પ્લીઝ, તું મારી આટલી બધી કેર પણ ન કર
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દિલ ભી એક બચ્ચે કી માનિંદ અડા હૈ ઝિદ પર,
યા તો સબકુછ હી ઈસે ચાહિયે યા કુછ ભી નહીં.
–રાજેશ રેડ્ડી
અતિની કોઈ ગતિ નથી હોતી અને જે હોય છે એ અધોગતિ તરફ જ લઈ જતી હોય છે. સાચી સમજ એને જ કહેવાય જો પ્રમાણભાનનું ભાન હોય. વધુ પડતું કંઈ જ વાજબી નથી. કંઈ જ ‘એક્સેસ’ નહીં, બધું ‘બેલેન્સ’ હોવું જોઈએ. એક ફિલોસોફરે સરસ વાત કરી છે. જિંદગીમાં ગુસ્સો પણ જરૂરી છે, બસ, એટલી ખબર હોવી જોઈએ કે ક્યારે, કેટલો અને શા માટે ગુસ્સો કરવો. દરેક વર્તન, દરેક વસ્તુ અને દરેક સંબંધની એક મર્યાદા હોય છે. આ હદ, મર્યાદા, લિમિટ અને બોર્ડર સુધી જ બધું રહે એ વાજબી છે. અતિ ઓલવેઝ મતિ ફેરવી નાખે છે. ઘડિયાળની કમાન છટકી જાય તો એ નક્કામી થઈ જાય છે. પાગલપન એ બીજું કંઈ નથી પણ એક હદથી આગળ નીકળી જવાનું પરિણામ છે. દરેક વાહનની એક ચોક્કસ સ્પીડલિમિટ હોય છે. તમે જો એમાંથી વધુ દોડાવવા જાવ તો અકસ્માતનો ખતરો રહે છે. ક્યાં અટકી જવું એનો જેને અંદાજ નથી હોતો એ ભટકી જાય છે.
કુદરતનું કોઈ પણ તત્ત્વ લઈ લો. બધું જ એની મર્યાદામાં રહે છે. હા, ક્યારેક કુદરત પણ વિફરે છે. પણ મોટા ભાગે એની કંઈ સીમા ઓળંગતી નથી. દરિયો એનો કિનારો ભાગ્યે જ છોડે છે. નદી પણ જે માર્ગે એને જવાનું હોય છે એ જ રસ્તે જાય છે. ફૂલ એની ઝડપે જ ખીલે છે. દરેક જીવને ચોક્કસ આયુષ્ય આપ્યું છે. વાદળ આકાશમાં જ રહે છે. તારા જમીન પર આવી જતા નથી. પૃથ્વી પોતાની ગતિમાં જ ઘૂમે છે. તમે ક્યારેય સાંભળ્યું છે કે પૃથ્વીની ફરવાની ગતિ વધી ગઈ કે ઘટી ગઈ? ઠંડી એની સીઝનમાં જ આવે છે. અચાનક આવી પડે એને વરસાદ નહીં, માવઠું કહે છે. આપણો પ્રેમ, આપણી લાગણી, આપણા સંબંધ, આપણો લગાવ, આપણી ઇચ્છા અને આપણી માન્યતા પણ ચોમાસા જેવાં હોવાં જોઈએ, માવઠા જેવાં નહીં. ક્યારે વરસવું અને ક્યારે ગરજવું તેની સમજ જ માણસને ડાહ્યો બનાવે છે. માવઠું નુકસાન જ કરે. દરેક પર્વતની એક મર્યાદા હોય છે. જંગલમાં પણ ઝાડ ઉપર ઝાડ ઊગી નીકળતાં નથી. માણસ સિવાય કોઈ જીવ શેમાંય અતિરેક કરતો નથી.
