ઉડતી ફિલ્મો :
પાયરસી, અંડરવર્લ્ડ અને
લોકોની મફતની મજા
—————–
‘ઉડતા પંજાબ’ ફિલ્મની પ્રિન્ટ લીક થઇ ગઇ.
લાખો લોકોએ ટીવી, લેપટોપ, ટેબલેટ અને મોબાઇલ પર ફિલ્મ જોઇ લીધી.
લોકોને મફતમાં મજા મળે છે એટલે આ ખતરનાક ધંધામાં આડકતરો સાથ આપતા રહે છે.
———————–
‘તારી પાસે ‘આ’ નવી ફિલ્મની ડિજિટલ કૉપી છે?’ કોઇ નવી ફિલ્મ રિલીઝ થાય ત્યારે યંગસ્ટર્સ એક-બીજાને આવા સવાલ પૂછતા હોય છે. જેની પાસે વાય-ફાય કે અનલિમિટેડ ડાઉનલોડિંગની સગવડ હોય તે છોકરો કે છોકરી કોઇ વેબસાઇટ પરથી ફિલ્મ ડાઉનલોડ કરી લે છે અને પછી ડેટા શેરિંગ એપ્લિકેશનથી ફ્રેન્ડ્સને પાસ કરી દે છે. સેન્સર બોર્ડની મહેરબાનીના કારણે ખૂબ ચર્ચાયેલી ફિલ્મ ‘ઉડતા પંજાબ’ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થાય એના બે દિવસ પહેલાં જ સાયબર વર્લ્ડમાં એવી તે ઊડી કે લોકો એક-બીજાને પૂછતા હતા કે ‘ઉડતા પંજાબ’ની ડિજિટલ પ્રિન્ટ જોઇએ છે? આપણી પાસે છે! સામેથી એવો જવાબ મળતો કે આ રહી મારા મોબાઇલમાં!
આ મફતનું મનોરંજન બધાને બરાબરનું ફાવી ગયું છે. શા માટે ન ફાવે? રૂપિયાનો ખર્ચ નહીં, મલ્ટિપ્લેક્સ સુધી જવાની ઝંઝટ નહીં, ઘરે અથવા ગમે ત્યાં અને મૂડ આવે ત્યારે મૂવી જોવાની. મફત કા ચંદન, ઘસ બેટા લાલિયા. ફિલ્મના પ્રોડ્યુસરથી માંડી ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને પેટમાં એક જ ફડક હોય છે કે ક્યાંક અમારી ફિલ્મ લીક ન થઇ જાય. જો કંઇ આડુંતેડું થઇ ગયું તો આપણી વાટ લાગી જશે.
સાયબર ક્રાઇમ સેલમાં ફિલ્મ પાયરસીની ફરિયાદ થાય છે, પોલીસ કંઇ કરે એ પહેલાં તો ઘોડા છૂટી ગયા હોય છે. ‘વાયરલ’ પાસે પોલીસનું વજૂદ વામણું થઇ જાય છે. પોલીસ બે-ચારને પકડે ત્યાં સુધીમાં તો જે નુકસાન થવાનું હોય એ થઇ જ ગયું હોય છે. એક વખત ડિજિટલ પ્રિન્ટ હાથમાંથી છટકી પછી તેનું માથું તો શું, પૂંછડી પકડવી પણ મુશ્કિલ હી નહીં, નામુમકિન છે. ખુદ સાયબર ક્રાઇમ સેલને પણ હજુ પૂરેપૂરું સમજાયું નથી કે આખરે આ બધું કરે છે કોણ? એક્ઝેક્ટલી ફિલ્મ લીક ક્યાંથી થાય છે? વેબસાઇટ્સ સુધી કેવી રીતે પહોંચે છે? આવું કરવાથી ખરેખર ફાયદો કોને થાય છે? અંડરવર્લ્ડનું કેટલું કનેક્શન છે?
‘ઉડતા પંજાબ’ની જે કૉપી લીક થઇ એ તો પાછી સેન્સર કૉપી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનમાં જે કૉપી આપી હતી એ છે. એક આક્ષેપ તો એવો પણ થયો છે કે સેન્સર બોર્ડમાંથી જ કોઇએ લીક કરી દીધી હતી. ફિલ્મની બે કૉપી સેન્સર બોર્ડને મોકલાઇ હતી. તેમાંથી કૉપી કરવી એ બે મિનિટનું કામ છે. આ કામ કરીને કોઇએ ફિલ્મ બનાવનારાનાં કામ પર પાણી ફેરવી દીધું. મજાની વાત તો જુઓ, ફિલ્મમાં 89 કટ કરાવવા માટે સેન્સર બોર્ડે ધમપછાડા કર્યા હતા, પણ આખેઆખી અનકટ ફિલ્મ લોકોના ડિજિટલ ડિવાઇસીઝ સુધી પહોંચી ગઇ! સાયબર સેલમાં ફરિયાદ થઇ. જ્યાંથી સૌથી પહેલા અપલોડ થઇ હોય એ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ શોધવાની કવાયત હાથ ધરાઇ. કંઇ પગલાં લેવાય એ પહેલાં તો આખેઆખી ફિલ્મ 725થી વધુ વેબસાઇટ્સ પર અપલોડ થઇ ગઇ. સાઇબર સેલે 150થી વધુ સાઇટ્સ પર ફિલ્મને બ્લોક કરાવી પણ બીજા સુધી ન પહોંચી શક્યું. પછી તો હાલત જ એવી થઇ કે આભ ફાટ્યું હોય ત્યાં થીંગડાં ક્યાં મારવાં અને કેટલાં મારવાં?
