મને લાગે છે કે મારૂ નસીબ જ ખરાબ છે!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
પોસ્ટરો તો એમ બણગાં ફૂંકશે, આગળ વધો, ઝંખનાઓ રોજ ગાડી ચૂકશે, આગળ વધો,
ફૂટપાથો પર બિછાવી જાળ ઊભા છે બધા, કોણ જાણે, કોણ કોને લૂંટશે, આગળ વધો.
-રમણીક સોમેશ્વર.
નસીબ, લક અને તકદીર એવાં હાથવગાં બહાનાં છે જેનો આપણે ફટ દઈને ઉપયોગ કરી લઈએ છીએ. આપણને સ્વીકાર્ય ન હોય એવું કંઈક બને કે તરત જ આપણે એવું કહી દઈએ છીએ કે મારાં નસીબ જ ખરાબ છે. મારી સાથે હમણાં બધું બૂરૂ જ થાય છે. જુગાર ખરાબ ચીજ છે. આમ છતાં એ એટલો મેસેજ તો ચોક્કસપણે આપે છે કે પાસા દરેક વખતે સરખા નથી હોતા. પાસા ફેંકીએ ત્યારે એ સવળા પડે અથવા તો અવળા પડે છે. પાસા ઉપર લખ્યું નથી હોતું કે આ પાસું સવળું છે અને આ પાસું અવળું છે. આપણે આપણી રીતે તેનો મતલબ કાઢીએ છીએ. આપણને જોઈતું હોય એ આવી જાય તો સવળું અને ન જોઈતું હોય એવું આવે તો અવળું. ગણતરી આપણી હોય છે અને આપણે દોષ કે યશ પાસાને આપીએ છીએ. નસીબનો પણ મોટાભાગે આપણે આવી રીતે જ ઉપયોગ કરતાં હોઈએ છીએ.
તમે માર્ક કરજો, મોટાભાગે તો આપણે આપણા વિપરીત સંજોગો અને અઘરા સમયને નસીબનું નામ આપી દેતાં હોઈએ છીએ. આ ઉપરાંત આપણે જો બીજી કોઈ ભૂલ કરતાં હોઈએ તો એ કે આપણે કોઈને જોઈને આપણાં નસીબની તુલના કરતાં હોઈએ છીએ. કોઈને સાધન-સંપન્ન જોઈને આપણે તેને નસીબદાર માની લેતાં હોઈએ છીએ. કોઈને નસીબદાર માનીએ એમાંય કંઈ ખોટું નથી,પ્રોબ્લેમ એ હોય છે કે આપણે આપણી જાતને કમનસીબ માનવા લાગીએ છીએ! ઘણાં લોકો વળી એવું પણ કરતાં હોય છે કે પોતાના કરતાં ખરાબ હાલત હોય તેનું ઉદાહરણ ટાંકી પોતાનાં નસીબ માટે આશ્વાસન મેળવતા હોય છે. એને કેવી તકલીફ છે?એના કરતાં તો આપણે સુખી છીએ! નસીબદાર અને કમનસીબીની આપણી વ્યાખ્યાઓ કેટલી છીછરી અને હલકી હોય છે? માણસ જ્યારે પોતાની સરખામણી બીજા કોઈની સાથે કરવા માંડે છે ત્યારથી એનાં દુઃખ અને ઉદાસીની શરૃઆત થાય છે. બધાંને બીજા જ નસીબદાર લાગે છે, પોતાનાં નસીબ જ ખરાબ લાગે છે.
ખબર નહીં કયા ભવનાં પાપ મને નડે છે કે મારી સાથે આવું થાય છે? મેં તો કોઈનું બૂરૂ નથી કર્યું છતાં મારી સાથે આવું થાય છે! મારે તો બધાં સાથે પ્રેમથી રહેવું છે પણ મને ખોટા લોકો જ ભટકાઈ ગયા છે. આ ભવની કોઈ ભૂલ ન મળે ત્યારે એ ગયા ભવની ભૂલને દોષ દે છે. બધાંને ક્યારેક તો એવું લાગતું જ હોય છે કે મારા ઉપર જે વીતે છે એ હું જ જાણું છું. મારી સાથે જ આવું કેમ થાય છે એવો સવાલ ઊઠે છે અને પછી છેલ્લે નસીબ ઉપર આવીને વાત પૂરી થાય છે.