અતિશય પ્રેમથી રહેતાં એક કપલની આ વાત છે. એ બંને એવી રીતે રહેતાં હતાં જાણે મેઇડ ફોર ઇચ અધર. પરફેક્ટ દેખાતી તમામ બાબતો ઘણી વખત સંપૂર્ણ નથી હોતી. પત્નીએ એક દિવસ ધડાકો કર્યો કે મારે ડિવોર્સ લેવા છે! બધાને આશ્ચર્ય થયું. એવું તો શું થયું કે આ છોકરી આવી વાત કરે છે? પત્નીએ કહ્યું કે એના વધુ પડતાં પ્રેમથી મને ગૂંગળામણ થવા લાગી છે. એ મને છોડતો જ નથી. તું આમ કરી લે. તું આ ખાઈ લે. તું હવે સૂઈ જા. તું થાકી જઈશ. ઓફિસે જાઉં તો ફોન કરતો રહે છે. તું પહોંચી ગઈ? તું ઓકે છેને? તારું કામ પતી ગયું? તારા અવાજમાં કેમ નોર્મલ નથી લાગતું? તને કંઈ થયું નથીને? આવતી વખતે ડ્રાઈવ કરવામાં ધ્યાન રાખજે. તારું પ્રેઝન્ટેશન બરાબર રહ્યું ને? એ મને સ્પેસ જ નથી આપતો. મને મારી રીતે જીવવા જ નથી દેતો. મને પણ મારો મૂડ હોય છે. મને પણ ક્યારેક એકલું રહેવું હોય છે. મારે પણ ક્યારેક મૌન રહેવું હોય છે. એણે તો મારી મસ્તી જ ખોઈ નાખી છે. નથી જોઈતો મારે આટલો બધો પ્રેમ, નથી જોઈતું આટલું બધં પ્રોટેક્શન. ઇનફ ઇઝ ઇનફ. દરેક વાતની કોઈ હદ હોય કે નહીં? મને ક્યારેક રડવાનું મન થાય તો એ રડવા દેતો નથી. ક્યારેક પડયા રહેવાનું મન થાય તો એ તરત પૂછે કે તારી તબિયત તો સારી છેને? આઈ એમ ફાઇન. આટલું બધુ રહેવા દે. મને મારી રીતે જીવવા દે. હું ઇચ્છું છું કે હું ભૂલ કરું ત્યારે મને એ ખીજાય. હું ખોટું કરતી હોય તો મને રોકે. એ તો કંઈ સમજતો જ નથી. આઈ એમ ફેડઅપ! ટાયર્ડ. ડિસ્ટર્બ્ડ.
તમે ક્યારેય તમારું વર્તન ચેક કર્યું છે? કોઈ વાતમાં અતિરેક તો નથી થતોને? વધુ પડતું ભોજન જેમ સારું નથી તેમ અતિ ઉપવાસ પણ વાજબી નથી. અતિ ઊંઘ પણ અયોગ્ય છે અને વધુ પડતાં ઉજાગરા પણ જોખમી છે. કામ પણ જરૂરી છે અને વિરામ પણ એટલો જ આવશ્યક છે. નફરત પણ અમુક હદથી વધવી ન જોઈએ અને પ્રેમ પણ પરાકાષ્ઠાથી વધુ ન હોવો જોઈએ. બધું એના માપમાં હોય ત્યાં સુધી જ સારું લાગે છે. હાજરી પણ હાવી ન થઈ જાય અને ગેરહાજરી પણ વધુ પડતી ન થઈ જાય એની સમજ હોવી જોઈએ. માણસે મીઠામાંથી શીખવા જેવું છે. ભોજનમાં જો મીઠું ન હોય તો ભોજન ભાવતું નથી અને વધુ પડતું થઈ જાય તો ખાઈ શકાતું નથી. મીઠાની ચપટી ભરવાની હોય છે પણ કેવડી ચપટી ભરવી એની પણ જાણકારી હોવી જોઈએ. ‘એનિથિંગ ઇન એક્સેસ ઇઝ પોઇઝન’ એ કંઈ એમ જ નહીં કહેવાયું હોય.
મહાજ્ઞાની ભગવાન બુધ્ધને પણ પહેલાં પહેલાં પ્રમાણભાનની સમજ નહોતી. બુદ્ધે આહાર અને વસ્ત્રો ત્યાગી દીધાં હતાં. આહાર અને વસ્ત્રના અભાવથી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. અશક્તિ એટલી બધી હતી કે ધ્યાનમાં પણ બેધ્યાન થઈ જવાતું હતું. એક સમયની વાત છે. ભગવાન બુદ્ધ એક ઝાડ નીચે ધ્યાન ધરીને બેઠાં હતા. બરાબર એ જ સમયે દેવગણિકાઓનું એક ઝૂંડ ત્યાંથી પસાર થતું હતું. એ છોકરીઓ ગીત ગાતાં ગાતાં જતી હતી. આ ગીતના શબ્દોનો અર્થ એવો થતો હતો કે સિતારના તાર એટલા ઢીલા ન રાખો કે તેમાંથી સૂર જ ન નીકળે અને સિતારના તાર એટલા તંગ પણ ન કરો કે તાર તૂટી જાય. આ વાતથી બુદ્ધને જ્ઞાન લાદ્યું. બુદ્ધને સમજાયું કે કોઈ પણ બાબતનો અતિરેક અયોગ્ય છે. સમતોલપણું જ જીવનને ઉત્તમ બનાવે છે. અતિવાદ નહીં પણ મધ્યમ માર્ગ જ મોક્ષ અપાવે છે. આ ઘટના પછી ભગવાન બુદ્ધે સમતોલન અપનાવ્યું.
જિંદગી માટે પણ એ જ જરૂરી છે કે કંઈ અતિ ન થઈ જાય. એક સંસ્કૃત સુભાષિત છે કે તું એટલો મીઠો પણ ન થજે કે જગત તને ચાવી જાય, તું એટલો કડવો પણ ન થતો કે જગત તને થૂંકી નાખે. સાવ સૂકી નદીનો કોઈ ફાયદો નથી હોતો અને નદીનાં પાણી પૂરમાં પરિવર્તિત થઈ જાય તો પણ નુકસાન જ પહોંચાડે છે. ક્યારેક આંખ લાલ પણ કરવી પડે અને ક્યારેક આંખો ભાવાવહી પણ થવી જોઈએ. દરેક સંબંધની એક મર્યાદા હોય છે. સંતાનો પ્રત્યે બધાંને લાગણી હોય છે પણ અયોગ્ય લાગે ત્યારે એને રોકવાં અને ટોકવાં પણ જોઈએ. મિત્ર હોય, સહકર્મચારી હોય કે પાડોશી હોય, દરેકના સંબંધમાં અમુક સ્થળે અલ્પવિરામ અને નિશ્ચિત સ્થળે પૂર્ણવિરામ હોવું જોઈએ.
માણસ ઇચ્છે તો પણ આખો દિવસ ઊંઘી શકતો નથી. આપણું શરીર જ કહી દે છે કે બસ બહુ થયું હવે ઊઠી જાવ. સતત ઉજાગરાનો પણ શરીર ઈનકાર કરી દે છે. વધુ પડતાં ઉજાગરા પછી માણસ ઓટલા પર પણ ઊંઘી જાય છે. એક આખું અઠવાડિયું જાગીશ અને એક આખું અઠવાડિયું સૂતો રહીશ એવું કરવા ઇચ્છીએ તો પણ કરી શકાતું નથી. લાઇફમાં બધું જ કરો પણ કેટલું કરવું, શું કરવું અને શા માટે કરવું તેનું ધ્યાન રાખો. જ્ઞાન પણ આખરે અમલમાં મૂકવાનું હોય છે. આખો દિવસ જ્ઞાન મેળવતા રહો અને એક ખૂણામાં પડયા રહો તો એવા જ્ઞાનનો કોઈ અર્થ નથી. વધુ પડતો પ્રેમ પણ પતનના માર્ગે જ લઈ જાય છે. લાલ અને લીલી લાઈટની વચ્ચે એટલે જ પીળી લાઈટ રખાય છે, જેથી આપણે સાવધાન થઈ જઈએ. તમે તમારાં વાણી, વર્તન, પ્રેમ અને સંબંધમાં સાવધાની વર્તો છો ખરાં? સાવધાની હટી તો દુર્ઘટના થઈ જ સમજો!
છેલ્લો સીન :
પોતાની જાત માટે અતિ ઊંચો અભિપ્રાય બાંધવો અથવા તો પોતાના વિશે સાવ હલકો મત બાંધવો, એ બંને એકસરખી ભૂલ છે. -અજ્ઞાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 6 અેપ્રિલ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com