દેશના સ્ટુપિડ અને આઉટડેટેડ
કાયદાઓ હવે તો બદલો !
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
———————————————-
સમયની સાથે બધું જ બદલતું હોય છે, બદલવું પણ જોઇએ. બાબા
આદમનાં વખતથી ચાલ્યા આવતાં અનેક કાયદાઓ જરીપુરાણા, જર્જરીત અને નક્કામા થઇ ગયા છે.
કાયદા હવે સુધારા માંગે છે. દેશને હવે નવા અને તાજા બંધારણની જરુર છે.
————————
કાયદા વગરનો સમાજ શક્ય નથી. લગામ
વગરનો ઘોડો બેફામ બની જાય છે. કાયદાના ઢગલાબંધ ફાયદા છે. બંધારણ દરેક દેશની
માનસિકતા છતી કરતું હોય છે. આપણા દેશનું બંધારણ દુનિયાનું વન ઓફ ધ બેસ્ટ કોન્સ્ટિટ્યુશન
છે. મૂળભૂત અધિકારો એ આપણા બંધારણની આગવી, અનોખી અને અલૌકિક ખાસિયત છે. આમ છતાં
હવે કેટલાંક કાયદાઓ ઉપર જામી ગયેલા ધૂ-જાળાં સાફ કરવાનો, આઉટડેટેડ થઇ ગયેલા
કાયદાઓને બદલવાનો અને કેટલાંક નવા કાયદા ઉમેરવાનો સમય પાકી ગયો છે.

આવતા વર્ષે આઝાદીને સાત દાયકા
થઇ જશે. આ સમય દરમિયાન આખી દુનિયા બદલી ગઇ છે. આપણો દેશ પણ ધરમૂળથી બદલી ગયો છે.
કંઇ બદલાયા ન હોય તો એ છે આપણાં કાયદાઓ. હા, જરુર પડી ત્યારે થોડા ઘણા સુધારા
વધારા ચોક્કસ થયા છે પણ તમામ કાયદાઓ ઉપર નવેસરથી વિચાર થયો જ નથી. ઇન્ડિયન પિનલ
કોડની 155મી એનીવર્સરી થોડા દિવસ અગાઉ ઉજવવામાં આવી. આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
આ કાર્યક્રમમાં હાજર હતાં. તેમણે કહ્યું કે, કાયદાઓ પર પુન: વિચાર હવે થવો જોઇએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત
અનેક બુધ્ધિજીવીઓ અગાઉ કાયદામાં સુધારાની વાત કરી ગયા છે. સવાલ શરુઆત કરવાનો છે.
અલબત, આ કામ અઘરું અને આકરું છે.

રાજદ્રોહનો કાયદો ધણા સમયથી
વિવાદમાં છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહ
લગાડાયો છે. જેએનયુના સ્ટુડન્ટસ સામે પણ રાજદ્રોહનો ગુનો નોંધાતા હોબાળો થયો છે.
રાજદ્રોહનો કાયદો અંગ્રેજોના જમાનાનો છે. ખરેખર કોને રાજદ્રોહ કહેવાય તેના ઉપર
નવેસરથી વિચારવાની જરુર તો છે જ. કાશ્મીરમાં ફરકાવવામાં આવતા ઇસ્લામિક સ્ટેટ કે
પાકિસ્તાનના ઝંડાઓ સામે કેમ રાજદ્રોહ લગાવવામાં આવતો નથી? વાણી સ્વાતંત્ર્યના નામે પણ ઘણું ધુપ્પલ ચાલે છે. આ અને આવા
ઘણાં કાયદાઓમાં સ્પષ્ટતા અને સરળતા જરુરી બની ગઇ છે.

