્યા હતા. એ સમયમાં બનેલાં ઘરોમાં આજે પણ ઓછી બારી જોવા મળે છે. અગાઉના સમયમાં એટલે કે 1700માં તો ઇંગ્લેન્ડમાં ઇંટ પર પણ ટેક્સ લાદી દેવાયો હતો. નંગ દીઠ ઇંટ પર ટેક્સ લેવામાં આવતો. ટેક્સથી બચવા માટે બિલ્ડરોએ ઇંટની સાઇઝ મોટી કરાવી દીધી. સરકારને આ છટકબારી સમજાઇ ગઇ એટલે તેણે ટેક્સના નિયમોમાં સુધારો કરી ઇંટની સાઇઝ મુજબ ટેક્સ લેવાનું નક્કી કરી નાખ્યું હતું.
હવે વાત કરીએ યુરિન ટેક્સની. હા, મૂત્રની ખરીદી પર ટેક્સ લેવાતો હતો! તમને થશે કે આ ‘પી’ ખરીદતું કોણ હશે? પહેલી સદીમાં રોમન રાજા વાસ્પાસ્યિને યુરિન ટેક્સ લાગુ કર્યો હતો. એ સમયે યુરિનથી કંઇક કેમિકલ પ્રોસેસ થતી. પબ્લિક ટોઇલેટમાં યુરિન ભેગું કરાવી એ ખરીદવામાં આવતું. રાજાની નજર આના પર પડી અને ટેક્સ લાગુ કરી દીધો. આવી જ રસપ્રદ વાત દાઢી ટેક્સની છે. 1705માં રશિયન ઇમ્પિરિયર પીટર ધ ગ્રેટે દાઢી રાખનાર પર ટેક્સ લાદ્યો હતો. તે ઇચ્છતો હતો કે કોઇ દાઢી ન રાખે, અને તેનું કારણ એ હતું કે યુરોપમાં લોકો ક્લીન શેવ રાખતા હતા. 1885માં કેનેડાએ ચાઇનીઝ હેડ ટેક્સ રાખ્યો હતો. કોઇ ચાઇનીઝ સિટિઝને કેનેડા આવવું હોય તો આ ટેક્સ ચૂકવવો પડતો .કોઇ દેશમાં મોટી સ્પોર્ટ ઇવેન્ટ યોજાઇ હોય તો એનો ખર્ચ કાઢવા માટે કામચલાઉ રીતે ટેક્સ લાગુ કરાયાના પણ ઘણા કિસ્સા છે. એવી જ રીતે યુદ્ધ પછી પણ વૉર ટેક્સ લાગુ કરાયા છે.
વેરા, દાણ કે ટેક્સ ઉઘરાવવાની પ્રથા પ્રાચીન છે પણ સમય સાથે તેમાં જાતજાતના સુધારા અને વધારા થતા જાય છે. અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો તેના વિરોધમાં ગાંધીજીએ દાંડીયાત્રા કાઢી હતી. ટેક્સની સામે જંગી આંદોલનો થયાં હોવાનો પણ લાંબો ઇતિહાસ છે. આંદોલન પછી માનો કે લોકોની જીત થાય અને સરકાર ટેક્સ પાછો ખેંચે તો થોડા સમય પછી પાછો નવા નામે નવો ટેક્સ આવી જાય છે. આમ છતાં ઘણા ટેક્સ ખરેખર એવા હોય છે જેના વિશે સાંભળીને આપણને ચોક્કસપણે એવું થાય કે આવા ચકરાવે ચડી જવાય એવા વિચારો આવે છે કોને? વેરાનું અંતે તો માણસની ઉંમર જેવું જ હોય છે, વધતી જ રહે, ઘટવાની કોઇ શક્યતા જ નહીં.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 17 જુલાઇ 2016, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com