તું હોય છે ત્યારે સમયને પાંખો લાગી જાય છે. હવામાં એવી માદક ખુશબૂ પ્રસરાઈ જાય છે કે હું ખોવાઈ જાઉં છું. ધરતી અને સ્વર્ગ વચ્ચેનું અંતર ઘટી જાય છે. ફૂલો વધુ ખીલેલાં લાગે છે. પંખીઓનો કલરવ આહલાદક બની જાય છે. કુદરત જાણે કળા કરી લે છે. સૌંદર્યને પણ શરમાઈ જવાનું મન થઈ જાય એટલું નીખરી જાય છે. મારા ચહેરા પર સ્નેહની ચમક તરવરી જાય છે. ટેરવામાં ઝંખના જાગી જાય છે. સ્પર્શ મૃદુ બની જાય છે. મારો અવાજ મધુરતા ઓઢી લે છે. તારો હાથ હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે આખું જગત મારી મુઠ્ઠીમાં છે. જેવો તું જાય છે કે તરત જ બધા માહોલ ઉપર પડદો પડી જાય છે. ઉદાસી અને એકલતા મને ઘેરી વળે છે. મને એ જ સમજાતું નથી કે હું મને શોધતી હોઉં છું કે તને?
તને એક નજર જોવા તરફડી જાઉં છું. પ્રેમ જેટલો ઉત્કૃષ્ટ હોય છે એટલો જ વિરહ કેમ ઉગ્ર બની જતો હોય છે? અચાનક જ વાતાવરણ મારી ત્વચાને દઝાડતું હોય એવું બની જાય છે. કંઈ જ ગમતું નથી. ક્યાંય સોરવતું નથી. માત્ર શરીર હાજર હોય છે. મન તો ફાંફાં મારતું હોય છે. હું મારાથી જ થાકી જાઉં છું. રાતે આંખોમાં ઉજાગરા અંજાઈ જાય છે. સવારે પણ એકલતા ઓગળતી નથી. દોડીને તારી પાસે આવવાનું મન થઈ જાય છે. તને કહું છું કે દૂર ન જા. મારી સાથે રહે. મને તારું સાંનિધ્ય જોઈએ છે. મને કંઈ જ નથી જોઈતું. મને બસ તું જોઈએ છે. તારા વગર બધું જ અધૂરું છે. અપૂર્ણ છે. હું પણ ક્યાં પૂરેપરી હોઉં છું? આ અધૂરપ સહન નથી થતી. શ્વાસનું પણ વજન લાગે છે. અસ્તિત્વ પણ આકરું લાગે છે. આવ, મને પૂર્ણ કરી દે. વિરહ વધુ વિકટ બની જાય એ પહેલાં નિકટ આવી જા!
વિરહ મીઠો લાગે. શરત એટલી કે એ વિરહ ટૂંકી અવધિનો હોય. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે. અલબત્ત, જે ક્યારેય પાછા નથી આવવાના એનું શું? જિંદગીભરનો વિરહ વેદના બનીને હૃદયને કોતરતો રહે છે અને શ્વાસને રૂંધતો રહે છે. ગળામાં બાઝી ગયેલા ડૂમાને ઓગાળવામાં બહુ મહેનત પડે છે. નસેનસમાં ફરતી યાદો શ્વાસ ફુલાવી દે છે. આંખો બંધ કરી દઈએ તો પણ એ ચહેરો નજર સામેથી હટતો નથી. હા, ખબર છે તું આવવાનો નથી. હવે ક્યારેય તું મળવાનો નથી. મારે આખી જિંદગી હવે ઝૂરવાનું છે. કેમ કરીને ભૂલવો તને? કેટલીક સ્મૃતિઓ પથ્થર પર કોતરાયેલા શબ્દો જેવી હોય છે. એ ભૂંસાતી નથી. ભુલાતી નથી. એ ધડકતી રહે છે અને થડકાવતી રહે છે.
મેરી ના રાત કટતી હૈ ના જિંદગી, વો શખ્સ મેરે વક્ત કો ઇતના ધીમા કર ગયા. એક શાયરની પંક્તિઓ ક્યારેક જીવનનું તથ્ય બની જતી હોય છે. નાની વયે પતિને ગુમાવનાર એક યુવતી કહે છે, એની તસવીર પર ચડાવેલો હાર જોઈને મારું ગળું રુંધાય છે. બધા સલાહ આપે છે, વર્તમાનમાં જીવવાનું શરૂ કર. મને પણ ઘણી વખત થાય છે કે થોડુંક કંઈક ભૂલી જાઉં. નથી ભુલાતું. કેવી રીતે ભૂલું? જે વ્યક્તિ અસ્તિત્વના કણેકણમાં સમાયેલી હોય એને એકઝાટકે થોડી ભૂલી જવાય છે? દિલની નાજુક રગો તૂટતી રહે છે. સ્મરણો સળગતા રહે છે. સળગી રહેલાં સ્મરણો આંસુથી ઠરતાં નથી. હું પ્રાર્થના કરું છું કે, હે કુદરત! મારાં આંસુઓને પેટ્રોલ નહીં, પાણી બનાવી દે. સહન ન થાય એટલાં સ્મરણો ન દે.
સ્ત્રી હોય કે પુરુષ, વિદાયની વેદનાની તીવ્રતા એકસરખી હોય છે. પોતાની વ્યક્તિની વિદાય પછી પુરુષને વધુ અઘરું પડે છે કે સ્ત્રીને? માપ ન કાઢી શકાય. અનુમાન ન બાંધી શકાય. કોની કેટલી સંવેદના તીવ્ર છે અને યાદો કેટલી ઉગ્ર છે તેના ઉપર ઘણો આધાર રાખે છે. હજુ હમણાંની જ આ વાત છે. જૂનાગઢના ટીવી આર્ટિસ્ટ અને ઋજુ હૃદયના માનવી હેમંત નાણાવટીએ 10મી ડિસેમ્બરે ફેસબુક ઉપર એક પોસ્ટ અપલોડ કરી. તેમણે લખ્યું, આજે મારી પાંત્રીસમી લગ્નતિથિ છે. લગ્નજીવન ચોત્રીસ વર્ષ ચાલ્યું અને લગભગ એકાદ વર્ષ પહેલાં અંત આવ્યો! ના, ના. છૂટાછેડા નથી લીધા, પણ કહોને ચાલી ગઈ! ગઈ છે એવી કે પાછી નહીં જ આવે! પણ લગ્નતિથિ તો આવેને! નાની, જીવનના દરેક રંગે રંગાઈને જીવી તેનો સંતોષ છે. આજે તું દૈહિક સ્વરૂપે મારી સાથે નથી, એટલી જ મારા હૃદયમાં અકબંધ છે અને આ લગ્નતિથિ મારા એકલાની થોડી છે, તારી પણ છે, સો હેપી મેરેજ એનિવર્સરી ડિયરેસ્ટ નાની!
વ્યક્તિ ચાલી જાય પછી તિથિઓ તો આવતી જ રહે છે. અમુક તારીખો રુઝાઈ ગયેલી યાદોને પાછી તાજી કરી દેતી હોય છે. મૃત્યુતિથિ બધી જ તિથિઓ ઉપર ભારી થઈ જતી હોય છે. આ ભાર પછી દિલ ઉપર અનુભવાતો હોય છે. એક પત્નીની વાત છે. એ કહે છે, મારા પતિથી તીખું ખવાતું ન હતું. શાક બનાવું ત્યારે પહેલાં એમના માટે મોળું શાક કાઢી લેતી. એ ચાલ્યો ગયો એને ઘણો સમય વીતી ગયો. હજુ મારાથી મોળું શાક કઢાઈ જાય છે. મોળું શાક જોઈને થાય છે કે, સાલ્લી જિંદગી પણ સાવ મોળી થઈ ગઈ! હવે જમવામાં પહેલાં જેવો સ્વાદ નથી આવતો! ગરમાગરમ રોટલી પીરસવાની મજા સાવ ઠંડી થઈ ગઈ. કોળિયો ગળે ઉતારવામાં પણ મહેનત પડે છે. એને ભાવતું હતું એ હવે મને નથી ભાવતું. ક્યાંથી ભાવે? ભવોભવની વાતો કરનારો આ ભવે જ એકલી મૂકીને ચાલ્યો ગયો. એને સંબોધીને કહું છું કે, આ જ રીતે ચાલ્યો જવાનો હોય તો આવતા ભવે ન મળતો.
એક વ્યક્તિના ચાલ્યા જવાથી આખું જગત સાવ ખાલી થઈ જાય છે. એક જાણીતો ચાલ્યો ગયો હવે બધું જ અજાણ્યું લાગે છે. હવે હું પણ મને નથી ઓળખતી. એક યુવતીની વાત છે. પતિ ચાલ્યો ગયો પછી પરિવારજનોએ કહ્યું કે, તારે જેમ રહેતી હતી તેમ જ રહેવાનું છે. સફેદ કપડાં નથી પહેરવાનાં. ચાંદલો કરવાનો જ છે. હા, હું હજુ તૈયાર થાઉં છું. ચાંદલો કરું છું. બધું સાચું પણ હવે મારાં વખાણ કરવાવાળો ક્યાં છે? તું બહુ મસ્ત લાગે છે એવું એ કહેતો હતો. તૈયાર થઈને રડી પડું છું. હવે તો એવું લાગવા માંડ્યું છે જાણે રડવા માટે તૈયાર ન થતી હોઉં!
એક યુવાનની પત્ની દુનિયા છોડી ગઈ. પત્નીની યાદમાં રડવું આવતું ત્યારે એ કબાટમાંથી પત્નીની સાડી લઈ તેના પાલવથી આંસુ લૂછતો. ખારાં આંસુથી પાલવનો છેડો ઝાંખો થઈ ગયો. તેણે કહ્યું, પાલવ ઝાંખો થઈ ગયો પણ તારી યાદો છે કે જરાયે ઝાંખી થતી જ નથી! હા, જીવન ખારું થઈ ગયું છે અને જિંદગી ઝાંખી પડી ગઈ છે. બધા જ છે પણ તારો કોઈ વિકલ્પ નથી. ક્યાંય જવાનું હોય તો હું એમ બોલતો કે આપણે બેઉં એકલાં જશું. મને ઘણી વખત થતું કે બે હોય તો એકલાં કેવી રીતે કહેવાય? લાંબું વિચાર્યા પછી થતું કે, આપણે બંને એક થઈ ગયાં છીએ. તારી સાથે એકલા રહેવું હતું, પણ તું તો મને એકલો મૂકીને ચાલી ગઈ. હવે હું સાવ એકલો થઈ ગયો છું! તમારી પાસે તમારી વ્યક્તિ છેને? તો બસ એની સાથે જીવી લો. દરેક ક્ષણ માણી લો. સાંનિધ્યને સજીવન રાખો. સમય છેને, એ બહુ દગાખોર હોય છે, એનો ભરોસો રાખવા જેવો નથી. કોણ, ક્યારે અને કેવી રીતે ચાલી જાય છે એ નક્કી નથી હોતું. તું છે તો બધું જ છે, તું નથી તો કંઈ જ નથી. તું છે તો જ હું છું. મારે તારી સાથે જીવવું છે. જીવી લેવું છે. જીવવાની એકેય ક્ષણ, એકેય તક ન ગુમાવો, કારણ કે દરેક ક્ષણ એકસરખી નથી હોતી!
છેલ્લો સીન :
પ્રેમ એટલે મારો પર્યાય તું અને તારો અર્થ હું. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 ડિસેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com