મને આજકાલ બહુ જ
નેગેટિવ વિચારો આવે છે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું, અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું,
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો, જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું.
– રમેશ પારેખ
દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેને ક્યારેય નેગેટિવ વિચાર આવ્યા ન હોય. નકારાત્મક વિચારો આવવા એ ખૂબ જ સ્વાભાવિક છે. કોઈ જ વ્યક્તિ કાયમ માટે પોઝિટિવ વિચારો કરી જ ન શકે. વિચારો ક્યારેક તો આપણને અજવાળામાંથી અંધારા તરફ ખેંચી જ જતા હોય છે. જિંદગીમાં કંઈ જ હન્ડ્રેડ પર્સન્ટ હોતું નથી, ન તો નેગેટિવિટી, ન તો પોઝિટિવિટી. મનમાં સારા-નરસા, ગૂડ-બેડ, પોઝિટિવ-નેગેટિવ, દેવ-દાનવ વચ્ચે યુદ્ધ ચાલતું જ રહે છે. આપણે કેટલી ઝડપથી નેગેટિવિટીને હટાવી દઈએ છીએ. તેના પર જ આપણી પોઝિટિવિટીનો આધાર રહેતો હોય છે. તમે નેગેટિવ વિચારોને ઓળખી શકો છો? વિચારો ઉપર તમારી બાજ નજર હોય છે? વિચારોને તમે આઇડેન્ટિફાય કરી શકો છો? જ્યારે નેગેટિવ વિચાર આવે ત્યારે તમને ખબર હોય છે કે આ વિચાર નકારાત્મક છે? માનો કે ખબર પડી જાય પછી પણ તમે એ વિચારોને ખંખેરી શકો છો? જો એવું હોય તો તમે પોઝિટિવ છો!
તમારી પોઝિટિવિટી જો તમારે જાળવી રાખવી હોય તો નેગેટિવિટીને કંટ્રોલમાં રાખો. મજા ન આવવી, ચિંતા થવી, ડર લાગવો, થથરી જવું, ધબકારા વધી જવા જેવું થાય ત્યારે તમને એ વાતની જાણ હોય છે કે આપણા વિચારો આપણા હાથમાંથી સરકી રહ્યા છે? આશા, ઉદાસી, ડિપ્રેશન અને શૂન્યમનસ્કતા એ બીજું કંઈ નથી, પણ નેગેટિવ વિચારોનો એવો ગઠ્ઠો છે જે આપણા ઉપર હાવિ થઈ જતો હોય છે. આ ગઠ્ઠો મળે એ પહેલાં જ ઓગાળી નાખવાની આવડત જેનામાં હોય છે એ જ ખરો સ્વસ્થ માણસ છે. જો કોઈ વ્યક્તિ એવું કહેતી હોય કે તેને ક્યારેય ખરાબ, ખોટો કે નેગેટિવ વિચાર નથી આવ્યો તો એ માણસ એક નંબરનો જુઠ્ઠો છે. આવા વિચાર આવતા જ હોય છે, પણ આપણે આપણી કુનેહ, સંસ્કાર અને સમજના કારણે તેને આપણા ઉપર હાવિ થવા દેતા નથી. આપણને ખબર હોય છે કે જો આવું થશે તો હું ભાંગી જઈશ, મારે જે કરવું છે એ નહીં કરી શકું. આપણી માનસિક સજ્જતા જ છેવટે આપણને સફળતા અપાવતી હોય છે.
વિચારો છુટ્ટા ઘોડા જેવા હોય છે. વિચારો દોડ્યા રાખે છે. એકમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો વિચાર ફૂટતો રહે છે. વિચારે ચડે ત્યારે માણસ ક્યાં હોય છે અને એ ક્યાં પહોંચી જાય છે. વિચારોના ઘોડાને આપણે લગામ બાંધવી પડે છે. લગામ ખેંચીને વિચારોને રોકવા પડે છે. વિચારોને ક્યારેક આરામ આપવો પડે છે. વિચાર શ્વાસ કરતાં પણ વધારે ચાલે છે. માણસ ક્યારેય વિચારો વગરનો હોઈ શકે? આપણે ઘણી વખત એવું કરીએ છીએ કે હમણાં તો કંઈ વિચાર જ નથી આવતા! જોકે, વિચારો તો આવતાં જ હોય છે. યોગ એ વિચારોને આરામ આપવાની જ એક ક્રિયા છે.
એક દિવસ એક યુવાને તેના મિત્રને કહ્યું કે, આજકાલ મને બહુ જ નેગેટિવ વિચારો આવે છે. મિત્રએ કહ્યું, તું એટલો સમજુ છે કે તને નેગેટિવ વિચારો આવે છે એનું તને ભાન છે. નેગેટિવ વિચારો આવવાના જ છે. હવે તારે માત્ર એ જ વિચાર કરવાનો છે કે આ નેગેટિવ વિચારોને કેવી રીતે હટાવવા. નકારાત્મક વિચારોને હટાવવા અઘરા નથી, જો આપણી તૈયારી હોય તો. પોઝિટિવિટીની સૌથી વધુ જરૂરિયાત નેગેટિવિટીને હટાવવા માટે જ પડતી હોય છે. માણસને જો સમજ ન પડે કે તેને નેગેટિવ વિચારો આવી રહ્યા છે તો એ ધીમે ધીમે અંદર જ ખેંચાતો જાય છે. આખરે એ પોતાનામાં જ એવો પુરાઈ જાય છે કે એને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો.
