જાહેરમાં કીસ કરવી એ ગુનો,
પાપ કે કોઇ ગંદું કામ છે?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાને એક મહિલાએ સ્ટેજ ઉપર સરાજાહેર કીસ કરી લીધી અને હોબાળો મચી ગયો. કીસ ખાનગીમાં કે સંતાઇને જ થાય ? ચુંબન એ બિભત્સ ચેનચાળા નથી !
-0-0-0-0-0-0-0-0-0-0-0
કિસ, ચુંબન કે પપી એ પ્રેમ, આદર, સ્નેહ કે વહાલ વ્યક્ત કરવાની ઉત્કૃષ્ટ ચેષ્ટા છે. કિસ ક્યાંય એટલે કે શરીરના કોઇપણ ભાગે કરવામાં આવે એમાં માત્ર અને માત્ર પ્રેમ નીતરતો હોય છે. હોઠ, ગાલ, ભાલ, હાથ કે પછી પગમાં થતી કિસને ભલે જુદા જુદા ચોકઠામાં ફિટ કરવામાં આવતી હોય, ક્યાં કિસ કરવાનો કેવો અર્થ થાય એની વ્યાખ્યાઓ ભલે જેને જેવી કરવી હોય એવી કરે પણ એક વાત નક્કી છે કે પ્રેમ વગર કિસ થતી નથી. વહાલ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે કિસને બદલે બટકું ભરાય જાય છે. દરેક માએ એક વખત નહીં પણ અનેક વખત પોતાના સંતાનને વહાલમાં બટકું ભર્યું જ હોય છે. કંટ્રોલ જ નથી રહેતો. પ્રેમમાં કંટ્રોલ રહે તો એ પ્રેમ અધૂરો છે. લવ બાઇટ એ પ્રેમના જીવતાં જાગતાં રાતાંચોળ પ્રતીકો છે. ચુંબન કંઈ પ્રેમીઓ કે પતિ-પત્નીઓની જ જાગીર નથી. ચુંબન તો પ્રેમની એક એવી અનુભૂતિ છે, જે માણસમાં દિલ ધબકે છે અને સંવેદનાઓ છલોછલ છે એના પુરાવાઓ આપે છે.
પથ્થરનો માણસ ચુંબન ન કરી શકે. કઠોરનો સ્પર્શ પણ કારમો અને કાતિલ હોય છે. ચુંબન માટે મીણ જેવું મન જોઇએ અને ઓગળવાની ફાવટ હોવી જોઇએ. ચુંબન થતું હોય ભલે ક્યાંય પણ, એ થાય તો હોઠથી જ છે. ચુંબનની વેળાએ હોઠ પર ચોમાસું બેસે છે અને દિલમાં લાગણીઓ વરસતી રહે છે. આંખમાં ઘણી વખત ચુવાક થાય છે અને આખું અસ્તિત્વ છલોછલ થઇ જાય છે. ચુંબનનાં દૃશ્યો ભાવુક હોય છે. પિયરથી સાસરે વિદાય થતી દીકરીને થતું પિતાનું ભીની આંખવાળું ચુંબન ભલભલા જિગરવાળાને પણ ઝણઝણાવી જાય છે. બસ સ્ટેશન, રેલવે પ્લેટફોર્મ અને એરપોર્ટ પર હગ કરીને અપાતા ચુંબનમાં જુદા પડવાની વેદના સાથે સોળે કળાએ ખીલેલી સંવેદનાઓ સજીવન થતી હોય છે.
આપણે ચુંબનને કેમ સહજતાથી સ્વીકારી શકતા નથી? એમાં ન જોવા જેવું ગંદું શું છે? આપણે એટલા બધા દંભી થઇ ગયા છીએ કે ધોળું હોય એ પણ કાળું દેખાય અને ઉમદા હોય એ પણ અજુગતું ગણાય! કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરામૈયાને હમણાં એક મહિલાએ સ્ટેજ પર જાહેરમાં ચુંબન કરી લીધું. આ દૃશ્ય તમે જોયું, એમાં બીભત્સ લાગે એવું કંઇ ન હતું. પેલી મહિલાએ ચોખવટ કરી કે તેમના ઉપર મને પિતા જેવો આદર છે, ઓચિંતા જ એક ઊભરો આવ્યો ને કિસ થઇ ગઇ. સિદ્ધરામૈયા પણ બહુ સહજ હતા, કિસ પહેલાં અને કિસ પછી પણ. બંનેના ચહેરા ઉપરના ભાવ બતાવતા હતા કે એમાં લાગણીનો ભાવ જ હતો. એ મહિલા પહેલી જ વખત સિદ્ધરામૈયાને મળતી હતી. આમ છતાં હોબાળો થઇ ગયો. આ ઓપન કિસની પાછળ સાચું કારણ જે હોય તે પણ એ દૃશ્ય બહુ જ સહજ અને સાત્ત્વિક હતું.