એક યુવાનની વાત છે. એ જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ પડી ગઈ. તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો. એની નોકરીનો ક્યાંય મેળ ખાતો ન હતો. આખરે તે કહેવા લાગ્યો કે મારાં નસીબ જ ખરાબ છે. દસ વર્ષથી જ્યાં નોકરી કરતો હતો એ બંધ થઈ ગઈ અને હવે બીજી નોકરી મળતી નથી. તેના મિત્રએ કહ્યું કે તું વારંવાર નસીબને શું દોષ દે છે? દસ વર્ષ તારી નોકરી હતી ત્યારે પણ તું નસીબને જ દોષ દેતો આવ્યો હતો કે મારી કંપની ભંગાર છે, ત્યાં કોઈ વર્કિંગ એટમોસ્ફિયર જ નથી. મારાં નસીબ ખરાબ છે કે મને આવી ભંગાર કંપનીમાં કામ કરવું પડે છે. હવે એ કંપની બંધ થઈ તો પણ તું તારાં નસીબને દોષ દે છે. તારી સાથે તારી કંપનીના ઘણાંની નોકરી ગઈ છે એ બધાં નસીબને દોષ દે છે? ખોટી વાતો ન કર. આ સમય પણ ચાલ્યો જશે અને બીજી નોકરી પણ મળી જશે. હા, એટલું યાદ રાખજે કે બીજી નોકરી મળે પછી ત્યાંના વાતાવરણને આગળ ધરીને તારાં નસીબને દોષ ન દેતો. વાતાવરણ તો આપણે જેવું માનીએ એવું જ હોય છે અને નસીબનું પણ એવું જ છે. તમારે નસીબને ખરાબ જ સમજવું હોય તો કોઈ તમને ન રોકી શકે.
આપણે બધાં કેવા છીએ? બધામાં આશ્વાસન જ શોધતા ફરીએ છીએ. કંઈક ખરાબ થાય તો પણ આપણે એવું જ કહીએ છીએ કે જે થતું હશે એ સારા માટે થતું હશે! જિંદગીની કોઈ ઘટનાને આપણે તટસ્થતાથી સ્વીકારી જ નથી શકતા! જે થયું તે થયું. બધું સારૂ જ થાય એવું કંઈ જરૃરી છે? આપણે કંઈ પણ થાય એટલે તરત જ લેબલ મારી દઈએ છીએ કે આ ‘સારૂ’ થયું અને આ ‘ખરાબ’ ! કોઈ ઘટનાને તમારાં નસીબ ન માની લ્યો!
જે સમયે જે હોય છે એ હોય છે. એને નસીબ ન સમજી લો. નાની નાની વાતમાં નસીબને દોષ ન દો. ઘણી વખત આપણે જેને કમનસીબી સમજતાં હોઈએ છીએ એ નાનકડો પડકાર હોય છે. એ પડકારમાંથી પાર ઊતરવાનું હોય છે. આપણે તો કારમાં પંક્ચર પડે તો એને પણ કમનસીબી કરાર દઈ દઈએ છીએ. થોડાક માર્ક્સ ઓછા આવ્યા તો બેડ લક, ઈન્ક્રિમેન્ટ થોડુંક ઓછું મળ્યું તો હાર્ડ લક, ફલાઈટ મિસ થઈ જાય તો પણ નસીબને દોષ, ફલાઈટ કેન્સલ થઈ જાય તો પણ આરોપ નસીબ પર મૂકી દેવાનો! આપણાં નસીબને આપણે કેટલું બધું સસ્તું બનાવી દીધું છે.
આપણી આર્થિક પરિસ્થિતિને પણ આપણે નસીબ સાથે જોડી દઈએ છીએ. જો રૃપિયો જ બધું હોત તો કોઈ ધનવાન દુઃખી ન હોત! આપણે જેને નસીબદાર સમજતા હોઈએ છીએ એ પણ પોતાને ક્યાં લકી સમજે છે? એક રાજા હતો. એવું કંઈ જ ન હતું જે એની પાસે ન હોય. રાજાને ક્યાંય મજા આવતી ન હતી. કોઈ વાત કે વસ્તુથી એને સુખ ફિલ થતું ન હતું. રાજાએ સભા બોલાવી. દરબારીઓને કહ્યું કે તમે મારી દરેક મુશ્કેલીનો ઉકેલ શોધી આપો છો, હવે મારા દુઃખનો ઉકેલ શોધી આપો. શું કરૂ તો મને મજા આવે? મને સુખ ફિલ થાય. એક દરબારીએ ઉકેલ બતાવ્યો. આપણાં રાજ્યમાં જે સૌથી સુખી માણસ હોય એનું પહેરણ તમે પહેરો તો તમે સુખી થાવ અને તેણે જે સુખ ફિલ કર્યું હોય એ તમે ફિલ કરી શકો. રાજાએ આદેશ આપ્યો કે જાવ અને આપણા રાજ્યમાં જે સુખી માણસ હોય એને શોધી લાવો.
રાજાના બધા જ લોકો કામે લાગી ગયા. લોકો પાસે જઈને પૂછયું કે તમે સુખી છો? બધાંએ કોઈ ને કોઈ કારણ આપીને કહ્યું કે હું ક્યાં સુખી છું, જુઓને, મારે આ કેવડો મોટો પ્રોબ્લેમ છે. આખરે એક માણસ મળી આવ્યો જેણે કહ્યું કે હું સુખી છું. એ માણસને રાજા સમક્ષ હાજર કરાયો. રાજાએ તેની આગતા-સ્વાગતા કરી. રાજાએ કહ્યું કે, હે સુખી માણસ, મને તારૂ પહેરણ આપ. પેલા માણસે કહ્યું, મારૂ પહેરણ?હું તો ફકીર છું. મારા શરીર પર તો એક જ કપડું છે. જો એ તમને સુખ આપતું હોય તો આ લ્યો તમે રાખો. હું તો મારી પોતડીથી પણ ચલાવી લઈશ. રાજાને પોતાનું કપડું ઓઢાડતી વખતે ફકીરે કહ્યું કે, રાજન, સુખ પહેરણ કે સાધન-સંપત્તિમાં નથી હોતું. સુખ તો આપણી અંદર હોય છે. હું મારા અંદરના સુખને જીવતું રાખું છું. તમે ખોટું સુખને બહાર શોધો છો. તમારી અંદર શોધો, મળી આવશે.
આપણે બધાં જ સુખ, શાંતિ અને ખુશીને બહાર જ શોધતાં ફરીએ છીએ અને ન મળે ત્યારે તેને કમનસીબી કે બેડલકનું નામ આપી દઈએ છીએ. નસીબ ક્યારેય ખરાબ હોતું જ નથી. આપણે પરિસ્થિતિ મુજબ તેને ગૂડ કે બેડ કરી દઈએ છીએ. પરિસ્થિતિ, સંજોગો કે સમયથી થાકી ન જાવ, એ તો બદલાતાં જ રહેવાનાં છે, એની સાથે તમારે બદલાઈ જવાની જરાયે જરૃર નથી!
છેલ્લો સીન :
કાંઠે ઊભેલું વહાણ સલામત હોય છે પણ વહાણો કંઈ સલામત સ્થળે રાખવા માટે બનાવવામાં આવ્યાં નથી હોતાં. -અજ્ઞાત.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 1 જુન, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com