નક્કી કરી લો, તમારે દુઃખી રહેવું છે કે સુખી?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
અય શમાં તેરી ઉમ્ર-એ-તીબઈ હૈ એક રાત
રો કર ગુઝાર યા ઈસે હંસ કર ગુઝાર દે.
-ઇબ્રાહિમ ઝૌક
સુખ, આનંદ અને ખુશી સમયમર્યાદા લઈને આવે છે. દુઃખ, ઉદાસી અને નારાજગીના ટાઈમની કોઈ લિમિટ હોતી નથી. સુખ અમુક સમય પછી સરકી જાય છે. ખુશી એક પ્રસંગ કે ઘટના પૂરી થાય એ સાથે ચાલી જાય છે. દુઃખ અને ઉદાસીમાં એવું થતું નથી. એને આપણે ખંખેરવાં પડે છે. જ્યાં સુધી તમે દુઃખ અને ઉદાસીથી પીછો ન છોડાવો ત્યાં સુધી એ તમને ચીપકેલાં રહે છે. દુઃખ અને ઉદાસી આવી ચડે ત્યારે આપણે એને રોકી શકતા નથી પણ એને કેટલો સમય ટકવા દેવા એ ચોક્કસપણે આપણે નક્કી કરી શકીએ. માણસે દુઃખ અને ઉદાસીને પંપાળવાનું બંધ કરવું જોઈએ પણ આપણે એવું કરતા નથી. દુઃખને ઘૂંટયે રાખીએ છીએ અને આપણે ઘૂંટાતા રહીએ છીએ. દરેક માણસને મજામાં રહેવું હોય છે, ખુશ રહેવું હોય છે,જિંદગી જીવવી હોય છે, દરેક પળનો આનંદ માણવો હોય છે પણ એ આવું કરી શકતો નથી. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે માણસે જ્યારે જે છોડવાનું હોય છે એ છોડી શકતો નથી.
માણસ એક સમયે એક જ અવસ્થામાં જીવી શકે છે. કાં તો એ સુખી હોય અથવા દુઃખી, કાં તો એ ઉદાસ હોય અને કાં તો આનંદિત,કાં તો એ મજામાં હોય અને કાં તો ગમમાં, માણસ એક સાથે બે અવસ્થામાં જીવી ન શકે. જિંદગી એ એવું ત્રાજવું છે જેનાં બંને પલડાં ક્યારેય સ્થિર રહેતાં નથી. એ ઉપર-નીચે થતાં જ રહે છે. જ્યાં સુધી ભાર ઓછો ન કરીએ ત્યાં સુધી ત્રાજવાંનું બેલેન્સ બરાબર રહેતું નથી. તમે એક માણસ એવો બતાવો જે એમ કહેતો હોય કે મારે મજામાં નથી રહેવું! તમારે મજામાં રહેવું છે? તો તમને રોકે છે કોણ? આપણે જ આપણને રોકતા હોઈએ છીએ. કેવું છે, આપણે મજામાં હોતા નથી અને આપણી ઉદાસી માટે આપણે કોઈને અને કોઈને દોષ દેતા ફરીએ છીએ. એણે મને દુઃખી કર્યો, એણે મારી સાથે ચીટિંગ કર્યું, એણે મને ખરાબ શબ્દો કહ્યા, એણે મને બધાની વચ્ચે ઉતારી પાડયો, એ મારું ખરાબ જ બોલતો ફરે છે, બધું કોઈક જ કરતા હોય છે પણ તમે શું કરો છો? તમે દુઃખી થાવ છો અને દુઃખી રહેવા માટે કારણ શોધતા ફરો છો. માણસ જ્યાં સુધી બીજાને જ આધાર સમજીને જીવવાનો છે ત્યાં સુધી એ દુઃખી અને હેરાન જ રહેવાનો છે. માણસે પોતે પોતાનો આધાર બનવાનું હોય છે. મારે કેટલું દુઃખી થવું એ મારે નક્કી કરવાનું હોય છે અને મારે કેટલું સુખી રહેવું એ પણ મારા સિવાય કોઈ નક્કી ન કરી શકે.
આપણાં દુઃખ અને આપણી ઉદાસી માટે આપણે પોતે બહુ ઓછાં કારણભૂત હોઈએ છીએ. મોટાભાગે આપણે કોઈએ ઝીંકેલું દુઃખ લઈને ફરતાં હોઈએ છીએ. કોઈ ઉદાસી, નારાજગી, દુઃખ અને અયોગ્ય પ્રતિભાવનું કપડું આપણને ઓઢાડે છે અને આપણે એ કપડું ઓઢીને ફરતાં રહીએ છીએ. બધાને બતાવતાં રહીએ છીએ કે જુઓ પેલો મને કેવું કપડું ઓઢાડી ગયો છે. કોઈ ત્યારે જ આપણને તેનું કપડું ઓઢાડી શકે છે જ્યારે આપણે આપણું કપડું હટાવી દઈએ છીએ. આપણે બસ આપણું કપડું ઓઢી રાખવાનું ધ્યાન રાખવાનું હોય છે. કોઈનાં કપડાંની ચિંતા કરવાની જરૂર હોતી નથી. તમારે બતાવવું હોય તો પોતાનું કપડું બતાવો. બીજાનાં કપડાંને માથે ચડવા ન દો અને ચડી ગયું હોય તો એને ઉખેડીને ફેંકી દો.
એક સરસ મજાની વાર્તા છે. કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું. પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો. એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો. બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા. કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાની થેલી બતાવી. પ્રોફેસરે કહ્યું કે, બહુ જ સરસ. હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે. બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે, ઓકે. બે-ત્રણ દિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી. આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ. પ્રોફેસરે હસીને કહ્યું કે, તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે? નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી, વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો? એ કોહવાઈ ગયા છે. વાસ આવે છે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો. તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે? કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી. જાવ, આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો. સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.
ઘરને આપણે રોજ ચોખ્ખું કરીએ છીએને? આપણી ઓફિસ કે ધંધાના સ્થળને સાફ રાખીએ છીએને? ગંદાં કપડાં બદલી નાખીએ છીએને? આપણી જાત અને આપણા દિલને આપણે સાફ રાખીએ છીએ ખરાં? કોઈ દિવસ ચેક કર્યું છે કે તમારા દિલ પર કેટલો કચરો જામી ગયો છે? જેના ચહેરા પ્રફુલ્લિત ન હોય તેણે સમજી લેવું જોઈએ કે તેના દિલ પર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં છે અને ચહેરા ઉપર જે દેખાય છે એ તો એનો પડછાયો છે.
એક માળી હતો. તેણે સુંદર બગીચો બનાવ્યો હતો. આ બગીચામાં એક કપલ બેસવા આવતું. જૂની વાતો કરીને એ બંને રોજ ઝઘડતાં રહેતાં. માળી તેને રોજ સમજાવતો કે જવા દોને જે વાત પતી ગઈ એને ભૂલી જાવ. ખંખેરી નાખો. આ કપલ એ માળીની વાત કાને ધરતું નહીં. આખરે માળીએ કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો. બીજા દિવસથી માળીએ એને કંઈ પણ કહેવાનું બંધ કર્યું. સાથોસાથ બગીચો સાફ કરવાનું પણ બંધ કરી દીધું. ચાર-પાંચ દિવસમાં તો બગીચો પાંદડાં અને ગંદકીથી ઉભરાવવા લાગ્યો. એક અઠવાડિયામાં તો બગીચામાં બેસી ન શકાય એવી હાલત થઈ ગઈ. આખરે એ કપલે માળીને કહ્યું કે તને શું થયું છે? કેમ બગીચો સાફ નથી કરતો? આ જો બગીચાની હાલત કેવી થઈ ગઈ છે? માળીએ એટલું જ કહ્યું કે હું પણ તમને કેટલાંય દિવસથી કહું છું પણ તમે કેમ દિલને સાફ નથી કરતાં?
જો તમે દુઃખી કે ઉદાસ હોવ તો યાદ રાખજો કે માત્ર અને માત્ર તમે જ તેના માટે જવાબદાર અને કારણભૂત છો. કોઈના પર તમારા દુઃખના દોષનો ટોપલો ઓઢાડી તમે તમારો બચાવ ન કરી શકો. દરેક વાતનો એક અંત હોવો જોઈએ. અમુક ઘટના અને પ્રસંગો ચોક્કસપણે દુઃખ આપે એવાં હોય છે. એના માટે દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે પણ એને પકડી ન રાખો. છોડી દો. ખંખેરી નાખો. મુક્ત થઈ જાવ. હળવાશ ફિલ કરો. નક્કી કરો કે હું મજામાં, ખુશ અને સુખી રહીશ. તમારે ન થવું હોય તો કોઈ તમને દુઃખી કરે એ વાતમાં માલ નથી. બસ, એટલું નક્કી કરી લો કે મારે દુઃખી નથી થવું અને મારે ઉદાસ નથી રહેવું. જિંદગી તમારી છે, એ તમારી રીતે જ જીવી લો.
છેલ્લો સીન :
જો દરેક માણસની આંતરિક ચિંંતા એના કપાળ પર લખાયેલી હોત
તો, આપણામાં ઇર્ષા જગાડતા કેટલા બધા માણસો આપણી દયાના પાત્ર બની ગયા હોત. – લેન્ડર.
તો, આપણામાં ઇર્ષા જગાડતા કેટલા બધા માણસો આપણી દયાના પાત્ર બની ગયા હોત. – લેન્ડર.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 મે, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com