કામ હોય ત્યારે જ
હું યાદ આવું છું
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કૈંક ઇચ્છાઓ અધૂરી હોય છે, જિંદગી તોયે મધુરી હોય છે.
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે.
-દક્ષેશ કોન્ટ્રાક્ટર ‘ચાતક’
સંબંધોમાં માત્ર ને માત્ર સ્નેહ જ નથી હોતો, થોડોક સ્વાર્થ પણ હોય છે. કંઈ જ ન હોય તો પણ છેલ્લે પ્રેમ પામવાની અપેક્ષા તો હોય જ છે. સ્વાર્થ અને અપેક્ષા વચ્ચેનું ડિસ્ટન્સ બહુ લાંબું હોતું નથી. દરેક સંબંધ દિલના નથી હોતા, કેટલાક દિમાગના હોય છે, કેટલાક‘બાગ’ના હોય છે, તો કેટલાક ‘આગ’ના હોય છે, કેટલાક ‘નામ’ના હોય છે, તો કેટલાક‘કામ’ના હોય છે, કેટલાક ‘ભાવ’ના હોય છે, કેટલાક ‘અભાવ’ના હોય છે અને કેટલાક‘સ્વભાવ’ના હોય છે. કારણ ગમે તે હોય, પણ સરવાળે સંબંધ આપણને એક ન દેખાય એવા તંતુથી બાંધે છે, આપણને જોડી રાખે છે, આપણને આપણી સાથે ખોડી રાખે છે.
મોબાઇલની ફોનબુકમાં ધરબાયેલાં અમુક નામો ક્યારેય સ્ક્રીન ઉપર ચળકતાં નથી.કોન્ટેક્ટ્સનું ફોલ્ડર અમુક નામો અને ચહેરાઓ માટે કબ્રસ્તાન જેવું થઈ જતું હોય છે. જીવતું કબ્રસ્તાન જોવું હોય તો ક્યારેક તમારા મોબાઇલ ફોનના કોન્ટેક્ટ્સ પર નજર ફેરવી જોજો,કેટલાંક નામો એવાં હશે જે લાંબા સમયથી ‘જીવતા’ થયાં નહીં હોય! અચાનક કોઈ જૂનું નામ સ્ક્રીન પર વાંચવા મળે ત્યારે યાદ કરવું પડે છે કે આ માણસ કોણ છે? ક્યારે એની સાથે વાત થઈ હતી? એનો નંબર મેં શા માટે સેવ કર્યો હતો? આપણે જ સેવ કરેલાં નામ આપણને જ રજિસ્ટર થતાં નથી. આપણી જિંદગીમાં રજિસ્ટ્રેશનને બદલે રિજેક્શન વધતું જાય છે!
એક યુવાનની આ વાત છે. ઘરમાં આરામથી બેઠો હતો અને અચાનક મોબાઇલની રિંગ વાગી. સ્ક્રીન પર એક જૂના મિત્રનું નામ હતું. વર્ષોથી એની સાથે વાત થઈ ન હતી.નામ વાંચીને તરત જ એવું થયું કે, બહુ લાંબા સમયે આને હું યાદ આવ્યો, નક્કી કંઈક કામ લાગે છે. આજકાલ સ્વાર્થ વગર કોઈ યાદ જ ક્યાં કરે છે. તેણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી એવું બોલાયું કે કેમ છે યાર? મજામાં એવો જવાબ આપીને તરત જ પૂછ્યું કે કેમ યાદ કર્યો?શું કામ છે? કેમ, કામ વગર ફોન ન કરાય? આ પ્રશ્ન સાંભળીને તરત જ યુવાનનો ટોન બદલી ગયો, કરાયને દોસ્ત, આ તો એટલે બોલાઈ ગયું કે આજકાલ કોઈ કામ વગર ફોન જ નથી કરતું!
