વર્ના હમ જમાનેભરકો સમજાને કહાં જાતે,
અપના મુક્કદર ગમ સે બેગાના અગર હોતા,
તો ફિર અપને-પરાયે હમસે પહેચાને કહાં જાતે!
નસીબ જેવું કંઈ હોય છે? માણસની ડેસ્ટીની પ્રિડિસાઇડેડ હોય છે? કિસ્મતને જિંદગી સાથે કોઈ કનેક્શન હોય છેે? આ અને આવા પ્રશ્નોના જવાબો વ્યક્તિગત માન્યતા ઉપર આધાર રાખે છે. નસીબમાં માનીએ કે ન માનીએ પણ એક વાત નક્કી છે કે મહેનત વગર કંઈ મળતું નથી. આપણાં સદ્નસીબે કદાચ આપણને બત્રીસ પકવાનનો થાળ મળી જાય, પણ કોળિયો તો આપણે જ ભરવો પડે છે અને ચાવવાનું પણ આપણે જ હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેણે કહ્યું કે મારી પાસે મીઠાઈ ન હતી એટલે મેં મારા રોટલાને મીઠો કરી લીધો.
દરેક માણસ પાસે કંઈક તો હોય જ છે. કોઈ પાસે થોડું અને કોઈ પાસે વધુ હોય છે. આપણે જે હોય તેને નસીબ માની લેતા હોઈએ છીએ અને જે ન હોય તેને કમનસીબીનું લેબલ લગાવી દઈએ છીએ. ભાગ્યે જ કોઈ માણસ એવું વિચારે છે કે હું શું કરી શકું તેમ છું. ક્યાં સુધી પહોંચી શકું તેમ છું. તમારી તાકાતનો તમને અંદાજ છે? ના નથી હોતો. આપણે સમયની સાથે તણાતા જઈએ છીએ અને આ જ રસ્તો છે એમ માની લઈએ છીએ. આપણી સફળતા કે નિષ્ફળતા મોટા ભાગે તો આપણા નિર્ણયોના કારણે જ નક્કી થતી હોય છે.
થોડા સમય અગાઉ એક સર્વે થયો હતો. લોકોને પૂછવામાં આવ્યું કે આજે તમે જ્યાં છો ત્યાં પહોંચવાનો તમને અંદાજ હતો? તમે કેવી રીતે અહીં સુધી પહોંચ્યા? મોટા ભાગના લોકોએ એવું કહ્યું કે ના, આ મુકામની અમને કલ્પના ન હતી. તક મળતી ગઈ અને તક ઝડપતા ગયા. કિસ્મત અમને આ મુકામ સુધી ખેંચી લાવી. આ સર્વે બાદ એક બીજો સર્વે કરાયો. જે લોકો પોતાના ક્ષેત્રમાં આગળ હતા તેને પૂછવામાં આવ્યું કે તમે કયા માર્ગે અહીં સુધી પહોંચ્યા? મોટા ભાગનાએ એવું કહ્યું કે અમે નક્કી કરી રાખ્યું હતું કે અમારે આ જ કરવું છે. આના સિવાય કંઈ કરવું નથી. સફળ થઈએ તો પણ વાંધો નથી અને નિષ્ફળ જઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. માત્ર પગાર મેળવવો નહોતો. એક મુકામ હાંસલ કરવો હતો. અમે ઘણી જગ્યાએ ના પાડી હતી કે ના મારે આ નથી કરવું. હું આના માટે નથી.
તમે આજે જે સ્થાને છો એ તમે નક્કી કર્યું હતું? કે તમને તમારું નસીબ ત્યાં ખેંચી લાવ્યું છે? એક યુવાનની આ વાત છે. તેને મ્યુઝિશિયન બનવું હતું. ભણવામાં હોશિયાર હતો, પણ તેનું દિલ તો સંગીત સાથે જ જોડાયેલું હતું. તેનો એક મિત્ર પણ ભણવામાં તેના જેટલો જ હોશિયાર હતો. ફાઇનલ યર વખતે કેમ્પસ ઇન્ટરવ્યૂ થયાં. બંનેએ ઇન્ટરવ્યૂ આપ્યાં. બંને સિલેક્ટ થઈ ગયા. પેલા મિત્રએ કહ્યું કે અરે યાર, આપણે તો લકી છીએ કે પહેલા જ ઝાટકે આપણને નોકરી મળી ગઈ. સંગીતકાર બનવા ઇચ્છતા યુવાને કહ્યું કે મારે આ નોકરી નથી કરવી. હું અાના માટે નથી. સંગીત જ મારા માટે મારી દુનિયા છે. હું તો મ્યુઝિશિયન જ બનીશ. તેણે જોબ સ્વીકારવાની ના પાડી દીધી.