ગુનાખોરીમાં પરિવર્તન આવ્યું
છે. કાયદાઓ બન્યા ત્યારે ઇન્ટરનેટનું અસ્તિત્વ ન હતું. સોશિયલ મીડિયા કઇ ચીડિયાનું
નામ છે એ કોઇને ખબર ન હતી. ફ્રોડ પણ હવે ઓનલાઇન થાય છે. ક્રિમિનલ્સ હાઇટેક થઇ ગયાં
છે. આપણે ત્યાં સાઇબર લો છે પણ એ હજુ પૂરતો સક્ષમ નથી. ખરીદી હવે ઘરબેઠાં થાય છે.
ઓનલાઇન શોપિંગ પછી ગ્રાહક સુરક્ષાનો કાયદો પણ નવેસરથી તૈયાર કરવો પડે તેમ છે.
કાયદાઓમાં થોડોઘણાં સુઘારાઓ કરી થૂંકના સાંધાઓથી આપણે કયાં સુધી ચલાવીશું? દિલ્હીના નિર્ભયા કાંડ પછી ગંભીર ગુનાઓમાં ગુનેગારની
ઉંમરનો સવાલ ખડો થયો. ભારે વિવાદ પછી આખરે જુવેનાઇલ લોમાં સુધારો થયો. ગંભીર
ગુનામાં ઉંમર 16ની કરવામાં આવી. બાળ ગુનેગારોના કાયદો પણ હવે બુઢ્ઢો થઇ ગયો છે અને
પુન: જન્મ માંગે છે.

આપણા દેશમાં એમ તો સમાન સિવિલ
કોડ એટલે કે આખા દેશમાં એકસરખા કાયદાની વાતો પણ વર્ષોથી નહીં પણ દાયકાઓથી થાય છે.
દેશમાં ભાજપની સરકાર આવી પછી કાશ્મીરની વિશેષ દરજ્જો આપતી 370મી કલમની બહુ ચર્ચાઓ
થઇ હતી પણ પછી આખો મામલો શાંત પડી ગયો. કોઇ સરકાર કાયદાઓ બદલવાનું જોખમ લેવા તૈયાર
નથી. બધાને ડર છે કે ક્યાંક આવું કરવા જતાં સૂતેલા સાપો સળવળીને બેઠા ન થઇ જાય.
સેન્સેટિવ કાયદાને ભલે સાઇડ પર રાખીએ પણ બીજા કાયદાઓ તો બદલી શકાય ને?

આપણે ત્યાં અમુક કાયદાઓ તો
હાસ્યાસ્પદની કેટેગરીમાં મૂકી શકાય તેવા છે. તમને ખબર છે કે તમે રોડ પર ચાલ્યા
જતાં હોવ અને તમને દસ રુપિયાની નોટ મળે તો પોલીસ સ્ટેશન જઇ તમારે તેની જાણ કરવી
ફરજિયાત છે. જો તમે આવું ન કરો તો એ કૃત્ય ગુનાને પાત્ર છે. આપણે ત્યાં ફિલ્મ કે
ટેલિવિઝન એવોર્ડ સમારોહમાં એક સાથે ઘણા છોકરા-છોકરીઓ ડાન્સ કરતા હોય છે. આ બધા
સામે પોલીસ ધારે તો ગુનો નોંધી શકે છે. તેનું કારણ એ છે કે દસ કરતા વધુ કપલ જો એક
સ્ટેજ પર ડાન્સ કરે તો કાયદા  મુજબ એ
ગુનાહિત કૃત્ય છે. ગુજરાતની વાત જવા દો, પણ જ્યાં દારુબંધી નથી એવા રાજ્યમાં પણ
તમે હોમ ડિલિવરીથી આલ્કોહોલ મંગાવી શકતાં નથી. હા, બિયર કે વાઇન મંગાવો તો વાંધો
નહીં.

મલ્ટીપ્લેક્ષના એક માલિકે કહેલી
આ વાત છે. તેણે કહ્યું કે મારા મલ્ટીપ્લેક્ષમાં અત્યાધુનિક ફાયર સિસ્ટમ નખાવી છે.
ફાયર સેફટી વિભાગના અધિકારીઓ મારે ત્યાં આવ્યા, બધું ચેક કર્યું અને છેલ્લે અમને
કહી દીધું કે તમને ફાયર ક્લિયરન્સ મળશે નહીં. કારણ શું? તો કહે, પડદાં પાસે રેતી ભરેલી લાલ ડોલ નથી! આ ભાઇએ સ્ક્રીનની નજીક લોખંડનું સ્ટેન્ડ બનાવી રેતી ભરેલી
ડોલ મૂકી ત્યારે લાયસન્સ મળ્યું. હવે તમે કહો જોઇએ આ ડોલના કાયદાનો અત્યારે કોઇ
મતલબ ખરો?