આ તો માત્ર ‘ઉડતા પંજાબ’ની વાત થઇ. આવું તો નાના મોટા અંશે, થોડુંક વહેલું કે મોડું, લગભગ તમામ ફિલ્મો સાથે થતું જ હોય છે. ‘ઉડતા પંજાબ’ તો રિલીઝ પહેલાં અને સેન્સર કૉપી લીક થઇ હોવાથી વધુ ઊહાપોહ થયો.
બોલિવૂડની ફિલ્મ રિલીઝ થાય એ પછી ફિલ્મમાં દમ હોય તો પહેલા જ વીકમાં 60 ટકા કલેક્શન કરી લે છે. બે-ત્રણ વીક જો ધમાકેદાર નીકળી જાય તો બેડો પાર. પાયરસીની ઇફેક્ટ ઓછી થાય એટલે પ્રોડ્યુસર આખા દેશમાં અને દુનિયામાં એક ઝાટકે રિલીઝ કરી દે છે. ડિજિટલ પ્રિન્ટ્સને કારણે સેટેલાઇટ અને અન્ય હાઇટેક હેલ્પથી એક જ સમયે હજારો ટૉકિઝ સુધી પહોંચવું શક્ય બન્યું છે, પણ ફિલ્મ રિલીઝ થઇ પછી કોઇના હાથમાં રહેતી નથી. એક સમયે એવો હતો જ્યારે ફિલ્મની સીડી બનાવીને માર્કેટમાં મૂકી દેવાતી. અંડરવર્લ્ડ માફિયા ડોન લોકો તેમાંથી કરોડો કમાતા હતા. આજે પણ કમાય છે. જોકે ઓનલાઇન પાયરસીએ માફિયાઓનાં ખીસાંમાં પણ હાથ નાખી ભાગ પડાવી લાધો છે. ફિલ્મવાળાઓ તો કહે છે કે, એ જે રીતે થતું હોય એ રીતે પણ અમારી હાલત દયાજનક બનાવી દે છે.
એક અંદાજ મુજબ આપણા દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પાયરસીના કારણે દર વર્ષે 5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. 50 હજાર લોકોને નોકરીની તક ગુમાવવી પડે છે. પાયરસીની આવકથી અંડરવર્લ્ડ વધુ તાકાતવર થાય છે. પાયરસીમાંથી મળતાં નાણાંનો ઉપયોગ માફિયા લોગ ડ્રગ્સ, હથિયાર અને બીજી દાણચોરીથી માંડી ટેરરિઝમ સુધી કરે છે. માફિયાઓ માટે બીજા ગંદા ધંધાઓ કરતાં પાયરસી ઓછો અહિંસક ધંધો છે, એમાં ખૂનામરકી જેવું ઓછું છે, સામે કમાણી તગડી છે. હવે માત્ર અંડરવર્લ્ડ માફિયાઓ જ પાયરસીના ધંધામાં નથી પણ ઓનલાઇન અને ઇન્ટરનેટ માફિયાઓ પણ મેદાનમાં છે.
માત્ર આપણા દેશમાં જ આવી હાલત છે એવું નથી, અમેરિકા સહિત આખી દુનિયામાં પાયરસીનું પાપ ફેલાયેલું છે. અમેરિકા જેવી મહાસત્તાઓ પણ પાઇરસીથી તોબા પોકારી ગઈ છે. દુનિયાના ગમે તે ખૂણામાં બેસી એક લેપટોપની મદદથી તમે ધારો તે કરી શકો તેમ હોવ ત્યારે આવાં કરતૂતોને રોકવાં અઘરાં પડી જાય છે.
માફિયાઓને પાયરસીના ધંધામાં ફાવતું એટલે મળી જાય છે કારણ કે લોકોનો તેને સાથ મળે છે. લોકોને સસ્તામાં સીડી અથવા તો ડાઉનલોડેડ ડિજિટલ પ્રિન્ટ મળી જાય ત્યારે તેને એમ જ લાગે છે કે જેનું જે થવું હોય એ થાય, મારે શું? મોંઘા ભાવની ટિકિટ લઇને જેને મૂવી જોવાનું પરવડતું નથી, એને તો આવું બધું આશીર્વાદરૂપ લાગે છે. તવંગરોથી માંડી સાવ સામાન્ય માણસ સૂક્ષ્મ રીતે પાયરસીમાં ભાગીદાર બને છે. જ્યાં લોકોની મોટાપાયે ભાગીદારી હોય એ કામને રોકવું બહુ અઘરું છે, પછી એ કામ સારું હોય કે ખરાબ. કોઇને એ સમજાતું નથી કે આ પાયરસીને રોકે તો રોકે કૈસૈ…
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 26 જૂન, 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com