તમે ક્યારેય તમારા લોકોને એવો પ્રશ્ન પૂછયો છે કે તમને હું કેવો માણસ લાગું છું? માનો કે આપણે આવો સવાલ પૂછી લઈએ તો પછી જે જવાબ મળે એ સ્વીકારવાની, સમજવાની અને જો આપણામાં કંઈ ખૂટતું હોય તો એ સુધારવાની આપણી તૈયારી હોય છે ખરી? આપણે
સારું જ સાંભળવું હોય છે. કોઈ આપણી ખામી બતાવે એ આપણાથી સહન નથી થતું. એક
યુવાને તેના મિત્રને આવો જ સવાલ કર્યો કે હું તને કેવો લાગું છું? મારામાં ખામી શું છે? મિત્રએ નિખાલસપણે સાચું કહી દીધું કે તું બહુ ઉતાવળિયો છે. તારામાં પેશનની કમી છે. ખોટા ઉડઝુડિયા બંધ કરી દે. બસ પત્યું, મિત્રની આવી વાત સાંભળીને તેણે કહ્યું કે તું તારું જો. મારામાં તો એક ખામી છે, તારામાં
દસ છે. તું આળસં છે. તારી પાસે કોઈ પ્લાનિંગ જ નથી. કયા રસ્તે અને ક્યાં
જવું તેનું તને ભાન જ નથી. તારા પિતાની મિલકત ઉપર તું મુસ્તાક છે. મિત્રે
હસીને કહ્યું, તેં પૂછયું એટલે મેં તને કહ્યું. એમાં નારાજ ન
થા. આપણે પણ આવું જ કરતાં હોઈએ છીએ. કોઈ આપણી નબળાઈ બતાવે એટલે આપણે સૌથી
પહેલાં એના પ્રોબ્લેમ જ શોધીએ છીએ.
તમે ક્યારેય તમારી પત્ની, તમારા પતિ, તમારા લવર, તમારા ફ્રેન્ડ, તમારા કલિગ, તમારાં ભાઈ-બહેન કે તમારાં માતા-પિતાને આવો સવાલ પૂછયો છે કે મારો પ્રોબ્લેમ શું છે? ટ્રાય કરી જોજો, મજા આવશે. જે જવાબ મળે તેના વિશે પૂરો વિચાર કરજો. જો પતિ અને પત્ની એક-બીજાંને આવો સવાલ પૂછે, બંને
સાચો જવાબ આપે અને તેમાં જો સુધારો કરવામાં આવે તો ઘણાં બધાં પ્રોબ્લેમ
સોલ્વ થઈ જાય. તકલીફ એ જ હોય છે કે આપણે હંમેશાં બીજાને જ સુધારવા હોય છે.
આપણે પોતે સુધરવું હોતું નથી. આપણે તો પોતાને ‘પરફેક્ટ’ જ
સમજતા હોઈએ છીએ. બધાં એવું કહેતાં હોય છે કે કોઈ પરફેક્ટ હોતું નથી. પણ
આપણે આપણી જાતને એમાંથી બાકાત રાખતા હોઈએ છીએ. આવો પ્રશ્ન પૂછી શકવા જેટલી
નિખાલસતા પણ આપણે કેળવી શકતા નથી. પૂછયા વગર પણ કોઈ આપણને આપણી ખામી બતાવે
ત્યારે આપણે એવું જ કહીએ છીએ કે હું તો આવો જ છું. મને તો આમ જ ફાવે. હું
તો આમ જ રહું. સાવ સામાન્ય વાતમાં પણ આપણે આપણામાં સુધારો કરવાનો પ્રયત્ન
કરતાં નથી. બધાં આપણને એડજસ્ટ થઈને રહે, આપણે મન થાય એમ કરવાનું! એમાંય તમે ઘરમાં જો મોટા હોવ, પતિ હોવ કે ઓફિસમાં બોસ હોવ તો પછી તમારો શબ્દ એ બ્રહ્મવાક્ય, એ જ જજમેન્ટ, એ
જ ફાઈનલ વર્ડ્સ. કોઈએ તેને ઉથાપવાનો નહીં. સવાલ પણ નહીં કરવાનો! આપણે એટલી
મોકળાશ જ ક્યાં આપતાં હોઈએ છીએ કે કોઈ સાચી વાત પણ કરી શકે. બધાં પછી એવું
જ વિચારે કે કરી નાખોને! કારણ વગરનો ઈશ્યૂ થશે!
તમે તમારી ખામી વિશે પ્રશ્ન પૂછી ન શકો તો બીજો એક સવાલ પણ કરવા જેવો છે. તમારી વ્યક્તિને એટલું પૂછી જુઓ કે મારામાં સારું શું છે? તને મારામાં શું ગમે છે? જે
જવાબ મળે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી તમારી પોઝિટિવ સ્ટ્રેન્થને વધુ
સ્ટ્રોંગ કરો. આપણે તો એવું પણ નથી કરી શકતા. દરેક માણસને આગળ આવવું હોય છે, ડેવલપ થવું હોય છે, બધાંમાં પ્રિય થવું હોય છે, બધાને ઈમ્પ્રેસ કરવા હોય છે પણ એ માટે છેલ્લે ધાર્યું તો પોતાનું જ કરવું હોય છે.
