તમારી રાત જીવતી છે કે મરી ગઈ છે?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા, ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયા,
એમણે એવું કહ્યું: ‘જીવન નહીં શતરંજ છે’, તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.
-અનિલ ચાવડા
તમે કોના અને શેના માટે જીવો છો? આવો સવાલ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? જિંદગી પૂરી કરવા માટે નથી. જિંદગી જીવવા માટે છે. જીવવું બધાને ગમે છે પણ જિંદગીને ગમતી કરવા શું કરવું જોઈએ એ બધાને ખબર હોતી નથી. જિંદગી ધક્કાગાડી નથી કે ધક્કા મારતા રહીએ અને આગળ વધતી રહે. જિંદગી ઝરણાં જેવી હોવી જોઇએ, સતત વહેતી રહે.
માણસ રોજ ઉપાધિ લઇને ઊઠે છે અને ચિંતા ઓઢીને સૂઈ જાય છે. ઊંઘમાં પણ અજંપો ઘેરી વળે છે. રાત હળવાશ માટે છે પણ કેટલી રાતો ખરેખર હળવી હોય છે? રાતે સૂતી વખતે માણસ થાકીને લોથ થઈ ગયો હોય એ સમજી શકાય એવી વાત છે પણ હવેનો માણસ તો ઊઠે ત્યારે જ થાકેલો હોય છે. રાત પણ ક્યાં આરામ આપતી હોય છે!
જેની રાત સારી ન જતી હોય એણે પોતાના દિવસનું પોસ્ટમોર્ટમ કરવું જોઇએ. એક લેખક હતો. તેના સ્વભાવમાં જ ઉચાટ અંજાયેલો હતો. એક દિવસ તેણે એક વાર્તા લખી. વાર્તાનું શીર્ષક હતું, ‘મારી રાતનું મોત’. આખી વાર્તામાં સરસ વર્ણન કર્યું હતું. મારી રાત મરી ગઈ છે. રાતની લાશ હું દરેક રાતે વેંઢારું છું. એક વજન નીચે હું દબાયેલો છું. રાતની આ લાશ મને સૂવા દેતી નથી. બધું જ બિહામણું બની જાય છે. આખો દિવસ તરફડીને રાત મરી જાય છે. સવારે આ રાત તરફડવા માટે પાછી જીવતી થઈ જાય છે. હું શોધતો રહું છું મારી રાતનો મોક્ષ. મારી મરી ગયેલી રાતને ક્યારે મોક્ષ મળશે? કાશ આની કોઈ વિધિ હોત, કાશ આનું કોઈ મારણ હોત! મારી રાતને જો મોક્ષ મળી જાય તો મને નિરાંતની ઊંઘ આવે!
લેખકે આ વાર્તા પોતાના મિત્રને વાંચવા આપી મિત્રને સવાલ કર્યો કે તારી રાત કેવી છે? મિત્રએ કહ્યું કે મારી રાત તો જીવતી છે,મેં મારી રાતને મરવા નથી દીધી. હવે તારી વાત કરું તો તારી રાત મરી નથી ગઈ, તેં તો તારી રાતનું ખૂન કર્યું છે. આ હત્યાનો ખરો દોષી જ તું છો. તારે રાતને મોક્ષ આપવો છેને? તો તું તારા દિવસને મારવાનું બંધ કરી દે. રાત તો કહેતી હોય છે કે તું મને ઓઢી લે, મારા સહવાસની હળવાશ માણી લે, પણ તું એ જીવતી રાતને મારી નાખે છે. રાત રડવા માટે નથી, રાત તો જંપવા માટે છે.
સૂવા અને પોઢવામાં બહુ મોટો ફર્ક છે. માણસ સૂઈ જતો હોય છે અને બાળક પોઢી જતું હોય છે. ઊંઘનો આનંદ જોવો હોય તો પોઢેલા બાળકનો ચહેરો નીરખી જોજો! બાળક ઊંઘમાં પણ હસતું હોય છે અને આપણે જાગતી અવસ્થામાં પણ હસી શકતા નથી. જે દિવસે હસતો નથી એ રાતે કણસતો હોય છે. રાતે માણસ દાંત કચકચાવે છે અને ઝબકીને જાગી જાય છે. રાત તો દિવસનો અરીસો છે, જેવો દિવસ હશે એવું જ પ્રતિબિંબ રાતના ઝીલાશે.
