સુખ બજારમાં મળતું હોત તો એનો ભાવ શું હોત? નાનું સુખ સસ્તું અને મોટું સુખ મોંઘું હોત? સુખની પણ સિઝન હોત? ફેસ્ટીવલ ટાઈમમાં સુખના ભાવ વધારે અને સ્લેક સીઝનમાં સુખના દામ ઘટતાં હોત? સુખનું પણ સેલ નીકળત? અમારે ત્યાંથી સુખ ખરીદનાર વ્યક્તિને એક સુખ સાથે બીજું સુખ મફત મળશે, એવી જાહેરાતો થતી હોત?
જો આવું હોત તો? તો લોકો સુખના પ્રાઈઝ ટેગ જોતાં હોત! પછી ભાવ જોઈને કહેત કે, ના ના, આ સુખ આપણને પોસાય તેવું નથી. ભાવ જોઈને સુખી થવાને બદલે દુ:ખી થાત! અરછા, માણસ પોતાના દુ:ખ વેચી શકતા હોત? મારું દુ:ખ લઈ લ્યો તો તમને આટલા રુપિયા આપીશ! દુ:ખ ખરીદનારાં લોકો મન ફાવે એવા ભાવ પડાવત? અને દુ:ખ ખરીદીને મળતાં રુપિયાથી એ લોકો સુખી થઈ જાત?
દુ:ખ વેચી શકાતું હોત તો તમારું કયું દુ:ખ વેચવા કાઢત? સુખ અને દુ:ખના ધંધા પણ મોલમાં ચાલતાં હોત? સુખ અને દુ:ખના પણ સેન્સેક્સ હોત? સુખ અને દુ:ખના ભાવમાં પણ સોના-ચાંદીની જેમ દરરોજ ચડાવ-ઉતાર આવતો હોત? સુખ ખરીદવું પડતું હોત તો આપણે કેટલા દુ:ખી હોત?
ઝરણાંનું દ્રશ્ય અને ખળખળ ઘ્વનિનો ભાવ શું હોત? કોયલનો અવાજ સાંભળવાનો પણ રીંગટોનની જેમ ચાર્જ થતો હોત તો? પ્રેમ કરવાના પૈસા ચૂકવવાના થાય તો? સ્પર્શનો ખર્ચ કેટલો થાત? ટેરવું અડાડો તો એક રુપિયો અને પાંચેય આંગળીથી સ્પર્શ કરો તો પાંચ રુપિયા? હસવું પણ ચાર્જેબલ હોત! સ્મિત કરવાનો ભાવ જુદો, હાસ્ય રેલાવવાના દર અલગ અને ખડખડાટ હસવાના રેઈટ પણ જુદા!
સંપતિથી સાધનો ખરીદી શકાય છે પણ સુખ નહીં. એરકન્ડીશનર ખરીદી શકો પણ એસી બેડરુમમાં ઊઘ આવશે જ એવી કોઈ ગેરન્ટી નથી. સમજવા જેવી વાત એ જ છે કે, એરકન્ડીશન એ સુખ નથી પણ ઊઘ એ સુખ છે. ઊઘ ચાર્જેબલ નથી. ઊઘનું જેને સુખ નથી એ લોકોને ઊઘની ગોળીઓ ખરીદીને ઊઘ ખરીદવી પડે છે.
ગોળીઓથી આવતી ઊઘ એ સુખ નથી, કારણ કે સુખ નેચરલ હોય છે. કુદરત કેટલી સારી છે કે નેચરલ સુખ આપતી દરેક ચીજ- વસ્તુ એ આપણને કોઈ ચાર્જ વગર આપે છે. સૂર્યના તેજ અને ચાંદનીના પ્રકાશનું લાઈટબીલ જેવું બીલ આવતું નથી. બાથરૂમમાં શાવર નખાવવો મોંઘો પડે છે અને વરસાદ તદ્દન વિનામૂલ્યે મળે છે.
કુદરતને જો ધંધો જ કરવો હોત તો એ આપણી પાસે ચાલવાનો, દોડવાનો, નાચવાનો, ગાવાનો અને ઝૂમવાનો પણ ચાર્જ લઈ શકતી હોત! કુદરત બધો જ આનંદ સાવ મફતમાં આપતી હોવા છતાં કંઈ દુ:ખ પડે એટલે આપણે તેને મનોમન કોસતા હોઈએ છીએ! એક માણસ રોજ સવારે મંદિરે જાય.
ભગવાનની સામે હાથ જોડીને પોતાની ડીમાન્ડ મૂકે, ‘હે ભગવાન! એક સારી નોકરી કે નાનકડો ધંધો, એક સરસ ઘર, કાર, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન…’ એની ઇચ્છા ક્યારેય પૂરી જ ન થતી. ધીમે ધીમે એ ભગવાન સામે જ ફરિયાદો કરવા લાગ્યો. ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી. મારે જે જોઈએ છે એ મને આપતા નથી. ભગવાન આખી દુનિયામાં મને જ અન્યાય કરે છે.
