ચમત્કાર એટલે શું ?
Krishnakant Unadkat, Chintan ni pale
શ્રદ્ધા જ મારી લઇ ગઇ મંજિલ ઉપર મને,
રસ્તો  ભૂલી  ગયો  તો  દિશાઓ  ફરી  ગઇ.
                                            -ગની દહીંવાળા

            ચમત્કાર વિશે સાવ સીધી સાદી અને સરળ ફિલોસોફી એ છે કે, ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. દરેક વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે. મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી.
             યસ, આઇ કેન ડુ ધીસ, તમારા સબ કોન્સિયન્સ માઇન્ડમાં આવો એક મેસેજ ફીડ કરી દો. મારે આ કરવું છે, મારે સફળ થવું છે, મારે સિદ્ધિ મેળવવી છે, આવો સંકલ્પ તમારા મનને સતત આપતાં રહો. એ પછી તમે તમારા પ્રયત્નો પ્રત્યે વફાદાર રહો. જ્યારે સફળતા મળશે ત્યારે તમને આ સફળતા ચમત્કાર જેવી લાગશે. ચમત્કાર એટલે બીજું કંઇ નહીં પરંતુ આપણી જાત સાથે અને આપણા પ્રયત્નો સાથે આપણી વફાદારી.
             કોઇપણ સફળ માણસને પૂછો કે તમને ખબર હતી કે, તમે આ સફળતા પ્રાપ્ત કરી શકશો? જો એ વ્યક્તિ ખરેખર નિખાલસ હશે તો કહેશે કે, ના મને ખબર ન હતી. સફળ થવાની ઇચ્છા મારામાં હતી અને એ મુજબ મેં મારા પ્રયત્નો ચાલુ રાખ્યા. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે પ્રયત્નો કરવાના અને પરિણામ કુદરત પર છોડી દેવાનું.
           તેમાં સાચી વાત પ્રયત્નો કરવાની જ છે. જે વફાદારી અને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરે છે તેને કુદરત આપોઆપ મદદ કરે છે. કુદરતને પણ મદદ કરવી જ હોય છે, તમે પ્રયત્નો તો શરૂ કરો. જેને પોતાના પ્રયત્નોમાં શંકા હોય છે એ ક્યારેય સફળ થતો નથી.
          યાદ રાખો, કોઇ સફળતા નિર્ધારિત હોતી નથી એટલે જ સફળતા મળે ત્યારે એ ચમત્કાર જેવી લાગે છે. ક્રિકેટર યુવરાજ ર૦ – ર૦ મેચમાં એક ઓવરના છ એ છ બોલમાં છ સિક્સર ફટકારી હતી. એક ટી.વી. એડમાં આ ક્રિકેટર એવું કહે છે કે, મેં તો ક્યારેય પ્રેકિટસ વખતે પણ છ બોલમાં છ સિકસ મારી નહોતી!
         તો પછી આ ચમત્કાર કેવી રીતે થયો ? તમે જો દિલથી પૂરા પ્રયત્નો કરો તો તમને અંદાજ ન હોય એવી રીતે કુદરત તમારી પડખે આવીને ઊભી રહે છે. માણસને એવું લાગે છે કે, જાણે કોઇ ચમત્કાર થયો. હકીકતે એ પ્રયત્નોનું જ શ્રેષ્ઠ ફળ હોય છે.
          આવી જ વાત ક્રિકેટર અનિલ કુંબલેએ પણ કરી હતી. દિલ્હીના ફિરોઝશા કોટલા મેદાન પર પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ રમતી વખતે અનિલ કુંબલેએ દસે દસ વિકેટ ઝડપી હતી. દસમી વિકેટ ઝડપી ત્યારે તેને સમજાતું ન હતું કે શું થઇ રહ્યું છે! માણસને ઘણી વખત એવું લાગે છે કે, કોઇ અજાણી શક્તિ તેને મદદ કરી રહી છે, સાચી વાત એ હોય છે કે તમે બસ પ્રયત્નો કરતા રહો, અજાણી શક્તિ આપોઆપ મદદ કરશે.
         કવિ અને લેખક ગુલઝારને તેના ગીત ‘જય હો’ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો. એવોર્ડ જાહેર થયો પછી એક પત્રકારે ગુલઝારને સવાલ કર્યો કે, તમે જ્યારે આ ગીત લખ્યું ત્યારે તમને અંદાજ હતો કે આ ગીતને ઓસ્કાર મળશે? ગુલઝારે કહ્યું કે, જ્યારે સર્જન થાય ત્યારે કોઇને એ અંદાજ નથી હોતો કે આ ગીત આટલું પોપ્યુલર કે એવોર્ડ વિનર બનશે.
          તેનાથી પણ મોટી વાત ગુલઝારે એ કરી કે હું તો દરેક ગીત એટલા દિલથી જ લખું છે જેટલા દિલથી ‘જય હો’ લખ્યું હતું. કદાચ ‘જય હો’ કરતાં પણ વધુ સુંદર રચનાઓ મેં લખી છે પણ એવોર્ડ આ ગીતને મળ્યો. હકીકત એ છે કે એવોર્ડ સમગ્ર સર્જનને મળતો હોય છે, કોઇ એક ગીત તો માત્ર નિમિત્ત બને છે.
        ઘણી વખત એવું પણ બને છે કે, આપણે જેના માટે ખૂબ જ મહેનત કરી હોય તેમાં સફળ ન થઇએ અને પછી અચાનક જ થોડાક પ્રયત્નોમાં કોઇ સફળતા મળી જાય છે. આપણે એવું કહીએ છીએ કે જેમાં ધાર્યું હતું એમાં સફળતા ન મળી અને બીજી ઘટનામાં સાવ અચાનક જ અણધારી સફળતા મળી ગઇ. હકીકતે, એ પ્રયત્નો અને ધગશનો સરવાળો જ હોય છે.
         આપણે ધારીએ એમાં જ સફળતા મળે એ જરૂરી નથી. દરેક પીસ ‘માસ્ટર પીસ’ હોઇ ન શકે પણ ‘માસ્ટર પીસ’માં અગાઉના તમામ પીસનો થોડો થોડો અંશ હોય છે. એટલે જ કહેવાય છે કે તમે બસ પ્રયત્નો કરતાં રહો, તમને કલ્પના પણ નહીં હોય એ રીતે તમને સફળતા મળી જશે.
         પ્રેમ અને સંબંધોનું પણ એવું જ છે. તમે તમારા વર્તન અને વિશ્વાસ પર કાયમ રહો, તમારો સંબંધ એક દિવસ સાર્થક થશે જ. એક પ્રેમીએ કહ્યું હતું કે, હું તો બસ એને પ્રેમ કરતો રહું છું, એને પ્રેમ કરવો ન હોય તો એની મરજી. પણ મને મારા પ્રેમ ઉપર શ્રદ્ધા છે. એક દિવસ એનો પડઘો પડશે જ. તમે તમારા વર્તન અને પ્રયત્ન ઉપર શ્રદ્ધા રાખો, પડઘો પડશે. એ પડઘો જ્યારે ઝીલાશે ત્યારે તમને થશે કે, ચમત્કાર જેવું કંઇક હોય છે ! માણસે માત્ર ચમત્કાર કરવાની પોતાની શક્તિને પીછાણવાની હોય છે… ?‘
છેલ્લો સીન-
સદભાગ્ય હંમેશાં પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે. – ગોલ્ડ સ્મિથ

Krishnkant Unadkat

Krishnkant Unadkat

13 thoughts on “

  1. લેખ હદયને સ્પર્શી ગયો,
    અંગ્રેજી માં એક સ્લોગન છે.
    if my mind can concieve it and my heart can believe it I know I can achieve it
    જે મારો અનુભવ છે
    રાજીવરત્ન
    પત્રકાર
    વડોદરા

  2. "ચમત્કાર એટલે બીજું કંઇ નહીં પરંતુ આપણી જાત સાથે અને આપણા પ્રયત્નો સાથે આપણી વફાદારી" really inspiring….

    Akshay parnami- vadodra.

  3. Class-1 article.
    Thanks

    From Bhagavat Geeta to now.

    Lots of people said to us, work hard, one day – you will be success ! It´s true but we can´t wait.

    Latest example. Murli Vijay

    Bhavesh

  4. આ લેખ ખરેખર હૃદયને સ્પર્શી ગયો. ચમત્કાર આપમેળે જ સર્જાતા હોય છે. જો કે તેમાં ઈશ્વરીય શક્તિ ઉપર શ્રદ્ધા તો રાખવી જ પડે છે. કર્મ કરો અને ફળની ઈચ્છા ન રાખો એમ કૃષ્ણએ કહ્યું હતું. એવી જ રીતે ચમત્કાર પણ તમે સંપૂર્ણ મનથી કોઈ કામ કરો ત્યારે જ સર્જાતા હોય છે.

    સંગીતા શુક્લા
    દિલ્હી

  5. wow, bahu saras, tamara lekh haju me vanchvani saruvat kari che pan lage che tame aa saruvat ne tev (adat)banavi desho….

    Bhavin Bhatt
    Amreli.

  6. I always read ur thoughts.nd I get more benefit by applying ur thoughts to my life. my life is fully change by this.my attitude was very bad in a past.but now I live simply.thank you sir.

    Bhavin patel,junagadh

  7. It's happening me since last few months,Whatever problem i had,you gave me solution in upcoming sunday! Great thoughts!
    Nirmal Gandhi
    From-Vadodara

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *