ડિપ્રેશનથી બચવું હોય તો
ઓવરથિંકિંગ બંધ કરી દેજો!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
લોકોમાં હતાશાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ડિપ્રેશનનાં અનેક કારણો છે
તેમાં સૌથી મોટું કારણ ઓવરથિંકિંગ છે. લોકો ખોટા અને નકામા વિચારો
કરીને પોતાની જાતને જ સંકટમાં મૂકી રહ્યા છે!
———–
માણસ જે કંઇ કરે છે એ સમજી વિચારીને કરે છે. વિચાર વિશે એવું કહેવાતું રહ્યું છે કે, માણસ એવો જ બને છે જેવા તેના વિચારો હોય છે. પોઝિટિવ વિચારો વિશે બહુ વાતો થઇ છે. ગમે એવો પોઝિટિવ માણસ હોય તો પણ તેને હંમેશાં સકારાત્મક વિચારો જ આવે એવું જરૂરી નથી. નેગેટિવ વિચારો પણ ક્યારેક આવવાના જ છે. સમજુ માણસ એ છે, જે નેગેટિવ વિચારોને પોતાના પર હાવી થવા દેતો નથી. ડિપ્રેશન વિશે હમણાં થયેલા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, હતાશાનું એક અને સૌથી મોટું કારણ વધુ પડતા વિચારો છે. દરેકના જીવનમાં કોઇ ને કોઇ બનાવો બનતા રહે છે. કેટલાક સારા હોય છે તો કેટલાક ખરાબ અથવા તો સહન ન થાય એવા પણ હોય છે. દરેક લોકો પોતાની સાથે બનતા બનાવોને સહજ રીતે લઇ શકતા નથી. એને એવા વિચારો આવે છે કે, મારી સાથે કેમ આવું થયું? મારો ક્યાં કંઇ વાંક હતો? ધીમે ધીમે નેગેટિવ વિચારો વધતા જાય છે. મારાં નસીબ જ ખરાબ છે, બધાને હું જ દેખાઉં છું, બધા મારી પાછળ પડી ગયા છે. હતાશા એકઝાટકે ત્રાટકતી નથી. આ અંધારું એવું છે જેને માણસ ખોટા અને નક્કામા વિચારો કરીને ધીમે ધીમે સર્જે છે. પોતાની ફરતે ધીમે ધીમે એવી જાળ રચે છે કે એમાંથી પોતે જ બહાર આવી શકતા નથી.
માનસિક સ્વસ્થતા એ જરૂરી છે કે, કોઇ મુદ્દે એક હદથી વધારે વિચારવું ન જોઇએ. જિંદગી છે, કંઇક ન ગમે એવું બનવાનું જ છે. ક્યારેક કોઇ દગો કરવાનું છે, ક્યારેક કોઇ બદમાશી કરવાનું છે, ક્યારેક કોઇ સારી સારી વાતો કરીને ભોળવવાના પ્રયાસો કરવાનું છે. માત્ર તમારી સાથે જ આવું થયું છે એવું પણ બિલકુલ હોતું નથી. દરેક માણસ સાથે ક્યારેક ને ક્યારેક આવું થયું જ હોય છે. આપણો નયા ભારનો વાંક કે કોઇ ગુના વગર આપણી સાથે કંઇ પણ થઇ શકે છે. એ સિવાય પણ જિંદગીની કોઇ પણ બાબત હોય એના વિશે વધુ પડતા વિચારો કરવાનું ટાળવું જોઇએ. નિષ્ફળતાને ઘણા લોકો સહન કરી શકતા નથી. જિંદગીમાં કેટલીક વાતો ગાંઠે બાંધી લેવા જેવી હોય છે. એક વાત એ કે, આપણે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હોય એવું પણ જિંદગીમાં ક્યારેક બનવાનું છે. ગમે એટલી મહેનત કે તૈયારીઓ કરી હોય તો પણ ક્યારેક નિષ્ફળતા મળવાની છે. આપણે આંખો મીંચીને ભરોસો મૂક્યો હોય એ માણસ પણ દગો દઇ શકે છે. જિંદગીનું બીજું નામ જ અનિશ્ચિતતા છે. સમજણ, બુદ્ધિ અને જ્ઞાન એટલે વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા. અમુક સમયે વિચારોને ખંખેરતા આવડવું જોઇએ. જો વિચારોને ન ખંખેરીએ તો એ આપણને વળગેલા રહે છે અને એક સમયે એવા જકડી લે છે કે, એમાંથી મુક્તિ જ ન મળે. કોઇ નિર્ણય કરવાનો હોય તો એના વિશે પણ એક હદથી વધુ વિચારો ન કરવા જોઇએ. પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિચારીને જેમ બને એમ વહેલી તકે નિર્ણય લઇ એ વિચાર પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. ટુ બી ઓર નોટ ટુ બીની અવસ્થામાં વધુ સમય ન રહેવું જોઇએ. જ્યાં સુધી એક વિચારમાંથી મુક્તિ નથી મળતી ત્યાં સુધી બીજા નવા અને તાજા વિચારો આવવાના નથી. વિચારોને આવવા દેવા માટે પણ સ્પેસ આપવી પડે છે.
વધુ પડતા વિચારો જોખમી છે એ તો બરાબર, પણ એનાથી બચવું કઇ રીતે? એના માટે સીધી સાદી અને એકદમ સરળ રીત છે, વર્તમાનમાં જીવવું. માણસ મોટા ભાગે ભૂતકાળમાં અથવા તો ભવિષ્યમાં જીવતો હોય છે. ભૂતકાળના બનાવોથી મુક્ત થવું ખૂબ જ જરૂરી હોય છે. જે થઇ ગયું એ થઇ ગયું, એને પકડી રાખવાનો અને સતત વાગોળતા રહેવાનો કોઇ મતલબ હોતો નથી. આપણે બધા ભૂતકાળનાં એટલાં બધાં પોટલાં માથે લાદીને ફરીએ છીએ કે, વર્તમાનમાં સારી રીતે જીવી જ નથી શકતા. ભૂતકાળથી માંડ માંડ પીછો છોડાવીએ ત્યાં ભવિષ્યની ચિંતાઓ હાવી થઇ જાય છે. હવે હું શું કરીશ? મારી જિંદગી કેમ પસાર થશે? ભવિષ્યની ચિંતા માણસમાં કાલ્પનિક ભય પેદા કરે છે. આમ થશે તો તેમ થશે અને તેમ થશે તો ન થવાનું થઇ જશે એવા વિચારોમાં માણસ એવો ખોવાઇ જાય છે કે પછી પોતાને જ મળતો નથી. શું થશે એના કરતાં જે થવાનું હશે એ થશે એવું વિચારનાર વધુ સારી રીતે જીવી શકે છે.
ઓવરથિંકિંગથી બચવાનો એક ઉપાય એ છે કે, જે છે એને સ્વીકારી લો. જે પરિસ્થિતિ પેદા થઇ છે એમાં મારા હાથમાં કંઇ છે? હું કંઇ કરી શકું એમ છું? જો એનો જવાબ ના હોય તો પછી ખોટા ઉધામા મચાવવા ન જોઇએ. ઘણી વખત સમય એવી સ્થિતિ લાવીને ઊભો રહી જાય છે કે, આપણે કંઇ જ કરી શકતા નથી. ગમે એવો શક્તિશાળી માણસ પણ ક્યારેક મજબૂર અને લાચાર થઇ જાય છે. આવા સમયે શાંત રહેવું જોઇએ અને સમય વીતવા દેવો જોઇએ. સંતો તેના માટે કાચબાનું ઉદાહરણ આપે છે. કાચબાને જ્યારે જોખમ લાગે ત્યારે તે પોતાનાં બધાં અંગોને સંકોરી લે છે અને શાંત થઇ જાય છે. માણસે પણ એવું જ કરવું જોઇએ. જ્યારે ક્યાંય ધ્યાન ન પડે ત્યારે શાંત થઇને સમય પસાર થવા દેવાનો. કેટલાક સવાલોના જવાબો અને સમસ્યાઓના ઉકેલ સમય જ આપે છે.
માણસનો એક પ્રોબ્લેમ એ હોય છે કે, એ બધું પોતાના કંટ્રોલમાં રાખવા ઇચ્છે છે. જિંદગીમાં કેટલુંક એવું થવાનું છે જેને કોઇ રોકી શકતું નથી. નિયતિ કે નસીબમાં માનીએ કે ન માનીએ, જિંદગીમાં એવી સ્થિતિ આવતી જ હોય છે કે, આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. એ સમયે ખેલ જોતા રહેવાનું! આ બધા વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગમે તે થાય તો પણ પોતાના પરથી શ્રદ્ધા ક્યારેય ન ગુમાવવી. ગમે તે થાય હું સરખું કરી લઇશ. મારામાં એ તાકાત છે. મોટા ભાગે લોકો પોતાની મેળે જ પાણીમાં બેસી જાય છે. બધું ખતમ થઇ ગયું છે, હવે હું કંઇ કરી શકું એમ નથી, આવો વિચાર ક્યારેય ન કરવો. કોઇ નુકસાન જિંદગીથી વધારે હોતું નથી. પેલી વાત યાદ રાખવી કે, જાન હૈ તો જહાન હૈ. જિંદગી સ્વસ્થ હશે અને દિમાગ સાબૂત હશે તો બધા રસ્તા નીકળી આવશે. ખરાબ પરિસ્થિતિમાં માણસે બને એટલા સારી રીતે રહેવાનો પ્રયાસ કરવો જોઇએ, એને બદલે માણસ સ્થિતિ બગડે એવી રીતે જીવતો હોય છે. ક્યારેક કોઇ મૂંઝવણ હોય તો નજીકની વ્યક્તિ સાથે ખુલ્લા દિલે વાત કરો. અત્યારના સમયનો એક ઇશ્યૂ એ પણ છે કે, માણસ કોઇને પોતાની અંગત વાત કરતો નથી. દિલમાં એટલું બધું ભરી રાખે છે કે એના ભારથી એક તબક્કે પોતે જ દબાઈ જાય છે. ભરોસાપાત્ર હોય એવા મિત્ર કે સ્વજન સાથે તમારી મૂંઝવણ શેર કરો. ભલે એ કંઇ મદદ કરી ન શકે, પણ તમે વાત કરી દેશો તો પણ થોડીક હળવાશ લાગશે. વિચારોનું અવલોકન કરો. વિચાર પર વિચાર કરો. મને ખોટા, નક્કામા, ડરામણા અને મને જ રોકતા હોય એવા વિચારો નથી આવતાને? જો આવતા હોય તો વિચારોને તરત જ ડાયવર્ટ કરો! જિંદગીમાં કંઇ પણ બને, ટેક ઇટ ઇઝી! વિચારો કે, બધું થાય! જે થવું હોય એ થાય પણ હું મારી જાતને તૂટવા નહીં દઉં! જે સ્થિતિ છે એને ઓવરકમ કરીને જ રહીશ! કંઇ અટકી જવાનું નથી, બસ આપણે અટકી જવા ન જોઇએ!
———
પેશ-એ-ખિદમત
વો જો મેરે ઘર મેં હોતા થા કભી,
અબ વો સન્નાટા હૈ બાજારોં કે બીચ,
મેરે ઇસ કોશિશ મેં બાજુ કટ ગયે,
ચાહતા થા સુલ્હ તલવારોં કે બીચ.
-અબ્બાસ તાબિશ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 નવેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com