દુઃખની આ ઘડીમાં હું તારી સાથે છું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હોઠ પર આવીને અટકેલી દુઆ છે જિંદગી,
કોઈ ના જાણે જગતમાં એ કથા છે જિંદગી,
કેટલાં વર્ષો વિત્યાં કૈં ભાળ પણ મળતી નથી,
આ જગતની ભીડમાં બસ લાપતા છે જિંદગી.
-વિનય ઘાસવાલા
તમે ક્યારેય કોઈ એવો માણસ જોયો છે જેને ક્યારેય કોઈની જરૂર પડી ન હોય? માણસને બધા વગર ચાલે પણ માણસ વગર ચાલતું નથી. સંબંધ અને સમાજ એ વાતનાં જીવતાંજાગતાં ઉદાહરણો છે કે માણસ એકબીજા સાથે જોડાયેલા છે. માણસ થોડા દિવસો એકલો રહી શકે પણ કાયમ એકલો રહી શકતો નથી. માણસને સતત કોઈક જોઈતું હોય છે. કોઈ સાથે વાત કરવી હોય છે. કોઈ પાસે વ્યક્ત થવું હોય છે. ક્યારેક રડવા માટે કોઈના ખભાની જરૂર પડે છે. હસવા માટે ચહેરાઓ જોઈએ છે. દાદ માટે તાળીઓની જરૂર પડે છે. માણસ પડઘા સહન કરી શકતો નથી. માણસને પ્રતિસાદ જોઈએ છે. પડઘા એવી જ જગ્યાએ પડતાં હોય છે, જે ઇમારત ખાલી હોય છે. લોકો હોય ત્યાં પડઘા હોતા નથી, કોલાહલ હોય છે.
શાંતિ પણ એક હદથી વધુ સહન થતી નથી. શાંતિનું મહત્ત્વ એટલા માટે છે, કારણ કે બધે અશાંતિ છે. આપણી પાસે જે ન હોય એ આપણે શોધતા રહીએ છીએ. વિચાર કરો કે આપણી પાસે કોઈ માણસ જ ન હોય તો? ક્યાં જવું? કોને મળવું? તૈયાર પણ કોના માટે થવું? સીન મારવા અને ઇમ્પ્રેશન જમાવવા પણ માણસની જરૂર પડે છે. આ માણસની આપણને માણસ જેટલી પણ કદર હોય છે?સંબંધો સુખનો પર્યાય હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડ અને સોશિયલ મીડિયા પણ સંબંધોનું જ એક હાઇટેક પરિણામ છે. માણસ સ્ટેટસ અપડેટ કર્યા કરે છે. મેં આમ કર્યું. મેં આ જોયું. મેં આવું કંઈક ફીલ કર્યું. એકેય લાઇક્સ કે કોમેન્ટ મળવાની ન હોય તો કયો માણસ પોતાનું સ્ટેટસ અપડેટ કરે? કોઈને કંઈ ફેર પડતો ન હોય ત્યારે કંઈ કરવાનો પણ કોઈ મતલબ રહેતો હોતો નથી. રિસ્પોન્સ વગરના રિલેશન વધુ અઘરા બની જતાં હોય છે. ગમે એવો મોટો કાર્યક્રમ હોય અને ઓડિયન્સમાં કોઈ ન હોય તો? માનો કે ઓડિયન્સ પણ હોય, પરંતુ એમાંથી એકેય ઓળખતો ન હોય તો? કોઈ રિસેપ્શનમાં જઈએ અને કોઈ જાણીતું ન હોય ત્યારે માણસને બધાની વચ્ચે પણ સાવ એકલું લાગતું હોય છે. માણસ હોટલમાં એકલો જમવા કે મલ્ટિપ્લેક્સમાં એકલો મૂવિ જોવા પણ જઈ શકતો નથી. માણસ વગર માણસને ન ચાલે. કેવું છે, તોપણ માણસ માણસની કદર કરી શકતો નથી. માણસને સૌથી મોટી ઝંખના માણસની હોય છે.
ઘરમાં કોઈ ન હોય ત્યારે ઘર પણ ખાવા દોડતું હોય છે. એક માણસ પોતાની બોટ લઈને દરિયામાં ફરવા નીકળ્યો. દરિયામાં તોફાન આવ્યું. બોટ ફંગોળાતી ફંગોળાતી દૂર સુધી પહોંચી ગઈ. એક ભયંકર મોજું આવ્યું અને બોટ ઊંધી વળી ગઈ. એ માણસને તરતાં આવડતું હતું. તરતાં તરતાં એ એક કિનારે જઈ પહોંચ્યો. તેને ખબર પડી કે આ તો એક નાનકડો ટાપુ છે. ટાપુ પર એ ગયો. એક સરસ મજાનો મહેલ હતો. મહેલમાં તમામ પ્રકારની સુવિધા હતી. ખાવા-પીવાની કોઈ કમી ન હતી. એ માણસને હાશ થઈ. તાજોમાજો થઈ એ ટાપુ પર ફરવા ગયો. થોડી વાર તો મજા આવી પણ પછી તેને ખબર પડી કે આ ટાપુ ઉપર તો એકેય માણસ નથી રહેતો! માણસ વગર માણસ દિવસેય ગભરાઈ જાય! અહીં તો કોઈ નથી! હવે શું કરવું? એકલો એકલો એ માણસ ગાંડા જેવો થઈ ગયો. એક રાતે એ સૂતો ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી કે, હે ઈશ્વર, કમ સે કમ આજે મને એવું સપનું આપજે જેમાં મને કોઈ માણસ દેખાય! એકલું રહેવું અઘરું છે કે અશક્ય, એ ઘણી વાર નક્કી થઈ શકતું નથી. રાતે સપનામાં એને એક માણસ દેખાયો. માણસને જોતાંવેંત જ એ તેને વળગી પડયો. એ માણસે એને દૂર હડસેલ્યો કે તરત જ એની ઊંઘ ઊડી ગઈ! એનાથી બોલાઈ ગયું કે મારી સાથે કંઈક વાત તો કરવી હતી! એટલિસ્ટ મારી સાથે ઝઘડવું હતું! સાવ આવી રીતે મને એકલો પાડી દેવાનો?
માણસને સુખમાં માણસની વધારે જરૂર પડે છે કે દુઃખમાં? માત્ર સુખ કે દુઃખમાં જ નહીં, દરેક સ્થિતિમાં માણસને માણસની જરૂર પડે છે. આપણે દુઃખની ઘડીએ પહોંચી જતાં હોઈએ છીએ પણ સુખનું શું? સુખમાં તમને કોણ સાંભરે છે? એક દીકરીએ એને ગમતા યુવાન સાથે લવમેરેજ કર્યા. ઘરના લોકો નારાજ હતા. દીકરી સાથે સંબંધો કાપી નાખ્યા. હવે તારી સાથે અમારે કોઈ સંબંધ નથી. તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. સમય જતો ગયો. દીકરી પપ્પાની લાડકી હતી. પપ્પા યાદ આવતાં હતા પણ સામેથી કોઈ પ્રતિસાદ મળતો ન હતો. દીકરીએ એક દીકરીને જન્મ આપ્યો. ઘરે ખબર મોકલ્યા તોપણ કોઈ જવાબ ન મળ્યો. દીકરી પાંચ વર્ષની થઈ ગઈ. પિયરમાંથી પ્રેમનું કોઈ ઝરણું ન વહ્યું. અચાનક એ નાની દીકરી બીમાર પડી. ખૂબ સારવાર છતાં એને બચાવી ન શકાઈ. દીકરી અવસાન પામી. પિતાને ખબર પડી કે દીકરીની દીકરીનું અવસાન થયું છે. આખરે એનાથી ન રહેવાયું. પિતા દીકરીના ઘરે ગયા. નાનકડી બેબીનું ડેડબોડી પડયું હતું. પિતાએ કહ્યું કે બેટા, તારી દુઃખની આ ઘડીમાં હું તારી સાથે છું. દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રડતાં બોલી કે પપ્પા સુખના સમયે તમે ક્યાં હતા? દીકરીનું ડેડબોડી હાથમાં આપીને કહ્યું કે આને જ્યારે હું નાના… નાના… બોલાવતી હતી ત્યારે એ એવું સરસ કાલું કાલું બોલતી હતી, મારી આંખો ભીની થઈ જતી કે નાના હોય તો કેવા ખુશ થાય. એ દીકરીને કહેવા લાગી કે બોલ તો, નાના… એ હવે બોલતી ન હતી! જુઓ, આજે એ કંઈ નથી બોલતી! એ બોલતી હતી ત્યારે તમે કેમ ન આવ્યા? એ બોલતી હતી ત્યારે પણ આંખો ભીની થઈ જતી હતી અને આજે પણ આંખો ભીની છે. પપ્પા, તમે ત્યારે હોતને તો… એ પછી દીકરી કંઈ ન બોલી શકી. આંસુના મતલબ પણ દરેક ક્ષણે અલગ અલગ હોય છે. કંઈ તકલીફ પડે તો હું બેઠો છું. એવું કહેવાવાળા તો ઘણાં હોય છે પણ તકલીફ ન હોય ત્યારે ન હોય તો વધુ તકલીફ પડતી હોય છે!
તું ત્યારે હોત તો તને ખબર પડત કે અમે બધાએ કેવું એન્જોય કર્યું હતું! આવું કોઈ કહે ત્યારે તમને એવું થાય છે કે તમે થોડુંક સુખ ગુમાવ્યું? દુઃખની ક્ષણોમાં જ નહીં, સુખની પળોમાં પણ સાથે હોવામાં સંબંધની સાર્થકતા છે. તમે દુઃખ વખતે તો હોવ છો પણ સુખ વખતે તમે ક્યારેય એવો મેસેજ કર્યો છે કે સુખની આ પળમાં હું તારી સાથે છું? સંવેદનાઓ દરેક સ્થિતિમાં સજીવન રહેવી જોઈએ. કોઈ એક ઘટના કે એક પ્રસંગ માટે સજીવન થાય એ સંવેદના અધૂરી હોય છે. ‘વાહ’ માં જેટલી સંવેદનાઓ ખીલે એટલી જ સંવેદના ‘આહ’માં ઊઘડવી જોઈએ. સંવેદનાઓ ‘કંટ્રોલ્ડ’ ન હોય, સંવેદનાઓ તો અવિરત હોય. સતત વહેતી રહે એ જ સાચી સંવેદના. તમારી વ્યક્તિને સુખમાં પણ તમારી જરૂર હોય છે. પોતાની વ્યક્તિની પડખે ક્યારે ઊભું રહેવું એ નક્કી ન કરો, પોતાની વ્યક્તિને હંમેશાં એવું પ્રતીત થાય કે તમે દરેક સમયે તેની પડખે જ છો એ જ સાચો પ્રેમ, એ જ સાચો સ્નેહ અને એ જ સાચો સંબંધ!
છેલ્લો સીન :
‘હું હંમેશાં તારી સાથે છું’, એવું કહેતાં પહેલાં વિચાર કરી લો કે તમે હંમેશાં તેની સાથે રહેવાના છો? જવાબ ‘હા’ હોય તો જ આવું વાક્ય બોલજો. -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 જાન્યુઆરી, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)