બહુ એકલતા લાગતી હોય
તો સાવધાન થઇ જજો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
એકલતાના કારણે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.
ક્યારેક એકલા રહીએ એ અલગ વાત છે, પણ
સતત એકલા રહેવાની આદત જોખમી સાબિત થાય છે.
એકાંત અને એકલતામાં બહુ મોટો ફર્ક છે!
———–
માણસ દિવસે ને દિવસે વધુ ને વધુ એકલો પડતો જાય છે. અત્યારના સમયમાં માણસ કોઇના પર ભરોસો મૂકી શકતો નથી. એકલતા માણસને કોરી ખાય છે. અમેરિકામાં હમણાં થયેલા એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ધૂમ્રપાન, દારૂ પીવાની આદત અને મેદસ્વિતા કરતાં પણ એકલતા વધુ ખતરનાક છે. આ બધામાં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, આખરે માણસને એકલું કેમ લાગે છે? જવાબ સિમ્પલ છે. અગાઉના જમાનામાં માણસ વધુ સોશિયલ હતો. સમાજ સાથે તીવ્રતાથી જોડાયલો રહેતો. દરેક કાર્યક્રમમાં ભાગ લેતો હતો અને દરેક ઉત્સવમાં જોડાતો હતો. હવે માણસ હળવા મળવાથી દૂર થવા લાગ્યો છે. લોકો ગામડાં અને નાનાં શહેરોમાંથી કામ ધંધાર્થે મોટાં શહેરોમાં જવા લાગ્યા છે. માઇગ્રેશન પણ એકલતા માટે મોટું કારણ છે. નવી જગ્યાએ બહુ ઝડપથી મિત્રો મળતા નથી, નવા સંબંધો બંધાતા નથી એટલે માણસને એકલું લાગવા માંડે છે. સંસ્કૃતિ અને ભાષા એક હોય તો હજુ વાંધો આવતો નથી, પણ કલ્ચર અને લેંગ્વેજ જો અલગ હોય તો માણસ આસાનીથી જોડાઇ શકતો નથી. આ તો એક વાત થઇ. બીજી વાત એ છે કે, મોબાઇલ અને ઓટીટીના કારણે માણસ વધુ ને વધુ એકલો રહેવા લાગ્યો છે. રજા હોય ત્યારે બહાર ફરવા જવાને બદલે ઘરમાં પડ્યા પડ્યા વેબસીરિઝ જોતો રહે છે, મોબાઇલ લઇને બેઠો રહે છે. કોઇને હળતો મળતો નથી. કંઇ ખાવું હોય તો એપ મારફતે મંગાવી લે છે.
એકલતાનું બીજું મહત્ત્વનું કારણ ભરોસાનો અભાવ છે. આજના સમયમાં પ્રેમ અને દોસ્તી થઇ જાય છે બહુ આસાનીથી, પણ પ્રેમ કે સંબંધ લાંબા ટકતા નથી. હળવાશમાં એટલે જ એવું કહેવાય છે કે, હવે પ્રેમ કરતાં બ્રેકઅપ વધુ થાય છે. બ્રેકઅપ ભલે બહુ કોમન થઇ ગયા હોય, પણ એનાથી હર્ટ તો થવાય જ છે. કોઇની સાથે પ્રેમ હોય, કોઇના પર ભરોસો મૂક્યો હોય, એ જ્યારે ખતમ થાય ત્યારે વેદના તો થવાની જ છે. કેટલાક કિસ્સાઓમાં એક સમય એવો આવે છે જ્યારે માણસને એમ થાય છે કે, હવે કોઇની નજીક જ નથી જવું. કોઇના પર ભરોસો મૂકીએ તો હર્ટ થઇએને? આવું વિચારીને લોકો એકલા રહેવા લાગે છે. જિંદગી પાસે જે અપેક્ષાઓ રાખી હોય એ પૂરી ન થાય એવા કિસ્સાઓમાં પણ માણસ એકલો રહેવા લાગે છે. માણસોને હવે પોતાની પાસેથી જ અપેક્ષાઓ વધી ગઇ છે. મારે આમ કરવું છે, આટલું તો મેળવવું જ છે, બધાને બધું જ જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. સપનાં જોવાં સારી વાત છે, પણ જ્યારે આપણે ગજા બહારનાં સપનાંઓ જોવા લાગીએ ત્યારે મુશ્કેલી પેદા થવાના ચાન્સીસ વધી જાય છે. સોશિયલ મીડિયાના કારણે દેખાદેખીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એકને એક કપડાનો ફોટો પણ લોકો સોશિયલ મીડિયા પર મૂકતા નથી. બધાને સમથિંગ ન્યૂ અને ડિફરન્ટ જોઇએ છે. પોતાની પાસે જ રાખેલી અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે માણસ બીજાને મળવાનું ટાળવા લાગે છે.
એકલતાના મામલામાં સાયકોલોજિસ્ટ્સ એવું કહે છે કે, ભલે એક વાર ભરોસો તૂટ્યો હોય તો પણ ભરોસો મૂકવાનું બંધ ન કરો. ભરોસો તૂટવાથી જેટલું નુકસાન કે ગેરફાયદો થશે એના કરતાં વધુ જોખમ ભરોસો ન કરવામાં રહે છે. પોતાની જાતને પણ માણસે મોટિવેટ કરતા રહેવું પડે છે. દુનિયા એટલી ખરાબ નથી. જિંદગી ખરેખર જીવવા જેવી છે. ક્યારેક જિંદગીમાં ખોટા લોકો આવી જાય કે ન ગમે એવી ઘટનાઓ બને ત્યારે એવું વિચારો કે આવું થાય, દરેક માણસ સાથે ક્યારેક આવું થયું જ હોય છે. બધું આપણે ધારતા હોઇએ, ઇચ્છતા હોઇએ અને વિચારતા હોઇએ એવું થવાનું નથી. આપણને ન ગમે એવું થાય ત્યારે ધરપત રાખવી પડે છે.
અમેરિકામાં આજકાલ પ્રોજેક્ટ ટુગેધર ખૂબ ચર્ચામાં છે. આ પ્રોજેક્ટ અમેરિકન ગવર્નમેન્ટમાં સર્જન જનરલ તરીકેની ફરજ બજાવતા ડો. વિવેક મૂર્તિએ શરૂ કર્યો છે. તેઓ કહે છે કે, આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોની એકલતા ટાળવાનો અને સંબંધોને સજીવન રાખવાનો છે. અમેરિકામાં ગેલેપના એક લેટેસ્ટ સરવેમાં એવું બહાર આવ્યું છે કે, અમેરિકાના વીસ ટકા લોકો અતિશય એકલતા અનુભવે છે. એના કારણે લોકો હતાશાનો ભોગ બને છે. ડ્રગ્સ કે બીજાં વ્યસનોને રવાડે ચડી જાય છે અને ઘણા કિસ્સામાં આપઘાત સુધી પણ પહોંચી જાય છે. પ્રોજેક્ટ ટુગેધરનો મુખ્ય હેતુ એકલતા અનુભવતા લોકોને બીજા લોકોની નજીક લાવવાનો છે. ડો. મૂર્તિ કહે છે કે, સાથે જમવાથી બહુ મોટો ફરે પડે છે એટલે કોઇ ને કોઇ બહાને સાથે જમવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. આપણે ત્યાં કેટલા લોકો એકલતા અનુભવે છે એ વિશે ખાસ કોઇ સરવે થતા નથી, પણ મનોચિકિત્સકો પાસે એવા અનેક કિસ્સાઓ આવતા રહે છે જેમાં લોકો એવું કહે છે કે, તેમને એકલતા કોરી ખાય છે. બધા હોય તો પણ માણસને એકલું લાગે છે. આજના સમયમાં મોબાઇલથી માણસ અનેક લોકો સાથે કનેક્ટેડ હોય છે, પણ કોઇની સાથે અટેચ્ડ હોતો નથી. કનેક્ટેડ હોવામાં અને અટેચ્ડ હોવામાં બહુ મોટો ફર્ક છે. લાખો ફેન અને ફોલોઅર્સ હોય, પણ સાથે બેસીને વાત કરી શકાય કે જમી શકાય એવું કોઇ ન હોય એવા અસંખ્ય કિસ્સાઓ આજના સમયમાં જોવા મળે છે.
એકલતા અને એકાંતનો ફર્ક સમજવાની પણ માનસશાસ્ત્રીઓ ભલામણ કરે છે. ક્યારેક પોતાની સાથે સમય વિતાવવો અને પોતાની જાત સાથે સંવાદ સાધવો એ એકાંત માણવાની વાત છે. બધાથી મોઢું ફેરવી લઇને કોઇની સાથે સંપર્કમાં ન રહેવું, લોકોને મળવાનું ટાળવું, કાર્યક્રમો કે મેળાવડામાં ન જવું, કોઇને શું ફેર પડે છે એવા વિચાર કરવા અને સરવાળે એકલા પડ્યા રહેવાનું મન થતું હોય તો સાવચેત થઇ જવાની જરૂર છે. ક્યારેક કંટાળો આવે અને ઘરમાં એકલા પડ્યા રહીએ એમાં વાંધો હોતો નથી, પણ જો સતત એવું થયા રાખે તો એલર્ટ થઇ જવું જોઇએ. આમ તો હેલ્ધી લાઇફ માટે મિત્રો અને સ્વજનોને મળતા રહેવાની ભલામણ કરવામાં આવે છે. એકલતા લાગે ત્યારે જ નહીં, એકલતા ન લાગતી હોય તો પણ મિત્રો અને પોતાના લોકોને સતત મળતા રહેવું જોઇએ. હવેના સમયમાં એક પ્રોબ્લેમ એ પણ થઇ રહ્યો છે કે, માણસ પોતાની અંગત વાત કોઇ સાથે શેર કરતા નથી. વાત કરવામાં ડર લાગે છે. વાત જાહેર થઇ જશે તો? હું જેના પર ભરોસો મૂકું છું એ કોઇને વાત કરી દેશે તો? મોબાઇલ પર વાત કરતાં પણ લોકો ડરે છે. મારો ફોન રેકોર્ડ કરી લેશે તો? મેસેજ કરતા પણ લોકોને ભય લાગે છે. સ્ક્રીન શોટ ફરવા લાગશે તો? લોકો દિલ ખોલીને વાત જ કરી શકતા નથી. સોશિયલ મીડિયા પર સારી સારી વાતો જ લખવામાં આવે છે. રીઅલ લાઇફમાં જે થઇ રહ્યું હોય છે એ કોઇને કહી શકાતું નથી. એના વિશે પણ એવું કહેવામાં આવે છે કે, નજીકના લોકો સાથે એટલો વિશ્વાસ કેળવો કે તમે કોઇ પણ સંકોચ વગર તમારી વાત એને કરી શકો. દુનિયામાં સારા લોકોની કમી નથી. એકાદ બદમાશ ભટકાઈ જાય એનો મતલબ એવો નથી કે, બીજા કોઇના પર ભરોસો ન કરવો. એક બે દોસ્ત એવા રાખો જેની સાથે કોઇ છોછ ન હોય. તેના માટે એવો સવાલ પૂછવામાં આવે છે કે, તમારી લાઇફમાં એવું કોણ છે જેને તમારા વિશેની બધી ખબર છે? જો કોઇ ન હોય તો એ પણ સારી વાત નથી. તમે ક્યાં છો અને શું કરી રહ્યા છો એ નજીકના કોઇને ખબર હોવી જોઇએ. આપણે કેવી માનસિક અવસ્થામાંથી પસાર થઇ રહ્યા છીએ એની પણ સૌથી નજીકની વ્યક્તિને જાણ હોવી જોઇએ. છેલ્લે સાવ સીધી અને સરળ વાત એ કે, બધાને મળીને મજા કરતા રહો, એકલા કે વધુ પડતા ભારમાં રહેવામાં કોઇ માલ નથી. સંબંધો જેટલા સાત્ત્વિક અને સ્વસ્થ હશે એટલી જ જિંદગી જીવવાની મજા આવશે.
———
પેશ-એ-ખિદમત
અક્સર બૈઠે તન્હાઇ કી જુલ્ફેં હમ સુલઝાતે હૈં,
ખુદ સે એક કહાની કહ કર પહરોં જી બહલાતે હૈં,
દિલ મેં ઇક વિરાના લેકર ગુલશન ગુલશન જાતે હૈં,
આસ લગા કર હમ ફૂલોં સે ક્યા ક્યા ખાક ઉડાતે હૈં.
-સજ્જાદ બાકર રિઝવી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 ડિસેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com