તને શું લાગે છે બધું
બરાબર પતી જશેને?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં,
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં,
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ,
પાણીમાં પડું તોય સુક્કો રહી જાઉં.
– જવાહર બક્ષી
એક ફડકો, થોડોક ઉચાટ, નાનકડો અંજપો અને અજાણી અવઢવ ક્યારેક આપણા મનમાં પેદા થતી હોય છે કે, બધું બરાબર પતી જશેને? કોઇ પ્રસંગ, અવસર, કાર્યક્રમ કે એકાદ સપનું સાકાર થવાનું હોય ત્યારે તો ખાસ એક અજાણ્યો ભય સતાવતો રહે છે. હે ભગવાન, બધું હેમખેમ પાર પાડજે એવી પ્રાર્થનાઓ કંઇકેટલીયે વાર થઇ જતી હોય છે. દરેક માણસ કોઇ ને કોઇ સપનું સાથે લઇને જીવતો હોય છે. ઇચ્છાઓ ઉપર તો દુનિયા ટકેલી છે. ઇચ્છાઓ મરી જાય તો પછી જીવવાની કોઇ મજા રહેતી નથી. જીવન અને જિજીવિષાનાં કારણો હોવાં જોઇએ. તમને કોઇ પૂછે કે, જિંદગી પાસેથી તમને શું અપેક્ષા છે? તમારે શું કરવું છે? તો તમે શું જવાબ આપો? દરેકના મનમાં ક્યાંક પહોંચવાનો એક મુકામ હોય છે. બસ ત્યાં સુધી પહોંચવું છે એવાં અરમાનો હોય છે. ક્યારેક બહુ ઝડપથી ત્યાં પહોંચી જવાય છે, તો ક્યારેક વર્ષો વીતી જાય છે. કંઇક બનવું હોય છે અને કંઇક મેળવવું હોય છે. બંગલો, કાર, ચીજવસ્તુઓ અને બાકીનું બધું તો હોય જ છે, એ બધામાં સૌથી મોટી કોઇ ઝંખના હોય તો એ પોતાની વ્યક્તિની હોય છે. માણસે માત્ર જીવવું હોતું નથી, કોઇની સાથે જીવવું હોય છે. માણસ સપનું પણ કોઇને સાથે રાખીને જોતો હોય છે. એ મળી જાય એટલે બસ, એની સાથે જીવવું છે, એની સાથે ફરવું છે અને એના દરેક સપના પૂરા કરવા છે. આપણાં સપનાંઓ પણ કોઇના સપના સાથે ભળેલાં હોય છે. એક પતિ પત્નીની આ વાત છે. પત્નીએ એક દિવસ પૂછ્યું, તને સૌથી વધુ મજા શેમાં આવે છે? પતિએ કહ્યું, તને મજા કરાવવામાં! તું ખુશ તો હું ખુશ. મને એમ જ થાય છે કે, શું કરું તો તને ગમે? તું એમ કહે કે, બહુ મજા આવી એટલે મને સંતોષ થઇ જાય છે. સાચી ખુશી મોટા ભાગે આપણી વ્યક્તિને ખુશ કરીને અને તેને ખુશ જોઇને જ થતી હોય છે! ચેક કરજો, તમારી જિંદગીમાં કોઇ એવું છે જેને ખુશ અને રાજી જોઇને તમને સારું લાગે છે? એક ચહેરો હોય છે જે આપણામાં જીવતો હોય છે. સાચા પ્રેમમાં માણસને એવું જ થાય છે કે, હું એના માટે બધું જ કરી છૂટીશ. એના દરેક સપના પૂરા કરીશ. મારા માટે એ જ સર્વસ્વ છે.
દર વખતે બધું બરાબર પતે એવું પણ જરૂરી નથી. દુનિયાની નજરમાં બધું એકદમ પરફેક્ટ અને જબરજસ્ત હોય, પણ આપણને ખબર હોય કે, કંઇક ખૂટ્યું છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીએ લવ મેરેજ કર્યા હતા. છોકરો તેની કાસ્ટનો નહોતો. મા-બાપ રાજી નહોતાં. છોકરીને પોતાના પ્રેમ પર ભરોસો હતો. મા-બાપની વિરુદ્ધ જઇ છોકરીએ મેરેજ કરી લીધા. છોકરીના પરિવારના લોકોએ બોલવાનું બંધ કરી દીધું. છોકરી સરસ રીતે જિંદગી જીવતી હતી. તેનો પતિ પણ ખૂબ જ સારો અને ડાહ્યો હતો. કોઇ તકલીફ નહોતી. બસ એક જ રંજ હતો કે, ઘરનું કોઇ બોલતું નહોતું. છોકરી ઘણી વખત પપ્પાને મનોમન સંબોધીને કહેતી કે, ડેડી હું બહુ ખુશ છું, મને કોઇ પ્રોબ્લેમ નથી, તમે તો મને ખુશ જોવા ઇચ્છતા હતાને? હવે જ્યારે હું ખુશ છું ત્યારે તમે કેમ મારી સામે જોતા નથી? સમય વીતતો ગયો. બંનેના જીવનમાં એક દીકરીનો ઉમેરો થયો. પરાણે વહાલી લાગે એવી સુંદર દીકરી હતી. છોકરીને સતત એમ થાય કે, પપ્પા મારી દીકરીને જુએ તો કેવા રાજી થાય! આ દરમિયાનમાં દીકરીનો બર્થડે આવ્યો. પતિ પત્નીએ દીકરીનો બર્થડે ધામધૂમથી સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. એ છોકરીએ આખરે હિંમત કરીને પપ્પા-મમ્મી સહિત ઘરના તમામ લોકોને મોબાઇલ પર મેસેજ કરીને દીકરીના બર્થડેમાં આવવા કહ્યું. સમય થઇ ગયો. જેને આમંત્રણ આપ્યું હતું એ લોકો આવવા લાગ્યા હતા. છોકરીનું ધ્યાન દરવાજા તરફ જ હતું. મારા ઘરેથી કોઇ આવ્યું? સમય વીતતો ગયો. કેક કપાઇ ગઇ. બધાએ ચિચિયારીઓ પાડીને હેપી બર્થડે કહ્યું. છેક સુધી કોઇ ન દેખાયું. લોકો જવા લાગ્યા. બધા એવું જ કહેતા હતા કે, બહુ મજા આવી, તમારું પ્લાનિંગ પરફેક્ટ હતું. પતિ પત્ની છેલ્લે એકલાં પડ્યાં. એકબીજાની નજર મળી. પત્નીની આંખો ધીમે ધીમે ભીની થવા લાગી. પતિ તેને હગ કરીને વાંસામાં હાથ ફેરવવા લાગ્યો. ભારેખમ થઇ ગયેલું મૌન કેટલી વેદના વ્યક્ત કરતું હતું એ આ બંને જીવ જ જાણતાં હતાં! ક્યારેક કોઇ એકની ગેરહાજરી બધા હોય તો પણ એકલતા આપી જતી હોય છે.
જિંદગીમાં એક એવી વ્યક્તિની પણ જરૂર રહેતી હોય છે, જે સમય આવ્યે આપણને કહે કે, જરાયે ચિંતા ન કર, બધું સરસ રીતે પતી જશે. સારું જ થવાનું છે. કરવાનું ભલે આપણે જ હોય, પણ પોતાની વ્યક્તિના થોડાક શબ્દો આપણને હિંમત આપી દેતા હોય છે. એક છોકરીની આ વાત છે. તેણે એક ડાન્સ કમ્પિટિશનમાં ભાગ લીધો હતો. સ્ટેજ પર ડાન્સ પર્ફોર્મ કરવાનો હતો. ડાન્સમાં સારી એવી ફાવટ હતી. જોકે, ક્યારેય કોઇ સ્પર્ધામાં ભાગ લીધો નહોતો. તેને સતત એ વાતની ચિંતા હતી કે, હું બરાબર પર્ફોર્મ તો કરી શકીશને? સામે આટલા બધા લોકો હશે, મારાથી થઇ શકશેને? આ છોકરીનો એક ફ્રેન્ડ હતો. છોકરીના દરેક રિહર્સલ વખતે એ તેની સાથે જ રહેતો. છોકરીને જરાયે સંશય થાય કે, તરત જ એ કહે કે, બધું થઇ રહેશે. યુ આર ધ બેસ્ટ. કોઇ ચિંતા ન કર. સ્ટેજ પર જાય ત્યારે કોઇ વિચાર ન કરતી, બસ તારી મસ્તીમાં ડાન્સ કરજે. બધું જ ભૂલી જજે, હાર કે જીત પણ યાદ ન રાખતી, બસ તું ડાન્સ એન્જોય કરજે. છોકરીએ ડાન્સ કર્યો અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ ફર્સ્ટ હતી. તેણે કહ્યું કે, મારી જીતનું શ્રેય મારા આ દોસ્તને જાય છે. તેણે જ મને શીખવાડ્યું કે, કોઇ ભય રાખવાની જરૂર નથી. આપણી જિંદગીમાં પણ એવા લોકો હોય જ છે જે સદાયે આપણી સફળતા માટે પ્રાર્થના કરતા હોય છે, આપણે ખુશ રહીએ એ માટે પ્રયાસો કરતા હોય છે. આપણને એની કેટલી કદર હોય છે? જિંદગીમાં એવા લોકોને ઓળખી લેવા બહુ જરૂરી હોય છે, જેના માટે આપણે એની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો હોઇએ છીએ. ગમે એટલા સફળ થઇ જઇએ, પણ જો કોઇ બિરદાવવાવાળું, ખુશ થવાવાળું કે શાબાશી આપવાવાળું ન હોય તો ઘણી વખત સફળતાનો પણ કોઇ અર્થ રહેતો નથી. આપણે એટલે જ અમુક અવસરે એવું ઇચ્છતા હોઇએ છીએ કે, બીજું કોઇ હોય કે ન હોય, બસ તું જોઇએ! તમારી જિંદગીમાં પણ એવી જે વ્યક્તિ હોય એને સંભાળીને રાખજો, એ આપણા સારા નસીબનો જ એક હિસ્સો હોય છે!
છેલ્લો સીન :
જેના નામથી દિલ ધડકતું હોય એના નામથી જ જ્યારે ફડકો પડવા લાગે ત્યારે સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 24 નવેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com