સાચી વાત એ જ હોય છે કે છેલ્લે તો માણસ પોતે જેવો હોય એવું જ એને સમજાતું હોય છે. એક ફ્લિોસોફરે સરસ વાત કરી છે કે, હું જે કહું છું એના માટે જ હું જવાબદાર છું, તમે જે સમજો એના માટે નહીં! કોઈ કંઈ કહે અને આપણે આપણો મનગમતો અર્થ કાઢી લઈએ એમાં વાંક કહેનારનો નથી હોતો, સમજનારનો
હોય છે. આપણે એટલે જ ઘણી વખત ખુલાસા કરવા પડે છે કે ભાઈસાબ મારો મતલબ આવો ન
હતો. તેં મારી વાતનો ખોટો અર્થ કાઢયો છે. મારા મનમાં તો આવું કંઈ ન હતું.
આપણે વાત સમજ્યા વગર ગાંઠ બાંધી લઈએ છીએ. તેણે મને આવો કહ્યો. મને એવો શા
માટે કહ્યો એના જવાબ પણ આપણે શોધી કાઢીએ છીએ. એને મારી સાથે આ પ્રોબ્લેમ છે
ને એટલે એણે આવું કર્યું! આવી બધી બાબતોમાં આપણે આપણી કેટલી શક્તિ વેડફીએ
છીએ? કોણે આપણા વિશે શું કહ્યું, કોણ આપણા માટે શું કહે છે, એનો
જવાબ કઈ રીતે આપવો એમાં જ મોટા ભાગના લોકો પોતાની શક્તિ વેડફતા હોય છે.
આપણી લાઈફ સાથે જેને કોઈ મતલબ નથી હોતો એવા માણસની વાત સાંભળીને પણ આપણે
ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. કોની વાતને ગંભીરતાથી લેવી અને કોની વાત ઈગ્નોર કરવી
એટલી પણ સમજ જો આપણે કેળવી શકીએ તો આપણા માથાના દુખાવાનાં ઘણાં કારણો ઓછાં
થઈ જાય!
દુનિયામાં એ માણસને જ સૌથી વધુ પ્રોબ્લેમ દેખાય છે જેના પોતાનામાં
પ્રોબ્લેમ્સ હોય. આપણે જેવા હોઈએ એવું જ આપણે શોધતા હોઈએ છીએ. દૃષ્ટિ એવી
સૃષ્ટિ એવું જ એમને એમ નહીં કહેવાયું હોય! બ્યુટી લાયઝ ઈન ધ આઈઝ ઓફ
બીહોલ્ડર. સુંદરતા આપણામાં હોય તો જ આપણે સુંદર જોઈ શકીએ. ચોરને ચાંદરડું જ
દેખાય! ચાંદરડું જોઈને એને એવું જ થાય કે અહીંથી બાકોરું પડી શકે એમ છે.
આપણે જે સમજીએ અને આપણે જે માનીએ એના માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર
હોઈએ છીએ. એ વાત જુદી છે કે કોઈ આવું સ્વીકારતા નથી. આપણી નિષ્ફળતા, આપણી હતાશા, આપણી મજબૂરી અને આપણી કમનસીબી માટે પણ આપણે છેલ્લે તો કોઈને જ દોષ દેતા હોઈએ છીએ અને બીજાને જ કારણભૂત માનતા હોઈએ છીએ.
એક સરસ મજાનો કિસ્સો છે. એક માણસે પર્વત ઉપર એક સરસ મજાનું
ગેસ્ટહાઉસ બનાવ્યું. તેનો ઈરાદો હતો કે અહીં આવી બધા રિલેક્સ મહેસૂસ કરે.
સુખની અનુભૂતિ કરે. ગેસ્ટહાઉસ ધમધોકાર ચાલતું હતું. માલિકને એક દિવસ થયું
કે મેં જે હેતુથી ગેસ્ટ હાઉસ બનાવ્યું છે એ પર્પઝ તો સિદ્ધ થાય છેને? તેણે ગેસ્ટહાઉસમાંથી જતાં લોકોને કહ્યું કે તમે ગેસ્ટહાઉસ વિશે તમારો નિખાલસ અને સાચો અભિપ્રાય આપતાં જજો. એક કવિએ જતી વખતે લખ્યું, એકદમ શાંત, રમણીય અને કલ્પનાઓ સોળે કળાએ ખીલી ઊઠે એવું સ્થળ છે. સંતે લખ્યું, મન
પ્રફુલ્લિત થઈ ગયું. આ સ્થળ ઈશ્વરની નજીક લઈ જાય એવું છે. જુગારીએ લખ્યું
કે કોઈ જાતની ખલેલ વગર મિત્રો સાથે જુગાર રમવાની મજા આવી ગઈ. વ્યભિચારીએ
લખ્યું કે કોઈના ધ્યાનમાં ન આવે અને પકડાઈ જવાની િંચંતા ન રહે એવી આ જગ્યા
છે. ચોરે લખ્યું કે ચોરીનું શાંતિથી પ્લાનિંગ કરી શકાય એવું આ સ્થળ છે.
છેલ્લે માલિકે લખ્યું કે તમે જે હેતુ અને દાનતથી બનાવ્યું હોય એ એની જગ્યાએ
છે, માણસને તો પોતાને જેવું જોતું હોય એવું જ એ
શોધે છે! સરવાળે તો માણસ જેવો હોય એવું જ એને દેખાય છે. તમારા વિશે તમે
શું માનો છો અને તમે કેવા છો એ જ મહત્ત્વનું છે. આપણે સારા બની જઈએ તો
દુનિયા સારી જ છે, બાકી આપણે જેવા છીએ એવી જ દુનિયા આપણને લાગવાની છે!
છેલ્લો સીન :
માણસને એટલું દુઃખ પોતાની નિષ્ફળતા પર નથી થતું જેટલું દુઃખ અન્યની સફળતા જોઈને થાય છે. -ગુરુ નાનકસિંહ.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 13 એપ્રિલ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
|