વર્ષો વીતી ગયાં. જોબ સ્વીકારી હતી એ માણસ મોટા હોદ્દા સુધી પહોંચી ગયો. એ જે કંપનીમાં જોબ કરતો હતો. તેની એક કોન્ફરન્સ ફાઇવસ્ટાર હોટલમાં હતી. હોટલમાં રાતે પાર્ટી હતી. તેણે જોયું કે પાર્ટીમાં તેનો ફ્રેન્ડ ગિટાર વગાડતો હતો. મિત્ર તેની પાસે ગયો. તારે તો ગ્રેટ મ્યુઝિશિયન બનવું હતુંને? આ શું કરે છે? હોટલમાં સંગીત વગાડે છે? મારી સાથે નોકરી સ્વીકારી હોત તો આજે તું પણ હું છું એ જગ્યાએ હોત! આજે તું જો, તું ક્યાં છે અને હું ક્યાં છું! પેલા મિત્રએ કહ્યું કે તેં એવું કયા આધારે નક્કી કરી લીધું કે હું દુ:ખી કે કમનસીબ છું? હા, કદાચ રૂપિયા તારાથી થોડા કમાતો હોઈશ, પણ હું જે કામ કરું છું એનાથી ખુશ છું. રોજ મ્યુઝિક વગાડું છું. મારી દુનિયામાં મસ્ત રહું છું. હું જે કહું છું એ મારા માટે કરું છું. તું જે કરે છે એ તારા માટે કરે છે? તું તો જે કરે છે એ રૂપિયા માટે કરે છે. તારી પાસે તારા માટે કંઈ કરવાનો સમય જ ક્યાં છે? મહાન ન બની શક્યો તો કંઈ નહીં, હું જ્યાં છું ત્યાં ખુશ છું. હું એટલા પૂરતો તો મહાન છું જ કે હું મારી ઇચ્છા મુજબ અને મારી શરતે જીવ્યો છું.
નસીબ જેવું કંઈ હોય તો પણ એને સાર્થક તો તમારે જ કરવું પડશે. એક યુવાનની આ વાત છે. તેણે ભાગીદારીમાં ધંધો કરવો હતો. જેની સાથે ભાગીદારી કરવી હતી તેની કુંડળી તેણે જોવડાવવી હતી. આ વાતની ખબર પડી ત્યારે તેની પત્નીએ કહ્યું કે, પહેલાં એ નક્કી કર કે તને તારા ઉપર કેટલો ભરોસો છે? પછી એ નક્કી કર કે તને એ માણસ ઉપર કેટલી શ્રદ્ધા છે. કુંડળી જોવડાવ તેનો વાંધો નથી, પણ એ પહેલાં તું એની દાનત અને કરતૂત તારી રીતે જોવડાવી લે. ગ્રહો તો માફિયાને પણ એના ક્ષેત્રમાં ટોપ પર બેસાડે એવા હોઈ શકે, પણ એ આપણા કામનો ન હોય. આખરે તો તારું નસીબ તારા સિવાય બીજું કોઈ ચમકાવી શકવાનું નથી. જે કામ તારે કરવાનું છે એ તારે જ કરવું પડશે.
ગામડાના એક સાવ દેશી લાગતા માણસે એક વખત અત્યંત માર્મિક વાત સાવ સાદી રીતે કરી હતી. તેણે કહ્યું કે જો ભાઈ, આપણા પગ દુખતા હોયને તો કોઈ દબાવી આપે તો સારું લાગે. ખંજવાળ આવતી હોયને તો આપણા હાથે ખંજવાળીએ તો જ સારું લાગે. બીજું કોઈ ખંજવાળે તો હાશ થાય જ નહીં અને આપણા હાથે આપણા પગ દબાવીએ તો પણ થાક ઊતરે નહીં. અમુક કામ આપણા સિવાય બીજું કોઈ ન કરી શકે. સફળતાની ખંજવાળ આપણે આપણા હાથે જ સંતોષવી પડે.જે લોકો સફળ થયા છે એણે ક્યારેય નસીબનો આધાર નથી લીધો. હા, ઘણાં લોકો સફળ થયા પછી એવું કહેશે કે સારાં નસીબ અને ઈશ્વરની કૃપા છે, પણ હકીકતે તો એમાં એની મહેનત હોય છે. નિષ્ફળ લોકોને પૂછશો તો એ નસીબને જ દોષ દેશે! તમારાં નસીબ તમે જ ઘડી શકો. આપણે ત્યાં એક માન્યતા છે કે વિધિના લેખ તો છઠ્ઠીના દિવસે જ લખાઈ ગયા હોય છે. વિધિની દેવી તો કદાચ લખીને એવું જ બોલતી હશે કે મેં તો તારા લેખ લખી દીધા, હવે તું મારા લખેલા લેખને સાબિત કરી આપ. આપણે સાબિત ન કરી શકીએ તો વાંક વિધિનો કે વિધિના લેખનો નથી હોતો, મોટાભાગે આપણો જ હોય છે. વિધિના લેખનું સીધું પરિણામ નથી આવતું કે તમે પાસ થયા છો કે ફેલ, એ તો તમે જ્યાં હોવ એ સ્થાન જ બતાવી આપતું હોય છે. તમારી મહેનત પર શ્રદ્ધા રાખો, તમારું નસીબ તો ચમકવા માટે જ સર્જાયું છે.
છેલ્લો સીન:
જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો. દરજી અને સુથારના નિયમની જેમ ‘માપવું બે વાર, કાપવું એક જ વાર.’
-એક વોટ્સએપ મેસેજ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ઓકટોબર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
Email : kkantu@gmail.com