હતાશા એક જ ઝાટકે નથી ત્રાટકતી. નકારાત્મક વિચારોની એક પછી અક ઈંટ મુકાતી હોય છે. એક પછી એક દીવાલ રચાતી હોય છે. સૌથી છેલ્લે છત આવી જાય છે અને પછી ચારે બાજુ અંધારું થઈ જાય છે. પહેલી ઈંટ આવે ત્યારે જ તેને ફેંકી દેવી જોઈએ. દીવાલ બની જાય તો એને પાડી દેવી જોઈએ. છત તો બનવા જ ન દેવી જોઈએ. તમારા વાતાવરણને તમારે જ ચોખ્ખું રાખવું પડે. કોઈ પણ ગંદકી તો જ કોહવાઈ જાય, જો આપણે તેને સમયસર સાફ ન કરીએ. વિચારોનું પણ આવું જ છે. વિચારોને સાફ કરતાં રહેવું પડે છે. બ્રશ મારતાં રહેવું પડે છે. તમે ક્યારેય તમારા વિચારો પર વિચાર કર્યો છે? તમારા વિચાર ચોખ્ખા તો છે જે વિચારોમાં સડો તો નથી લાગ્યોને? જો એવું હોય તો તમારા વિચારોનો ઇલાજ કરો.
તમારી પ્રિય વ્યક્તિને કેવા વિચારો આવે છે એ તમે ક્યારેય ચેક કરો છો? તમને જેના ઉપર પ્રેમ છે, જેની સાથે તમારી સંવેદનાઓ જોડાયેલી છે એવી વ્યક્તિ જ્યારે કોઈ નબળી વાત કરે ત્યારે તમને એવું સ્ટ્રાઇક થાય છે કે આ વ્યક્તિ આવું કેમ બોલી? કોઈના મોઢે ગંભીર શબ્દો એમને એમ નીકળતા નથી. એની પાછળ એક થોટ પ્રોસેસ હોય છે. તમે તમારી વ્યક્તિના શબ્દોનો મર્મ સમજી શકો છો? મને ક્યાંય ગમતું નથી, ડર લાગે છે કે મરવાના વિચાર આવે છે એવું કોઈ કહે ત્યારે તમે સતર્ક થઈ જાવ છો? તમારી વ્યક્તિના સારા શબ્દોને હળવાશથી લો તો ચાલશે, પણ એના નબળા શબ્દોને ગંભીરતાથી લેજો. માત્ર દિલ જ નહીં, આપણી વ્યક્તિનું દિમાગ કઈ તરફ ચાલી રહ્યું છે તેની તકેદારી રાખવી એ પણ પ્રેમ જ છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે મારી સૌથી નજીકની વ્યક્તિ હતાશ થઈ ગઈ છે. એનું ડિપ્રેશન મારાથી જોવાનું નથી. મને કોઈ ઇલાજ બતાવો. સંતે કહ્યું કે એનો સૌથી મોટો ઇલાજ તું પોતે જ છે. ડિપ્રેશનની સૌથી મોટી દવા સ્વજન અને સંબંધ છે. હૂંફ સૌથી વધુ અસરકારક નીવડે છે. અંધકારમાં ચાલી ગયેલી વ્યક્તિની નજીક નાના-નાના દીવાઓ પ્રગટાવીને એને અહેસાસ કરાવવો પડે છે કે જો પ્રકાશ છે. એને પ્રકાશ ન દેખાતો હોય તો હળવા હાથે તેની પાંપણ ઊંચી કરવી પડે છે. તેના મનને ઝંઝોળીને જગાડવું પડે છે. તેની વેદનાને વ્હાલ કરવું પડે છે. તેની આંગળી ઝાલીને એને ઊંડી ગર્તામાંથી બહાર લાવવા પડે છે. જે માણસ પોતાનાથી જ ભૂલો પડી ગયો છે એને જો રેઢો મૂકી દઈએ તો એ સાવ જ ખોવાઈ જાય છે. આપણી વ્યક્તિ જો હતાશામાં સરી ગઈ હોય તો એના માટે આપણે થોડાક તો જવાબદાર હોઈએ જ છીએ. આપણી વ્યક્તિના મેન્ટલ સ્ટેટસથી પણ આપણે અવેર રહેવું જોઈએ.
એક વ્યક્તિને કંઈ બરાબર નહોતું લાગતું. એની વ્યક્તિ એને ડૉક્ટર પાસે લઈ ગઈ. બધા રિપોર્ટ્સ કરાવ્યા. ડૉક્ટરે કહ્યું કે કંઈ નથી, બધા જ રિપોર્ટ નોર્મલ છે. ડૉક્ટરે પછી કહ્યું કે, તનના રિપોર્ટ્સ નીકળતા હોય છે, મનના રિપોર્ટ્સ નીકળતા નથી. એને તો અનુભવવા પડે છે. બધું જ માત્ર દવાઓથી કે દુઆઓથી નથી થતું, ઘણું બધું હૂંફ અને સ્નેહથી થતું હોય છે. આપણને ખબર ન પડે એમ આપણા વિચારો આપણાથી દૂર નીકળી જતાં હોય છે અને આપણે એકલા પડી ગયા હોય એવું લાગે છે. આવા વિચારો ક્યારેક તો આવી જ ચડવાના છે, એને ઝાટકીને ખંખેરી નાખો. તમારી વ્યક્તિને જો આવું થતું હોય તો એની વધુ નજીક જાવ. નકારાત્મક વિચારો પણ કાયમી રહેવાના નથી, એ જવાના તો છે જ પણ જો તમે હકારાત્મક હશો તો એ વહેલા ચાલ્યા જશે. વિચારો પર વોચ રાખતા રહો, ક્યાંક એ છટકી ન જાય!
છેલ્લો સીન:
વિચારો જ આપણા આચારનું પ્રતિબિંબ છે. વિચારો આધાર ગુમાવે ત્યારે આપણે ખરા અર્થમાં નિરાધાર થઈ જઈએ છીએ. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 જાન્યુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
kkantu@gmail.com