મિત્રએ કહ્યું, ‘તારી વાત સાવ સાચી છે. આજે તારી સાથે વાત કરવા પાછળનું પણ એક કારણ તો છે જ!’ મેં એક પ્રયોગ કર્યો. મોબાઇલની ફોનબુક ખોલી. આંખો બંધ કરીને આંગળીને જોરથી ફેરવી નંબર સ્ક્રોલ કર્યા. એ પછી સ્ક્રીન પર આંગળી મૂકી. જોયું કે કોનું નામ છે? તારું નામ હતું. કેટલા વખતથી તારી સાથે વાત નથી થઈ એ વિચાર્યું અને તને ફોન કર્યો!
તમે આનો પ્રયોગ ક્યારેય કર્યો છે? ન કર્યો હોય તો કરી જુઓ. મોબાઇલની ફોનબુક ખોલો. નામને સ્ક્રોલ કરો. સ્ક્રીન પર આંગળી મૂકો. જુઓ કોનું નામ આવે છે? ચેક કરો કે તમે એની સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી? શું વાત કરી હતી? આજે વાત કરવાની હોય તો તમે શું વાત કરો? સૌથી મહત્ત્વની વાત તો એ કે એની સાથે તમને વાત કરવાનું મન થાય છે કે કેમ? અનુભવો ફોનબુકના કેટલાંક નામ ઝાંખાં પાડી દેતાં હોય છે! ફેવરિટ્સમાં તો એક-બે નામ જ હોય છે અને ‘ફ્રિક્વન્ટી કોન્ટેક્ટેડ’માં પણ લિસ્ટ કંઈ લાંબું નથી હોતું. ફોનબુક પર નજર કરજો, સંબંધોની ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણી બધી વ્યથાઓ અને ઘણી બધી અવસ્થાઓ નજર સામે તરવરી જશે!
દરેક માણસને એવો વિચાર તો આવ્યો જ હોય છે કે બધા જ લોકો સ્વાર્થનાં સગાં છે.કામ હોય ત્યારે આપણને ગમે ત્યાંથી શોધી કાઢે છે. ફોનના નંબર બદલાઈ ગયા હોય તો ગમે તેની પાસેથી શોધી લે છે. આવી ફરિયાદો કરનાર પોતે ક્યારેય એવું વિચારતો નથી કે મેં કોને કામ વગર ફોન કર્યા છે? આપણને કંઈ કામ પડે ત્યારે વિચારીએ છીએ કે આ કામ કોનાથી પાર પડે એમ છે? એને શોધીને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. ક્યારેક તો આપણે આપણા જ મોઢે એવું કહીએ છીએ કે તને એમ થતું હશે કે આ તો કામ પડે ત્યારે જ યાદ કરે છે. યાદ તો હું તને ઘણી વખત કરું છું, પણ પછી થાય કે તને ક્યાં ડિસ્ટર્બ કરવો! તું તારા કામમાં બિઝી હોયને, એટલે તને હેરાન નથી કરતો. વાત ન કરવા બદલ આપણે કેટલા બધા એસ્ક્યુઝીસ આપતા હોઈએ છીએ!