અમુક ગુનાઓમાં જેલની સજા સાથે
દંડની પણ જોગવાઇ હોય છે. હવે આ દંડની રકમ જ્યારે કાયદો બન્યો હોય ત્યારે બહુ મોટી
લાગતી હોય પણ અત્યારે તેના વિશે સાંભળો તો આશ્ર્ચર્ય થાય કે આલે લે, આટલો જ દંડ! એક ઉદાહરણ જોઇએ. આપણે છાપામાં એવા સમાચાર અનેક વખત વાંચ્યા
છે કે જુગારધામ પર દરોડો. આટલા લોકો આટલા મુદામાલ સાથે પકડાયા. પકડાયેલા લોકો પછી
જામીન ઉપર છૂટી જાય છે. કેસ ચાલે છે. તમને ખબર છે કે જુગાર રમવો કે જુગાર રમાડવાની
સજા શું છે? રુપિયા બસોનો દંડ અથવા તો ત્રણ
મહિનાની સજા. આજના સમયમાં 200 રુપિયાનું શું આવે છે? અદાલતોને પણ આવા કેસો ચલાવીને ટાઇમ બગાડવામાં રસ હોતો નથી.
આપણી અદાલતોમાં કેસોનો ભરાવો છે તેનું એક કારણ આવા નક્કામા કેસો છે. આપણા દેશમાં આજથી 147 વર્ષ અગાઉ અંગ્રેજોએ અમલમાં મૂકેલો ધ
પબ્લીક  ગેમ્બલિંગ એક્ટ ઓફ 1876 આજે પણ
ચાલે છે. આ જુગારના કાયદામાં વળી એવો એક ખુલાસો પણ છે કે જેમાં સ્કીલ હશે તેને
જુગાર ગણવામાં નહીં આવે. એટલે જ આપણે ત્યાં ઘોડાની રેસને જુગાર ગણવામાં નથી આવતી.
લોટરી પણ આમ જોવા જઇએ તો જુગાર જ છે પણ આપણે ત્યાં અમુક રાજ્યોમાં લોટરી સરકાર જ
બહાર પાડે છે. ગુજરાતમાં પણ એક સમયે સરકાર લોટરી બહાર પડતી હતી. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885થી અમલમાં છે, જેની મોટા ભાગની
કલમો હવે આઉટડેટેડ છે. આપઘાતની કલમ 309માં જો કે સુધારો કરી લેવાયો છે, બાકી બચી
જનાર સામે ગુનો નોંધાતો હતો.

સપ્ટેમ્બર, 2014 માં 20મા કાયદા પંચ દ્રારા 261 નક્કામા કાયદા અલગ તારવવામાં
આવ્યા હતાં. આ ઉપરાંત રવિશંકર પ્રસાદ અને પછી સદાનંદ ગોવડાના નેતૃત્વમાં કાયદા પંચ
દ્રારા 72 કાયદા શોધી કઢાયા હતાં. અમેરિકાની મુલાકાત વખતે મેડિસન સ્કેવર ગાર્ડનમાં
સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રાચીન કાયદા રદ કરવાની વાત કરી હતી.
સંસદમાં ખરડો પણ લવાયો. અમુક કાયદા સુધારાયા અને બદલાયા છે. જો કે હજુ અનેક બેકાર કાયદા
મોજુદ છે. કાયદાઓ ઉપર નવેસરથી કસરત કરવાની જરુર છે પણ ગમે તે કારણોસર સરકાર અચકાઇ
રહી છે. દેશ હવે નવા અને તાજા કાયદા ઝંખી રહ્યો છે.
(“દિવ્ય ભાસ્કર’, “રસરંગ’ પૂર્તિ, તા. 06 માર્ચ, 2016, રવિવાર, “દૂરબીન’ કોલમ)
email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *