તમારી નમ્રતાનો કોણ ફાયદો ઉઠાવે છે?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જેવા સહજ મળાય ને છૂટા પડાય છે,
એવા સહજ એ ક્ષણ પછી ક્યાં રહી શકાય છે?
-મુકુલ ચોકસી
દરેક માણસ પોતાને સારો માને છે અને સાથોસાથ એવું પણ માનતો હોય છે કે બધા લોકો મારી નમ્રતાનો ગેરફાયદો ઉઠાવે છે! તમે યાદ કરો કે કોણે તમારા સારાપણાનો ફાયદો ઉઠાવ્યો છે?થોડા ચહેરા તમારી નજર સામે ઊપસી આવશે. ક્યારેક ગુસ્સો આવી જશે કે મેં તો તેને કેવો સારો સમજ્યો હતો અને એ કેવો નીકળ્યો? કેટલા માણસો એવા હોય છે, જે એવું વિચારે કે મેં કોના સારાપણાનો ફાયદો ઉઠાવ્યો છે? હા, દરેકે ક્યારેક તો કોઈના સારાપણાનો ફાયદો ઉઠાવ્યો જ હોય છે. કોઈ તમારા સારાપણાનો કે તમારી નમ્રતાનો ફાયદો ઉઠાવી જાય ત્યારે તમારું રિએક્શન કેવું હોય છે? મોટાભાગે લોકો એવું જ વિચારતા હોય છે કે એ મને મૂર્ખ બનાવી ગયો. એવા સમયે પણ આપણે એવું તો વિચારી જ નથી શકતા કે હું મૂર્ખ બન્યો!
માણસ બધા જ સંબંધમાં હિસાબ કરતો રહે છે. મારાથી એને શું ફાયદો થયો અને એનાથી મને શું લાભ થયો? ગણતરી હોય ત્યાં ગરબડ થવાની જ છે. કોઈ લાભ ઉઠાવી જાય ત્યારે માણસ એવું જ વિચારતો હોય છે કે હવે સારા રહેવું જ નથી. બધા મારો ઉપયોગ કરી જાય છે. કોઈ મારા લાયક જ નથી. સારા માણસોની દુનિયા જ નથી. આપણને કોઈ નુકસાન ન હોય છતાં કોઈ આપણો ફાયદો ઉઠાવી જાય એ આપણાથી સહન થતું નથી.
આપણી નમ્રતા અને આપણું સારાપણું આપણને કેટલું ફાયદાકારક છે એ આપણે ક્યારેય વિચારતા નથી. આપણી નમ્રતા આપણા માટે હોય છે, કોઈના માટે નથી. આપણે આપણી નમ્રતાને પણ બીજાના ત્રાજવે જ તોલતા રહીએ છીએ અને દુઃખી થતાં રહીએ છીએ. કોઈ ગમે તે કહે એટલે આપણે બદલી જવાનું? આપણો કોઈ ગેરફાયદો ઉઠાવે તેને યાદ રાખીને સરવાળે તો આપણને જ નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. દરેક માણસને પોતાની નમ્રતાનું ગૌરવ હોવું જોઈએ. નમ્રતામાં ગુમાન પણ ન હોવું જોઈએ. નમ્રતામાં તો નજાકત જ હોવી જોઈએ.
ભગવાન બુદ્ધ એક વખત વિહાર કરતાં કરતાં એક ગામ પહોંચ્યા. લોકો એકઠાં થઈ ગયા. બુદ્ધે લોકો સાથે વાતો કરી. એક માણસને બુદ્ધની વાતો વાહિયાત લાગી. તેણે ભગવાન બુદ્ધને ગાળો દીધી અને એલફેલ બોલ્યો. બુદ્ધ કંઈ જ ન બોલ્યા. ધીમે ધીમે બધા ચાલ્યા ગયા. જે માણસે ગાળો દીધી હતી એ પણ ઘરે ગયો. ઘરે ગયા પછી એને થયું કે મારે બુદ્ધને આવું કહેવું જોઈતું ન હતું. તેને અફસોસ થતો હતો.