એક મિત્રએ તેના મિત્રને ફોન કર્યો. તેણે કહ્યું કે તારું એક કામ પડ્યું છે. કદાચ તને એમ થશે કે કામ પડ્યું એટલે તને ફોન કર્યો! સામે છેડેથી મિત્રએ કહ્યું કે ના, મને જરાયે એવું થતું નથી. ઊલટું અે વાતનું સારું લાગે છે કે કામ પડ્યું ત્યારે સૌથી પહેલાં તને હું યાદ આવ્યો. કોઈ માણસ ક્યારેય કોઈ સાથે રેગ્યુલર સંપર્કમાં રહી ન શકે. એવું જરૂરી પણ નથી.વાત થાય ત્યારે ઉષ્મા હોવી જોઈએ અને મુલાકાત થાય ત્યારે હૂંફનો અહેસાસ થવો જોઈએ.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું બધા લોકોથી થાકી ગયો છું. લોકો કામ હોય ત્યારે જ મને યાદ કરે છે. બધા સ્વાર્થી છે. કામ વગર કોઈ યાદ નથી કરતું. સંતે હસીને કહ્યું કે, તમે મારી પાસે શા માટે આવ્યા છો? તમારો પણ સ્વાર્થ તો છે જને? તમને એમ છે કે મને અહીં શાંતિ મળશે. બે સારી વાત થશે. અલબત્ત, મહત્ત્વ એ નથી કે તમે અહીં શા માટે આવ્યા છો. મહત્ત્વની વાત એ છે કે તમને હું કેવી રીતે જોઉં છું. હું તમને સ્વાર્થી નથી સમજતો. હું તો મારી જાતને નસીબદાર માનું છું કે તમે મને તમારા પ્રશ્નના જવાબ માટે લાયક સમજ્યો. તમારી પાસે જ્યારે કોઈ આવે ત્યારે તમને એવો ગર્વ કેમ નથી થતો કે એ વ્યક્તિએ તમને જવાબદાર સમજ્યા. એને તમારી કાબેલિયત પર વિશ્વાસ કર્યો.
હા, અમુક લોકો એવા હોય છે, જે કામ પતે એટલે દૂર થઈ જાય છે. એવું તો થવાનું જ છે. આપણે પણ કોઈનું કામ કરીએ ત્યારે બેકઅપ માઇન્ડમાં એવું હોય જ છે કે એ માણસ મને કોઈ દિવસ કામ લાગશે. તમને કામ પડે ત્યારે કદાચ એ ન કરે અથવા તો ન કરી શકે.એવી વાતનો અફસોસ શા માટે કરવો? આપણે કોઈનું કામ કરી શકીએ તેમ ન હોય ત્યારે સામેની વ્યક્તિને પ્રેમથી પોતાની અસમર્થતા જાહેર કરવી જોઈએ. હું આ કરી શકું તેમ નથી, આ મારા બસની વાત નથી. હું દિલગીર છું. મોટા ભાગે માણસો આવું કરતા નથી.હા એ હા કરવી એ કામ ન કરવા કરતાં પણ વધુ ખરાબ બાબત છે.
સંબંધમાં ઓનેસ્ટી સૌથી વધુ જરૂરી છે. એક માણસ સ્વાર્થી નીકળે, કામ પતે પછી છેડો ફાડી નાખે એટલે બધા એવા થઈ જતા નથી. તમારી પાસે લોકો તેમના કામ માટે વધુ આવે છે, તો માનજો કે તમે શક્તિશાળી છો. તમે નસીબદાર છો કે લોકો તમારી પાસે આવે છે.દુનિયા તો સંબંધમાં હિસાબો રાખવાની જ છે. કામ પડે ત્યારે લોકો ‘છેડા’ શોધવાના જ છે.સારા કામમાં હાયરૂપ થવાય તો થવું અને કામ પતી જાય પછી એવી અપેક્ષા ન રાખવી કે તમે કામ કર્યું એટલે એ પણ કરશે જ. આવું વિચારશો તો સરવાળે દુ:ખ જ થવાનું છે. લોકો તો જે કરવાના હશે એ જ કરશે, આપણે એ નક્કી કરવાનું હોય છે કે આપણે શું કરવું છે.બીજા જેવા થઈ જવું સહેલું હોય છે, આપણે જેવા હોઈએ એવા રહેવું એ જ મહત્ત્વનું હોય છે.
છેલ્લો સીન :
જે દિવસને આપણે ભરપૂર જીવ્યો એ જ દિવસ આપણો હોય છે, બીજા દિવસો તો તારીખિયાનાં પાનાં જ હોય છે. -અજ્ઞાત.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 જાન્યુઆરી 2016,