જેનું જિંદગીમાં કોઈ મહત્ત્વ ન હોય એવી બાબતો પ્રત્યે જો ધ્યાન આપશો તો જિંદગીમાં જે મહત્ત્વનું હશે તેના પરથી ધ્યાન હટી જશે. આપણો સમય ફાલતુ અને નકામી વસ્તુ અને વાતો માટે નથી. આપણી આસપાસ એવી અસંખ્ય ઘટનાઓ બનતી રહે છે, જેનાથી આપણું ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. જે કરવાનું હોય છે એ બાજુએ રહી જાય છે અને બીજું નકામું ઇમ્પોર્ટન્ટ બની જાય છે.
દરેક માણસ પાસે જિંદગીનું ધ્યેય હોય જ છે. દરેકને ખબર હોય છે કે તેને શું કરવાનું છે અને શું કરવું જોઈએ. પણ તે નથી કરી શકતો. તેનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે વચ્ચે આવતી વાતો, ઘટનાઓ અને ચર્ચાઓને સમય આપી આપણો સમય વેડફીએ છીએ. હાઈવે ઉપર ઘણી જગ્યાએ એવાં બોર્ડ મારેલાં હોય છે કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. આ જ વાત સુખ અને સફળતાને પણ લાગુ પડે છે. તમારા ધ્યેય પરથી ધ્યાન હટયું તો નિષ્ફળતા નક્કી છે. આપણે દરરોજ નક્કી કરીએ છીએ કે આજ રાત સુધીમાં આટલું કામ કરવું છે, રાત પડે ત્યારે આપણે જે કરવું હોય છે એ બાજુએ રહી ગયું હોય છે અને જે નથી કરવું હોતું એવું થઈ ગયું હોય છે. હા, ઘણી વખત એવી ઘટનાઓ સામે આવી જાય છે જેને પ્રાયોરિટી આપવી પડે પણ બધી જ ઘટનાઓ એવી નથી હોતી. ઘણી ઘટનાઓ એવી હોય છે જેને આપણે ટાળી શકીએ છીએ. ના, અત્યારે નહીં, મેં જે નક્કી કર્યું છે એ મારે કરવાનું છે.
કોઈ સફળતા સીધી સટ નથી હોતી. સફળતાના માર્ગ ઉપર અંતરાયો તો આવવાના જ છે, એવું બનવાનું જ છે જે તમને રસ્તો ભુલાવી અને રસ્તો ચુકાવી દે. પછી કરીશું અત્યારે જે સામે આવ્યું છે એ કરી નાખીએ, એવું કંઈક થાય છે અને પછી જે કરવાનું હોય છે એ રહી જાય છે.
આપણામાંથી ઘણા લોકો સમયનું મહત્ત્વ સમજી કામની યાદી બનાવે છે પણ એ યાદી ક્યારેય પૂરી જ નથી થતી. કામની યાદીમાં નવાં નવાં કામ ઉમેરાતાં જાય છે અને પછી જે પેન્ડિંગ રહેતું હોય એ પેન્ડિંગ જ રહી જાય છે જે પેન્ડિંગ રહે તો વાંધો ન આવે એવું કામ થઈ જાય છે. અને જેના પેન્ડિંગ રહેવાથી વાંધો આવે એવું કામ રહી જાય છે. તમે નક્કી કરો કે તમારા માટે સૌથી મહત્ત્વનું શું છે. અને તેના માટે ઓછું મહત્ત્વનું હોય તેનો ભોગ આપી દો.
એક પર્વત હતો. એ પર્વતની ટોચ ઉપર ખજાનો હતો. બે મિત્રો હતા. તેમણે નક્કી કર્યું કે આપણે પર્વતની ટોચ પર જઈને ખજાનો મેળવી લઈએ. બંને મિત્રો ખજાનાની શોધમાં પર્વત ઉપર ચડવા લાગ્યા. બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે અલગ અલગ રસ્તે જઈએ. બંને પોતાના માર્ગ ઉપર આગળ વધ્યા. થોડા આગળ ગયા તો જોયું કે માર્ગ પર ચાંદીના સિક્કા પડયા છે. એક મિત્ર તે એકઠા કરવા લાગ્યો. થેલો ભરી પોતાની સાથે લઈ લીધા. થોડો આગળ ગયો તો સોનામહોર પડી હતી. વળી તેણે ભેગી કરી કોથળો ભર્યો અને ખભે નાખ્યો. ખભા પર વજન વધી ગયું હતું. વળી થોડો આગળ વધ્યો તો હીરા વેરાયેલા પડયા હતા. તે હીરા પણ વીણવા લાગ્યો. કોથળો ભર્યો અને ખભે નાખ્યો. વજન એટલું બધું વધી ગયું કે તે આગળ ચાલી ન શક્યો અને માર્ગ પર જ ફસડાઈ પડયો.
બીજો મિત્ર એના માર્ગે ખજાના તરફ આગળ વધતો જતો હતો. આગળ ગયો ત્યાં ચાંદીના સિક્કા પડયા હતા. તેને ભેગા કરવાનું મન થઈ ગયું. જોકે તેને વિચાર આવ્યો કે હું ચાંદીના સિક્કા માટે અહીં નથી આવ્યો. એ આગળ વધ્યો. થોડે દૂર સોનાના સિક્કા અને પછી હીરા વેરાયેલા પડયા હતા. ના, હું આના માટે નથી આવ્યો. એવો દૃઢ વિશ્વાસ કરી એ આગળ વધ્યો. બધું છોડીને એ સીધો ખજાના સુધી પહોંચી ગયો. આવું જ સુખ અને સફળતાનું છે. મોટી સફળતા માટે નાની નાની સફળતાને પણ કુરબાન કરવી પડે છે. મુખ્ય ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગે માત્ર નિષ્ફળતા જ નહીં, ઘણી વખત નાની નાની સફળતા પણ આવતી હોય છે. તેને પણ નજરઅંદાજ કરવી પડે છે. મારે આ જ કરવું છે અને તેના સિવાય કંઈ જ નથી કરવું.
એક યુવાન હતો. તે આઈએએસની તૈયારી કરતો હતો. વચ્ચે વચ્ચે બીજી કોમ્પિટિટિવ એકઝામ પણ આપતો રહેતો હતો. એક વખત તે બેન્કની એક્ઝામમાં સિલેક્ટ થઈ ગયો અને તેણે બેન્કની જોબ સ્વીકારી લીધી. સાથોસાથ એવો વિચાર કર્યો કે આઈએએસની તૈયારી પણ કરતો રહીશ. જોકે બેન્કના કામમાં એવો ઉલઝી ગયો કે પછી ક્યારેય આઈએએસની તૈયારી જ ન કરી શક્યો. તમે નજર કરજો તમારી આસપાસમાં પણ આવાં ઘણાં ઉદાહરણો મળી આવશે.
એવા કેટલાં લોકો હોય છે જેને જે કરવું હોય એ કરી શકે છે? બહુ ઓછા, કારણ કે બાકીના લોકો વચ્ચે જ ક્યાંક અટકી ગયા હોય છે. સફર પર નીકળીએ ત્યારે સૌથી વધુ ધ્યાન એ જ વાતનું રાખવું પડે છે કે કયો વિસામો છે અને કઈ મંઝિલ છે. ઘણી વખત આપણે વિસામાને મંઝિલ સમજીને ત્યાં જ રોકાઈ જઈએ છીએ. પછી મંઝિલ એક અફસોસ બનીને રહી જાય છે.
માત્ર સફળતા માટે જ નહીં, સંબંધો માટે પણ આ જ વાત અને આ જ લોજિક કામ કરે છે. આપણી જિંદગીમાં અનેક લોકો આવે છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે કયા લોકો સૌથી વધુ મહત્ત્વના છે. આપણે જે મહત્ત્વના ન હોય તેવા લોકો તરફ ખેંચાયે રાખીએ છીએ અને તેના કારણે મહત્ત્વના હોય છે એ દૂર થઈ જાય છે. જિંદગીમાં દરેક તબક્કે તમારે પસંદગી કરવાની હોય છે. પસંદ કરવામાં જો થાપ ખાઈ જવાય તો ખોટી વ્યક્તિ જિંદગીમાં આવી જાય છે.
તમારા માટે જે સૌથી મહત્ત્વની વ્યક્તિ હોય તેના તરફ તમારું પૂરતું ધ્યાન છે? તમે તમારી એ સૌથી નજીકની વ્યક્તિની કેર કરો છો? ઘણી વખત આપણે જે વ્યક્તિ આપણી સૌથી નજીક હોય તેના તરફ બેદરકાર રહીએ છીએ, તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. બીજી તરફ ધ્યાન આપીએ છીએ અને નજીકની વ્યક્તિ દૂર થઈ જાય ત્યારે અફસોસ કરીએ છીએ. પ્રેમમાં અને દાંપત્યજીવનમાં નિષ્ફળતાનું એક સૌથી મોટું કારણ એ જ હોય છે કે જેનું ધ્યાન રાખવાનું હોય છે તેની તરફ આપણે નજર જ નથી નાખતા અને જ્યારે નજર ફેરવીએ ત્યારે એ વ્યક્તિ નજરે પડતી નથી.
તમારી જિંદગીમાં જે સૌથી નજીક હોય તેને દૂર ન જવા દો. તમે જેને પ્રેમ કરો છો એની કેર કરો. મર્યાદિત સંબંધો મોટાભાગે વધુ ગાઢ અને તીવ્ર હોય છે. અમર્યાદિત સંબંધો મોટાભાગે એકલા જ પાડી દે છે. વર્તુળ એવડું મોટું ન કરી નાખો કે તમે પોતે જ ભૂલા પડી જાવ. ક્યાં જવું છે, શું કરવું છે અને કેટલું કરવું છે એની સ્પષ્ટતા જ અંતે સુખ અને સફળતા આપતી હોય છે. બધું મેળવવા જનારને ઘણી વખત કંઈ જ હાથમાં નથી આવતું.
છેલ્લો સીનઃ
કુદરતને સમજવા માટે તેના ન સમજાય તેવા ઇશારાઓને સમજો.
-અજ્ઞાત.
kkantu@gmail.com