એક માણસ સંત પાસે ગયો. સંતને સવાલ કર્યો કે ભગવાને અજવાળા સાથે અંધારું શા માટે આપ્યું છે? સંતે કહ્યું કે, અજવાળું દુનિયા જોવા માટે આપ્યું છે અને રાત પોતાની જાતને જોવા માટે આપી છે. અંધારું માણસ પાસે અજવાળાનો હિસાબ માંગે છે અને રાતના ઊંઘ ન આવે તો સમજવું કે તમે ખોટમાં છો. દિવસે જે માણસ સરખો ‘જાગતો’ નથી એ જ રાતના ઊંઘી શકતો નથી!
એક માણસને દરરોજ સરસ ઊંઘ આવી જતી હતી. તેના મિત્રએ કારણ પૂછયું. એ માણસે જવાબ આપ્યો કે રાતના પથારીમાં પડયા પછી થોડી વાર હું એ વિચારું છું કે આજે મારા દિવસની દિશા કેવી હતી. મારો દિવસ ભટકી તો નહોતો ગયોને? દરરોજ દિવસની દિશા સાચી હોય એ જરૂરી નથી. દિવસ જો દિશા ચૂકી ગયો હોય તો હું રાતે નક્કી કરી લઉં છું કે મારી દિશા ખોટી છે અને મારે ત્યાંથી પાછા ફરીને કાલથી સાચી દિશાએ જવાનું છે. મારી રાત મને દિવસની દિશા બતાવે છે. મને દિશાનું પરિણામ મળી જાય એટલે હું આરામથી ઊંઘી જાઉં છું.
માણસનાં વિચાર અને વર્તન એની દિશા નક્કી કરતાં હોય છે. રોજ રાતે માણસે એટલો જ વિચાર કરવાનો હોય છે કે આજે આખો દિવસ મને કેવા વિચાર આવ્યા? જે માણસ પોતાના વિચારો વાંચી શકે છે એ ક્યારેય પોતાની દિશાએથી ભટકતો નથી. દરેક વિચાર સાચા હોતા નથી અને બધા વિચાર ખોટા પણ હોતા નથી. માણસને એટલી ખબર પડવી જોઇએ કે મારો આ વિચાર સાચો હતો અને આ વિચાર ખોટો હતો.
વિચારો આડેધડ આવતા હોય છે. એક વિચાર પલટી મારી બીજા વિચારને ખેંચી લાવે છે. બધા જ વિચારને આવવા દેવા ન જોઇએ. અમુક વિચારને રોકી દેવા જોઈએ. એ ત્યારે જ ખબર પડે જ્યારે આપણે એ સમજી શકીએ કે આ વિચારને આવવા દેવો છે અને આ વિચારને રોકી દેવાનો છે. આપણે ગમતા ન હોય એવા માણસને નજીક આવવા દેતા નથી. કેટલાક માણસો જોખમી હોય છે, એવી જ રીતે કેટલાંક વિચારો પણ ખતરનાક હોય છે. તમને ક્યારેય કોઈ વિચાર આવે ત્યારે તમે વિચારો છો કે એ વિચાર તમને શા માટે આવ્યો? ના, આપણે વિચારતા નથી. આપણને જેવા વિચારો આવે એને આવવા દઈએ છીએ અને ક્યારેક એ વિચારને અજાણતા જ અમલમાં મૂકી દઇએ છીએ. ઘણા માણસ એવું કહેતાં હોય છે કે મને એ જ સમજાતું નથી કે મારાથી આવું કેમ થઈ ગયું? એનું કારણ મોટાભાગે એ હોય છે કે જ્યારે એ વિશે વિચાર આવતાં હોય છે ત્યારે આપણે તેને રોક્યા હોતા નથી.
માણસ મોટા ભાગે વિચાર કરીને એક જાળ ગૂંથતો હોય છે અને પછી એ પોતાની જાળમાં જ ફસાઈ જતો હોય છે. હતાશા એ આપણે જ રચેલું એક એવું જાળું હોય છે જેમાંથી નીકળવા માટે આપણે વલખાં મારવાં પડે છે. જે કાવતરાં ઘડતો રહે છે એને રાતના પણ એ કાવતરાના વિચારો આવતા રહે છે. રાતે સૂતી વખતે તમે કેવા વિચાર કરો છો એ વિચારીને જ દરરોજ સૂજો. દિવસની દિશા રાતે ચેક કરતા રહેવી કે જીવવાનું ‘નેવિગેટર’ ઠીકઠાક તો છેને? રાત જેટલી ‘જીવતી’ હશે એટલો જ દિવસ જીવવા જેવો લાગશે ચેક કરતા રહેજો તમારી રાત મરી ગઈ નથીને!
છેલ્લો સીન :
શાંતિ જોઈતી હોય તો મનનો કોલાહલ બંધ કરો અને બે વિચારોની વચ્ચે મૌન કેળવો. -અજ્ઞાત
(‘સંદેશ’, તા. 19મી મે, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com