એક વખત એ માણસને એક સાધુ મળ્યા. સાધુ પાસે એ માણસે ભગવાનની ફરિયાદ કરી કે ભગવાન મારું સાંભળતા નથી. સાધુ ખડખડાટ હસવા લાગ્યા. માણસની વાત સાંભળીને સાધુએ કહ્યું કે, હવે તું મારા એક સવાલનો જવાબ આપ. ભગવાને તને જે આપ્યું છે એ તે માગ્યું હતું?
આપણે કોઈ દિવસ વિચારીએ છીએ કે આપણી પાસે જે કંઈ છે અને ભગવાને આપણને જે આપ્યું છે એ બધુ આપણે માગ્યું હતું? તેનો જવાબ ના જ હશે. આપણને ભગવાને આપ્યું છે એનાથી સંતોષ નથી એટલે આપણે તેની પાસે કાયમ માગ માગ જ કરતાં રહીએ છીએ. તેનું સૌથી મોટું કારણ એ જ છે કે આપણે આપણી જાતને કાયમ દુ:ખી જ સમજતાં રહીએ છીએ.
ભગવાન કહે છે કે, મેં તો માણસને માત્રને માત્ર સુખ જ આપ્યું છે. દુ:ખ તો માણસે પોતે પેદા કર્યું છે. સુખ માટે માણસ ચોરી કરે, પકડાય અને જેલમાં જાય પછી જેલના દુ:ખ માટે મને અને પોતાના નસીબને દોષ દે એ કેટલું વાજબી છે? સારું છે કે ભગવાન આપણી સાથે દલીલ કરવા આપણી સામે નથી આવતો, નહીંતર આપણે કદાચ તેના સવાલોના એકેય સાચા જવાબ ન આપી શકત! માણસ મોટા ભાગે પોતાના દુ:ખ પોતાની જાતે જ ઊભા કરતો હોય છે. અને હા, સુખનું પણ એવું જ છે. તમારે સુખી, મજામાં અને હસતાં રહેવું હોય તો કોઈની ત્રેવડ નથી કે તમને દુ:ખી કરી શકે.
સુખના કોઈ ભાવ નથી છતાં સુખ સસ્તું નથી. કારણ કે સુખને માણવા માટે સુખને સમજવું પડે છે. આપણે બધા જ ખૂબ સુખી છીએ, સવાલ માત્ર એટલો છે કે આપણે આપણી જાતે સુખી સમજીએ છીએ? ચલો થોડુંક હસો તો! હસ્યા? કંઈ ખર્ચ થયો? નહીંને? તો પછી હસતા રહોને! દરેક સુખનું આવું જ છે, સુખની નજીક જાવ, સુખ તો તમારી પડખે જ છે!‘
છેલ્લો સીન:
જેની પાસે ફકત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.
-એડવિન યુગ
CONTACT : kkantu@gmail.com
lovely very beautiful writing
આટલા સુંદર વિચાર ને અપનાવવા હિમત કરવી પડે.આપ આજ ના તનાવ ગ્રસ્ત વ્યક્તિ ના વિચારો ને બદલવા નું જે કાર્ય કરો છો તે ઈશ્વર પ્રદત અત્યાર ના સમય નું શ્રેષ્ઠ કાર્ય છે.મારા ગુરુદેવ કહેતા કે અત્યારના સમાજ ની સમસ્યા નું મૂળ છે અનાસ્થા અને તેને દુર કરવા જરૂરી છે વિચાર ક્રાંતિ.તે જ સામુહિક ચેતના નું જાગરણ કરનાર કલ્કી હશે.આપ નું આવા યુગાંતર કારી કાર્ય માં યોગદાન બતાવે છે કે પરમકૃપાળુ એ આપની પાત્રતા જોઈ ને તે માટે આપને પસંદ કર્યા છે.આપ દ્વારા વિચાર ક્રાંતિ નું આ કાર્ય સદૈવ ચાલે તેવી હાર્દિક શુભેચ્છા.
દિવ્યદર્શન દ પુરોહિત
—
Divyadarshan D.Purohit
Gurudev Observatory,
Vadodara
India
ચલો થોડુંક હસો તો! હસ્યા? કંઈ ખર્ચ થયો? નહીંને? તો પછી હસતા રહોને!
જાણે સુખી થવાની ચાવી મળી ગઇ.
saheb sachu bahu j maja aavi khub j sunadar lekh che reaaly man ma saval thay che aavy hoy to???
🙂
good artical