મને માત્ર તકલીફમાં
જ તું નથી જોઈતો!
ચિંતનની
પળે-કૃષ્ણકાંત ઉનડકટ
મૈં નહીં સમઝ પાયા
આજ તક ઇસ ઉલઝન કો,
ખૂન મેં હશરત થી, યા તેરી મુહબ્બત થી,
કૈસ હો કી લયલા હો, હીર હો કી રાંઝા હો,
બાત સિર્ફ ઇતની હૈ, આદમી કો ફુરસત થી.
– નિદા ફાઝલી
મને તારી જરૂર હોય છે. દરેક ક્ષણે. દરેક પરિસ્થિતિમાં. દરેક સમસ્યામાં. દરેક સંજોગોમાં. મોઢામાંથી ‘આહ’ નીકળે ત્યારે પણ અને ‘વાહ’ બોલાઈ જાય ત્યારે પણ. હું કોઈ સુંદર દૃશ્ય જોઉં ત્યારે મારે તને એ દૃશ્ય બતાવવું
હોય છે. હું ઇચ્છું છું કે મેઘધનુષ જોઈને મારી જેમ તારો ચહેરો
પણ ખીલી જાય. મને માત્ર મારી ઉદાસીમાં જ તું નથી જોઈતો, મારી ખુશીમાં પણ મને તારું સાંનિધ્ય જોઈએ છે. તું બહુ સારો છે. મને ખબર છે કે તું મને ખૂબ પ્રેમ કરે છે. મને જરૂર હોય ત્યારે તું ખડેપગે હોય છે. આમ છતાં, મને સવાલ થઈ આવે છે કે ત્યારે જ કેમ? મને માત્ર મારાં આંસુ લૂછવા માટે જ નહીં, મારી સાથે ખડખડાટ હસવા માટે પણ તું જોઈએ છે. એકલી હસતી હોઉં છું ત્યારે મને મારો આનંદ અધૂરો લાગે
છે, મારી ખુશી અધકચરી લાગે છે. એકલી હસુ ત્યારે કદાચ હું પ્રફુલ્લિત થઈ જાઉં છું, પણ જ્યારે તું મારી સાથે હસે છે ત્યારે આપણા બંનેની સાથે આખું ઘર મઘમઘવા માંડે
છે. તું સાથે હોય ત્યારે દીવાલો પણ જીવંત લાગે છે. દરેક અવાજ શરણાઈના સૂર જેવો લાગે છે. હું બીમાર પડું ત્યારે તું પલંગની બાજુમાં જ હોય છે, પણ મને નાચવાનું મન થાય ત્યારે તું નજીક હોતો નથી. પ્રેમનો અર્થ માત્ર જરૂરિયાત નથી. પ્રેમનો મતલબ માત્ર મારી ચિંતા નથી. પ્રેમનો અર્થ છે એકબીજાનો હાથ હાથમાં લઈ આપણે બેઠા રહીએ. ટેરવાંનો પણ એક રોમાન્સ હોય છે. સ્પર્શનું પણ સ્પંદન હોય છે. આંખોને ઇશારા ખપતા હોય છે. ધબકારને ઘણી વખત એવી ઘેલછા થઈ આવતી હોય છે કે કોઈ તેને સાંભળે. તું મારા દરેક નિસાસા ઝીલી લે છે, પણ મારો ઉત્સાહ ઝીલવા કેમ નથી હોતો?
માણસને પોતાની અંગત વ્યક્તિની સૌથી વધુ જરૂર ક્યારે હોય છે? સામાન્ય રીતે આપણે એવું કહીએ કે જ્યારે આપણને એવું લાગે
કે એ અત્યારે અહીં હોવો જોઈએ કે અહીં હોવી જોઈએ ત્યારે! અલબત્ત, એવું હોતું નથી. પોતાની અને અંગત વ્યક્તિની તો માણસને દરેક ક્ષણે જરૂર હોય છે. વાત ક્યારે સૂઝે એ કહેવાય નહીં. ઝંખના ક્યારે જાગે એનો કોઈને અંદાજ હોતો નથી. તારા વિચાર કરતી હોઉં અને તું આવી જાય, તો જાણે સ્વર્ગ માગ્યું હોય અને સ્વર્ગ મળી જાય. મારું સ્વર્ગ ક્યાં એવું તું પૂછે તો કહી દઉં કે તું
હોય ત્યાં!
એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. બંને હાઇલી એજ્યુકેટેડ. બંને સારી જોબ કરે. પત્નીને ઓફિસકામ માટે બહારગામ જવાનું થાય. એ ટેક્સી બોલાવીને એરપોર્ટ ચાલી જાય. પોતાની મેળે બધું જ મેનેજ કરી લે એટલી એ હોશિયાર હતી. એક વખત એરપોર્ટ ગઈ ત્યારે ફ્લાઇટ મોડી હતી. તે એરપોર્ટ પર બેઠી હતી. અમુક દૃશ્યો તેણે જોયાં. એક પતિ તેની પત્નીને એરપોર્ટ મૂકવા
આવ્યો હતો. તેની ખૂબ કેર કરતો હતો. ખબર નહીં કેમ પણ તેને એવો વિચાર આવી ગયો કે પેલી સ્ત્રી મારા કરતાં વધુ લકી
છે! તેણે પતિને મેસેજ કર્યો. તું મને ક્યારેય કેમ એરપોર્ટ પર મૂકવા નથી આવતો? ફ્લાઇટમાં જતી વખતે મને તારા હગની જરૂર હોય છે. હા, તું ઘરેથી નીકળું ત્યારે હગ કરી લે છે, એવું પણ કહે છે કે, ટેક કેર. તને મારા પર ભરોસો છે કે હું મેનેજ કરી લઈશ. કરી લઈશ. કરી લઉં છું. છતાં આજે એવું કેમ થાય છે કે ફ્લાઇટ
મોડી છે અને તું મારી સાથે બેઠો હોત તો કેવી મજા આવત! બાય ધ વે, આ ફરિયાદ નથી, આ નારાજગી નથી, આ તો એક એવી લાગણી છે જે અચાનક ઊભરી આવી છે.
હું હોશિયાર ન હોત તો તું મને મૂકવા આવ્યો હોતને? મને કંઈ ખબર પડતી ન હોત તો તું મને કહેતને કે આમ કરજે
અને તેમ કરજે! અત્યારે તું મને કદાચ કોઈ શિખામણ આપે તો હું એવું પણ
કહી દઉં કે ખબર છે મને! આમ છતાં કેમ ક્યારેક એવું થાય છે કે
તું મને કહે કે, સમયસર જમી લેજે, સરસ તૈયાર થજે, તારા પ્રેઝન્ટેશનમાં વટ પાડી દેજે. હા, હું હોશિયાર છું, પણ સાથોસાથ હું તારી પત્ની પણ છું. ક્યારેક એવું મન થાય કે તું મને પેમ્પર કરે તો શું એ
ખોટું છે? હું આજે આવું લખું છું એવું મેં પણ ક્યાં અગાઉ લખ્યું
છે? મને એક સવાલ એ પણ થાય છે કે, તને ક્યારેય આજે મને થયું એવું નથી થતું? તને કંઈક ગરમ બનાવીને ખવડાવું? તને ઓફિસ જતાં પહેલાં બધી તૈયારી કરી દઉં? આપણે કેટલું બધી સ્વીકારી અને માની લેતા હોઈએ છીએ? ક્યારેક થોડું જુદું જીવીએ તો કેવું?
માત્ર પતિ-પત્નીના સંબંધોમાં જ નહીં, ઘણા રિલેશનમાં આપણે જાણે-અજાણે એવું કરતા હોઈએ છીએ. આપણે એવું વિચારી લઈએ છીએ કે જરૂર હોય ત્યારે હાજર હોઈએ એ જ પ્રેમ, એ જ લાગણી અને એ જ સંબંધ છે. એક બાળકે કરેલી આ વાત છે. તેણે કહ્યું હતું કે, મારા ડેડી મને ખૂબ જ પ્રેમ કરે છે. હું માગું તે હાજર કરી દે છે, પણ મારી સાથે રમતા નથી. મારી સાથે તોફાન કરતા નથી. મારી સ્કૂલના વાલી સંમેલનમાં એ અચૂક
હાજર હોય છે, પણ સ્કૂલની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં એ હાજર નથી હોતા. મને એવું જોઈએ છે કે ફૂટબોલ રમતી વખતે હું દોડીને જ્યારે
ગોલ કરું ત્યારે મારા ડેડી તાળીઓ પાડતા હોય. ગોલ કરીને હું સીધો ગેલેરીમાં જોઉં છું, પણ ત્યાં ડેડી હોતા નથી. ઘરે જઈને વાત કરું ત્યારે એ ચોક્કસપણે
મારી પીઠ થાબડે છે. જોકે, તાળીઓનો રણકાર કંઈક જુદો જ હોય છે.
કોને ક્યારે આપણી જરૂર છે એ આપણે મોટાભાગે આપણી રીતે જ નક્કી
કરી લેતા હોઈએ છીએ. એટલે જ આપણે એવું બોલી દેતા હોઈએ છીએ
કે લગ્નમાં ન જઈએ તો ચાલે, મરણ પ્રસંગે તો જવું જ જોઈએ! ક્યારેય વિચાર કર્યો છે કે એવંુ કેમ? એવો કોઈ નિયમ છે? ખરાબ ન લાગે એટલે તો આપણે એવું નથી કરતાને? આપણા સંબંધો પણ કેટલા ગણતરીબાજ હોય છે. હમણાંની જ એક ઘટના છે. બે મિત્રો છે. એક મિત્રને એક્સિડન્ટ થયો. બીજા મિત્રને ખબર પડી. એને ટેન્શન થઈ ગયું. મિત્રના એક્સિડન્ટની ખબર જાણી એ ડિસ્ટર્બ થઈ ગયો. એ બહારગામ હતો. તેણે તરત જ ફોન કર્યો. ઘાયલ મિત્રએ જ ફોન ઉપાડ્યો. એક્સિડન્ટની બધી વાત કરી. ઈજાગ્રસ્ત મિત્રએ કહ્યું કે, બધા જ રિપોર્ટ કરાવી લીધા છે. બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટરે કહ્યું કે, નથિંગ ટુ વરી. મિત્રએ કહ્યું કે, થેન્ક ગોડ તને સારું છે. હું તો તારી પાસે આવવા નીકળતો હતો. હવે તને સારું છે તો નથી આવતો! વાત પૂરી થયા પછી એવો વિચાર આવી ગયો કે, સારું ન હોય તો જ આવવાનું?
સંબંધને માત્ર એક તરફથી જ નહીં, ચારે તરફથી જીવવાનો અને ઝીલવાનો હોય છે. મુશ્કેલી વખતે જ નહીં, મજા વખતે પણ આપણી કોઈને એટલી જ જરૂર
હોય છે. કોઈને તમારા વગર પોતાનો આનંદ અધૂરો લાગતો હોય તો તેના
સુખ વખતે પણ સાથે રહેવું એ પણ સાચો સંબંધ છે.
}}}
છેલ્લો સીન:
પ્રેમ કરવા માટે જરાક જુદી રીતે જીવવાની આદત કેળવવી પડે છે. પ્રેમ કરવા માટે જેની પાસે સમય નથી એ ક્યારેય સાચા પ્રેમ
બની ન શકે. -કેયુ
(દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ, તા. 27 એપ્રિલ, 2016,  બુધવાર, ચિંતનની પળે કોલમ)
Email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *