મારે હવે કોઇને કંઇ કહેવું જ નથી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તૂ પાસ ભી હો તો દિલ બેકરાર અપના હૈ,
કિ હમકો તેરા નહીં, ઇન્તઝાર અપના હૈ.
-અહમદ ફરાઝ
દુનિયામાં કોઈ જ વસ્તુ એકસરખી નથી. એક ઝાડ બીજા ઝાડ જેવું નથી. નદીના પ્રવાહ એકસરખા નથી. પર્વતની ઊંચાઈ પણ સરખી હોતી નથી. મેઘધનુષ્યના રંગોની પટ્ટીઓ પણ જુદાં જુદાં માપની હોય છે. પતંગિયાંના રંગો પણ કેટલા અલગ અલગ હોય છે! દરિયો એક છે પણ તેના કિનારા કેટલા જુદા જુદા હોય છે? દરિયાનો કિનારો ક્યાંક રેતાળ તો ક્યાંક ખડકાળ છે. કંઈ જ સરખું ન હોય તો પછી બે માણસ ક્યાંથી સરખા હોવાના? માત્ર અંગૂઠાની છાપ જ નહીં, માણસનો સ્વભાવ, પ્રકૃતિ, પસંદગી, ઇચ્છા, આગ્રહ, માન્યતા, વિચારો અને બીજું ઘણું બધું હંમેશાં જુદું જ હોવાનું. આ હકીકત સાથે એક સત્ય એ પણ છે કે માણસને માણસ વગર ચાલવાનું નથી. કોઈ વ્યક્તિ થોડીક ‘લાઇક માઇન્ડેડ’ હોઈ શકે પણ કંમ્પ્લીટ લાઇક માઇન્ડેડ હોતી નથી. બે વ્યક્તિની જોડીને કપલ કહે છે. કપલમાં કલરવ પણ હોવાનો અને ક્લેશ પણ હોવાનો, આનંદ પણ હોવાનો અને આક્રંદ પણ હોવાનું, દુરાગ્રહ પણ હોવાના અને પૂર્વાગ્રહ પણ હોવાના, પ્રેમ પણ હોવાનો અને વહેમ પણ હોવાનો, આમ છતાં માણસ માણસ સાથે જોડાયેલા રહે છે. ગમે એટલો સક્ષમ માણસ પણ કાયમ માટે એકલો રહી શકતો નથી.
માણસને સમજદારી અને ડહાપણની જરૃર શા માટે પડે છે? કારણ કે એણે માણસ સાથે રહેવાનું છે. પડયું પાનું નિભાવી લેવું એ એક વાત છે અને પડયું પાનું પ્રેમથી સ્વીકારી લેવું એ બીજી વાત છે. માણસ માણસ સાથે છેડો ફાડી શકતો નથી. જોડાયેલા છેડા ક્યારેક તો તંગ થવાના જ છે. ગાંઠ પણ પડવાની છે. બંને છેડા સાથે મળીને પ્રયાસ કરે તો ગાંઠ ઝડપથી છૂટે છે. પ્રેમ અને દાંપત્યની કોઈ ફોર્મ્યુલા હોતી નથી. પ્રેમમાં એકને એક બે થતા નથી. ક્યારેક બેને બદલે બાવીસ થાય છે અને ક્યારેક માઇનસ થઈ જાય છે. વ્યક્તિ વ્યક્તિના સંબંધ અને ગેરસમજ એવાં છે જેમાં એકની ચાવી બીજામાં લાગતી નથી. કોઈ જે રીતે સુખી થયું હોય એ રીતે તમે સુખી ન થઈ શકો. સુખની રીત, આનંદની પદ્ધતિ, પ્રેમનો પ્રકાર અને રીસામણાં-મનામણાંની દરેકની પોતાની એક અનોખી રસમ હોય છે. દરેક વ્યક્તિએ પોતાના પ્રેમ, દાંપત્ય અને સુખની પોતાની પ્રતિમા બનાવવાની હોય છે. તમારી મૂર્તિ કોઈ ઘડી ન શકે અને ધરાર કોઈ ઘડી આપે તોપણ એ તમારી કલ્પનાની અને તમને ગમે એવી તો નહીં જ હોવાની! એટલે જ માણસને આવડત, ડહાપણ, સમજદારી, કુનેહ અને વ્યાવહારિકતાની જરૃર પડે છે.
માણસ બેઝિકલી ઋજુ હોય છે. એટલે જ એને તરત કોઈ વાતનું લાગી આવે છે. ક્યારેક એ વરસી જાય છે તો ક્યારેક તરસી જાય છે, ક્યારેક છલકી જાય છે તો ક્યારેક સુકાઈ જાય છે, ક્યારેક મલકી જાય છે તો ક્યારેક હચમચી જાય છે. એકસરખો પ્રેમ પણ કરી શકતો નથી અને પૂરેપૂરી નફરત પણ કરી શકતો નથી. બે વ્યક્તિ સાથે હોય ત્યારે કંઈક તો થવાનું જ છે. આખી દુનિયા જાણે છે કે ઝઘડા થવા સ્વાભાવિક છે. અંટસો પડે છે અને ઉકેલાઈ જાય છે અને એ વચ્ચે જ જિંદગી જિવાતી જાય છે. એક કપલે કહ્યું કે ઝઘડા ન હોય તો તો જીવવાની મજા શું છે? રીસામણાં વગર મનામણાં ક્યાંથી હોવાનાં? નારાજગી વગર રાજીપો કેવી રીતે વર્તાવાનો?એ મનાવે એટલે મને નારાજ થવાની મજા આવે છે! મનાવવાની મજા અને માની જવાનો આનંદ અનેરો હોય છે. સુખેથી જીવતાં એક કપલે એવી વાત કરી હતી કે ફરીથી ભરાઈ જવા થોડુંક ખાલી થવું જરૃરી છે અને એટલે જ ક્યારેક ઝઘડા થઈ જાય છે! મહત્ત્વની વાત એ હોય છે કે ઝઘડાની અવધિ અને માની જવાની મુદત કેટલી હોય છે? આ મર્યાદા જેટલી ટૂંકી હોય એટલું સારું.
ઘણી વખત માણસ નક્કી કરી લે છે કે હવે મારે કોઈને કંઈ કહેવું જ નથી. જેને જેમ કરવું હોય તેમ કરે. કોઈને ક્યાં કશો ફેર પડે છે?ગાંઠ એવી કસોકસ બાંધી લે છે કે પછી એ છૂટતાં કે છોડાવતાં નાકે દમ આવી જાય છે. કોઈ વ્યક્તિને પોતાની વ્યક્તિ નારાજ થાય એમાં વાંધો નથી હોતો, એ ઘડીકમાં માનતી કે માનતો નથી એની સામે વાંધો હોય છે. સોરી, કેટલી વખત કહેવાથી સોરી સાચું લાગે? માણસ પહેલાં સોરી કહે, પછી આઈ એમ સોરી કહે, પછી આઈ એમ રિયલી વેરી સોરી કહે અને છેલ્લે એમ કહી દે છે કે હવે તારે માનવું હોય તો માન, બાકી તને ઠીક લાગે તેમ કર. આવા સમયે આપણને શું ‘ઠીક’ લાગતું હોય છે? આપણે એવું કહીએ છીએ કે તારે દર વખતે મને નારાજ કરવી છે અને પછી સોરી કહીને વાત પતાવવી છે. તને દિલથી કંઈ નથી થતું. દિલથી થતું હોય તોપણ આપણે દિલ બતાવી શકતા નથી. દિલ ચીરીને બતાવાતું હોત તો તને બતાવત કે મને દિલથી સોરી ફીલ થાય છે. કોઈ ન માને ત્યારે માણસ ગુસ્સે થઈ જતો હોય છે!
નારાજ થવાની મજા માણવી હોય તો માની જવાનું પણ શીખવું પડે છે. મૂંગા થઈ જવું, મોઢું ચડાવવું અને કોઈનું કંઈ જ ન સાંભળવું એ અંતિમવાદ છે. દરેક માણસમાં એક નાનકડો આતંકવાદી જીવતો હોય છે જે પોતાના લોકો પર આતંકવાદ વરસાવતો રહે છે. આપણે જો આપણી અંદરના આતંકવાદીને સમયસર મારી ન નાખીએ તો એ આપણા પર હાવી થઈ જાય છે. ઘણા લોકો પોતાની અંદરના આતંકવાદીને કારણે જ મરતાં હોય છે. ઘરમાં, ઓફિસમાં, સમાજમાં અને સંબંધોમાં આપણે કેટલી વખત એવું મનથી નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે તો મારે આમ કરવું જ નથી, સેઇફ ડિસ્ટન્સ રાખીને જ જીવવું છે. આ ‘સેઇફ ડિસ્ટન્સ’ એટલે કેટલું અંતર? કેટલી દૂરી? આ ડિસ્ટન્સ ઘણી વખત ખાઈ બની જતી હોય છે. મોટાભાગે આપણી ખાઈ આપણે જ ખોદી હોય છે.
બે કીડી હતી. એકનું મોઢું ખારું હતું અને બીજાનું મોઢું મીઠું હતું. બંનેએ એકબીજાને પૂછયું. મીઠું મોઢું હતું તેણે કહ્યું કે હું તો ખાંડની ટેકરી પરથી આવી છું એટલે મારું મોઢું મીઠું છે. બીજીએ કહ્યું કે હું તો મીઠાની ટેકરી પરથી આવી છું એટલે મારું મોઢું ખારું છે. મીઠું મોઢું હતું તેણે કહ્યું કે ચાલ, હું તને પણ ખાંડની ટેકરી ઉપર લઈ જાઉં, તારું મોઢું પણ મીઠું થઈ જશે. બંને ખાંડની ટેકરી પર ગયા. થોડી વાર પછી મીઠું મોઢું હતું એ કીડીએ બીજી કીડીને પૂછયું કે તારું મોઢું મીઠું થયું? પેલીએ ના પાડી કે મારું મોઢું મીઠું નથી થયું,મારું મોઢું તો હજી ખારું જ છે. બીજી કીડીને આશ્ચર્ય થયું. આખરે તેણે કહ્યું કે તારું મોઢું ખોલ તો? એ કીડીએ મોઢું ખોલ્યું. એ પછી મીઠા મોઢાવાળી કીડીએ હળવેકથી કહ્યું કે, તારા મોઢામાં મીઠાની જે ગાંગડી છે એને કાઢી નાખ, જ્યાં સુધી એ મોઢામાં છે ત્યાં સુધી તને ખારું જ લાગવાનું છે. આપણે પણ મોઢું મીઠુું કરવું હોય છે પણ ગાંગડી મોઢામાંથી કાઢવી નથી! માણસ કડવાશ થૂંકી નથી નાખતો પણ એનો ઉપયોગ બીજા પર થૂ થૂ કરવામાં કરે છે. બને ત્યાં સુધી કોઈ વાતની ગાંઠ ન બાંધો અને બંધાઈ જાય તો એટલી હળવી રાખો કે એને છોડી શકાય!
છેલ્લો સીન :
જે માણસ પોતાની જાતને નિયંત્રણમાં રાખી શકે છે તે જ સૌથી વધુ શક્તિશાળી બની શકે છે. -અજ્ઞાત.
email : kkantu@gmail.com