બીજા દિવસે એ માણસ પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો. તેણે કહ્યું કે, “હું તમારી માફી માગું છું.” બુદ્ધે કહ્યું કે, “તમે કોણ છો?”પેલા માણસે કહ્યું કે, “મને ભૂલી ગયા. મેં જ તો તમને ગઈ કાલે ગાળો આપી હતી, તમને ગમે તેમ બોલ્યો હતો.” બુદ્ધે એનો હાથ હાથમાં લઈને કહ્યું કે, “હું તો એ માણસને ભૂલી ગયો છું. મને તો અત્યારે જે માણસ મળ્યો છે એ જ યાદ છે.” બુદ્ધે ગઈ કાલ યાદ રાખી હોત તો એ ભગવાન ન હોત! જરાક વિચારી જુઓ કે બુદ્ધની જગ્યાએ આપણે હોઈએ તો? એ માણસ સાથે નમ્રતાથી વાત કરવાનું તો દૂર રહ્યું, એનું મોઢું જોવાનું પણ પસંદ કરીએ ખરાં? આપણે નમ્ર હોઈએ તોપણ આવા સમયે આપણી નમ્રતા ગૂમ થઈ જતી હોય છે અને આપણે ઉગ્ર બની જઈએ છીએ. આપણને શું નુકસાન થશે એનો વિચાર પણ આપણે કરતા નથી. આપણે તો બસ લડી લેવું હોય છે.
એક મિત્ર સાથે બનેલી આ સાચી ઘટના છે. એ મિત્ર પત્ની સાથે કારમાં જતા હતા. એક ગલીમાંથી એક બાઇકસવાર ખૂબ જ સ્પીડમાં આવ્યો. કાર સાથે અથડાતાં અથડાતાં રહી ગયો. પોતાનો વાંક હોવા છતાં એ કારચાલક ઉપર રાતોપીળો થઈ ગયો. બાઇક સ્પીડમાં ચલાવી કારની આગળ પહોંચી ગયો. કાર ઊભી રખાવી. કારના દરવાજાનો કાચ ઊતરાવ્યો અને બેફામ ગાળો દેવા લાગ્યો. તારા મનમાં સમજે છે શું? આ રીતે કાર ચલાવાય? કોઈનો વિચાર જ નહીં કરવાનો? જાણે એ રાહ જ જોતો હતો કે આ માણસ કંઈ બોલે કે તરત જ એનો કાંઠલો પકડી ધોલાઈ કરી નાખું.
કારચાલક મિત્રે અત્યંત નમ્રતા સાથે કહ્યું કે, “મારી ભૂલ થઈ ગઈ દોસ્ત, મારું ધ્યાન ન હતું કે તમે આવો છો. ભગવાનનો આભાર કે તમને કંઈ ન થયું. તમારા ગુસ્સો વાજબી છે. હું હવેથી વધુ ધ્યાન રાખીશ અને આવી ભૂલ ફરીથી ન થાય એની કાળજી રાખીશ.” બાઇકચાલક માટે આ જવાબ અનએક્સપેક્ટેડ હતો. આવો જવાબ સાંભળ્યા પછી પણ એ બબડતો બબડતો ચાલ્યો ગયો.
બાઇકચાલક ગયો પછી મિત્રની પત્નીએ એને કહ્યું કે, “મને તો ડર લાગ્યો હતો કે હમણાં મારામારી થઈ જશે. વાંક એનો હતો છતાં પણ તેં નમતું જોખી દીધું?” પતિએ કહ્યું કે, “હા, મેં જતું કરી દીધું, કારણ કે મારે એ માણસ પાસે મારી ભૂલ ન હતી એવું સાબિત કરવાની કોઈ જરૂર નથી. એ તો લાગતો જ હતો બદમાશ જેવો. એની સાથે ઝઘડો કરીને મને શું મળી જવાનું હતું? હું તારી સાથે ફરવા નીકળ્યો છું. મારે આપણો મૂડ બગાડવો નથી. હું કદાચ મારામારીમાં તેને પહોંચી જાત તોપણ નુકસાન તો મારું જ હતું.” લોકો ઘણી વખત જેને કાયરતા કહેતા હોય છે એ બહાદુરી જ હોય છે. આપણી એનર્જી વેડફવા માટે નથી અને આવી વાહિયાત વાત માટે તો નહીં જ. પત્નીએ કહ્યું કે, “મને એક તબક્કે એવું લાગ્યું હતું કે તું બધું સાંભળી લે છે અને કંઈ જ કરતો નથી, પણ હવે મને તું સાચો લાગે છે.” પત્નીએ પછી કહ્યું કે, “એ તું જ હતો જ્યારે અમુક બદમાશોએ મારી છેડતી કરી ત્યારે લડવા ઊતરી આવ્યો હતો અને બધાનો સામનો કરીને ભગાડયા હતા.” પતિએ કહ્યું કે, “ત્યારે એ જરૂરી હતું, આજે આ જરૂરી હતું.”
નમ્રતાનો ઉપયોગ ક્યાં કરવો અને ક્યાં ન કરવો તેની સમજ કેટલા લોકોને હોય છે? મોટાભાગે તો આપણે વગર કારણે પંગો લઈ લેતા હોઈએ છીએ. મહાત્મા ગાંધીજીને એક માણસે પત્ર લખ્યો. એ પત્રમાં ગાંધીજી વિશે ઘસાતું લખ્યું હતું. ગાંધીજીના સેક્રેટરી મહાદેવભાઈએ આ પત્ર વાંચીને ગાંધીજીને આપ્યો. ગાંધીજીએ શાંતિથી આખો પત્ર વાંચ્યો. પત્ર વંચાઈ ગયો એટલે મહાદેવભાઈએ ગાંધીજીને પૂછયું કે આ પત્રનું શું કરીશું? ગાંધીજીએ પત્રમાંથી ટાંચણી કાઢીને મહાદેવભાઈને આપી અને કહ્યું કે આ ટાંચણી રાખો. આ પત્રમાં માત્ર આ ટાંચણી જ કામની છે.
આપણી સાથે જે થાય છે એમાંથી આપણા માટે શું અને કેટલું કામનું છે, એની દરકાર આપણને હોય છે? દરેક માણસે નમ્ર રહેવું જોઈએ. કોઈ નમ્રતાનો ફાયદો ઉઠાવે કે ગેરફાયદો, તેની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી નમ્રતા આપણા માટે હોય છે. કોઈ ગેરફાયદો ઉઠાવે તોપણ નમ્રતા છોડી દેવાની જરૂર નથી. નમ્રતા કોઈને ફાયદો કરાવે કે ન કરાવે આપણને તો ફાયદો કરાવતી જ હોય છે. કેવું છે, આપણે નમ્ર રહેવું જોઈએ કે નહીં એ પણ આપણે કોઈ આપણી નમ્રતાને કઈ રીતે લે છે એના ઉપરથી નક્કી કરીએ છીએ. નમ્રતા બધાનાં નસીબમાં નથી હોતી. જો તમે નમ્ર હોવ તો સમજજો કે ઈશ્વરે તમને ખુશ અને સુખી રહેવા માટે એક મજબૂત ગુણ આપ્યો છે. નમ્રતાને નબળી પડવા ન દો.
છેલ્લો સીન
પોતાની નમ્રતાનું અભિમાન કરવું તેનાથી વધુ નિંદાજનક કંઈ નથી. -મારકસ ઓરેલિયસ
(‘સંદેશ’, તા. 20 ઓકટોબર,2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
સરસ અને જીવનમાં ઉતારવા જેવી વાત. બહુ જ ગમી.
નવો અભિગમ આપે દર્સાવ્યો છે.ભગવાન બુધ્ધ આબતમાં ઘણા દાખલ્લ આપી ગયા છે.