કિસના કારણે કોન્ટ્રોવર્સી થઇ હોય એવી ઘટનાઓની આપણે ત્યાં કમી નથી. આજથી 36 વર્ષ અગાઉ 1980માં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે એ સમયની મશહૂર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ સ્વાગત કરતી વખતે પ્રિન્સને કિસ કરી લીધી હતી. 1993માં અભિનેત્રી શબાના આઝમીએ દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાને જાહેરમાં કિસ કરી ત્યારે કેટલાંક મુસ્લિમ સંગઠનોએ હોબાળો મચાવેલો. 2007માં એઇડ્ઝ અવેરનેસના એક કાર્યક્રમમાં હોલિવૂડના કલાકાર રિચર્ડ ગેરેએ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ચુંબન ચોડી દીધું હતું. રાખી સાવંત અને મિકા સિંઘની કિસિંગ કાન્ટ્રોવર્સીથી તો તમામ લોકો વોકેફ છે. મશહૂર ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને તેની દીકરી પૂજા ભટ્ટની લિપ ટુ લિપ કિસની તસવીર જ્યારે એક ફિલ્મ મેગેઝિનના કવર ઉપર છપાઇ ત્યારે દેકારો મચી ગયો હતો. ઘણી ઘટનાઓ નો-ડાઉટ એવી હતી જેને સનસનાટી સર્જવા માટે જાણીજોઇને અંજામ આપવામાં આવી હતી, કેટલીક ઘટનાઓ સ્પોન્ટેનિયસ અને ઇન્સ્ટન્ટ હતી. 1983માં નોન અલાઇન સમિટ મળી હતી ત્યારે ઇન્ટરનેશનલ લીડર્સની હાજરીમાં ક્યુબાના રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ત્રોએ ભારતનાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને આલિંગનમાં લઇ લીધાં હતાં. આ ઘટનાથી ઇન્દિરાજી ખરેખર શરમાઇ ગયાં હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા થોડા સમય અગાઉ મ્યાનમારની મુલાકાતે ગયા ત્યારે મ્યાનમારની આઝાદી માટે લાંબો જેલવાસ ભોગવનાર આંગ સાન સુ કીને બાકાયદા કિસ કરી હતી. કિસ વિષેની તો આવી ઘણી ઘટનાઓ છે. આપણે હજુ એ યુગમાં જીવીએ છીએ જ્યાં ઘણા લોકો કિસને સેક્સ સાથે જોડીને જ જુએ છે અને કિસને ગંદી વાત સમજે છે.
આપણાં પ્રાચીન શિલ્પોમાં કિસને બહુ સહજ રીતે કંડારવામાં આવી છે. પ્રેમમાં પણ કિસને કવિઓએ ગાઇ છે અને સાહિત્યકારોએ શબ્દોથી સજાવી છે. કોઇ છોકરો અને છોકરી મળે ત્યારે હગ કરીને કિસ કરતાં હોય તો હજુ લોકો ડોળા ફાડી ફાડીને જુએ છે અને એવું બોલે પણ છે કે અત્યારની જનરેશનને તો કોઇ છોછ જ નથી, અત્યારના યંગસ્ટર્સ કેટલા દિલથી મળે છે એવો એને વિચાર જ નથી આવતો. એક સાવ સાચી ઘટના છે. પચાસેક વર્ષના એક ભાઇ કાયમ એવા બખાળા કાઢતા હતા કે તેના ઘરની સામે જે બગીચો આવેલો છે ત્યાં છોકરા-છોકરીઓ કિસ કરતાં હોય છે, ઘણી ફૂટપાથો પર કે થોડી ઓછી અવરજવર હોય એવી ગલીઓમાં પણ આવું બધું થતું હોય છે. આવો કકળાટ થોડો સમય તો સાંભળ્યો પછી એક દિવસ લવમેરેજ કરીને આવેલી તેની પત્નીએ મોઢામોઢ સંભળાવી દીધું કે આપણે એ ઉંમરનાં હતાં ત્યારે શું કરતાં હતાં? આવું બધું અને ઘણા કિસ્સામાં તો એનાથી પણ વધુ આપણે કર્યું છે, ત્યારે તમને કંઇ ખરાબ નહોતું લાગતું અને આજે કેમ તમને તેમાં પ્રોબ્લેમ દેખાય છે? આપણે ત્યાં વડીલોની સામે પતિ-પત્ની ઘાંટા પાડીને અને ન બોલવાના શબ્દો બોલીને ઝઘડી શકે છે પણ વડીલોની સામે પત્ની કે પતિને કિસ કરીને પ્રેમ વ્યકત કરી શકતાં નથી. આધુનિકતા માત્ર મોંઘાં સાધનોથી નથી આવતી, માનસિકતા પણ બદલવી પડે છે. આપણે ત્યાં ઘણા સંસ્કારોની વ્યાખ્યા બદલવાની જરૂર છે અને લાગણી, પ્રેમ, મર્યાદા, વહાલ, આદરને સાચી રીતે સમજવાની પણ જરૂર છે. દંભ ઓઢીને તમે દિલની વાત ન કરી શકો. {
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 03 જુલાઇ, 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com